પ્રભાદેવીની એક સ્કૂલે મમ્મી-પપ્પાને શૉર્ટ્સ, ગાઉન, નાઇટી પહેરીને સંતાનને સ્કૂલમાં મૂકવા ન આવવાનું ફરમાન કરતાં હોબાળો થયો છે
પ્રતીકાત્મક તસવીર
પ્રભાદેવીની એક સ્કૂલે મમ્મી-પપ્પાને શૉર્ટ્સ, ગાઉન, નાઇટી પહેરીને સંતાનને સ્કૂલમાં મૂકવા ન આવવાનું ફરમાન કરતાં હોબાળો થયો છે. કેટલાક વાલીઓએ બળાપો ઠાલવ્યો છે તો ઘણાએ એને આવકારદાયક પગલું ગણાવ્યું છે. વાલીઓ માટે ડ્રેસકોડ હોવો જોઈએ કે નહીં એ જાણવા મિડ-ડેએ કેટલાક વાલીઓ અને શિક્ષકો સાથે વાત કરી
પ્રભાદેવીની MPS ઇંગ્લિશ સ્કૂલે તાજેતરમાં વાલીઓ માટે સ્કૂલના ગેટ પર એક નોટિસ લગાવી હતી. એમાં બાળકોને સ્કૂલમાં મૂકવા આવતા વાલીઓને શૉર્ટ્સ અથવા ગાઉન કે નાઇટી પહેરીને ન આવવાનું ફરમાન કર્યું હતું. આ નોટિસને લઈને હોબાળો થયો છે. સ્કૂલ-મૅનેજમેન્ટે આ નિયમ સ્કૂલના પરિસરમાં શિષ્ટાચાર જાળવવા માટે હોવાની સ્પષ્ટતા કરી છે. જોકે સોશ્યલ મીડિયા પર નોટિસ વાઇરલ થયા બાદ સમગ્ર મુંબઈના વાલીઓમાં એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજી સ્કૂલો પણ આવા નિયમો લાદી શકે છે એવી ચિંતા અનેક પેરન્ટ્સને સતાવી રહી છે. શું વાલીઓ માટે ડ્રેસકોડ હોવો જોઈએ? આ મુદ્દે ‘મિડ-ડે’એ કેટલાક વાલીઓ અને શિક્ષકો સાથે વાત કરી હતી.
ADVERTISEMENT
પેરન્ટ્સ શું કહે છે?
પેરન્ટ્સની અનુકૂળતા જોવાની હોય : ભાવેશ રાજાવાઢા, ઘાટકોપર
ઘાટકોપરની SVDD સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા ધ્યાન રાજાવાઢાના પપ્પા ભાવેશભાઈએ જણાવ્યું હતું કે ‘હું અને મારી વાઇફ કિરણ શરૂઆતથી જ ધ્યાનને સ્કૂલમાં મૂકવા-લેવા જઈએ છીએ. તે હાઈ સ્કૂલમાં આવી ગયો હોવા છતાં અમે આ નિયમ જાળવી રાખ્યો છે. સામાન્ય રીતે અમને સવારે વહેલા તૈયાર થવાની ટેવ છે એટલે નાહી-ધોઈને જ જઈએ છીએ, પણ આવો નિયમ લાદી ન શકાય. મારે ઑફિસમાં વહેલા જવાનું હોય છે એટલે હું તૈયાર થઈને જઉં છું, પણ જેણે ૧૨ વાગ્યે કામે જવાનું હોય તે શું કામ વહેલા તૈયાર થાય? પેરન્ટ્સ માટે આવા નિયમો બિનજરૂરી છે. બીજું એ કે વાલીઓને સ્કૂલના ગેટની અંદર જવાનું હોતું જ નથી. ધ્યાન ગેટ પાસે અમને પગે લાગે અને અંદર જાય એમાં માંડ બે મિનિટ લાગતી હશે. આટલા સમય માટે વાલીઓ તૈયાર થઈને આવે એવી અપેક્ષા સ્કૂલ રાખે તો આ મુદ્દો પેરન્ટ્સ-ટીચર્સ મીટિંગમાં ઉઠાવવો જ જોઈએ.’
વેલ-ડ્રેસ્ડ રહેવું કે નહીં એ મમ્મીની ચૉઇસ : રિધિતા ઠક્કર, મીરા રોડ
મીરા રોડની યુનિવર્સલ અસ્મિતા હાઈ સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી ફિયોની ઠક્કરનાં મમ્મી રિધિતાએ જણાવ્યું હતું કે ‘સવારે મમ્મીને દોડાદોડી ખૂબ હોય છે. અમારું સંયુક્ત કુટુંબ છે અને સવારમાં બધાનાં ટિફિન હોય. મને વેલ-ડ્રેસ્ડ રહેવું ગમે છે એટલે સવારે વહેલા ઊઠીને તૈયાર થયા પછી જ કામ કરું. એમ છતાં ક્યારેક મોડું થઈ જાય તો ઘૂંટણ સુધીની લંબાઈનું ફ્રૉક પહેરીને ફિયોનીને સ્કૂલમાં મૂકવા જાઉં છું. સ્કૂલનો સમય સાચવવો પડે, નહીં તો ગેટ બંધ થઈ જાય. કોઈક વાર મજબૂરીમાં નાઇટ-ડ્રેસમાં જવું પડે એમાં સ્કૂલને વાંધો ન હોવો જોઈએ. ટિપિકલ ગાઉન પહેરવાનો આમેય જમાનો નથી રહ્યો. નવા જમાનાની મમ્મીઓ ટ્રાઉઝર અને ટી-શર્ટ પહેરે છે એટલે અજુગતું નથી લાગતું. કોઈક સ્કૂલે વાલીઓ માટે ડ્રેસકોડનો નિયમ જાહેર કર્યો હોય તો પેરન્ટ્સે એને પૉઝિટિવ રીતે લેવું જોઈએ. સ્કૂલના ગેટ પર આપણે બીજા પેરન્ટ્સને મળતા હોઈએ, ટીચર્સ સાથે ફેસ-ટુ-ફેસ વાત થતી હોય ત્યારે પોતાની ઇમેજ માટે સભાન રહેવું જરૂરી છે.’
મદિર જેવા નિયમો સ્કૂલમાસાંભળ્યા નથી : મિત્રજા શાહ, કાંદિવલી
કાંદિવલીની પવાર પબ્લિક સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા પ્રિહાનનાં મમ્મી મિત્રજાએ જણાવ્યું હતું કે ‘મંદિરમાં ડ્રેસકોડ હોય છે, સ્કૂલમાં વાલીઓ માટે પહેલી વાર સાંભળ્યું. આવી નોટિસ મૂકવાની કેમ જરૂર પડી એ કહી ન શકાય. મમ્મી-પપ્પા સ્કૂલમાં લઘરવઘર જતાં હોય એવું મને તો નથી લાગતું. પ્રિહાનને સાડાસાત વાગ્યે સ્કૂલમાં પહોંચવાનું હોય. ઘરથી સ્કૂલ પાંચ મિનિટના અંતરે હોવાથી દોડાદોડી નથી થતી. સ્કૂલની બહાર મેં ક્યારેય મમ્મીઓને ગાઉનમાં નથી જોઈ. પપ્પા શૉર્ટ્સમાં આવતા હોય છે, પણ એ વિયર્ડ લાગે એવી નથી હોતી. જિમમાં પહેરીને જતા હોઈએ એવાં કપડાં ચાલે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિયમો હોય, પેરન્ટ્સ માટે ફરમાન કાઢવાનું ન હોય. મંદિર જેવા નિયમો સ્કૂલમાં ન ચાલે. પેરન્ટ્સે સ્વેચ્છાએ ડ્રેસકોડ ફૉલો કરવો જોઈએ. એનાથી ઇમ્પ્રેશન સારી પડે છે.’
શિક્ષકો શું કહે છે?
બોરીવલીની એક સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું કે ‘સ્કૂલમાં ઍડ્મિશન લીધા પછી અને સ્કૂલ શરૂ થાય એ પહેલાં પેરન્ટ્સ માટે ખાસ ઓરિયેન્ટેશન રખાય છે જેમાં સ્કૂલના નિયમો વિશે જણાવવામાં આવે છે. પેરન્ટસને અમે વેલ-ડ્રેસ્ડ આવવાનું કહીએ છીએ જેથી તેમનાં બાળકોમાં એ ગુણ ઊતરે. પેરન્ટ્સમાં પણ શિષ્ટાચાર જરૂરી છે. કોઈ સ્કૂલ બિનજરૂરી રીતે વાલીઓના ડ્રેસકોડનો ફતવો બહાર પાડે જ નહીં. પ્રભાદેવીની સ્કૂલે આવી નોટિસ લગાવવી પડી તો એની પાછળ ચોક્કસ કારણો હશે. કદાચિત સ્કૂલના ગેટની બહાર ડ્રેસને લઈને કોઈ ઘટના બની હશે તેથી તકેદારીરૂપે સ્કૂલે આવી નોટિસ લગાવી હોય એવું બની શકે છે.’
મલાડની સંત તુકારામ સાલ્વેશન (STS) મિશન ઇંગ્લિશ સ્કૂલના પ્રી-પ્રાઇમરી અને પ્રાઇમરી સેક્શનનાં હેડ મિસ્ટ્રેસ તેમ જ અલીબાગમાં ડકલિંગ ઇન્ટરનૅશનલ સ્કૂલ ચલાવતાં શ્રદ્ધા લાડે જણાવ્યું હતું કે ‘સ્કૂલ માત્ર પાઠ્યક્રમ શીખવાની જગ્યા નથી. બાળકના જ્ઞાનમાં વધારો થાય, તેની સ્કિલ ડેવલપ થાય, જીવન પ્રત્યેનો અભિગમ બદલાય, તે પોતાની નૈતિક ફરજો સમજે અને સારો નાગરિક બને એટલા માટે તમે તેને સ્કૂલમાં મોકલો છો. જીવનઘડતરમાં શિષ્ટાચારનું મહત્ત્વ છે. માતા-પિતા તેના રોલમૉડલ છે. જો તેમનામાં શિસ્તનો અભાવ હશે તો બાળક ક્યાંથી શીખશે? દરેક સ્થળની ગરિમા હોય છે. હું સ્કૂલમાં પાર્ટીવેઅર પહેરીને ન આવી શકું એમ પેરન્ટ્સ પણ ગાઉનમાં ન આવી શકે. સવારમાં દોડાદોડી ટીચર્સને પણ હોય છે. તેઓ સ્કૂલના નિયમ પ્રમાણે ડ્રેસિંગમાં આવે જ છેને. અલીબાગમાં ઘણી મમ્મીઓ ગાઉન પહેરીને સંતાનોને મૂકવા આવતી એ મને નહોતું ગમતું. ધીમે-ધીમે બદલાવ આવ્યો. કોઈ પણ સ્કૂલ આવું ડ્રાસ્ટિક પગલું ત્યારે જ લે જ્યારે વાત હાથમાં ન રહે. પેરન્ટ્સ ડિસિપ્લિનને સમજે તો સ્કૂલે આવી નોટિસ મૂકવાની જરૂર ન પડે.’
