Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોહે ભૂલ ગએ સાંવરિયા… ફ્રૉમ રશિયા વિથ લવ (પ્રકરણ ૨)

મોહે ભૂલ ગએ સાંવરિયા… ફ્રૉમ રશિયા વિથ લવ (પ્રકરણ ૨)

Published : 16 June, 2026 11:57 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

પખવાડિયા અગાઉ સામી હવેલીમાં સામાનનો ઉતારો થયો, થોડી ઘણી મરમ્મત અને રંગરોગાનથી બંધિયાર હવેલીના દીદાર જોવાલાયક બન્યા ને ચાર દિવસ અગાઉ અમરનાથ રહેવા આવતાં સામા ઘરે વસ્તી પણ વર્તાવા માંડી...

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સ્થળ : રશિયાની યુદ્ધભૂમિ

સમય: આજથી સાડાચાર વરસ પહેલાં



આકારે ડાયરીમાં લખવા માંડ્યું :


પ્રિય રેવા,

રશિયા આવ્યે આજે છ મહિના થયા. આપણી વચ્ચે સંપર્કનો કોઈ સેતુ નથી, અહીંથી પત્રો લખવાની મનાઈ છે ને કોઈ લખે તો અમારા સુધી ડિલિવર થતા નથી, પણ એની તો આપણને પહેલેથી જાણ હતી જ ને! યાદ છે, હું કહેતો કે મારા ખબર માટે ઍમ્બેસીથી ફોનની રાહ જોવી, એ લોકો ત્યારે જ ફોન કરશે જ્યારે હું લડાઈમાં શહીદ થઈ જાઉ. એ ફોન ન આવે ત્યાં સુધી મને સહીસલામત જાણવો!


અને તું મને વળગી હતી : ઈશ્વર કરે એ ઘંટડી ક્યારેય રણકે નહીં...

નાટો દેશના સભ્ય બનવાની યુક્રેનની જીદ સામે રશિયાના પ્રમુખ યુદ્ધે ચડ્યા ત્યારે હતું કે બિચારું મગતરા જેવું યુક્રેન ચપટીમાં ચગદાઈ જશે... પણ ના, ભરપૂર તારાજી જોયા બાદ પણ એ યુદ્ધમેદાનમાં અડીખમ છે, કેમ કે એને અમેરિકા જેવા મહારથીઓનો ટેકો છે! એ હિસાબે યુક્રેન તો મહોરું છે... જવા દે એ સિયાસતની વાતો.

તું જાણે છે, તાલીમ પછી મને રણમોરચે મોકલાયો છે. અહીંના ઉપરી સાહેબ મારા કૌશલ્યથી ખુશ છે. ગઈ કાલે તેમણે અમારા વૉર ફીલ્ડ પરથી યુક્રેન પર મિસાઇલ છોડી... અમે તો પછી જાણ્યું કે નિશાના પર હતી યુક્રેનની યુનિવર્સિટી!

બધા મિસાઇલ અટૅકની સફળતા બદલ માર્શલ સરને બિરદાવી રહ્યા હતા ત્યારે મારું મન ખિન્ન હતું : યુનિવર્સિટીમાં ભણતા અઢીસો જેટલા નવલોહિયા એક ધડાકામાં ફાટી પડ્યા એની ઉજવણી કોઈ કરી જ કેમ શકે!

રાતે આની ઉદાસી ઘૂંટતો હતો ત્યાં તનિષ્ક આવ્યો. મેં આગળ તેના વિશે લખ્યું છે, મૂળ બિહારનો એ પણ મારી જેમ રૂપિયા રળવા વૉર લડવા આવ્યો છે ને મારો મિત્ર બની ગયો છે. મારી ઉદાસી સામે તેણે પ્રશ્ન કર્યો : યુક્રેનમાં છોકરાઓ મર્યા એ ચોક્કસ ખોટું થયું, પણ શું યુદ્ધને કારણે રશિયામાં કોઈ નિર્દોષ નાગરિક મર્યો જ નથી?

મારી પાસે આનો જવાબ નહોતો. આ યુદ્ધો શું કામ થતાં હશે, રેવા? લોકો પ્યાર મોહબ્બત ચેન અમનથી રહી ન શકે?

આપણે રહીશું, હોં રેવા!

lll

સ્થળ : સૌરાષ્ટ્રનું અંતરિયાળ ગામ

સમય : વર્તમાન.

ના, ના. નહીં આવું... મેળે નહીં આવું...

કોણ જાણે કેમ, આજ સવારથી લતાજીનું આ ગીત હોઠે ચડી ગયું છે, ને મેળાના ઉલ્લેખે ભવનાથનો મેળો સાંભરી જાય છે...

વહેલી ઊઠી કામકાજમાં પરોવાતી રેવા સંભારી રહી :

એકવીસમી સદીમાં પણ ગામડાગામમાં મેળાનું આકર્ષણ ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાની ફિલ્મોના જમાના જેવું જ રહેતું. ગામની ભાભી-સખીઓ સાથે રેવા ઉલ્લાસથી મેળો માણતી. એમાંય ભવનાથના મેળામાં આખા કાઠિયાવાડમાંથી લોકો આવતા.

અને ચગડોળમાં બેસવા જતી રેવા બીજી બાજુથી આવતા જુવાન જોડે અથડાઈ. જાણે રતિ અને કામદેવ ટકરાયાં. બેઉ પૂતળા જેવાં બન્યાં.

‘અરે, ભાઈ, જલદી બેસો, બીજા ખોટી થાય છે!’

ચગડોળવાળાની ટકોરે સભાન થઈ બેઉ લાકડાની બેઠકે ગોઠવાયાં. ચગડોળવાળાએ હાથો બંધ કર્યો, ઠેસી મારી. બેઉ થોડું મૂંઝાતાં હતાં, શરમાતાં પણ હતાં. ચગડોળ વધુ ઊંચે જતાં રેવા આંખો મીંચી ગઈ, ને જુવાને વાતચીતની તક ઝડપી લીધી : તમે ઠીક તો છોને!

‘હું એમ બી જાઉં એવી નથી,’ રેવાનો સ્વર સહેજ ધ્રૂજ્યો, ‘પણ ચગડોળ ઉપર જાય ત્યારે પેટમાં પતંગિયાં ઊડતાં હોય એવું લાગે છે!’

ત્યારે એ સહેજ હસ્યો. એવો તો મારકણો લાગ્યો.

‘એવું હોય તો મારો હાથ પકડી રાખો. ભલે થોડાં પતંગિયાં મારામાં આવી જતાં.’

કોઈ બીજું બોલ્યું હોત તો રેવાએ ત્યાં જ એનો ઊધડો લીધો હોત... પણ ના, આ જુવાન બીજા જેવો ઉછાંછળો નથી, એની તપખીરી કીકીમાં પારદર્શિતા છે ને વાણીમાં નિખાલસતા.

ઘડીક બેઠકના હાથા પર પકડ જમાવેલા એના હાથને તાકતી રેવાથી બોલી જવાયું, ‘આ હાથ કોઈનો થયો ન હોય તો જ મારો હાથ માગવાની પહેલ કરજો.’

રેવાના રણકા સામે એણે સ્મિત વેર્યું, ‘તમે હાથનું પૂછો છો, મારું તો હૈયું પણ કોરું છે.’

‘હં. હાથ પરથી સીધું હૈયું! બોલવામાં મીઠાં છો એટલા જ ફાસ્ટ છો.’

‘ના રે. હું બોલવામાં ફાસ્ટ હોત તો એવું કહ્યું હોત કે બોલથી જ નહીં, મને ચાખશો તો પણ હું મીઠો જ લાગીશ!’

‘હાય હાય. જબરા મોંફાટ છો!’ રેવા એવી તો લાલલાલ થઈ. ત્યાં ચગડોળે આંચકો ખાતાં તેણે આંખો મીંચી જુવાનના હાથ પર હાથ ભીંસી દીધો!

‘હવે આ હાથ-હૈયું તમારાં થયાં, એને છોડશો નહીં!’

તે કાનમાં ગણગણ્યો. રેવાએ હોઠ કરડ્યો.

છેવટે ચગડોળ થંભ્યુ. રેવા ઊતરીને આગળ વધી કે પાછળ પડ્યો : અરે! તમે કિયા તે ગામનાં ગોરી રાજ એટલું તો કહેતાં જાવ...

‘કહેવાની શી જરૂર છે! તમે તો હૈયું દીધું છેને, એને ખોજતાં આવી પૂગજો!’

અને -

‘આવું કે?’

ડેલીએથી સાદ આવતાં રેવા ઝબકી, વિચારમેળો સમેટી આંગણે નજર ફેંકી ને આંખોને સંમોહન લાગ્યું હોય એમ આગંતુક પર જડાઈ રહી.

‘હું અમરનાથ - તમારો નવો પાડોશી.’

ના, તેમણે ઓળખાણ આપવાની જરૂર નહોતી... રેવાને એટલી તો ખબર હોય જ ને.

પખવાડિયા અગાઉ સામી હવેલીમાં સામાનનો ઉતારો થયો, થોડી ઘણી મરમ્મત અને રંગરોગાનથી બંધિયાર હવેલીના દીદાર જોવાલાયક બન્યા ને ચાર દિવસ અગાઉ અમરનાથ રહેવા આવતાં સામા ઘરે વસ્તી પણ વર્તાવા માંડી... આવતાંની સાથે જ મંદિરમાં મોટું દાન લખાવી, યુવાનો માટે રમતગમતનાં સાધનોનું ફંડ આપી અમરનાથે ગામમાં પ્રભાવ પાથરી દીધેલો એટલે તેમની સાહેબજી સલામ માટે લોકો આવતા રહેતા. અને જે આવે તેને અમરનાથ ચા-નાસ્તા વગર જવા ન દે એવું સુબોધકુમાર જ બોલતા હતા : તેમનો જુવાન નોકર રાજા બહુ અચ્છો બાવરચી છે!

અમરનાથને દૂરથી જોયા છે. સામા ઘરમાં હવે વસ્તી હોય એટલે નજર પડતી રહે એ સ્વાભાવિક છે. પચાસીમાં પ્રવેશેલો આદમી બહુ સિમેટ્રિક અને ચુસ્તસ્ફૂર્ત જણાય છે... માથાના વાળ ધોળા ન હોય તો ઉંમર વર્તાય નહીં. સોહામણાય એવા જ. પરોઢિયે એ આંગણામાં વર્જીસ કરતા જોવા મળે, સાંજે સ્ટિક લઈ ગામમાં લટાર મારવા નીકળે ત્યારે જાણે જંગલનો રાજા નીકળ્યો હોય એવું લાગે. ગામમાં મોભાદાર માણસ આવે તેની સાથે સારાસારી રાખવા જેટલી કુનેહ ભાનુભાઈએ દાખવવી પડે એટલે આવતાં-જતાં એય તેમને સાદ નાખતા જતા. આવામાં આજે તે સામેથી આંગણે આવ્યા ખરા!

પરિચય આપી અમરનાથ પણ તેને ટાંપી રહ્યા હતા. તેમની તપખીરી કીકી જોઈ મને આકુ કેમ સાંભરે છે! આવી આંખો તો ઘણાની હોય. તેમની કીકીનો ઘૂઘવતો ભાવ કળાયો નહીં, પણ આકુ પોતાને આમ જ નિહાળતો’ને! પછી નફ્ફટ થઈ એવો વળગે કે -   

જાણે અમરનાથ પણ પોતાને એમ જ વળગી પડશે એવી ભીતિ લાગી હોય એમ રેવા સાવધ થઈ, ‘આવો ને.’

તેના સાદે અમરનાથ પણ સચેત થતા હોય એમ પાંપણ પટપટાવતાં અંદર પ્રવેશ્યા, ‘ભાનુભાઈ નથી?’

‘છેને. નાહીધોઈને બધાં આંગણામાં જ ભેગાં થશે. આપ બિરાજો, હું ચા-નાસ્તાનો પ્રબંધ કરું છું.’

કોણ જાણે કેમ, અમરનાથની હાજરીનો, એમની આંખોમાં આંખો પરોવવાનો સંકોચ થતો હતો. રેવાએ ઝડપથી રસોડા તરફ કદમ ઉપાડ્યાં.

lll

‘ચા.’

સૌ આંગણાની બેઠકે ગોઠવાયાં હતાં. અમરનાથને ચા સાથે પરોઠાંની પ્લેટ ધરી રેવા ઘરના બાકીના સભ્યોને પીરસતી હતી ત્યાં સુબોધકુમારે ચાનો પ્યાલો લેતાં રેવાનાં આંગળાંને સ્પર્શી લીધાં, જીભ પર હોઠ ફેરવી આંખો નચાવી. નણદોઈની નીયત તો પરણ્યાના બીજા દિ’ની છતી થઈ ગયેલી, પણ હમણાંનું તો જાણે વૃત્તિ વકરી રહી હોય એમ તે નજરનાં અડપલાં કરતા થઈ ગયા છે.

રેવાનાં જડબાં તંગ થયાં, ‘કામિનીદીદી’ તે જોરથી બોલી ને સુબોધકુમારની છાતી ધ્રૂજી ગઈ, હાથ ધ્રુજ્યો ને ચા કપડાં પર છલકાઈ.

‘સવાર સવારમાં કપડાં બગાડ્યાં.’ બદલો લેતો હોય એમ સુબોધ બગડ્યો, ‘મા, તમારી વહુનું તો કે’વુ પડે.’

‘વંતરી’ થોડે દૂર બેઠાં વિરમને મરદાનગી દેખાડવાનું બહાનું મળ્યું, ઊભો થઈ રેવાના વાળ ખેંચી રસોડા તરફ ધક્કો માર્યો, ‘વેતા વગરની! દીસતી રહે.’

ન સંકોચ, ન આંસુ, ન ડર. નિર્મોહીની જેમ રેવા રસોડા તરફ પગ ઉપાડે છે કે -

‘ભાનુભાઈ, તમારો વિરમ તો બહુ બહાદુર લાગે છે. સ્ત્રી પર હાથ ઉપાડે છે.’

અમરનાથનો વ્યંગ બીજા તમામનાં હૈયાસોંસરવો ઊતરી ગયો, રેવા ઊલટી ફરી અમરનાથને નિહાળી રહી. પરણ્યાનાં ચાર વરસમાં પહેલી વાર આ ઘરમાં કોઈ ખુલ્લેઆમ પોતાના પક્ષમાં બોલ્યું હતું.

‘તેની સ્ત્રી ડફણાંને જ લાયક છે.’ સુલક્ષણાબહેને મામલો સંભાળ્યો, ‘એનાં પગલે ગામમાં દુકાળ આવ્યો, તમારા ભાઈનો મોતિયો પાક્યો, ને લગ્નનાં ચાર વરસેય વારસ નથી જણ્યો, એવી વાંઝણી વહુનું શું કરીએ!’ કહી બે-ચાર આંસુ પણ વહાવી દીધાં. 

‘ઓહ!’ બે ઘડી વિચારી અમરનાથે ચપટી વગાડી, ‘અમદાવાદમાં મારો કઝિન ગાયનેક છે અને કૉમ્પ્લિકેટેડ કેસીસમાં એનો સક્સેસ રેશિયો સો ટકા રહ્યો છે. તમે તમારાં દીકરા-વહુને મારી સાથે અમદાવાદ મોકલો તો...’

‘ના રે!’ વિરમ ભડક્યો. દાક્તરી તપાસમાં પોતાની બાંધી મુઠ્ઠી ખૂલી જવાની ધાસ્તીએ વિરોધ જતાવ્યો : ‘બંજર જમીન માટે આટલા ઉધામા શીદ કરવા!’

બંજર જમીન. તેનું બોલવું મનાતું ન હોય એમ અમરનાથે અંદર નજર દોડાવી. ના, રેવા ત્યાં નહોતી!

lll

‘કેમ, આજે વહેલા સૂઈ ગયા!’

રાતે મેડીની રૂમમાં પતિની સોડમાં ભરાતી કામિનીએ આંખો મીંચી ગયેલા સુબોધના ગાલે આંગળી ફેરવી, ‘કોનું સમણુ જુઓ છો સ્વામી!’ 

રેવાનું!

હોઠે આવેલો જવાબ ગળી જવો પડ્યો સુબોધે. ના, આમ તો કામિની મારી રહસ્યમંત્રી જેવી છે, એનાથી કશું છાનું નથી રાખ્યું, પણ મારામાં પરસ્ત્રીના ભોગવટાની ઇચ્છા બળવત્તર થવા લાગી છે એ જાણી એ ભડકીને મારી ગળચી જ પકડે કે બીજું કંઈ!

બાકી તો લાકડે માંકડું વળગ્યું હોય એવી તેમની જોડી હતી. બન્ને સ્વાર્થગંધા. સહિયારા સાસરામાં કામિનીને ફાવે એમ નહોતું ને ભાઈઓની ભાગીદારીના વેપારમાં સુબોધને કસ નહોતો લાગતો. આનો ઉકેલ કામિનીએ જ બતાવ્યો : આના કરતાં મારા પિયર જતાં રહીએ તો! માબાપને ત્યાં મારો પડ્યો બોલ ઝિલાય છે. 

સાસરાનું ઠેકાણું કાબા સુબોધની નજરમાં ન હોય એવું બને! પણ એમ દોડી જવું નહોતું : સાસરે કામિનીનો મોટો ભાઈ છે, એનાં લગ્ન લેવાશે, એનાં છોકરા થશે ત્યારે સાસુને બદલે નવી આવેલીનો સિક્કો ચાલવા લાગશે પછી તે નણંદને શું કામ સંઘરે! નહીં, નહીં, એમ બે-પાંચ વરસના સુખ માટે સોનાની જાળ પાણીમાં કોણ નાખે!

‘ભાઈ!’ કામિનીએ મોં બગાડેલું, ‘શહેરમાં ભણતાં તેને ચિલમની કેવી લત વળગી છે એ તમે ક્યાં નથી જાણતા! એનાથી કંઈ બાપાની જમીનદારી સંભાળાવાની નથી... બાકી તો પપ્પાને તમારી ઓથની જરૂર રહે એવું કંઈક કરી દેખાડવાની આવડત તમને હોવી જોઈએ.’

પત્નીનું મોઘમ સુબોધ માટે પૂરતું હતું. પછી પોતે જે પાસો નાખ્યો...

સુબોધના ચહેરા પર ખંધાઈ તરવરી. ચિલમના ગાંજામાં પુરુષને નપુંસક બનાવતી દવા ભેળવી સાળાના વંશવેલાની સંભાવના જ નિર્મૂળ કરવા જેવું કાવતરું કદાચ આજ પહેલા કોઈ બનેવીએ નહીં ઘડ્યું હોય!

એમ ચાર-ચાર વરસથી પુરુષત્વહીન બનેલા પતિ તરફની અતૃપ્તિ રેવાને ઓછું નહીં તડપાવતી હોય! ચાર દિવસ પછી સાસુ-સસરા ભેગી કામિની પણ સામાજિક પ્રસંગે અમદાવાદ જવાની છે, રાત રોકાવાની પણ છે...

એ રાતને રેવાની સુહાગરાત બનાવી દીધી હોય તો!

આના આવેશમાં સુબોધે પત્નીને ભીંસી દીધી!

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 11:57 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK