Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લવ-મૅરેજ - ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું (પ્રકરણ 3)

લવ-મૅરેજ - ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું (પ્રકરણ 3)

Published : 06 May, 2026 05:50 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘મા, હું મરતાં મરી જઈશ, પણ આ લગ્ન નહીં કરું.’ વૉશરૂમમાં ભીના હાથ લૂછીને નૅપ્કિન હૅન્ગરમાં ટીંગાડવા જતી સીમા બહારના અવાજે અટકી ગઈ. 

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘મા, હું મરતાં મરી જઈશ, પણ આ લગ્ન નહીં કરું.’ 
વૉશરૂમમાં ભીના હાથ લૂછીને નૅપ્કિન હૅન્ગરમાં ટીંગાડવા જતી સીમા બહારના અવાજે અટકી ગઈ. 
બપોરની વેળા નયનાબહેનના મદદનીશ તરીકે અમે છ બાઈઓ આવી પહોંચેલી. જુહુના દરિયાકિનારે મહેલ જેવો આવાસ છે. દરિયા તરફની પૂલસાઇડ પર વિશાળ શામિયાણો બાંધીને ગાદી-તકિયાની બેઠક કરી છે. હવે તો સામાન્ય કુટુંબનાં લગ્નમાં પણ ઇવેન્ટ-પ્લાનર વગર ચાલતું નથી. આ તો રજવાડાં જેવાં લગ્ન એટલે મુંબઈની શ્રેષ્ઠ ગણાતી કંપનીને કૉન્ટ્રૅક્ટ અપાયો છે. પરિણામે બહુ સુવ્યવસ્થિત આયોજન થયું છે. ગેસ્ટ્સને મેંદીનો ટાઇમ આપી દેવાયો છે એટલે શામિયાણામાં ન ભીડ કે ન પાર્કિંગની ઝંઝટ. 
ઇવેન્ટ ભલે પ્લાનર સંભાળતા હોય, ઘર ગુજરાતીનું એટલે ગૃહિણીભાવે મંદિરાબહેને અમને આવકાર્યાં : તમે તો કલાકાર છો, ભાવથી મેંદી મૂકજો. તમારે સૌએ સંગીત-લગ્નમાં પણ આવવાનું છે, મારી સ્નેહાને અંતરના આશિષ આપજો! 
નીરવભાઈ પણ સહૃદયી અને તેમની દીકરી પણ કેવી રૂપાળી અને પરાણે વહાલી લાગે એવી! શામિયાણામાં મારી બાજુમાં જ બેઠી : તમે બહુ જ બારીક કામ કરો છો! કહીને બિરદાવી પણ ખરી... જોકે થોડી વાર રોકાઈ, મહેમાનોને ગ્રીટ કરીને તે અંદર જતી રહેલી. 
મેંદીનો પહેલો એક રાઉન્ડ પત્યા પછી ફ્રેશ થવા અમે વૉશરૂમનું પૂછતાં ઇવેન્ટ-પ્લાનરની ટીમની વિભૂતિએ અલગ-અલગ દિશામાં મોકલ્યા. હું બેઝમેન્ટની રૂમમાં આવી, ત્યાં બહાર આ સંવાદ શાનો! 
અવાજ તો સ્નેહા-મંદિરાબહેનનો છે. 
સીમાએ હોઠ કરડ્યો : મતલબ, તે આ લગ્ન માટે રાજી નથી? 
ના, કોઈની અંગત વાત ચોરીછૂપી સાંભળવાના મારા સંસ્કાર નથી, પણ અત્યારે બહાર નીકળીને મા-દીકરીને ક્ષોભમાં પણ કેમ મુકાય! 
અને સીમાના કાને શબ્દો 
અફળાતા રહ્યા:
‘લગ્ન નહીં કરે એટલે! કેવું મોટું સાસરું મળ્યું છે, ૧૦ આંગળીએ દેવ પૂજ્યા હોય ત્યારે આવાં વર-ઘર મળે. તારા પિતાએ કેટલા ઉત્સાહભેર પ્રસંગ લીધો છે ને તું આડી ફાટે છે?’
‘કેમ કે હું જાણું છું મા કે આ લગ્નથી ન હું ખુશ રહી શકીશ, ન મારા પતિને ખુશ કરી શકીશ...’
‘કારણ કે તું પેલા લોકગાયક દેવવ્રતને ચાહે છે! એ જ એકની એક વાત! છોકરી... છોકરી... તને આટલું સમજાવી કે આપણી ને તેની ન્યાતનો કોઈ મેળ નથી, આ લગ્ન થયાં તો ગામનું મોવડીમંડળ તારા પિતાને ન્યાતબહાર કરશે... જ્ઞાતિનાં ધારાધોરણોને તું જાણતી નથી દીકરી, ત્યાં તારા પપ્પાનો પૈસો પણ કામ નહીં આવે.’ 
‘હું એવી ન્યાતને નથી માનતી મા જે પ્રેમમાં નથી માનતી.’
‘પણ અમે માનીએ છીએ સ્નેહા. તારા દાદા-પરદાદાનું ગામમાં, ન્યાતમાં કેટલું નામ રહ્યું છે. એ બધા પર પાણી ફેરવતાં પહેલાં છોકરી મને ને તારા બાપને થોડું ઝેર આપી દેજે, પછી તું તારા મનનું કરવા છુટ્ટી!’
હાથ જોડીને મંદિરાબહેન રૂમમાંથી નીકળી ગયાં. સ્નેહા પલંગની ધારે બેસી પડી. 
દેવવ્રત. 
બે વરસ અગાઉ કૉલેજના વાર્ષિક મેળાવડામાં દેવવ્રત સેલિબ્રિટી આર્ટિસ્ટ તરીકે પર્ફોર્મ કરવા આવવાનો છે એ પહેલી વાર જાણ્યું ત્યારે બીજા વરસમાં ભણતી સ્નેહાએ સખીઓ સામે અચરજ દાખવેલું : આ ભાઈ કોણ છે! કમિટીને બીજો કોઈ જાણીતો આર્ટિસ્ટ મળ્યો જ નહીં?
‘અરે, તમારો ગુજરાતી સિંગર જ છે અને ફેમસ પણ છે. હજી તો માંડ બાવીસ-ત્રેવીસનો હશે. એનું પેલું દરિયાખેડુવાળું ગીત તો કેટલું ચાલ્યું’તું...’ 
ઓહ, એ આ દેવવ્રતે ગાયેલું! સ્નેહાને હવે કૉન્સર્ટમાં જવાની કંઈક ઇચ્છા થઈ.
ઍન્ડ ધ કૉન્સર્ટ વૉઝ અ બ્લાસ્ટ. ઊંચી ચૅર પર ગિટાર લઈને બેઠેલા દેવવ્રતે છેડેલા સૂર સીધા હૈયે 
ઊતરી ગયા. વન્સ મોર પર વન્સ મોર મળતા ગયા. 
‘તમે ખરેખર બહુ સરસ ગાઓ છો...’ 
ફૅન્સની ભીડ વિખરાઈ. દેવવ્રત પાર્કિંગ તરફ વળ્યો ત્યારે આવા જ કોઈ એકાંતનો મોકો શોધતી સ્નેહા તેની સાથે થઈ : જોકે હું તો ઈંડાં અને ટમાટર લઈને આવવાની હતી. 
‘કેમ... કેમ!’ દેવવ્રતને અચરજ થયું, પછી હસ્યો, ‘અચ્છા, મેં સારું ન ગાયું હોત તો મને મારવા માટે?’ 
‘પણ હવે જાણી ગઈ છું. તમે સારું ન ગાઓ એવું તો બને જ નહીંને.’ 
નજરો મળી, જાણે-અજાણે બેઉ એકમેકની કીકીમાં સમાતાં ગયાં. 
‘એમ! બે દિવસ પછી ભવન્સમાં મારો કાર્યક્રમ છે, સાંભળીને કહેજો મેં બરાબર ગાયુંને!’
અને એમ મુલાકાતોનો 
સિલસિલો ચાલ્યો. 
મૂળ જામનગરનો દેવવ્રત મુંબઈમાં એકલો રહેતો. આધેડ વયના મૅનેજર સિવાય સ્ટાફમાં પણ કોઈ હતું નહીં. દેવવ્રતનું શેડ્યુલ અત્યંત વ્યસ્ત રહેતું. રિહર્સલ્સ, રેકૉર્ડિંગ્સ, કૉન્સર્ટ્સ, ડાયરો.. તેના પ્રોગ્રામ્સ ચાલતા રહેતા. ટ્રાવેલિંગ પણ પુષ્કળ થતું. 
‘મ્યુઝિક મારું પૅશન છે..’ 
પ્રોગ્રામ ન હોય ત્યારે દેવવ્રત ભીડથી દૂર વરલીના સી-ફેસ ફ્લૅટમાં પોતાની કંપનીમાં રહેવાનું પ્રિફર કરતો. તેની હૈયાપાટી પણ કોરી હતી. બહુ સહજપણે સ્નેહા તેના એકાંતનો ભાગ બનતી થઈ. 
‘લતાજીનાં ગીતો સાંભળતાં-સાંભળતાં હું બાલ્કનીમાં ઊભો કલાકો આમ જ દરિયો નિહાળતો રહું...’ 
આવું કહેતા દેવવ્રતના ખભે સ્નેહા માથું ઢાળી જતી. બેઉનાં હૈયાં એક હતાં, આંખોનાં સમણાં એક હતાં : સ્નેહાનું ભણવાનું પતે એટલે ઘરે વાત કરવી ને પરણી જવું... 
ન્યાતજાતના ભેદની તો બિચારા ભોળા જીવોને ભનક પણ નહોતી. 
છએક મહિના અગાઉ સ્નેહાએ થોડું શરમાતાં અને થોડું ડરતાં માને દેવવ્રત વિશે કહ્યું... 
‘કોણ, પેલો ગુજરાતી સિંગર જેના વિડિયો આજકાલ બહુ ચાલે છે?’ 
દીકરીને મુગ્ધભાવે હકાર ભણતી જોઈને મંદિરાબહેન તાડૂક્યાં : નાદાન છોકરી, તને જાતપાતનું કંઈ ભાન છે કે નહીં? આપણાથી ઊતરતી જ્ઞાતિમાં તું પરણીશ? ને તારો બાપો તને પરણવા દેશે, એમ! છોકરી, નીરવની દીકરી બીજી ન્યાતમાં પરણવાની એ જાહેર થતાં જ ખળભળાટ મચી જશે. ન્યાતના મોભી અમને ન્યાતબહાર કરશે. અરે, દાખલો બેસાડવા લોહીની નદીઓ વહાવતાં નહીં અચકાય... ભલી થઈને તારા પ્યારને ભૂલી જા દીકરા... 
પોતે પપ્પાની અતિશય લાડકી, પણ આ મામલે તો તે પણ લાચાર બન્યાં : જ્ઞાતિની વિરુદ્ધ કેમ જવાય? 
વાંધો દેવવ્રતની ફૅમિલીને પણ એટલો જ હતો. તેમની પાસે સ્નેહાની ન્યાતે આપણને ઊતરતા ગણીને તોડેલા વિવાહોની લાંબી યાદી હતી : આવી ન્યાતની વહુ આપણને ન ખપે! 
હવે? બેઉ હૈયાં મૂંઝાયાં. નવી પેઢીના, મુંબઈના વાતાવરણમાં પલોટાયેલા જુવાનિયાઓને ન્યાતજાતનો ડર ક્યારેક હાસ્યાસ્પદ લાગતો, પણ ખરેખર તો એ અસ્તિત્વ ઓગાળી દે એવો જલદ હતો. 
‘હવે એક જ રસ્તો છે; ચલ, ભાગીને કોઈ અજાણ્યા મલકમાં ઊતરી જઈએ... ઘરવાળા છેડો ફાડે તો ભલે ફાડતા. તને રાણીની જેમ રાખી શકું એટલું તો હું કમાઈ જ લઈશ.’ 
અહીં સ્નેહા ખચકાઈ : ભાગી જવું? જે માબાપે મને લાડકોડમાં ઉછેરી, જે સતત મારાં દુખડાં લેતાં રહ્યાં, તેમને અંધારામાં રાખી ભાગી જવું? ન બને. 
સ્નેહાથી ભગાયું નહીં અને દીકરી આવું કંઈ કરી પાડે એની ધાસ્તી પજવતી હોય એમ નીરવભાઈએ બે-ચાર ઠેકાણે લગ્નની વાત ચલાવી ને ન્યાતના મુખિયા ગણાતા કૌશિકભાઈના પૌત્ર જોડે મેળ જામી ગયો... 
સ્નેહાએ ઊંડો શ્વાસ લીધો : ના, ધાર્યું હોત તો પોતે દરેક મુરતિયાને ખાનગીમાં સચ કહીને સામેથી રિશ્તો થવા ન દેત, પણ પછી વાત છૂપી ન રહે ને પપ્પાએ નીચાજોણું થાય એવું તો દીકરી તરીકે પોતે કરી જ કેમ શકે? 
સ્નેહાની પાંપણે ભીનાશ છવાઈ. કદાચ આ જ મારું ભાગ્ય, કદાચ મારા નસીબમાં જ પ્રેમને પામવાનું લખ્યું નહીં હોય... 
૪ મહિના અગાઉ વેવિશાળ થયું એના ખબર આપવા પોતે દેવના ઘરે ગયેલી. દેવવ્રતે કહ્યું હતું : હું તને બેવફા નહીં કહું સ્નેહા, માબાપની આબરૂ રાખવા પોતાની ખુશીનું બલિદાન દીકરી જ આપી શકે, મને મારી પ્રેમિકા પર હંમેશાં ગર્વ રહેશે... 
બસ, પછી તે ગિટાર લઈને બાલ્કનીમાં દર્દભર્યા સૂર લહેરાવતો રહ્યો ને પોતે આંસુ ખાળીને નીકળી આવેલી... 
એ અમારી છેલ્લી મુલાકાત. પછી ફોન પર પણ વાતો નહીં. 
- પણ હવે લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મને એની ભયાનકતા સમજાય છે. અંતરમાં દેવને રાખીને હું મારા પતિની કઈ રીતે થઈ શકીશ? કાશ, કોઈ ચમત્કાર થાય ને મારાં લગ્ન દેવ સાથે થાય! 
- અને કશાક સંચારે તે ચમકી, ઝબકી. અશ્રુના પડદા પાર કોઈ રૂમમાંથી સરકતું લાગ્યું. ફટાફટ આંખો લૂછીને જોયું તો...
‘સીમાબહેન, તમે!’
સીમાએ થંભી જવું પડ્યું. 
‘વૉશરૂમ આવી હતી બહેન...’ 
‘ઓહ. તમને આવતાં મેં જોયાં નહીં! એટલે તમે ક્યારનાં અંદર...’ કહેતી સ્નેહાનું મોં ખુલ્લું રહી ગયું, ‘મતલબ તમે મમ્મી સાથેની મારી વા...ત.’
એવી જ સીમાએ આગળ વધીને તેના હોઠો પર હાથ મૂકી દીધો : મારા મોઢેથી વાત નહીં જાય અને તું પણ તારા માવતરની આબરૂનાં રખોપાં કરજે.
‘અને પ્રીતમને ભૂલી જવાનો?’ 
‘એ તેના પણ હિતમાં હશે.’ સીમાએ ઊંડો શ્વાસ લીધો, ‘ન્યાતના સામા વહેણે જવાની સજા હું ભોગવી ચૂકી છું એટલે કહું છું. બે દાયકા પછી પણ કશું જ નથી બદલાયું... ન સમાજ, ન પ્રેમીઓની તકદીર!’
ક્યાંય સુધી તેના શબ્દો પડઘાતા રહ્યા. 
lll
બે દાયકા પછી પણ કશું જ નથી બદલાયું... ન સમાજ, ન પ્રેમીઓની તકદીર!
બંગલેથી નીકળ્યા પછી પણ રિક્ષા લેવાને બદલે સીમા બસની લાઇનમાં ઊભી રહી. કદાચ પોતાના જ શબ્દોની અસર હતી. કદાચ ભીડમાં પણ એકલા પડીને અમરેન્દ્ર સાથેનાં સ્મરણોમાં ખોવાઈ જવું હતું. 
‘સી...મા!’ કોઈએ તેનો હાથ હચમચાવીને ઝબકાવી. પોતાની ઉંમરની જ બાઈ જોકે ઓળખાઈ નહીં. 
‘તું જીવાકાકાની સીમા છેને? મને ન ઓળખી?’
હવે સીમાના ચિત્તમાં સળવળાટ થયો : જીવણબાપુને જીવાકાકા કહેનારી તો...
‘રક્ષા!’ તે મહિયરની સખીને ઓળખી ગઈ, ‘કેટલાં વરસે મળી! યાદ છે, સ્કૂલમાં આપણે કેટલી ધમાલ કરતાં!’ 
‘હા, તારા તોફાનનો માર અમે ખાતા એ કેમ ભુલાય!’ રક્ષાએ તેનો હાથ પકડ્યો, ‘આમ રસ્તે ઊભા વાત નહીં થાય... ચલ, સામે રેસ્ટોરાંમાં બેસીએ...’ 
કહીને પૂછી લીધું : તને ઉતાવળ તો નથીને! ઘરે કોઈ રાહ જોતું...
સીમાએ હસી નાખ્યું : રાહ જોનારા બાપુ તો ગયા! બીજું તો કોણ હોય?
‘કેમ, અમર?’ 
ઝીણી આંખે પૂછતી રક્ષાના હાવભાવે સીમાને સહેમાવી દીધી : અમર સાથેનું મારું પ્રેમપ્રકરણ શરૂ થયું એ પહેલાંની રક્ષા તો પરણીને વિદા થઈ ચૂકેલી... પણ પિયર આવતીજતી દીકરી માવતરને ગામના ખેરખબર પૂછતી જ હોય છે એટલે અમરની ટ્રૅજેડીથી અજાણ ન જ હોવી જોઈએ, તો પણ સખી થઈને છૂરી ચલાવતાં જીવ કેમ ચાલ્યો?
‘અમર તો કાવેરીના જળમાં...’ 
રક્ષા અકથ્યભાવે તેને તાકી રહી. પછી તેનો હાથ પકડ્યો, ‘તારી સાથે ઘણી વાતો કરવી છે. ચલ, સામે ઉડિપીમાં!’ 
સીમા સાથે ઉડિપીમાં ગોઠવાઈને ઇડલી-સંભાર સર્વ થતાં સુધીમાં રક્ષાએ તેના ઘરસંસારની વાત માંડી, ‘મારાં લગ્ન વસ્તારી કુટુંબમાં થયાં એ તું કદાચ જાણતી હો... દેવમ - મારા પતિથી બે મોટા ભાઈઓ અને એક મોટી બહેન શોભા... દેવમ સૌથી નાના એટલે અમારાં લગ્ન પહેલાં મોટેરાં સૌ પરણી ચૂકેલાં.’
પછી સીમાનો પહોંચો દબાવ્યો, ‘હૈયું સાબૂત રાખજે સીમા. મગરે અમરને ફાડી ખાધો એ તમારો વહેમ છે અને એના મૂળમાં મારી નણંદ શોભાનું પ્રેમપ્રકરણ છે!’
હેં! સીમા મોં વકાસી ગઈ. મગરે અમરને ફાડી ખાધો ન હોય એનો અર્થ... હૈયે ભાવની ભરતી ઊઠી. એક પળ તો એવું પણ લાગ્યું જાણે સામે ભગવાન પ્રગટ થઈને અમરના પુનરાગમનનાં આશીર્વચન ઉચ્ચારી રહ્યા છે! 
(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 05:50 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK