Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુખવટો – સાધુ કે શૈતાન? (પ્રકરણ 3)

મુખવટો – સાધુ કે શૈતાન? (પ્રકરણ 3)

Published : 11 March, 2026 12:56 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

માણસનું એક પાપ તેનાં બીજાં કરતૂત ઉઘાડી દે એમ અવનિએ પણ એક વત્તા એક કરવા માંડ્યું : આકાર બહુ ગર્વથી જીજુને વખાણતાં કહેતા હોય છે કે દીદીને ચાહતા હોવા છતાં આનંદે પ્રણયના એકરારની પહેલ નહોતી કરી

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘આવજો...’

શનિવારની રાતે દમયંતીમાસીને ત્યાં જમી પરવારી અવનિ ભામિનીમા સાથે ઘરે જવા નીકળી.



માએ સમય કાઢી દમયંતીમાસીની ખબર કાઢવા જવાનું કહેલું, પણ વીકડેઝમાં તો ઑફિસ અવર્સ પછી સોશ્યલ વિઝિટનો મેળ પડ્યો નહીં. ફ્રૅક્ચરને કારણે મહિનાનો ખાટલો લઈ બેઠેલાં માસીને મળવું તો હતું જ એટલે આજે કામથી છૂટી તે માને લઈને માસીની ખબર પૂછવા આવી ગઈ અને માસી જમાડ્યા વિના મોકલે નહીં!


વર્ષો અગાઉ અમે ગ્રાન્ટ રોડની આ ચાલમાં રહેતાં. એમાં બાજુની રૂમમાં રહેતાં દમયંતીમાસી જોડે મમ્મીનાં પાકાં બહેનપણાં થઈ ગયેલાં. પપ્પાએ ચાલીની રૂમ કાઢી એ નયનમાસા-દમયંતીમાસીએ જ લીધેલી. ખરેખર તો  તેમની પાસે ત્યારે પૈસાનો જોગ નહોતો તોય વિશ્વાસના જોરે પપ્પાએ તેમના નામનો દસ્તાવેજ કરી આપેલો. બાદમાં માસાએ તેમની સગવડ મુજબ પૈસા ચૂકવી જ દીધા. તેમનો દીકરો પરણ્યો એટલે બાજુની રૂમ કામ આવી ગઈ. એટલે તો મંદારભાઈ-મેઘાભાભી પણ અમને એટલું જ માને છે. 

પપ્પા તેમની ઑફિસના કામે આઉટ ઑફ ટાઉન છે એટલે આજે આવી ન શક્યા અને અલકમલકની વાતોમાં અમને મોડું થઈ ગયું. રાત્રે ચાલીની આસપાસનો એરિયા સારા ઘરની સ્ત્રીઓ માટે જોખમી ગણાય એવો થઈ ગયો છે. કાર લઈને નીકળ્યા છીએ તોય વહેલા પહોંચીએનો ફફડાટ હાવી થઈ જ જતો હોય છે. 


અને અવનિએ બ્રેક મારવી પડી.

ફુટપાથ ક્રૉસ કરી બાપનો રસ્તો હોય એમ સામી હોટેલમાં જતો આદમી જરા માટે ઠોકાતો રહી ગયો.

‘અબે...’ ગાળ બોલતો તે અવનિ તરફ ગરદન ઘુમાવે છે કે...

‘આનંદ સર!’

અવનિ આંચકો ખાઈ ગઈ.

ત્યાં તો તેની પાછળ ચાલતી બાઈ તેનો હાથ પકડી હોટેલમાં ખેંચી ગઈ, ‘ચાલોને આનંદ, તમારી મરદાનગી રૂમમાં દાખવી લેજો, બસ!’

કામવાસનાનો તરફડાટ સહેવાતો ન હોય એમ બેઉ ‘ગીતાંજલિ’નાં પગથિયાં ચડી ગયાં ને આકારના બનેવીલાલના પતનના આંખોદેખ્યા નજારાએ અવનિને સમસમાવી દીધી.

lll

આનંદ સરનું આ કેવું પતન!

આખી રાત અવનિ એના એ જ વિચારોમાં અટવાતી રહી.

આદર્શનો મુખવટો ઓઢીને ફરતો આદમી તો વહેશી નીકળ્યો. બજારુ લાગતી બાઈ જોડે સસ્તી હોટેલની રૂમમાં જનારાના ચારિત્ર વિશે બીજું કહી પણ શું શકાય?

તેની ચાલ લથડતી હતી, નશાબાજ માણસ મને ઓળખી પણ ન શક્યો!

માણસનું એક પાપ તેનાં બીજાં કરતૂત ઉઘાડી દે એમ અવનિએ પણ એક વત્તા એક કરવા માંડ્યું : આકાર બહુ ગર્વથી જીજુને વખાણતાં કહેતા હોય છે કે દીદીને ચાહતા હોવા છતાં આનંદે પ્રણયના એકરારની પહેલ નહોતી કરી. એ પણ તેની ચાલ જ કેમ ન હોય! આરોહી મારા પ્રેમમાં પાગલ છે, બાપ દીકરીની ખુશી માટે ઝૂકવાનો જ એ બરાબર જાણતો-સમજતો આદમી પોતાની છબી વિશાળ કરવા આર્થિક ભેદ આગળ કરી પ્રીતના સ્વીકારમાં પોતાના સ્વાર્થવશ પાછળ રહ્યો હોય એ કેમ ન બને! આનો બીજો અર્થ એ કે તેની નજર પહેલેથી શેઠની દોલત પર, દીકરી પર, ગાદી પર હતી... તેને પામવા તેણે આદર્શનો મુખવટો પહેર્યો ને એ એક કાંકરે ત્રણે શિકાર સટીક વીંધાયા!

બાકી આનંદમાં એટલી જ ગેરત હોય તો તે આકુ માટે ખુરશી ખાલી ન કરી દે?

અવનિને ઢાળ મળી ગયો : ત્યારે તો મારે આકુ માટે આનંદે પસંદ કરેલી કન્યાને પણ તરાશવી રહી, ક્યાંક એ પણ તેનું પ્યાદું ન હોય!

નહીં, નહીં. આનંદનો ચિરાયેલો મુખવટો જ કહે છે કે એ આદમી આકુ અને તેની ફૅમિલી માટે જોખમી છે. સસ્તા એરિયાની સસ્તી બાઈ પાસે જનારો મૂલ્યોનો પણ સસ્તો જ હોય!

અને અવનિની વિચારયાત્રામાં પહેલો સ્પીડબ્રેકર આવ્યો :

પણ આનંદ આવી ચીપ જગ્યાએ શા માટે જાય? તે ધારે તો ફાઇવ સ્ટારમાં સ્વીટ બુક કરી હાઇફાઇ એસ્કોર્ટને તેડાવી શકે.

પણ એમાં કદાચ ઓળખીતા-પાળખીતા ભટકાઈ જવાનો ભય રહેતો હશે. અબજોપતિ બિઝનેસમૅન બદનામ એરિયાની ફાલતુ હોટેલમાં જાય એવું તો કોઈ ધારી પણ ન શકેને! કોઈએ મને કહ્યું હોત તો મેં પણ ન માન્યું હોત.

એમ કહેવાથી તો આકાર પણ નહીં માને!

અવનિ ટટ્ટાર થઈ. આનંદનો અસલી ચહેરો મારે આકુને દેખાડવાનો જ હોય અને એ માટે મારી પાસે આનંદની બદચલનીના પુરાવા જોઈએ.

દાખલા તરીકે આનંદનો પેલી બાઈ સાથે હોટેલમાં જતી વેળાનો ફોટો મોબાઇલમાં લઈ લીધો હોત તો પુરાવા તરીકે કામ લાગત. આકારને ફોટો દેખાડત તો તેણે એ પણ માનવું પડત કે મારી મનસા પરિવારમાં ફાટ પાડવાની નથી, બલકે આકુનું અને તેના પરિવારનું હિત જ મને પ્રેરે છે. પતિની છેતરપિંડી વિશે જાણવાનો આરોહીદીદીને હક છે.

પુરાવો હાથ કરવામાં તેણે દેર ન કરી. વહેલી સવારે જૉગિંગના બહાને ઘરેથી નીકળી ખરેખર તો તે કાર લઈ ‘ગીતાંજલિ’ સામે પહેરો લગાવી ગોઠવાઈ ગઈ : રાતે ગયેલો પુરુષ સવારે તો હોટેલમાંથી નીકળવાનો જને!

પણ તે નિરાશ થઈ. રાતવાળી બાઈ એકલી જ બહાર નીકળતી દેખાઈ! 

આનંદ ક્યાં? બાઈને આંતરી પૂછવું હતું, પણ એમાં તમાશો થઈ જવાની બીક લાગી. શરાબી, ઐયાશોની વસ્તીમાં કારમાંથી ઊતરી હોટેલનું લેજર જોવા જવું પણ હિતાવહ નહોતું.

હવે?

નહીં, અહી સુધી પહોંચી મારે નકામું તો અટવાવું નથી.

અને દાંત ભીંસી તેણે કૉલ જોડ્યો : આરોહીદીદી? માફ કરજો તમને ડિસ્ટર્બ કરું છું...

‘નૉટ ઍટ ઑલ! મને તો સરપ્રાઇઝ ગમી.’ આરોહીના હોઠે આવી ગયું કે ગ્રહોની યુતિ અનુકૂળ થતાં જ આકુ તને સરપ્રાઇઝ આપવાનો છે. પણ ભાઈની પ્રીતનો ભાંડો ફોડવો નહોતો એટલે જુદું બોલી, ‘સન્ડે મૉર્નિંગ મારા માટે મી-ટાઇમ જેવી હોય છે. અદિ અને આનંદ મોડે સુધી ઊંઘતા હોય એટલે હું મારી પસંદની કૉફી બનાવી આરામથી ટેરેસના હીંચકે ઝૂલતાં લતાજીનાં ગીતો સાંભળું, પેપર કે નૉવેલ લઈને બેસું કે પછી બસ કુદરતને નિહાળતી રહું...’

‘અફકોર્સ!’ અવનિને મુદ્દે આવવાની ઉતાવળ હતી, ‘આનંદ સર રાતે બહાર હતાને...’

‘હા, કેમ!’ આરોહી મલકી, ‘તું તો જાણતી હોઈશ, આકુ માટે આનંદ વિદેશી કંપની સાથે જૉઇન્ટ વેન્ચરનો પ્રોજેક્ટ લાવી રહ્યા છે.’

અવનિને આની જાણ હોય જ. ખરેખર તો એ આકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ઍર ટૅક્સીના ઉત્પાદન માટે ગુજરાતમાં કારખાનું નાખવા બાબત અમેરિકાની કંપની સાથે વાટાઘાટો અંતિમ ચરણમાં છે. આકાર આ માટે કેટલો ઉત્સાહી છે! જોકે ફાઇનલ તબક્કો રાબેતા મુજબ આનંદ સર જુએ છે.

‘ગુજરાતમાં આપણી જમીન તો છે જ. આગળની મીટિંગ માટે આનંદ મંગળવારે ત્રણ દિવસ માટે ગોવા જાય છે. કાલે પણ એનું જ કામ હતું. અમેરિકા સાથે સમયમાં દિવસ-રાતનો ભેદ હોવાથી આનંદ અડધી રાત સુધી ડીલના આપણા મિડલ મૅન દોશીની ઑફિસે હતા.’

જૂઠ! અવનિની ખાતરી બેવડાઈ: આનંદ દોશીને ત્યાં ગયા પણ હશે તો નામ પૂરતું, હાજરી નોંધાય એ માટે... ત્યાંથી અડધી રાત સુધી બજારુ બાઈ સાથે રહ્યા એની બિચારાં આરોહીદીદીને ભનક સુધ્ધાં નથી! 

અવનિએ કૉલમાં ચિત્ત પરોવ્યું, ‘મને દોશી સરવાળી અપૉઇન્ટમેન્ટ સાંભરી એટલે જ ફોન કર્યો કે સર રાતે ઘરની બહાર ગયા હતાને!’  

એનું મોઘમ આરોહીની સમજ બહાર હતું ને આ તબક્કે અવનિ વિશેષ કહી પણ શું શકે એમ હતી?

થોડી આડીઅવળી વાતો કરી ફોન મૂકતી અવનિએ ગાંઠ વાળી : હવે તો બને એટલા જલદી આનંદ સરને રંગેહાથ ઝડપવા છે! આનંદને હું હવે મારા આકારને, તેના પરિવારને વધુ છેતરવા નહીં દઉં! 

lll

સોમવારની સવારે ઑફિસ પહોંચેલી અવનિ આનંદને જોઈ કતરાઈ. પાછળ આકારને આવતો જોઈ સ્મિતમાં રોજ જેવી ખિલાવટ ન આવી.

કામમાં પણ મન નહીં લાગ્યું. આનંદ કાલે ગોવા જવાના, ઠેઠ ગુરુવારની સાંજે આવશે એ જાણી નિરાશ થવાયું: ત્યાં સુધી પુરાવો પણ હાથ નહીં લાગેને! આનંદ ફરી પાછો એ જ હોટેલમાં, એ જ બાઈ સાથે આવે એ કેમ કહેવાય? મારું ચાલે તો તેની પાછળ ગોવા પહોંચી તેની રંગરેલી ઝડપું... આખરે ગોવા જેવા શહેરમાં રાગી માણસ એકલો જાય પછી રાગ માણવામાં શાનો ચૂકે!

પણ એ સંભવ નહોતું. મમ્મી એમ રાતોરાત ગોવા જવાની પરમિશન નહીં આપે.

‘અવનિ!’

કોઈના સાદે તે ચોંકી. વિચારમેળો સમેટી સ્વસ્થ થઈ : બોલો, વિલિયમભાઈ.

આધેડ વયના વિલિયમભાઈ કંપનીના જૂના કર્મચારીઓમાંના એક હતા ને ખાસ્સાં વર્ષોથી આનંદના પર્સનલ અસિસ્ટન્ટ તરીકેની ફરજ બજાવતા.

‘હું જરા ઇન્કમ ટૅક્સ ઑફિસ જઈને આવ્યો.’

આમ તો અવનિને આનંદના સેક્શન સાથે સીધું કામ રહેતું નહીં, પણ એકની ગેરહાજરીમાં બીજું બૉસને જોઈતું-કારવતું ગોઠવી આપે એવી વ્યવસ્થા બે પર્સનલ અસિસ્ટટન્ટ વચ્ચે હોવી ઘટે એ આનંદની સૂચના હતી.

‘સરને તો જાણ છે જ.’

‘ભલે.’ કહેતી અવનિએ જોયું તો વિલિયમભાઈએ બગલમાં પર્સ એવી રીતે દબાવ્યું હતું જાણે બહુ જોખમી જણસ લઈ જતા હોય!

ક્યાંક પેલી બાઈને રૂપિયા આપવા તો નહીં જતા હોય! વર્ષોથી બૉસ સાથે કામ કરનારો પર્સનલ અસિસ્ટન્ટ બૉસનાં ગુપ્ત રહસ્યો જાણતો થઈ જાય એ સાવ શક્ય છે ને બૉસનાં ગુપ્ત કામ પતાવી આપવા જેટલો વિશ્વાસુ બની જાય એ પણ સંભવ છે! એ હિસાબે આનંદે પોતાના ભેદનો ભાગીદાર વિલિયમને બનાવ્યો પણ હોય!

અવનિ વળી તર્કવિતર્કના તાણાવાણા ગૂંથતી રહી. એમાં આનંદ પણ ઑફિસમાંથી નીકળ્યાનું સાવ ધ્યાન બહાર રહ્યું!

lll

‘ઇન્કમ ટૅક્સ ઑફિસ લે લો.’

ટૅક્સીમાં પાછલી સીટ પર ગોઠવાતા વિલિયમના સ્વરમાં હળવી ધ્રુજારી હતી.

કમબખ્ત બ્લૅકમેલર!

કપાળનો પ્રસ્વેદ લૂછતાં વિલિયમ વાગોળી રહ્યો:

અઠવાડિયા અગાઉ, મોર પ્રિસાઇસલી, ગયા સોમવારે સવારે ઘરેથી નીકળતાં આનંદ સરનો ફોન આવ્યો એની બીજી મિનિટે ફરી ફોન રણક્યો. 

‘મિસ્ટર વિલિયમ, તમારું એક નાનકડું કામ પડ્યું છે અને એ તમે કરી જ શકો એમ છો.’ અજાણ્યા નંબર પરથી આવેલા કૉલમાં પુરુષ અવાજમાં કહેવાયું, ‘મને તમારી પાસેથી તમારા બૉસ આનંદ મહેતાની એક વસ્તુ જોઈએ- તેનો પાસપોર્ટ! ’

‘ભાંગ પીધી છે?’ વિલિયમ ખિજવાયેલો, ‘તમે મને સરનો પાસપોર્ટ ચોરવા કહો છો? ધિસ ઇઝ ક્રાઇમ. પોલીસમાં કહીશ તો...’

‘તમે પોલીસમાં જજો. હું તમારી વાઇફ પાસે જઈશ..’ કહી એ બેનામ પુરુષે વિલિયમને થીજવી દીધેલો, ‘લગ્ન પછી તમારું ઑફિસની ડેટા ઑપરેટર લિલિયન સાથે ચક્કર હતું એ તમારાં વાઇફ આજે પણ નહીં જાણતાં હોય. તેમનું અજ્ઞાન હું દૂર કરી દઉં તો...’

‘નો!’ વિલિયમ ચીખી ઊઠેલો. વાત તો સાચી. મૅરેજ પછી કંપનીની ડેટા ઑપરેટર સાથે લગાવ થઈ ગયેલો. લિલિયન બિચારી દુખી હતી. માંદી માને મૂકી પરણાય એમ નહોતુ. તે તેનું દુખડું વિલિયમ સમક્ષ ઠાલવતી. લગ્નની વય વીત્યા પછી સ્ત્રીની એષણા બળવો પોકારે એમ તેની ઝંખનાને વિલિયમે બેચાર વાર હોટેલમાં જઈ ઠારી પણ હતી. પછી તો જોકે મા મરતાં લિલી આઝાદ પંખીની જેમ NRI મુરતિયાને પરણી વિદેશ જતી રહી. તેનો કોઈ સંપર્ક પણ રહ્યો નથી. આજે આટલાં વર્ષે પણ મારી વાઇફને જાણ થાય તો-તો...

અત્યારે પણ આ વિચારે વિલિયમ ધ્રૂજી ગયો. કોણે-કેમ જાણ્યું એ બધી પંચાતમાં પડવાનો અવકાશ નહોતો. શક્ય છે આમાં લિલિયન જ પડદા પાછળ હોય, ફૉર અનનોન રીઝન!

હોઠ કરડી તેણે સીટ પર બાજુમાં મૂકેલા પાઉચને પસવાર્યું : એના કરતાં સરનો પાસપોર્ટ બ્લૅકમેલરને ધરી દેવામાં જ સમજદારી છે!

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 12:56 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK