Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોહે ભૂલ ગએ સાંવરિયા… ફ્રૉમ રશિયા વિથ લવ (પ્રકરણ ૫)

મોહે ભૂલ ગએ સાંવરિયા… ફ્રૉમ રશિયા વિથ લવ (પ્રકરણ ૫)

Published : 19 June, 2026 12:02 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

અને એ બદલાવમાં જ મા-દીકરો ફાવી ગયાં... દેખાવ એવો સર્જ્યો કે લલિતામા ધીરેનને પરણાવી રહી છે, પણ લગ્નની સવારે પાણી પીધા પછી મને ઘેન લાગવા માંડ્યું.... કપટથી થયેલાં લગ્નનો ભેદ સાસરાની પહેલી સવારે પરખાયો

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સ્થળ: મૉસ્કોની સ્ટેટ હૉસ્પિટલ

સમય : આજથી સવા ચાર વરસ પહેલાં



‘તારી ડાયરી રેવા સુધી પહોંચાડીશ, પણ એક શરતે... હું નવલકથાની જેમ રોજ તારી ડાયરીનાં પાનાં વાંચીશ અને તારે જાણે તું રેવાને કહેતો હોય એમ એ સાંભળવાનાં...’


શરત કબૂલતો હોય એમ આકારના હોઠ સ્મિતમાં જરાતરા વંકાયા અને એને સિગ્નલ સમજી ડૉ. અમરનાથે ડાયરી વાંચવા માંડી :

અને રેવાને સંબોધીને લખાયેલા શબ્દોએ જિજીવિષા જગાડી હોય એમ આકારની ડૂબતી આંખોમાં જિંદગીની ચમક આવી ગઈ. 


lll

સ્થળ : સૌરાષ્ટ્રનું અંતરિયાળ ગામ

સમય: વર્તમાન

આન મિલો સજના...

દૂર ક્યાંક ગુંજતા લતાના સ્વરે રેવાના થનગનાટમાં મીઠાશ ભેળવી દીધી.

બહાર રાતભર વરસીને વાદળાં કોરાં થઈ ગયાં હતાં. સવારે ઊગેલા સૂરજના ઉજાસે ભવનું અંધારું વિખેરી નાખ્યું હોય એવા ઉમંગમાં રેવા સોળ શણગાર સજી રહી છે.

કેટલાં વરસે પોતાનામાં અસલની રેવા ઝળકી!

રેવા સંભારી રહી :

આકુના ઇન્તેજારને આંખોમાં વસાવી રેવાએ જાતને કોચલામાં પૂરી દીધેલી.  જીવતી લાશ જેવી બની ગઈ, જેણે ઇન્તેજારના અંત સુધી તો જીવવું જ હતું. 

અને એ બદલાવમાં જ મા-દીકરો ફાવી ગયાં... દેખાવ એવો સર્જ્યો કે લલિતામા ધીરેનને પરણાવી રહી છે, પણ લગ્નની સવારે પાણી પીધા પછી મને ઘેન લાગવા માંડ્યું.... કપટથી થયેલાં લગ્નનો ભેદ સાસરાની પહેલી સવારે પરખાયો. પોતાની અસ્ક્યામત અકબંધ છે એના હાશકારા સિવાય બીજી પ્રતિક્રિયા પણ સૂઝી નહીં. એ બપોરે નણદોઈની હલકટાઈ ખટકી, ઘરમાં એક જ મરદ હોવાનો દાવો રાતે સમજાયો.

રાતે રૂમમાં ધરાર અલગ પથારી

કરી : કપટથી મને પરણ્યો છે વિરમ, પણ મારા જીવતાં તો મારા શરીરને અભડાવા નહીં દઉં એ યાદ રાખજે!

રેવાના તેવર સામે વિરમ ધણીપણું દાખવવા ગયો, પણ મર્દાનગીમાં ચિનગારી ફૂટી જ નહીં! એ ઘડીએ રેવા નિશ્ચિંત થઈ ગઈ : સમાજની નજરે હું વિરમની પત્ની બની, પણ વાસ્તવમાં હું તનથી-મનથી આકુની જ હતી, છું અને રહેવાની!

એ સત્ય હોય તો પછી પિયર કે અહીં રહેવામાં ફરક જ શું રહ્યો!

અને બસ, હું સાસરે ટકી ગઈ... વરની મારઝૂડ ખમીને, સાસુ-નણંદનાં મહેણાંટોણાં સહીને, નણદોઈની ભદ્દી નીયત અવગણીને.

પણ કાલે સાંજે સુબોધ ભાન ભૂલ્યો એમાં તેને તો બરાબર ધિબેડ્યો ને પછી બહાર આવી જોયું તો અમરનાથ -

અને અત્યારે, આંગણે હૉર્નના અવાજે વિચારમેળો સમેટી રેવા ટટ્ટાર થઈ. 

વિરમ પણ જાગી ગયો : અમદાવાદથી મમ્મી વગેરે આટલાં વહેલાં આવી ગયાં કે શું!

સામા રૂમમાં પડખાં ઘસતો સુબોધ પણ ભડક્યો : રેવાના હાથનો મેથીપાક ખાધા પછી હોશ જતા રહેલા, વહેલી પરોઢિયે આંખ ખૂલી ત્યારે બહાર રેવા કોઈને વળાવી રહી હોય એવો ભાસ થયો... પણ જોગમાયા જેવી રેવાની આંખે ચડવાની હામ નહોતી એટલે ચુપચાપ ઉપરની રૂમમાં સરકી આવેલો.  લાકડીના સોળ હજુ ભૂંસાયા નથી ત્યાં કામિની વહેલી ક્યાં આવી ચડી!

અને આવી એવી જ કામિની જણાઈ, ‘મા, તારી વાંઝણી વહુએ આપણને રાતે ફોન કરી વહેલાં તેડાવ્યાં, પણ સવારના દસ વાગ્યા તોય હજુ તેણે આંગણું નથી વાળ્યું!’

ધીરે-ધીરે સૌ આંગણામાં આવ્યાં. વિરમ રાબેતા મુજબ સ્ફૂર્તિહીન લાગ્યો, સુબોધે શરીરના સોળ છુપાવી તરવરાટ દાખવવો જ પડે એમ હતો.

પણ મા-દીકરીની નજર ચકળવકળ થઈ રેવાના દીદારે. ઓહો, મહારાણીએ આજે સોળે શણગાર સજ્યા છેને! એના ચહેરાની ચમક તો જુઓ!

ત્યાં આંગણે રિક્ષા અટકી ને રેવાનાં સાવકાં મા-ભાઈને પધારેલાં જોઈ કુતૂહલ કૂદાકૂદ કરવા લાગ્યું : આખરે આ થઈ શું રહ્યું છે!

લલિતામા અને ધીરેન પણ અવઢવમાં હતાં : રાતે અમને ફોન કરી રેવાએ કહ્યું હતું - વિરમ તમને પૈસા આપવાનું કહેતા’તા - તેમનો મૂડ બદલાય એ પહેલાં આવી જ રહેજો!

સાસરે વળાવ્યા પછી રેવાનો પિયર સાથે નાતો નથી રહ્યો, પણ એ અમારા લાભની વાત કરતી હોય તો કેમ ચુકાય - એટલે રિક્ષા પકડી આવી જ ગયાં!

એટલે હવે - 

lll

સૌ આંગણામાં ગોઠવાયાં છે. સામેના ઘરમાં પંચ ગોઠવાઈ ગયું છે એ જોઈ રેવાએ ધડાકો કર્યો : મા, ખુશખબર છે. તમારી વહુનું વાંઝિયામહેણું ટળી ગયું - હું મા બનવાની છું!

હેં!

સાસુ-સસરાએ આની ખુશી અનુભવી, સાવકી મા-ભાઈએ બનાવટી હરખ ઉછાળ્યો, પણ વિરમ ચોંકી ગયો, સુબોધ રેવાની ચાલ સમજવા મથી રહ્યો, કામિનીથી ન રહેવાયું, ‘જૂઠ! તું પ્રેગ્નન્ટ હોઈ જ ન શકે!’

‘એ તું આટલી ખાતરીથી કેમ કહી શકે!’ જાણે પોતાની મર્દાનગી વઢાતી હોય એમ ભાઈ બહેન સામે ઊકળી ઊઠ્યો. રેવા ગર્ભવતી હોય તો એ બીજ બીજાનું જ હોય, પરંતુ એની લોકોને ઓછી ખબર પડવાની! રેવાના બચ્ચાને સ્વીકારવામાં મારી ઊણપ સચવાઈ જશે એ ખ્યાલે તેણે મોરચો માંડ્યો, ‘અમે કેટલા વખતથી બાળક માટે ટ્રાય કરતાં હતાં... હવે આ વંશનો વારસ આવવાનો!’

એમાં તો જાણે પોતાનું સિંહાસન ખૂંચવાતું હોય એવા આવેશમાં કામિની તાડૂકી, ‘અરે જા જા, વંશના વારસવાળા! તારી મર્દાનગીમાં લૂણો છે એ શું હું નથી જાણતી! તારા ચરસમાં દવા ભેળવી તારા બનેવીએ ક્યારનું તારા પુરુષાતનને નમાલું કર્યું છે.’

કામિનીએ જીભ કચરી, પણ શબ્દો મ્યાનમાંથી નીકળી ચૂકેલા. તેના ધડાકાએ ખળભળાટ મચી ગયો. વિરમ ધબ દઈને બેસી પડ્યો. મા-બાપ મોં વકાસી ગયાં : જેને પોતાનાં માની પાંખમાં લીધાં તેમણે આવી મેલી રમત રમી? પોતાના સાળા સાથે આવું કોણ કરે ને કઈ બહેન એ થવા દે?

‘હાય હાય...’ લલિતામાએ આઘાતની આડમાં મુદ્દો મૂકી દીધો : છોકરો નપાણિયો છે એ જાણીનેય તમે માત્ર પંદર લાખ અમને ચૂકવ્યા? 

‘સારું થયું મા તમે પૈસા લીધાનું કબૂલી લીધું...’ કોઈના પ્રતિભાવની કંઈ જ અસર થતી ન હોય એવી સ્વસ્થતાથી બોલતી રેવા કામિની તરફ ગઈ : મેં કહ્યું, હું મા બનવાની છું, વિરમ પિતા બનવાનો એવું મેં કહ્યું જ નથી!

એટલે? સુલક્ષણાબહેન તાડૂક્યાં, ‘છપ્પરપગી! તેં કોની સાથે મોં કાળુ કર્યું એ પણ ભસી મર!’

‘ઘરની બહાર તો હું જતી નથી સાસુજી. ઘરમાં એકમાત્ર ફળદ્રુપ પુરુષ કોણ છે એ કામિનીબહેન જાણે જ છે. પૂછો સુબોધકુમારને. ગઈ સાંજે પણ એ મારા કક્ષમાં...’  

‘નહીં!’ ભડકેલા જમાઈરાજ પત્ની તરફ આવ્યા, ‘જૂઠ છે. રેવાએ જ કહ્યું કે એનું કોઈ સાથે લફરું હતું. મારો તો રેવા સાથે દેહસંબંધ બંધાયો જ નથી. બલકે ગઈ સાંજે તેના રૂમમાં ગયો તો તેણે મને કેવો ધીબેડ્યો - જો!’

સહાનુભૂતિ યાચતા પતિના સોળને તાકતી કામિનીએ નીચી વળીને ચંપલ કાઢી વરને પીટવા માંડ્યો: તમે મારા રહેતાં પરસ્ત્રીને ભોગવવાના થયા!

આંગણામાં કકળાટ મચી ગયો.

‘સબૂર!’

પૌરુષભર્યા રણકાએ હો-હા સમી. જોયું તો અમરનાથ! સાથે ગામનું પંચ પણ છે જાણી ભાનુભાઈ-સુલક્ષણાબહેન ઓઝપાયાં. મુખિયા તરીકેનો વટ આજે ઊતરી ગયો!

‘આપે બધું સાંભળ્યું, વડીલો.’ રેવાએ આગળ આવી પંચને હાથ જોડ્યા, ‘સાવકાં ભાઈ-માએ રૂપિયા લઈ મને અહીં પરણાવી, મારો પતિ નપુંસક છે. સાસુ-નણંદ મને વાંઝણીનાં મહેણાં મારે છે અને નણદોઈની મારા પર બૂરી નજર છે... આના આધારે હું તત્કાળ ફારગતીની વિનંતી કરું છું.’  

એના શબ્દોએ સાસરિયાં-પિયરિયાંઓના મુખ પર કાળાશ પ્રગટાવી દીધી.

‘બાકી હું કંઈ પ્રેગ્નન્ટ નથી.’

હેં!

બધાને ઉઘાડા પાડવાની રેવાની ચાલ ત્યારે સમજાઈ, પણ હવે શું!

lll

ફારગતીની વિધિ પતાવી પંચ વીખરાયું. રેવાએ અમરનાથનો હાથ પકડી લેતાં સુલક્ષણાબહેનથી ન રહેવાયું : હાય હાય. વિરમથી છૂટી થઈ આ બુઢ્ઢાનો હાથ પકડીશ?

બુઢ્ઢો.

રેવાના હોઠ સ્મિતમાં વંકાયા. ગઈ કાલની વરસાદી સાંજ સાંભરી ગઈ. સુબોધને ખોખરો કરી પોતે બહાર આવી ત્યારે અમરનાથને ભાળ્યા. વીજળી ઝબૂકી ને એવો જ ઝબકારો રેવાએ અનુભવ્યો: પોતાના બચાવમાં દોડી આવનાર અમરનાથ વરસાદમાં પૂરેપૂરા ભીંજાઈ ગયા હતા ને તેમના વાળની નકલી સફેદી ઊતરી ગઈ હતી!

મતલબ અમરનાથ પ્રૌઢ નથી... પોતાને નિહાળતી તેમની નજરનો ન સમજાતો ભેદ આજે પકડી પાડવો હોય એમ રેવાએ દમ ભીડી તેમનું શર્ટ ચીર્યું અને...

તેમની છાતીની વચ્ચે લખાયેલા ‘રેવા’ શબ્દને એ ફાટી આંખે તાકી રહી : મતલબ... તમે... આ...કુ!

‘હા, હું આકાર.’   

સાંભળીને રેવા બેહોશ થઈ ગયેલી. પાણી છાંટી તેને ભાનમાં આણી આકારે પોતાની વીતક કહી હતી : યુક્રેનનો ડ્રોનહુમલો, ડૉ. અમરનાથની શરત અને ડાયરીના વાંચને પોતાની બળવત્તર થતી જિજીવિષા...

‘મારો ચહેરો ફાટી ગયેલો રેવા... મારા વૉકલ કૉર્ડ સુધ્ધાં ડૅમેજ થયા હતા. ડૉક્ટર અમરનાથ મને બચાવવા ઝઝૂમ્યા ન હોત તો હું આજે અહીં ન હોત... ‘ આકુએ રેવાનું કપાળ ચૂમેલું : પૂરેપૂરું રિકવર થતાં મને બે-અઢી વરસ લાગ્યાં, કેટલી વાર હું કોમામાં જતો રહેતો. પછી અવાજની અને ચહેરાની મરમ્મતની લાંબી પ્રોસેસ ચાલી. યુદ્ધ હજુ પણ ચાલુ હતું. છેવટે અમરનાથ મને લશ્કરી છાવણી પર મૂકવા આવ્યા ત્યારે અમે તો જાણ્યું કે રેકૉર્ડ પર હું મૃત જાહેર થઈ ચૂક્યો છું! હુમલાની ભીષણતામાં ક્યારેક આવી ગફલત થવાનો સંભવ રહેતો હોય છે... પાછો મારો ચહેરો બદલાઈ ગયેલો એટલે મૂળભૂત રીતે શંકાશીલ રશિયન્સને હકીકત ગળે ઉતારવી મુશ્કેલ હતી. મારો મિત્ર તનિષ્ક પણ એ હુમલામાં શહીદ થયેલો. મને મરેલો જાણી તમારા પર શું વીતી હશે એ ખ્યાલે મારો જીવ હિન્દુસ્તાન આવવા તલપાપડ હતો. આઉટ ઑફ વે જઈ ડૉ. અમરનાથે મદદ ન કરી હોત તો હું ભારત પાછો ફરી શક્યો જ ન હોત...’

ઘરના સૌ તેને ભાળી ખુશ થયાં, પણ રેવા પરણી ચૂકેલી એ જાણીને આકારના પગ તળેથી જમીન સરકી ગયેલી.

‘ના, મેં તને બેવફા તો નહોતી જ માની, પણ મારા વિના તું સંસારમાં સુખી તો છેને એ જાણવા સામે ઘર લીધાનો દેખાવ સરજ્યો, વાળ સફેદ કર્યા, જેથી તારાં સાસુ-સસરા વહેમાય નહીં, મને ઉગારનાર ડૉક્ટરનું નામ રાખ્યું...’

ઇન્તજારનો અહી અંત આવતો હતો, પણ મિલનમાં એક ડગલાની દૂરી હતી. પોતે કોઈની પરિણીતા હતી એટલે ફારગતી માટેની યોજના ઘડી, જે સાકાર થતાં હવે આકુની બાંહોમાં કેદ થતાં મને કોઈ રોકી ન શકે!

અને તેણે સૌને સંભળાવ્યું : મેં તમારી વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નથી કરી અને હવે તમે પણ મારી દિશામાં જોશો નહીં - સમજ્યાને!

અને તે આકારનો હાથ પકડી નીકળી ગઈ : સુખની વાટે!

lll

કથાના ઉપસંહારમાં એટલું કે રેવાના પિયર જઈ વિરમે પંદર લાખની ઉઘરાણી કરતાં લલિતામા-ધીરેને એની મારપીટ આદરી એની પોલીસ-ફરિયાદમાં જેલની સજા થતાં મા-દીકરો રડતાં જ રહેવાનાં! ભાનુભાઈના ઘરે કંકાસ કાયમી થઈ ગયો. પોતાને બરબાદ કરનાર બહેન-બનેવી પ્રત્યે વેર વાળવા વિરમે નાના ભાણિયાઓને ગાંજાનો નશો કરતા કરી દીધા. સુબોધે વિરમને આપેલી દવા ધણીના ખાવામાં ભેળવી કામિનીએ સુબોધની મર્દાનગીની હવા કાઢી નાખી. આ બધા તાયફા જોઈ ગામ કૂથલી કરે છે ને ભાનુભાઈ-સુલક્ષણાબહેન કપાળ કૂટે છે. જેવી જેની કરણી!

lll

પોતાના ‘મરણ’ના કૉમ્પેન્સેશનને પાછું વાળવાનો માર્ગ નહોતો એટલે આકારે એમાંથી સખાવતી ટ્રસ્ટ બનાવ્યું. રેવા સાથેનાં લગ્નમાં રશિયાથી ખાસ ડૉ. અમરનાથ પધાર્યા. એ આકારથી કેટલા અલગ દેખાતા હતા! પણ તેમની આંખોમાંથી વરસતું વાત્સલ્ય રેવાને ગદ્ગદ કરી ગયેલું. હા, અમરનાથનું આકાર નીકળવું લલિતા કે સુબોધ જેવાની સમજ બહાર હતું, પણ તેમની પરવા પણ કોને હતી!

lll

મોહે ભૂલ ગયે સાંવરિયા...

ગીત ગણગણતા આકુના હોઠ પર તેની ડાયરી વાંચતી રેવાએ હાથ મૂકી દીધો: ના, મારો સાંવરિયો મને ભૂલ્યો નથી...

તેના અહેસાસને શ્વાસમાં ભરતી રેવાના સંસારમાં સુખ જ સુખ રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી!

 

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 12:02 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK