Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુખવટો – સાધુ કે શૈતાન? (પ્રકરણ ૧)

મુખવટો – સાધુ કે શૈતાન? (પ્રકરણ ૧)

Published : 09 March, 2026 02:37 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

અવનિ સાથે બહેનપણાં પાકાં કરતી હોય એમ આરોહી કહેતી રહેલી, ‘આકુ માટે તો આનંદ આદર્શમૂર્તિ છે. અદ્વિતીય પણ દિવસ આખો મારી સાથે રહે, પણ પપ્પા ઘરે કદમ મૂકે પછી કોણ મમ્મી!’

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


દિલ દીવાના...

દૂર ક્યાંક ગુંજતા લતાના ચિરંજીવ કંઠે તેના હોઠ મલકાવી દીધા : આકારનું આ પ્રિય ગીત!



‘આકાર... આકાર... મહેતા ગ્રુપ ઑફ કંપનીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની પર્સનલ અસિસ્ટન્ટ તરીકે જોડાયાના આ વરસેકમાં આપસાહેબા બૉસના એન્સાઇક્લોપીડિયા જેવાં બની બેઠાં છો. પોતાને બહુ ગમતો સોનવર્ણી આકાશનો નજારો જોવા આકાર વહેલો ઊઠીને મલબાર હિલના પેન્ટહાઉસની અગાસીમાં ઊભો રહી જાય છે એ જાણ્યા પછી તમે પણ પરોઢિયે ઊઠીને પૂર્વમાં પડતી બારી ખોલી દો છો અને સૂર્યના પહેલા કિરણે ઊગતી પહોરનું આભ બન્નેની આંખોમાં એકસાથે અંજાયું એનો રોમાંચ તમને સૂરજમુખીની જેમ ખીલવી દે છે! બોલો, આ પ્યાર નથી તો શું છે મિસ અવનિ!’


પ્રતિબિંબની ઉઘરાણીએ લજ્જાથી રાતી થતી અવનિએ અરીસા સામેથી મોં ફેરવી લીધું.

આમ તો સ્થિતિપાત્ર માબાપની એકની એક દીકરી તરીકે અવનિએ જૉબ કરવાનું આર્થિક કારણ નહોતું, પણ ગ્રૅજ્યુએટ થયેલી દીકરી લગ્ન પહેલાં થોડો બહારની દુનિયાનો પણ જાતઅનુભવ મેળવી લે એ ગણતરીએ માવતરે જ તેને પ્રેરી હતી. આ તેની પહેલી જૉબ અને ઇન્ટરવ્યુ માટે પહેલી વાર આકારની કૅબિનમાં તેને


જોવા-મળવાનું થયું ત્યારે હૈયું ધડકી ગયેલું : કોઈ જુવાન આટલો સોહામણો હોઈ શકે!

તે પણ પોતાને તાકી રહ્યો એ ગમ્યું પણ ખરું! અલબત્ત, આકારના વાણી-વહેવારમાં ક્યાંય આછકલાઈ નહોતી. ઇન ફૅક્ટ, નોકરીમાં લાગ્યા પછી સહવાસ વધતો ગયો એમ હૈયે નિતનવાં સ્પંદનો જાગવા લાગ્યાં.

‘મને તો સ્ત્રીને પુરુષસમોવડી સમજવાની મહિલામંડળોની કાગારોળ ઘણી વાર સમજાતી નથી. હું મારાં મધરનું વિચારું કે મારી આરોહીદીદીને જોઉં ત્યારે થાય કે સ્ત્રી તો પુરુષોથી ક્યાંય ચડિયાતી છે, તેણે ડીગ્રેડ શું કામ થવું છે! ક્યારેક થાય છે કે આ બેમતલબની હોડમાં સ્ત્રી તેના શણગાર, તેનું લાવણ્ય અને કંઈક અંશે માતૃત્વ પણ વિસરતી જાય છે.’

આકારના શબ્દો પડઘાયા. અત્યારે રાત્રિ વેળા પલંગ પર પડતું મૂકતી અવનિ સાંભરી રહી:

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઑફિસમાં બાકાયદા ઉજવણી થાય છે. બપોર પછીની અડધી વેળમાં કૉન્ફરન્સ હૉલમાં સૌ ભેગા થાય. ભાગ્યે જ ઑફિસમાં આવતાં આકારનાં મધર અને મોટાં બહેન ખાસ હાજરી પુરાવે. ઑફિસની મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવે છે. ગયા વરસે પોતાના માટે તો એ પહેલો અવસર હતો. ઑફિસ જૉઇન કર્યાને ત્યારે બે-ત્રણ વીક જ થયાં હશે... મીતાશેઠાણીને અને આરોહીદીદીને ત્યારે પહેલી વાર જોવા-મળવાનું થયું.

મીતાબહેન માતૃવત્સલ લાગ્યાં અને દીદી કેવાં રૂપાળાં, કેટલાં સાલસ!

એટલી તો જાણ હતી કે બે ભાઈ-બહેન વચ્ચે ૮ વરસનો વયભેદ છે... ગર્ભશ્રીમંત પરિવારમાં ઐશ્વર્યની ખોટ નહોતી અને ભાઈ-બહેનનો સંસ્કાર-વારસો પણ દેખીતો હતો.

‘અમે કોઈ પણ નૉર્મલ સિબલિંગ્સની જેમ નાની-નાની વાતે બાઝીએ પણ એટલાં અને દીદી મને મા જેવું અને જેટલું જ વહાલ પણ કરે.’

ક્યારેક ટી-બ્રેકમાં આકારની ઑફિસમાં હોઉં તો કૉફીની ચૂસકી સાથે આકાર અંગત ઉખેળી બેસે, ‘અને દીદીથીયે વહાલા મારા બનેવીલાલ!’

તેનો લહેકો સાંભરીને અત્યારે પણ મલકી પડી.

આકારના બનેવીલાલ અને આરોહીદીદીના પતિ એટલે કંપનીના CEO આનંદ મહેતા. વિઝનરી, ધીરગંભીર અને દીદી જોડે શોભી ઊઠે એવા સોહામણા.

આમ તો પિતાનો વારસો પુત્રને મળે એ ન્યાયે CEOની ચૅર પર આકારે બેસવાનું હોય... પણ પિતાના અવસાન સમયે આકાર હજી ૧૬ વરસનો એટલે સંજોગો વર્તીને આરોહીની વિનંતીએ આનંદે ધુરા સંભાળી હતી અને બાવીસની વયે બિઝનેસમાં જોડાયેલા આકારે બનેવીનું માન યથાવત્ રાખીને પોતે બીજા નંબરનો હોદ્દો રાખ્યો એ બધું જાણીને પ્રભાવિત થવાયું હતું.

‘તું છે અવનિ! આકુની નવી અસિસ્ટન્ટ, રાઇટ! તારા વિશે ઘણું સાંભળ્યું છે...’

મહિલા દિવસની એ ઉજાણીમાં આરોહી અવનિને ખૂણે ખેંચી ગઈ હતી : આવ, કેક આવે ત્યાં સુધી આપણે અહીં બેસીને થોડું ગપાટી લઈએ...

અહીંના સ્ટાફ માટે દીદીની વર્તણૂક સહજ હતી : શી ઇઝ સો ડાઉન ટુ અર્થ! અને આ દેખાડો કે દંભ નહોતા એ પરખાતાં અવનિને પણ તેમની કંપની ગમવા લાગી.

દીદીએ મારા વિશે આકાર પાસેથી જ સાંભળ્યું હોય... મતલબ ઑફિસ-અવર્સ પછી પણ હું તેમને યાદ હોઉં છું ખરી!

‘આઇ ડૂ હોપ તમે સારું જ સાંભળ્યું હોય!’

આરોહી તેને ધ્યાનથી નિહાળી રહી, ‘તું કદાચ જાણતી હો... અમારાં લવ-મૅરેજ છે.’ આરોહીએ કહેલું.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગ્રૅજ્યુએટ થઈને એકવીસની ઉંમરે આરોહીએ પિતા દામોદરભાઈ સાથે નરીમાન પૉઇન્ટની કૉર્પોરેટ ઑફિસમાં આવવા માંડ્યું અને દીકરીને ઘડવાની જવાબદારી દામુભાઈએ પોતાના વિશ્વાસુ બની ગયેલા આનંદને સોંપી.

‘એમાંથી પ્રેમ, પછી લગ્ન અને વરસમાં પ્રેગ્નન્સી. અદ્વિતીયના જન્મે ડૅડી કેટલા ખુશ હતા... વિધાતાને પણ તેમની ખુશીની ઈર્ષા આવી હોય એમ ટૂંકી માંદગીમાં તે પાછા થયા. આકુ તો ત્યારે હજી ૧૬ વરસનો. આનંદ ત્યારે વજ્રના બની રહ્યા. અમને સંભાળ્યા, વેપાર સંભાળ્યો...’

અવનિ સાથે બહેનપણાં પાકાં કરતી હોય એમ આરોહી કહેતી રહેલી, ‘આકુ માટે તો આનંદ આદર્શમૂર્તિ છે. અદ્વિતીય પણ દિવસ આખો મારી સાથે રહે, પણ પપ્પા ઘરે કદમ મૂકે પછી કોણ મમ્મી!’ હસી લઈને આરોહી સહેજ ગંભીર બનેલી, ‘સ્ત્રીદાક્ષિણ્યમાં આનંદનો જોટો નથી. તેના કૉલેજકાળમાં આનંદે છોકરીની આબરૂ પર હાથ નાખનારા એક જુવાનને ગધેડે ફેરવેલો. આકુમાં પણ તેનું જ બંધારણ ઘડાયું છે. તેનાં લગ્ન માટે મારી મા અધીરી છે, પણ આકારની થનારી પત્નીને આનંદ ચાર ગળણીએ ગાળીને પસંદ કરશે એ તો નક્કી છે.’

આકારની થનારી પત્ની. આ શબ્દપ્રયોગ ત્યારે અવનિને રણઝણાવી ગયેલો.

મહિલાદિન નિમિત્તની ઉજવણીમાં સ્ત્રીને પુરુષથી ઊંચી માનનાર આકાર બહુ ઝડપભેર હૈયે ઊતરતો ગયો. પોતે આકારને આકંઠ ચાહે છે એમાં તો અવનિને દ્વિધા રહી જ નથી, પણ આકારની કોરી હૈયાપાટી પર મારું નામ લખાઈ ચૂક્યું હશે?

આની મીઠી મૂંઝવણ હતી. આકાર ક્યાં કશું કહે છે? પણ ક્યારેક તેની આંખો જોઉં તો લાગે કે ત્યાં હું જ હું છું.

- પણ એ ભરમ ગયા મહિને ભાંગી ગયો....

અવનિથી નિસાસો નખાઈ ગયો : ગયા મહિને આકારે અચાનક રજા પાડી. અવનિએ મેસેજ કર્યો એનો પણ રિપ્લાય નહીં. આનંદ જોકે ઑફિસ આવ્યો એટલે કશું ગંભીર ન જ હોય એની ધરપત તો થઈ. છતાં અવનિ ખુદને રોકી નહોતી શકી.

સામાન્યપણે આનંદથી સ્ટાફ આઘેરો રહેતો. તેનો પ્રભાવ જ એવો હતો કે કામ હોય તો પણ તેની કૅબિનમાં જવામાં પેટમાં પતંગિયાં ઊડવા લાગે. એમાંય એક કિસ્સો તો જૂનો સ્ટાફ હજીયે ક્યારેક વાગોળે છે : આનંદસરને ઑફિસમાં જોડાયે ત્યારે વરસેક થયું હશે. એ અરસામાં શેઠજીની વાપીની ફૅક્ટરીમાં માલની તસ્કરીનો ઇશ્યુ હતો. આનંદે ખાનગી ઢબે ઝીણવટભેર તપાસ આદરી અને ટ્રાન્સપોર્ટર સાથે મિલીભગતમાં ત્યાંનો મૅનેજર વિરાજ જ માલ સગેવગે કરતો હોવાના પાકા પુરાવા અહીં જ, આ મીટિંગરૂમમાં આખા સ્ટાફને ભેગો કરીને દેખાડ્યા. બિચારા વિરાજને તો કાપો તો લોહી ન નીકળે. એ તો શેઠજી ભલા કે તેને પોલીસમાં ન સોંપ્યો. નીચી મૂંડીએ નીકળી ગયેલો વિરાજ તો પછી જાણે ક્યાં ગયો, પણ આનંદે ત્યારનું કહી દીધેલું : કંપની સાથે ગદ્દારી નહીં ચલાવી લેવાય!

ત્યારથી સ્ટાફ આનંદની ચોંપમાં રહે છે. મુંબઈની ઑફિસમાં બેઠાં-બેઠાં તેને દેશભરમાં પથરાયેલા બિઝનેસ, ફૅક્ટરીઝ, ગોડાઉનમાં શું ચાલે છે એની ખબર હોય એવું તંત્ર તેણે ગોઠવ્યું છે. CEO બન્યા પછી આનંદ અભિમાની કે તુંડમિજાજી બની ગયો હોય એવું તો જરાય નહોતું. છતાં તેની ધાક સ્ટાફમાં વર્તાતી અને અવનિ પણ આમાં અપવાદ નહોતી. અને છતાં એ દિવસે અવનિ આનંદની કૅબિનમાં ધસી ગઈ, ‘સર, આકાર...સર ઠીક તો છેને!’

આનંદની પાંપણ ઊંચકાઈ. અવનિને નિહાળીને આંખના ખૂણે મલક્યો કે પછી અવનિને એવો ભાસ થયો, ‘હા, કેમ!’

‘કેમ! નહીં, આ તો તે આવ્યા નહીં... સો આઇ વૉઝ વરિડ...’ અવનિથી સાચું કહેવાઈ ગયું.

આનંદનાં નેત્રો જરાંતરાં પહોળાં થયાં : કમ ઑન, તેને જોવા છોકરીવાળા આવવાના એમાં તારે વરિડ શું કામ થવું જોઈએ!

હેં! અવનિ પડતાં-પડતાં રહી ગઈ.

આખો દિવસ કામમાં ચિત્ત ન લાગ્યું. જીવ બળતો રહ્યો : મૂરખ, તારો ને આકારનો મેળ આમેય ક્યાં થવાનો હતો? આકારની વહુ તો આનંદ પસંદ કરશે એ આરોહીદીદી ચોખ્ખું કહી ગયેલાં... અને આકાર આનંદનો આદેશ ટાળે એ સંભવ નથી.

આનંદ... આનંદ!

આકારની આદર્શમૂર્તિને આદર્શરૂપ માનતી આવેલી અવનિને તે લવસ્ટોરીના વિલનની જેમ ખટકવા લાગ્યો : તેણે આકારનું મન જાણવાની દરકાર રાખી હોત તો આમ છોકરીવાળાને બોલાવવાની નોબત જ ન આવી હોત! અને આકારથી કેમ ગળું ખોંખારીને બનેવીલાલને કહેવાય નહીં કે હું અવનિને ચાહું છું? એમ એટલું કોઈનાથી શાનું દબાયેલા રહેવાનું! આખરે આ એમ્પાયર આકારનું છે, આનંદ તો ઘરનો

જમાઈ છે!

મારે સાળા-બનેવીમાં ફાટ નથી પડાવવી, પણ આટલું તો આકારને સમજાવવું રહ્યું!

-પણ હાય રે. બીજા દિવસે ઑફિસ આવેલો આકાર ઊલટો ખુશનુમા લાગ્યો : યુ નો અવનિ, તમે જેને ચાહો તે પણ તમને ચાહે એની ખાતરી જીવનમાં નવો જ ઉમંગ ભરી દેતી હોય છે એ મને કાલે સમજાયું.

હેં. અવનિ ધરતી પર પટકાઈ : કાલે તો આકારને જોવા છોકરીવાળા આવવાના હતા એના સંદર્ભમાં આકાર ચાહવાનું બોલે એનો અર્થ એ કે તે મને નહીં, કોઈ બીજીને જ ચાહે છે. અરેરેરે... પછી આનંદને દોષ દેવો વ્યર્થ છે. બલકે તેમણે તો સાળાની પસંદને પોંખી જણાય.

તેણે પરાણે સ્મિત ફરકાવ્યું : યા, મને આનંદસરે કહ્યું કે તમને જોવા છોકરીવાળા આવવાના હતા...

‘યા...’ તે હસ્યો, ‘મારો ઇરાદો તો કાલે જ પ્રપોઝ કરી દેવાનો હતો, પણ માએ કહ્યું કે હમણાં ગ્રહોની યુતિ ઠીક નથી એટલે એક-બે મહિના ખમી જવું પડશે.’

‘તો શું થયું, તમારા માટે તો કોઈ ૭ ભવ સુધી ખમી જાય.’

ત્યારે પોતે કંઈ બહુ ગમતું કહી દીધું હોય એમ કેવો દિવસભર મલકતો રહેલો આકાર!

-બસ, એ સ્મિત મૂરઝાવું ન જોઈએ... આકાર ગમે તેને પરણે! મારી તો આટલી જ પ્રાર્થના રહેવાની!

અવનિએ અત્યારે પણ ગાંઠ વાળી.

lll

આ...હ!

તેનાથી કણસાટ થઈ ગયો.

કમબ્ખ્ત!

કજરીની નજર સસ્તી હોટેલના સસ્તા રૂમના અટૅચ્ડ બાથરૂમ પર ગઈ. શાવરની ઝરમરે તેના હોઠ વંકાયા : અડધી રાતે ઘરે જતાં પહેલાં સ્નાન કરીને પવિત્ર થવા માગે એવો તો આ એક જ મરદ જોયો!

શૈયાસુખમાં રેડલાઇટ એરિયાની મારા જેવી અનુભવી બાઈને પણ તોબા પોકરાવી દે એવો મરદ!

કજરીના કણસાટમાં મિલનનો તલસાટ ભળ્યો : તોય હું તેની વાટ જોતી હોઉં અને તે પણ મને જ તેડાવે એવું પાછલાં થોડાં અઠવાડિયાંથી થઈ રહ્યું છે. ગ્રાન્ટ રોડની ગીતાંજલિ હોટેલ અમારું કાયમનું ઠેકાણું બની ગઈ છે... ફરિયાદ હોય તો એટલી જ કે અવર્ણનીય સુખ આખી રાત વરસાવવાને બદલે તે પહેલા પહોરમાં જ નાહી-ધોઈને સરકી જાય છે : ઘરે બૈરી છે, રાતભર બહાર રહું તો તેની નજરમાં આવી જાઉં!

પાર્ટી માલદાર લાગે છે. ધારે તો મૉડર્ન, હાઇ-ફાઇ એસ્કોર્ટ તેડાવી શકે; પણ તે કહેતો હોય છે એમ દેશી દારૂ જેવી મજા સ્કૉચ વ્હિસ્કીમાં ક્યાં!

અને બાથરૂમનો દરવાજો ખૂલ્યો.

ટુવાલ વીંટીને બહાર આવેલા પુરુષનો ચહેરો સામા અરીસામાં ઝિલાયો. એ અવનિએ જોયું હોત તો બોલી ઊઠત : આ તો આકારના બનેવીલાલ.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 02:37 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK