Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોબાઇલ મૉન્સ્ટર : જુઓ, તમારી આજુબાજુમાં તો નથીને? (પ્રકરણ ૪)

મોબાઇલ મૉન્સ્ટર : જુઓ, તમારી આજુબાજુમાં તો નથીને? (પ્રકરણ ૪)

Published : 29 October, 2026 07:30 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘સાયરા, અહીં જ તારી ભૂલ છે...’ દેવના ચહેરા પર સ્માઇલ હતું, ‘તું મને ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ કહે છે; પણ ના, એવું નથી. હું કન્ટેન્ટ-ક્રીએટર છું ને સાચો કન્ટેન્ટ-ક્રીએટર ક્યારેય સિંગલ કૅમેરા પર વિશ્વાસ રાખે નહીં...’

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘ચાલ નીચે ઊતર... ગોડબોલે તારી રાહ જુએ છે...’ સાયરાએ દાંત ભીંસ્યા, ‘નેક્સ્ટ હેડલાઇન હું લખીશ... પોલીસ-કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કરતી વખતે ઇન્ડિપેન્ડટ જર્નલિસ્ટ દેવ મહેતા ઠાર...’
‘સાયરા, અહીં જ તારી ભૂલ છે...’ દેવના ચહેરા પર સ્માઇલ હતું, ‘તું મને ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ કહે છે; પણ ના, એવું નથી. હું કન્ટેન્ટ-ક્રીએટર છું ને સાચો કન્ટેન્ટ-ક્રીએટર ક્યારેય સિંગલ કૅમેરા પર વિશ્વાસ રાખે નહીં...’
‘શું નૉનસેન્સ વાત કરે છે...’
‘રિયલી... માનવામાં નથી આવતું તો જો...’ દેવે ધીમેકથી ઉપર જોયું, ‘તેં ક્યારેય ધ્યાનથી આ ફાયર ડિટેક્ટર સ્પ્રિન્કલર જોયું છે?’ 
સાયરાની નજર ઝાટકા સાથે છત તરફ ગઈ. 
છત પર ફાયર સ્પ્રિન્કલર નહોતું, પણ દેવે હજી હમણાં જ ફિટ કરાવેલો નાઇટ-વિઝન લાઇવ-સ્ટ્રીમિંગ હિડન કૅમેરા હતો.
દેવે ધીમેકથી ખિસ્સામાં રહેલું સ્માર્ટ-કીનું બટન દબાવ્યું.
‘સાયરા, તું અંદર આવી, મારા કપાળ પર રિવૉલ્વર મૂકી અને પછી તેં ગોડબોલે અને સમીરના બાપની મિલીભગત કબૂલી એ વખતથી આ આખો રૂમ મુંબઈ પલ્સ અને મારા પર્સનલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લાઇવ છે. બધેબધું... તું બોલી એ બધેબધું... અને અત્યારની આ વાત પણ... ૪ લાખ લોકો લાઇવ સ્ટ્રીમ પર જુએ છે.’
‘વૉટ?!’ 
બરાબર એ જ સેકન્ડે નીચે રસ્તા પર ઊભેલી ગોડબોલેની જીપમાંથી પોલીસ-સાઇરન જોરજોરથી વાગવા માંડ્યું. ગોડબોલેને કન્ટ્રોલ રૂમમાંથી સિનિયર ઑફિસરનો ફોન આવી ગયો હતો કે સોશ્યલ મીડિયા પર આ બધું શું લાઇવ ચાલે છે અને એ ફોન પછી ગોડબોલેએ નીચેથી જ પોતાની વૅન ભગાવી મૂકી હતી. તે સાયરાને બચાવવા કે પછી સમીરના બાપની નમકહલાલી નિભાવવા પણ ઊભા નહોતા રહ્યા.
સાયરા એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ અને એ જ સેકન્ડે દેવે હુમલો કર્યો. 
તેણે સાયરાનો હાથ મચકોડીને રિવૉલ્વર આંચકી લીધી અને સામે ઊભેલા સાયરાના બૉડીગાર્ડના પેટમાં જોરદાર લાત મારી. બીજો ગાર્ડ આગળ વધે એ પહેલાં દેવે રિવૉલ્વરના બટથી તેના માથા પર પ્રહાર કર્યો. ગાર્ડ સીધો ફ્લોર પર પટકાયો.
દેવે સાયરાના વાળ પકડીને તેને પોતાના ચહેરાની નજીક ખેંચી. 
‘તને શું લાગ્યું સાયરા કે હું ગોડબોલેની વરદીથી ડરી જઈશ? આ શહેર હવે લૉથી નહીં, વાઇરલ વિડિયોના ઍલ્ગરિધમથી ચાલે છે. હવે હું નક્કી કરીશ કે કોણ જીવશે અને કોણ મરશે...’
દેવે ઑફિસમાંથી પોતાનો આઇફોન અને બૅકપૅક લીધાં. લાઇવ સ્ટ્રીમ ચાલુ રાખીને જ તે ફટાફટ નીચે આવ્યો અને બાઇક તરફ દોડી ગયો.
દેવને ખબર હતી કે હવે કમિશનરથી લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઑફિસર સુધ્ધાં તેની પાછળ પડવાના હતા, પણ એ ભાગવા નહોતો માગતો. તેને ખબર હતી કે બચવાનો એક જ રસ્તો છે - આ આગને એટલી મોટી કરવી કે આખું મુંબઈ એમાં રાખ થાય.
lll
દેવ અંધેરી-વેસ્ટમાં આવેલા સિવરેજ પ્લાન્ટ અને બંધ પડેલી મુકેશ મિલ્સ તરફ બાઇક ભગાવતો હતો. અચાનક તેના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો.
દેવે ફોન રિસીવ કર્યો.
સામેથી કર્કશ, લોહી થીજવી દેતો અવાજ સંભળાયો.
‘દેવ મહેતા... તું ખરેખર બહુ મોટી માછલી બની ગયો છે.’
‘કોણ બોલે છે?’ 
‘રફીક કાલિયા...’
દેવના હાથ ક્ષણવાર માટે હૅન્ડલ પર જામી ગયા. 
રફીક કાલિયા. લૉરેન્સ કંપનીનો મુંબઈનો શાર્પશૂટર, જેના માથા પર મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે પચાસ લાખનું ઇનામ જાહેર કર્યું હતું, જેને શોધવા મુંબઈ જ નહીં દેશનાં છ સ્ટેટની પોલીસ છેલ્લાં પાંચ વર્ષથી રાત-દિવસ એક કરતી હતી.
‘ભાઈ... મારો-તમારો કોઈ સંબંધ નથી.’ 
અંદરથી ગભરાયેલા દેવે સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો.
‘સંબંધ હવે બનશે બચ્ચા...’ કાલિયા ખડખડાટ હસ્યો, ‘હું છેલ્લા એક કલાકથી તારી ચૅનલ જોઉં છું. તેં આખી મુંબઈ પોલીસ અને ગોડબોલેની ઔકાત બતાવી દીધી. ગોડબોલે મારો પણ દુશ્મન. તેણે મારા ભાઈનું એન્કાઉન્ટર કર્યું હતું. દેવકુમાર, જો તારે ગોડબોલેનો ખેલ ખતમ કરવો હોય તો મુકેશ મિલ્સના કમ્પાઉન્ડમાં પહોંચ. ત્યાં હું તને એવું મટીરિયલ આપીશ જે દુનિયાએ ક્યારેય નહીં જોયું હોય...’
કૉલ કટ થઈ ગયો અને દેવના મગજમાં ઝબકારો થયો.
આ મોતનો કૂવો હતો. એક તરફ અન્ડરવર્લ્ડનો ગૅન્ગસ્ટર હતો તો બીજી તરફ બદલો લેવા તલપાપડ થયેલો ભ્રષ્ટ ઇન્સ્પેક્ટર ગોડબોલે. કંઈ પણ આડુંઅવળું થયું તો માર્યા ઠાર. જ્યારે દેવની અંદર રહેલો મૉન્સ્ટર કંઈક જુદું જ કહેતો હતો.
જો રફીક કાલિયા અને ગોડબોલે વચ્ચેની લાઇવ ગૅન્ગવૉર કૅમેરામાં કેદ થઈ જાય... તો એ ઇન્ટરનેટના ઇતિહાસનો સૌથી મોટો વિડિયો બનશે.
દેવે નિર્ણય લઈ લીધો અને ૧૫ મિનિટમાં તે મુકેશ મિલ્સ પહોંચી ગયો.
lll
ચારેય તરફ તૂટેલી દીવાલો, લોખંડનાં કાટ ખાઈ ગયેલાં પતરાં અને દરિયાની ખારાશવાળી હવા. દેવે આઇફોનનો નાઇટ-વિઝન કૅમેરા ઑન કર્યો અને તે શાંત પગલે મિલમાં દાખલ થયો.
હૉલના વચ્ચોવચ ખુરસી પર એક માણસ બેઠો હતો. તેના હાથ-પગ દોરડાથી બાંધેલા હતા, મોઢા પર કાળા કલરનું કપડું હતું અને આખું શરીર લોહીલુહાણ હતું.
દેવ ધીમે પગલે આગળ વધ્યો. તેણે કૅમેરા ઑન કર્યો.
‘કાલિયાભાઈ?’ 
દેવે ધીમા અવાજે બૂમ પાડી, પણ કોઈ જવાબ ન મળ્યો.
કૅમેરા ચાલુ રાખીને જ દેવ આગળ વધ્યો અને ખુરસી પર બાંધેલા માણસના મોઢા પરથી કાળું કપડું ખેંચ્યું. દેવે ધાર્યું હતું કે કાલિયા કે ગોડબોલે હોઈ શકે; પણ ના, એ બેમાંથી કોઈ નહોતું.
તે રોહન હતો, તેનો કૅમેરામૅન રોહન. જેને ગોડબોલેએ કલાકો પહેલાં બાંદરા પાસે મારી નાખ્યો હતો તે રોહન હજી જીવતો હતો. તેની છાતી અને ખભામાંથી લોહી વહેતું હતું પણ તેના શ્વાસ ચાલુ હતા.
‘રોહન?!’ દેવ સ્તબ્ધ થઈ ગયો, ‘તું... તું અહીં ક્યાંથી?’
રોહને મહામુશ્કેલીએ આંખો ખોલી. તેના ફાટેલા હોઠ સહેજ ધ્રૂજ્યા.
‘ભા... ભાગી જા દેવ... આ પ્લાન છે... કાલિયા... ગોડબોલે એક જ...’
રોહન બોલવાનું પૂરું કરે એ પહેલાં આખા હૉલમાં ધાણીફૂટ અવાજ સાથે ફ્લડલાઇટ્સ ચાલુ થઈ. અંધારું એકઝાટકે ગાયબ થયું અને આખો હૉલ ઝળહળાટથી ભરાઈ ગયો.
હૉલના બીજા છેડેથી ચાર કમાન્ડો સાથે ઇન્સ્પેક્ટર અનંત ગોડબોલે બહાર આવ્યા. 
ગોડબોલેના હાથમાં પિસ્તોલ હતી અને ચહેરા પર શેતાની મુસ્કાન.
‘કેવો લાગ્યો મારો અવાજ દેવ?’ મિમિક્રી કરતો હોય એમ ગોડબોલએ ફરીથી ઘોઘરો અવાજ કાઢ્યો, ‘રફીક કાલિયાની હિંમત છે કે મુંબઈમાં આમ... આમ સરેઆમ કોઈને ફોન કરે અને મળવા બોલાવે... પણ તને અહીં લાવવા માટે એ નામ જરૂરી હતું. તને હું બરાબર ઓળખું છું. તને વિડિયોની એવી લત લાગી ગઈ છે કે તું યમદૂત પાસે પણ કૅમેરા લઈને દોડતો જાય...’
દેવે જોયું, બહાર નીકળવાના તમામ રસ્તાઓ પર માણસો ગોઠવાયેલા હતા.
‘રોહન બચી ગયો...’ ગોડબોલે આગળ વધ્યો, ‘ગોળી તેના ખભાને ટચ થઈને નીકળી ગઈ એટલે તેને અહીં લાવીને બાંધી દીધો. હવે સીન સિમ્પલ છે દેવ. મુકેશ મિલ્સમાં ગૅન્ગસ્ટરો સાથેની અથડામણમાં ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ દેવ મહેતા અને તેનો સાથી રોહન બન્ને માર્યા ગયા. કેસ કાયમ માટે ક્લોઝ...’
ગોડબોલેએ હાથમાં રહેલી પિસ્તોલ લોડ કરી. દેવે જોયું કે હવે વાત હાથમાં રહી નથી એટલે તેણે કૅમેરાનું રેકોર્ડિંગ બટન લાઇવ મોડમાં મૂકીને મોબાઇલ જમીન પર ફેંક્યો.
‘ગોડબોલે... તું મને મારી નાખીશ પણ...’ દેવે છેલ્લો દાવ રમ્યો, ‘પણ આ વિડિયો તને એક્સપોઝ કરશે...’
‘કંટોળા તારા બાપના...’ ગંદી ગાળ સાથે ગોડબોલેએ છત તરફ ઇશારો કર્યો, ‘અહીં જૅમર લગાવ્યાં છે. તને ઓળખું હું એટલે પહેલેથી આ અરેન્જમેન્ટ કરી. હવે તારો કોઈ વિડિયો લાઇવ નથી થતો...’
ગોડબોલેએ દેવ સામે ગન તાકી. બરાબર ત્યારે જ મહામુશ્કેલીએ રોહને આંખ ખોલી અને બંધાયેલી હાલતમાં જ રોહને પોતાના શરીરના છેલ્લા જોરથી ખુરસી સાથે આગળ ઝૂકીને ગોડબોલેના પગ પર લાત મારી. ગોડબોલે સહેજ લથડાયો, તેનું વજન ટ્રિગર પર આવ્યું, ગોળી છૂટી અને છત પરના પતરામાં કાણું પાડતી પસાર થઈ ગઈ.
‘દેવ ભાગ...’ 
રોહને ચીસ પાડી અને બીજી જ સેકન્ડે સંતુલન પાછું મેળવી લેનારા ગોડબોલેની આંખોમાં ગુસ્સો આવી ગયો. ગોડબોલેએ ગુસ્સામાં પાછળ ફરીને રોહનની છાતીમાં પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ગોળીઓ છોડવાનું શરૂ કર્યું.
ઢીંચિયાઉં... ઢીંચિયાઉં... ઢીંચિયાઉં...
સેકન્ડમાં રોહનની આંખો સ્થિર થઈ ગઈ, તેનું માથું ઢળી ગયું. રોહનના લોહીના છાંટા દેવના ચહેરા પર પડ્યા. જેનું એન્કાઉન્ટર રોહને પ્લાન કરી લીધું હતું તે રોહને દેવ માટે જીવ આપી દીધો હતો. 
દેવ ભાગ્યો નહીં, તેણે ઝૂકીને જમીન પર પડેલો મોબાઇલ ઉપાડી લીધો અને પછી રોહનની લાશ અને ગોડબોલેના ધુમાડા કાઢતી બૅરલનો એવો ઍન્ગલ લીધો જાણે કે તે ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ નહીં, કોઈ બૉલીવુડનો ડિરેક્ટર હોય. ગોડબોલે હવે દેવ તરફ ફર્યો. 
‘હવે તારો વારો હીરો...’
ગોડબોલે ટ્રિગર દબાવે એ પહેલાં જ મિલની પાછળની દીવાલ ધડાકાભેર તૂટી પડી અને મિલમાં બ્લૅક કલરની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ગાડી દાખલ થઈ. ગોડબોલે કંઈ બોલે કે સમજે એ પહેલાં જ એ ગાડીમાંથી ૮ કમાન્ડો બહાર કૂદ્યા. તેમણે ટિયરગૅસના સેલ પણ છોડી દીધા હતા.
‘મુંબઈ પોલીસ, ડ્રૉપ યૉર વેપન્સ...’ 
સત્તાવાહી અવાજ લાઉડસ્પીકરમાંથી બહાર આવ્યો અને ગોડબોલેએ ગભરાયા વિના સાથીઓને ફાયરિંગનો ઇશારો કરી દીધો. બન્ને પક્ષે સામસામે ગોળીબાર શરૂ થયો. પહેલી વાર, પહેલી વાર એવું બન્યું હતું કે બે ગૅન્ગ કે ગૅન્ગ અને પોલીસ વચ્ચે નહીં પણ બે પોલીસ-ટીમ વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. ટિયરગૅસના સ્મોક અને ગોળીઓના વરસાદ વચ્ચે દેવ સરકીને થાંભલાની આડમાં ઊભો રહી ગયો. તેની આંખો સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ગાડી પર હતી. એ ગાડીમાંથી ઊતરતી છેલ્લી વ્યક્તિને જોઈને દેવના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ગાડીમાંથી બુલેટપ્રૂફ જૅકેટ પહેરીને સાયરા મેનન બહાર આવી હતી અને સાયરાની બાજુમાં મહારાષ્ટ્ર સ્ટેટ 
સાઇબર સેલનો જૉઇન્ટ કમિશનર રાઘવન ઊભો હતો.
‘ગોડબોલે, સરેન્ડર કર... તારા જૅમરે લોકલ નેટવર્ક જૅમ ભલે કર્યું, અમારી ગાડીમાં મિલિટરી સૅટેલાઇટ રિસીવર છે... તેં રોહનને જે ગોળી મારી એ ઘટના લાઇવ ટેલિકાસ્ટ થઈ ચૂકી છે. સરેન્ડર યૉરસેલ્ફ...’
દેવને સેકન્ડના સોમા ભાગમાં આખી રમત સમજાઈ ગઈ.
સાયરા માત્ર કન્ટેન્ટ-હેડ નહીં, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ અને સાઇબર ક્રાઇમની અન્ડરકવર ઑપરેટિવ હતી જે મુંબઈ પોલીસના ભ્રષ્ટ નેટવર્ક અને ગોડબોલે જેવા ગુંડાઓને રંગેહાથ પકડવા માટે વર્ષોથી નજર રાખીને બેઠી હતી. દેવ અને તેનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ એક મોહરું હતું જેનો ઉપયોગ તે ડાર્ક વેબને સપાટી પર લાવવા માટે કરતી હતી.
ગોડબોલે અટક્યો નહીં. તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો. વળતા પ્રહારમાં ગોડબોલેના બન્ને ઢીંચણમાં ગોળીઓ વાગી, તે જમીન પર પટકાયો.
સાયરા ધીમા પગલે દેવ તરફ 
આગળ વધી. 
‘યૉર ગેમ ઓવર દેવ.’ સાયરાએ ઠંડા અવાજે કહ્યું, ‘તું જાતને ઍલ્ગરિધમનો બાદશાહ માનતો હતો, વ્યુઝ માટે નિર્દોષોના જીવ લીધા, ક્રાઇમ સ્પૉન્સર કર્યા. હવે જેલમાં રહીને તારાં પાપોનું લાઇવ કાઉન્ટડાઉન કરજે...’
દેવના હાથમાં હજી પણ મોબાઇલ હતો, જેનો કૅમેરા લાઇવ હતો. દેવે સાયરા સામે જોઈને સ્માઇલ કર્યું અને મોબાઇલની સ્ક્રીન તેની આંખો સામે કરી.
સ્ક્રીન પર કાઉન્ટડાઉન ચાલુ હતું.
00:05... 00:04... 00:03...
‘સાયરા...’ દેવે ચોખવટ કરતાં કહ્યું, ‘તમારી આ રેઇડ, આ કમાન્ડોઝ અને ગોડબોલેનું એન્કાઉન્ટર... હવે દુનિયાનાં પચાસથી વધુ પોપ્યુલર ન્યુઝ પોર્ટલ્સ પર એકસાથે લાઇવ થશે... સાથે એ ખુલાસો પણ જશે કે સરકારે કેવી રીતે મને અને રોહનને બકરો બનાવ્યા...’
સાયરાની આંખોમાં ડર દેખાયો.
એ જ સમયે દેવના મોબાઇલની સ્ક્રીન પર ચમક્યું લખાયું. 
10 MILLION VIEWS IN 60 SECONDS.
(આવતી કાલે સમાપ્ત)


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 07:30 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK