Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોબાઇલ મૉન્સ્ટર : જુઓ, તમારી આજુબાજુમાં તો નથીને? (પ્રકરણ ૨)

મોબાઇલ મૉન્સ્ટર : જુઓ, તમારી આજુબાજુમાં તો નથીને? (પ્રકરણ ૨)

Published : 27 October, 2026 11:29 AM | Modified : 27 October, 2026 11:31 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સિગારેટ સળગાવીને દેવે સી-લિન્કના સામે છેડે દેખાતી મુંબઈની સ્કાયલાઇન પર નજર દોડાવી. એ ઊંચી ઇમારતોમાં લોકો હજી સૂતા હતા, પણ દેવની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. તેની જિંદગીનો ગ્રાફ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની જેમ ઉપર-નીચે થતો આગળ વધતો હતો.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મોબાઇલ મૉન્સ્ટર

જુઓ, તમારી આજુબાજુમાં તો નથીને?



‘વરલી સી-ફેસનું ફુટેજ સારું હતું દેવ, પણ તને એમ છે કે રસ્તા પર કૅમેરા ફક્ત તારી પાસે જ હતો? જે ઍન્ગલથી તું ગોડબોલે સાથે ડીલ કરતો હતો એ વિડિયો મારી પાસે પણ રેકૉર્ડ થયો છે. કાલે બપોરે મળીએ.’


દેવને આજુબાજુમાં કોઈ દેખાયું નહીં. તેણે ફરી વાર મેસેજ વાંચ્યો. મેસેજમાં બપોર મળવાની વાત હતી, પણ ક્યાં મળવું એ વિશે કોઈ ચોખવટ નહોતી.

દેવે બાઇક શરૂ કરી; પણ તેના મનમાંથી આ મેસેજ, આ મૉન્સ્ટર જતો નહોતો એટલે તેણે બાઇક સાઇડ પર ઊભી રાખીને મેસેજવાળા નંબર પર ફોન કર્યો, પણ સામેથી મોબાઇલ
સ્વિચ્ડ-ઑફનો મેસેજ આવ્યો.


‘ખેલૈયાઓ વધી ગયા છે શહેરમાં...’

સિગારેટ સળગાવીને દેવે સી-લિન્કના સામે છેડે દેખાતી મુંબઈની સ્કાયલાઇન પર નજર દોડાવી. એ ઊંચી ઇમારતોમાં લોકો હજી સૂતા હતા, પણ દેવની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. તેની જિંદગીનો ગ્રાફ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની જેમ ઉપર-નીચે થતો આગળ વધતો હતો.

lll

બીજા દિવસે બપોરે ૧૧ વાગ્યે દેવ મુંબઈ પલ્સની ઑફિસે પહોંચ્યો.

સાયરાની આંખો નીચે ઉજાગરાનાં કાળાં કૂંડાળાં હતાં, પણ તેના ટેબલ પર પાર્ટનરશિપના પેપર્સ તૈયાર હતા. દેવે પેન ઉપાડી અને ઠંડા કલેજે સહી કરવાનું શરૂ કર્યું.

‘સમીરને ગોડબોલેએ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવ્યો છે.’ સાયરાના અવાજમાં લાચારી અને કડવાશ બન્ને હતાં, ‘મેડિકલ રિપોર્ટમાં બ્લડ-આલ્કોહૉલ નેગેટિવ બતાવી દીધું છે, પણ દેવ... તેં સવારે પેલી બ્લર ક્લિપ સોશ્યલ મીડિયા પર મૂકીને ખોટું કર્યું. સમીર ઓળખાઈ જશે તો...’

‘તો...’ દેવનો હાથ અટકી ગયો, ‘તો સાયરા, તેનો બાપ પોતાની પ્રૉપર્ટીનો અડધો હિસ્સો આપીને પણ સમીરને બચાવશે... એકનો એક દીકરો છે, એમ થોડો તેને જેલમાં જવા દેશે...’

‘પણ તું આ બધું શું કામ કરે છે?’

‘સિમ્પલ છે... પૈસા માટે અને પૈસા મારી-તમારી બન્નેની જરૂર છે...’ સમીરે પેપર્સ ફાઇલમાં મૂકતાં સાયરાની સામે જોયું, ‘મૅડમ, હવે આપણે પાર્ટનર છીએ એટલે કામની પણ ક્લૅરિટી કરી લઈએ. તમે હવે ફક્ત કન્ટેન્ટ પર ધ્યાન આપશો. ફાઇનૅન્સની જવાબદારી મારી...’

lll

દેવ ઑફિસની બહાર નીકળ્યો ત્યારે તેના હાથમાં ફોન હતો. રાતે મેસેજ કરનારાનો ફરી મેસેજ આવે એની રાહ તે જોતો હતો.

દેવ બાઇક પાસે પહોંચ્યો ત્યાં તેની પીઠ પાછળથી અવાજ આવ્યો.

‘દેવ મહેતા...’

દેવે અવાજની દિશામાં જોયું.

ખભા પર જૂની કૅમેરા બૅગ, પગમાં ઘસાયેલાં સ્નીકર્સ, સુકાયેલો ચહેરો અને આંખોમાં અજીબ તેજ સાથે વીસ-બાવીસ વર્ષનો એક છોકરો તેની સામે ઊભો હતો.

‘હું રોહન... ધારાવીમાં રહું છું. રાત્રે મેસેજ મેં જ કર્યો હતો.’

દેવની આંખોમાં એક સેકન્ડ માટે આક્રોશ આવી ગયો. તેણે આજુબાજુ નજર દોડાવી. પાર્કિંગ ખાલી હતું. દેવે ઝડપથી રોહનને ગરદનથી પકડ્યો અને ભીંતસરસો દબાવી દીધો.

‘બ્લૅકમેઇલ કરે છે મને... તને ખબર છે હું કોણ છું?’

રોહન સહેજ પણ ડર્યો નહીં. તેના ફેસ પર સ્માઇલ આવી ગયું.

‘હું તમને બ્લૅકમેઇલ નથી કરતો. હું ફુટેજ પણ વેચવા નથી આવ્યો. મારી બસ એટલી જ રિક્વેસ્ટ છે... મને કામ આપો.’

‘કામ?’

‘હા...’ ખિસ્સામાંથી પેનડ્રાઇવ કાઢીને રોહને દેવના હાથમાં મૂકી, ‘આમાં એ ફુટેજ છે. કોઈ કૉપી મેં નથી રાખી. રાતે હું ત્યાં ફ્રીલાન્સ શૂટિંગ કરતો હતો. મેં જોયું કે તમે કેવી રીતે ગોડબોલે જેવા રાક્ષસથી ડર્યા વિના તેને જવાબ આપી દીધો... સર, મુંબઈમાં સાચા લોકો ભૂખે મરે છે, પણ તમારી પાસે દિમાગ છે. મને તમારી સાથે લઈ લો... જે ઍન્ગલ તમે નહીં વિચારી શકો એ હું તમને વિડિયોમાં લાવી આપીશ. મહિને જસ્ટ ૧૫,૦૦૦ સૅલેરી... વધારે કંઈ નથી જોઈતું.’

દેવે પેનડ્રાઇવ તરફ અને પછી રોહન તરફ જોયું. તેને એક વફાદાર પણ જોખમ લઈ શકે એવા સાથીની જરૂર હતી જ. દેવે તરત જ નિર્ણય લઈ લીધો.

‘પંદર નહીં, પચીસ હજાર.’ દેવે પેનડ્રાઇવ ખિસ્સામાં મૂકી, ‘એક શરતે, કૅમેરા ઑન હોય ત્યારે કોઈ ઇમોશન નહીં. એક જ વાત યાદ રાખવાની. હવે તું લેન્સ છે.’

‘મંજૂર...’

એ રાતથી દેવ અને રોહનની જોડીએ મુંબઈના રસ્તાઓ ગજવવાનું શરૂ કર્યું.

lll

દેવે અન્ડરગ્રાઉન્ડ સોર્સિસ વધારી દીધા. રોહનની કૅમેરાસેન્સ ગજબની હતી. ક્યાંક ગોડાઉનમાં આગ લાગે, ક્યાંક ડ્રગ્સ માટે રેઇડ પડે કે ક્યાંક લોકલ ટ્રેનમાં સ્ટન્ટ કરતો છોકરો પાટા પર પટકાય - રોહન સાથે દેવ પોલીસ કરતાં ૧૫ મિનિટ પહેલાં પહોંચી જાય.

દેવનું પેજ મુંબઈ પલ્સ હવે રોજ લાખો વ્યુઝ ખેંચતું. મેટા અને યુટ્યુબમાંથી આવતા ડૉલર્સ અને સ્પૉન્સરશિપના ચેક્સ દેવના બૅન્ક-અકાઉન્ટને છલકાવવા માંડ્યા. વિલે પાર્લેની ચાલી છૂટી ગઈ અને દેવ બાંદરા રહેવા આવી ગયો. જોકે આ સોશ્યલ મીડિયા હતું, જેની ભૂખ રોજ બમણી થતી જતી.

બે મહિનામાં વ્યુઝનો ગ્રાફ થોડો નીચે આવ્યો. પબ્લિક હવે સામાન્ય ઍક્સિડન્ટ અને રોજબરોજના લાઇવથી કંટાળી હતી. કમેન્ટ્સ આવવા લાગી : ‘આ તો રોજનું છે... કંઈક નવું લાવો...’

દેવ બેચેન થઈ ગયો.

ઍલ્ગરિધમ સેટ કરવા માટે હવે તેણે કંઈક નવું કરવાનું હતું અને દેવને એ તક મળી ગઈ.

lll

‘કોડ વન... સી-લિન્ક કેબલ બ્રિજ, પિલર-નંબર ૨૪... એક યુવતી કૂદવાની તૈયારીમાં છે... કોઈ પૅટ્રોલિંગ વૅન નજીક હોય તો તાત્કાલિક પહોંચો...’

રાતના બે વાગ્યે દેવ અને રોહન બાંદરા-વરલી સી-લિન્ક નજીક ઊભા હતા અને અચાનક વાયરલેસ સ્કૅનર પર કન્ટ્રોલ-રૂમનો અવાજ આવ્યો.

‘રોહન, ફાસ્ટ.... આ લાઇવ પાંચ મિલ્યન વ્યુઝ આપશે...’

બે મિનિટમાં બન્ને પિલર-નંબર ૨૪ પાસે હતા.

સ્ટ્રીટ-લૅમ્પના ધૂંધળા અજવાળામાં વીસેક વર્ષની એક યુવતી રેલિંગની પેલે પાર, સાવ છેડે ઊભી હતી. નીચે ગાંડોતૂર દરિયો મોજાં ઉછાળતો હતો. પવન એટલો તેજ હતો કે તેના વાળ મોઢા પર ઊડતા હતા. તે ધ્રૂજતી, રડતી હતી.

રોહન તરત આગળ વધ્યો.

‘સર, હું તેનો હાથ પકડી લઉં... તે કૂદી જશે...’

‘રોહન નહીં...’ દેવે રોહનને પાછળ ખેંચ્યો, ‘તારું કામ લાઇફ બચાવવાનું નહીં, લેન્સ બનવા આવ્યો છે... 50mm પ્રાઇમ લેન્સ લગાવ. તેનાં આંસુ અને નીચે ઊછળતાં મોજાં બન્ને એક જ ફ્રેમમાં આવવાં જોઈએ. સ્લો-મોશન ૧૨૦ ફ્રેમ્સ પર સેટ કર...’

‘સર, તે મરી જશે...’

‘તે મરવા જ આવી છે રોહન...’ દેવનો અવાજ મોટો થઈ ગયો હતો, ‘જો તું બચાવીશ તો ન્યુઝ નહીં બને. પબ્લિક સ્ક્રોલ કરી દેશે, પણ જો તે લાઇવ કૂદશે તો આખી દુનિયા જોશે. લાઇવ શરૂ કર... ફાસ્ટ...’

દેવે પોતે મોબાઇલમાંથી હેડિંગ આપ્યું.

‘લાઇવ ડિપ્રેશન ટ્રૅજેડી : સી-લિન્ક પરથી યુવતીએ આપ્યો જીવ...’

પાંચ સેકન્ડમાં લાઇવ વ્યુઅર્સ ત્રીસ હજારે પહોંચી ગયા.

છોકરીએ પાછળ ફરીને દેવ-રોહન સામે જોયું.

‘પ્લીઝ... આગળ નહીં, હું... હું જમ્પ મારી દઈશ...’

દેવ આગળ વધ્યો; પણ બચાવવા નહીં, વધુ સારો ઍન્ગલ લેવા.

‘ડોન્ટ વરી, જસ્ટ એટલું કહે કે તારી સાથે શું થયું? લાઇવ ઑન છે, બધાને કહે... તને કોણે દગો આપ્યો? કોણ તને છોડીને જતું રહ્યું? કહે... બોલ...’

દેવ જાણીજોઈને એવા સવાલો પૂછતો રહ્યો હતો જેથી તે વધારે ઇમોશનલ થાય, વિઝ્યુઅલ્સમાં વધુ ડ્રામા ક્રીએટ થાય.

‘તું કહે, આ ઑડિયન્સ તારી સાથે છે. તું કોઈથી ડરતી નહીં. તારે કોની સાથે પ્રૉબ્લેમ થયો? શું કામ તું સુસાઇડ કરવા આવી? શું કામ તારે મરવું છે...’

છોકરીએ ફરી એક વાર નીચે જોયું અને પછી તેણે હાથ છોડી દીધા.

ધબાંગ...

૧૦૦ મીટર નીચે કાળા પાણીમાં તેનું શરીર અથડાયું અને વાતાવરણમાં અવાજ ગુંજી ઊઠ્યો. છોકરીના પડવાનો, પડતી વખતે નીકળીને હવામાં લહેરાતા દુપટ્ટાનો અને પાણીમાં અથડાતી છોકરીનો એકેએક શૉટ રોહને કૅપ્ચર કરી લીધો હતો.

સ્ક્રીન પર વ્યુઅર્સનો વિસ્ફોટ થયો

૧.૫ મિલ્યન વ્યુઅર્સ.

હજી તો રોહન કંઈ કહે એ પહેલાં, છોકરી કૂદ્યાની પાંચમી સેકન્ડે દેવે અચાનક પોતાનું જૅકેટ ઉતારીને ફેંક્યું અને રોહનને રાડ પાડી...

‘દોસ્ત, મારાથી આ નથી જોવાતું... પેલીને બચાવવા હું નીચે જઉં છું...’

રોહન કંઈ કહે એ પહેલાં દેવે સી-લિન્ક પરથી છલાંગ લગાવી દીધી.

રોહનની ચીસ નીકળી ગઈ. તેને લાગ્યું કે આ માણસ ગાંડો થઈ ગયો છે. અલબત્ત, દેવ મૂર્ખ નહોતો, તે માસ્ટરમાઇન્ડ હતો. તેણે પૂરા પ્લાનિંગ સાથે છલાંગ મારી હતી. બ્રિજના
પિલર-નંબર ૨૪ની નીચે મેઇન્ટેનન્સ માટે બાંધેલું લોખંડનું નેટ-પ્લૅટફૉર્મ હતું જે અંધારામાં ઉપરથી દેખાતું નહોતું. દેવ સીધો એ નેટ પર પડ્યો. તેના હાથ-પગ છોલાયા, પણ તે બચી ગયો હતો.

પોતાના જીવના જોખમે યુવતીને બચાવવા કૂદી પડનાર જાંબાઝ પત્રકાર...

રિયલ લાઇફ સુપરહીરો દેવ મહેતા.

સોશ્યલ મીડિયા પર દેવ છવાઈ ગયો. એક જ દિવસમાં તેના ફૉલોઅર્સનો આંકડો ૧૦ લાખ વટાવી ગયો. સાયરાએ ઑફિસમાં કેક કાપી.

lll

ડિન્ગ ડૉન્ગ...

ફ્લૅટની ડોરબેલ વાગી અને દેવે દરવાજો ખોલ્યો.

સામે સિવિલ ડ્રેસમાં ઇન્સ્પેક્ટર અનંત ગોડબોલે ઊભા હતા. તેના હાથમાં એક કવર અને ચહેરા પર સ્માઇલ હતું.

‘આવો સાહેબ...’ જગ્યા કરી આપતાં દેવે કહ્યું, ‘આજે કેમ મને મળવા આવ્યા.’

અંદર આવીને ગોડબોલે સોફા પર બેઠા અને સામે પડેલી સ્કૉચની બૉટલમાંથી સીધો એક ઘૂંટ ભર્યો.

‘હીરો, તું બહુ મોટો ઍક્ટર છે.’ સ્કૉચનો ગરમાવો ગળા નીચે ઉતારતાં ગોડબોલેએ કહ્યું, ‘તારી આ હીરોગીરીનાં પ્રૂફ લઈને આવ્યો છું, જો...’

ગોડબોલએ કવર લંબાવ્યું અને દેવે કવરમાં જોયું. અંદર ફોટોગ્રાફ્સ હતા જે જોતાં જ દેવના ધબકારા વધી ગયા.

સી-લિન્કના CCTV
કન્ટ્રોલ-રૂમમાંથી લેવામાં આવેલા એ ફોટોગ્રાફ્સમાં દેખાતું હતું કે છોકરી સાથે વાત કરતી વખતે દેવે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને છોકરી તરફ ફેંક્યો હતો, જે વાંચ્યા પછી છોકરી તરત કૂદી ગઈ હતી.

‘તે છોકરીનું નામ પૂજા શાહ હતું... હતી અમદાવાદની.’ ગોડબોલેનો અવાજ દેવના કાનમાં રેડાતો હતો, ‘તારી
એક્સ-ગર્લફ્રેન્ડ... મુંબઈ આવવા માટે તે જેને છોડી દીધી તે... પૂજા તને મનાવવા મુંબઈ આવી, તેં તેને ધૂત્કારી દીધી. તેણે સુસાઇડની ધમકી આપી અને તેં તેને કહ્યું કે સી-લિન્ક પરથી પડી જા, મને કોઈ ફરક નથી પડતો... ડિપ્રેશનમાં પૂજાએ એ જ કર્યું જે તું બોલ્યો...’

દેવની જીભ સુકાઈ ગઈ. ઊભા થઈને ગોડબોલેએ દેવના ગાલ પર ટપલી મારી.

‘હું ધારું તો અત્યારે જ સુસાઇડની દુષ્પ્રેરણા માટે આખી જિંદગી તને જેલમાં રાખી શકું, પણ હું એમ નહીં કરું.’

‘સીધી વાત, મારે શું કરવાનું છે?’

દેવે ધાર્યું હતું એનાથી વધારે મોટો ઝાટકો ગોડબોલએ આપ્યો.

‘તારી કંપનીની ટોટલ ઇન્કમમાંથી ૬૦ ટકા મારી...’ ગોડબોલેએ દેવના માથા પર હાથ ફેરવ્યો, ‘હવે મુંબઈમાં ક્રાઇમ હું નક્કી કરીશ અને શૂટ તું કરીશ.’

ધડામ...

ફ્લૅટનો દરવાજો જોરથી અથડાયો અને ગોડબોલે બહાર નીકળી ગયા.

દેવના ચહેરા પરથી નૂર હટી ગયું હતું. તેના કાનમાં પૂજાની એ છેલ્લી ચીસ અને ઍલ્ગરિધમનું અટ્ટહાસ્ય ગુંજતાં હતાં.

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 11:31 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK