Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > જપાનની પૅરા એશિયન ગેમ્સમાં ઝળક્યા આ ગુજરાતી દિવ્યાંગ ખેલાડીઓ

જપાનની પૅરા એશિયન ગેમ્સમાં ઝળક્યા આ ગુજરાતી દિવ્યાંગ ખેલાડીઓ

Published : 29 October, 2026 11:31 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

જપાનમાં રમાયેલી દિવ્યાંગો માટેની પૅરા એશિયન ગેમ્સ 2026માં ગુજરાતી ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ સહિત ૯ મેડલ જીતી લાવીને દેશને ગૌરવ અપાવ્યું છે

(ડાબેથી) અંજના બુંબડિયા, માનસી જોશી, રાકેશ ભટ્ટ, તેજલ ડામોર, ભવિના પટેલ, સોનલ પટેલ

(ડાબેથી) અંજના બુંબડિયા, માનસી જોશી, રાકેશ ભટ્ટ, તેજલ ડામોર, ભવિના પટેલ, સોનલ પટેલ


ગોલ્ડ મેડલ જીતીને બહુ જ ખુશી થઈ : અંજના બુંબડિયા 

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના આંજણી ગામે રહેતી અંજના બુંબડિયાએ મહિલાઓની ઍથ્લેટિક્સની ૪૦૦ મીટર દોડની T 47 કૅટેગરીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ૫૯.૯૭ સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. અંજના ડાબા હાથે દિવ્યાંગ છે. જીતની ખુશી વ્યક્ત કરતાં અંજના બુંબડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ગોલ્ડ મેડલ જીતીને બહુ જ ખુશ થઈ હતી. હું હજી પણ બેસ્ટ ટાઇમ આપવા માગતી હતી, પરંતુ વેધર ખરાબ હોવાથી સારો ટાઇમ ન આપી શકી. હવે આગળ પ્રૅક્ટિસ કરીને દેશ માટે ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીશ એવી આશા રાખું છું. મારો આગળનો ટાર્ગેટ ઑલિમ્પિક ગેમ્સ છે અને એના માટે અત્યારથી ફુલ તૈયારી કરીશ.’



માનસી જોશીએ બૅડ્‍મિન્ટનમાં એશિયન પૅરા ગેમ્સમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ 


મુંબઈની માનસી જોશીએ થુલાસિમથી મુરુગેસન સાથે મળીને મહિલા ડબલ્સ SL3–SU5 કૅટેગરીમાં બૅડ્‌મિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. માનશી જોશીએ પૅરા એશિયન ગેમ્સમાં તેનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અકસ્માતમાં ડાબો પગ સાથળથી ગુમાવી ચૂકેલી માનસી જોશી કૃત્રિમ પગની મદદથી હિંમત હાર્યા વગર આત્મવિશ્વાસથી આગળ વધી હતી અને ગોલ્ડ મેડલ સુધીની પ્રેરણાદાયી સફર કરી છે. દીકરીએ ગોલ્ડ મેડલ જીતતાં પરિવારના સભ્યોમાં ખુશીની લહેરખી દોડી ગઈ હતી. માનસી જોશીના પિતા ગિરીશ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનસીએ ગોલ્ડ મેડલ જીત્યો એની ખુશી સ્વાભાવિક રીતે થાય જ. મૅચ જીત્યા બાદ માનસીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અમે મહેનત કરીને જીતી ગયાં. તે બન્ને વચ્ચે કૉમ્બિનેશન સારું હતું અને જૉઇન્ટ એફર્ટથી મૅચ જીત્યાં. પૅરા એશિયન ગેમ્સમાં માનસીએ આ પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલાં તેણે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ પણ જીત્યા છે.’

પાછલાં વર્ષોમાં સખત મહેનત કરી છે : રાકેશ ભટ્ટ 


ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાબરિયા ગામના રાકેશ ભટ્ટે પૅરા એશિયન ગેમ્સમાં શાનદાર દેખાવ કરીને બે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. પુરુષોની ૧૦૦ મીટર દોડની T 37 સ્પર્ધા ૧૧.૫૦ સેકન્ડમાં પૂરી કરીને અને ૨૦૦ મીટર દોડની T 37 સ્પર્ધા ૨૩.૬૪ સેકન્ડમાં પૂરી કરીને બન્ને સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. 
જન્મથી સેરિબ્રલ પૉલ્ઝી અને મસ્ક્યુલર ડિસઑર્ડરની મુશ્કેલી હોવા છતાં મેદાનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રાકેશ ભટ્ટે પોતાની ખુશી વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એશિયન ગેમ્સમાં ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં મેડલ જીતતાં મને બહુ જ ખુશી થઈ છે. દેશની મેડલ-ટૅલીમાં મેડલ વધારવામાં મારા બે બ્રૉન્ઝ મેડલનો પણ સહભાગ થયો એની મને ખુશી છે. ઍક્ચ્યુઅલી આ પહેલાંની પૅરા એશિયન ગેમ્સમાં હું ચોથા ક્રમે રહ્યો હતો. એ સમયે કંઈક ઘટતું હશે તે આ ગેમ્સમાં પૂરું કરી દીધું. પાછલાં વર્ષોમાં સખત મહેનત કરી છે અને દેશ માટે મેડલ જીતી લાવ્યો એની ખુશી છે. આ બન્ને મેડલ મારા કોચ અપૂર્વ વિશ્વાસને ડેડિકેટ કરું છું, કારણ કે ૪ વર્ષથી લગાતર તેમણે એફર્ટ્સ લગાવ્યા છે. હું અમદાવાદમાં હૉસ્ટેલમાં રહીને ગુજરાત યુનિવર્સિટીના ટ્રૅક પર તૈયારી કરતો હતો.’ 

સ્ટ્રગલ વેઠીને આ મુકામે પહોંચી છું : તેજલ ડામોર

સાંબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની તેજલ ડામોરે પૅરા એશિયન ગેમ્સમાં બે મેડલ જીતવાની સિદ્ધિ નોંધાવીને દેશને ગૌરવ અપાવ્યું છે. તેજલ ડામોરે મહિલાઓની ૪૦૦ મીટર દોડની T 12 કૅટેગરીની સ્પર્ધા ૫૭.૬૦ સેકન્ડમાં પૂરી કરીને સિલ્વર મેડલ તેમ જ મહિલાઓની ૨૦૦ મીટર દોડની T 12 કૅટેગરીની સ્પર્ધા ૨૫.૨૩ સેકન્ડમાં પૂરી કરીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. દૃષ્ટિ-બાધિત તેજલ ડામોરે ‘મિડ-ડે’ને સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘પહેલી વાર હું પૅરા એશિયન ગેમ્સ રમી અને બે મેડલ જીતતાં મારી ખુશી બેવડાઈ. એકસાથે બે મેડલ પહેલી વાર જીતી એનો મને ખૂબ જ આનંદ છે. જોકે છેલ્લાં ૪ વર્ષથી મેં સખત મહેનત 
કરી છે, ઘણી સ્ટ્રગલ વેઠી છે અને આ મુકામ પર પહોંચી છું. હું ડાબી આંખે જોઈ શકતી નથી અને 
બીજી આંખમાં પણ તકલીફ છે. આ મુશ્કેલીને સાઇડ પર રાખીને હિંમતથી આગળ વધી મહેતન કરીને પૅરા એશિયન ગેમ્સમાં બે મેડલ જીતી એનો આનંદ વિશેષ છે.’ 

મેડલ જીત્યાની ખુશી છે, પણ મારે ગોલ્ડ મેડલ જીતવો હતો : ભાવિના પટેલ

પૅરા એશિયન ગેમ્સમાં અમદાવાદની ભાવિના પટેલે ટેબલટેનિસની સ્પર્ધામાં બે બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. તેણે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ અને મિક્સ ડબલ્સમાં XD 7 કૅટેગરીમાં પણ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલને બન્ને પગે પોલિયો છે, પરંતુ તેનો આત્મવિશ્વાસ એવો બુલંદ છે કે આંતરરાષ્ટ્રીય લેવલે અનેક મેડલ જીતી લાવી છે. ભાવિના પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીતની ખુશી છે પરંતુ મારે ગોલ્ડ મેડલ જીતવો હતો. જો કે મેં મારી બેસ્ટ ટ્રાય કરી હતી એટલે ખુશી પણ છે. મારા બધા કોચ, ફિઝિયો, ડાયટિશ્યન, મારા પરિવારના સભ્યોના સહકારના કારણે આજે હું અહીં સુધી પહોંચી છું. એ માટે આખી સપોર્ટ-સિસ્ટમને ક્રેડિટ જાય છે અને ભારતવાસીઓને પણ, જેમણે હંમેશાં મને આશીર્વાદ આપ્યા છે.’

મહેનતનું ફળ મળ્યું, મેડલ જીતીને બહુ ખુશી છે : સોનલ પટેલ 

ગાંધીનગરમાં રહેતી સોનલ પટેલે પૅરા એશિયન ગેમ્સમાં ટેબલટેનિસની મહિલા સિંગલ્સ ક્લાસ 3 સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. સોનલ પટેલના બન્ને પગ અને જમણો હાથ દિવ્યાંગ છે અને તે ડાબા હાથે રમે છે. સોનલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૅરા એશિયન ગેમ્સમાં સિંગલ્સ સ્પર્ધામાં આ મેં પહેલો મેડલ જીત્યો હતો એટલે મેડલ જીતવાની ખુશી બહુ જ છે. ૨૦૨૩માં રમાયેલી એશિયન ગેમ્સમાં મેડલ જીતી શકી નહોતી એટલે ત્યારથી બહુ મહેનત કરતી હતી અને ૨૦૨૬ની એશિયન ગેમ્સની રાહ જોતી હતી. આ સ્પર્ધા માટે મહેનત કરી હતી એટલે મેડલ જીતતાં એની ખુશી વર્ણવી શકાય એવી નથી. હવે નવેમ્બરમાં થાઇલૅન્ડમાં પૅરા વર્લ્ડ ચૅમ્પિયનશિપ થવાની છે એની તૈયારી શરૂ કરીશ.’ 

ગાંધીનગરમાં રહેતી મૂળ કેરલમની પૅરા ખેલાડી નિમિષા સી.એસ.એ પૅરા એશિયન ગેમ્સમાં લૉન્ગ જમ્પની T 47 સ્પર્ધામાં ૫.૩૭ મીટરનો જમ્પ લગાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 11:31 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK