Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રાત ઔર દિન: ભીતરના ભેદભરમ (પ્રકરણ ૩)

રાત ઔર દિન: ભીતરના ભેદભરમ (પ્રકરણ ૩)

Published : 07 October, 2026 01:37 PM | Modified : 07 October, 2026 01:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંતરીક્ષ પૂતળા જેવો થઈને પોતાને તાકી રહ્યો છે એ સમજાતાં તેની ખુદની નજર પોતાના બદન પર પડી એવી જ હળવી ચીસ સરી ગઈ, છાતી આડા બે હાથ કરી દીધા. હાય રામ... પોતે માત્ર બ્લાઉઝ-પેટીકોટમાં છે એનો આઘાત અંતરીક્ષને અરુંધતીના ચહેરા પર સાફ વર્તાયો.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મારી ભીતર ધરબાઈ રહેલા મારા આસક્ત સ્વરૂપને હું કોઈ કાળે ઉજાગર નહીં થવા દઉં. કુંવારી અવસ્થાના આ સંકલ્પની શરૂઆત પરણ્યાની પહેલી રાતે જ થઈ ગઈ.

ભાજી ચૂંટતી અરુંધતી વાગોળી રહી:



સાસરે નવવધૂનું ભવ્ય સ્વાગત થયું. સુહાગખંડ તરફ જતાં પગ ધ્રૂજતા હતા, પણ પછી ભાભીઓ જતાં જાણે પંખીને આકાશ મળ્યું હોય એમ થનગનાટ ઊછળવા લાગ્યો. ભીતરથી કોઈ કહેતું સંભળાયું : અંતરીક્ષને આવવા તો દે, તેના માટે શય્યા પર સ્વર્ગ ન રચી દઉં તો કહેજે. 


ઓહ... પાછી એ જ વાસનાની પૂતળી.

અરુંધતીએ સંસ્કારબળ સંભારીને વિષયી રૂપને ભીતર જ કચડ્યું : તને સપાટી પર લાવીને મારે ધજાગરો નથી કરવો! હાય-હાય... અંતરીક્ષ શું કહેશે - આવા જ તારા સંસ્કાર.


...અને શણગારેલા શયનકક્ષમાં અંતરીક્ષે કામક્રીડા આરંભી કે આંખો બંધ કરી જતી અરુંધતીનું ચિત્ત તો વાસનાઘેલું રૂપ કેદમાંથી છટકે નહીં એમાં જ રમમાણ હતું.

ત્યારે પણ અને આજે લગ્નનાં ૩ વર્ષે પણ!

વર્તમાનની કડી સાંધતી અરુંધતીએ નિ:શ્વાસ  નાખ્યો : મારી આ જીદ, મારો ખુદને રોકી રાખવાનો પ્રયાસ મને પથારીમાં સાવ પૅસિવ કરી દે છે. એકદમ ફ્રિજિડ.

લગ્નના બે-ચાર મહિને પણ મારો સંકોચ છૂટ્યો નહીં ત્યારે અંતરીક્ષે પહેલી વાર ચર્ચાની જરૂર જોઈ : તને હું નથી ગમતો? મારી કોઈ હરકત તને અરુચિકર લાગી હોય... જો એવું કંઈ જ ન હોય તો તારા તરફથી કોઈ પહેલ કેમ નથી થતી? તારામાં કોઈ રીઍક્શન કેમ નથી આવતું?

મારાથી છણકો થઈ ગયેલો : છી... છી... આવું ઉઘાડું બોલતાં શરમાતા પણ નથી.

‘તારી આગળ શાની શરમ અરુ? જીવનસાથી સમક્ષ હું મન નિરાવૃત નહીં કરી શકું તો એ દામ્પત્ય કેવું?’

અંતરીક્ષ ભલે તેમના સંદર્ભે બોલ્યા, પણ મને તો સીધો ઘા થયો. હું પોતે જ ક્યાં અંતરીક્ષ સમક્ષ ‘પેલી’ને ઉઘાડી શકી છું.

બાકી તો રિસૉર્ટના નિવાસસ્થાનમાં પતિ-પત્નીને મદભર્યું એકાંત છે. ઠંડી રાત્રે વરંડામાં અમે ધાબળો ઓઢીને બેઠાં હોઈએ ને અંતરીક્ષનો હાથ મારા બદન પર ફરતો થાય કે હું દૂર સરકી જાઉં. અરે, પતિની હાજરીમાં વસ્ત્રો પણ કપડાની આડશ રાખીને બદલું એ હદની મરજાદ પાળું છું. ‘ઉઘાડી’ ચર્ચાથી પણ દૂર ભાગું છું. 

ધીરે-ધીરે અંતરીક્ષે સ્વીકારી લીધું કે મારાં સંસ્કાર મૂળિયાં એટલાં ઊડાં છે કે શારીરિક વૃત્તિઓને જ ઠારી દીધી છે.

ના, અંતરીક્ષે આની ક્યારેય ફરિયાદ નથી કરી. મારા કારણે પોતાની જરૂરિયાતને મારવા તેમણે કેટલું મથવું પડતું હશે. તોય મારા પ્રત્યેના પ્યારમાં, વહેવારમાં ક્યાંય આનો ખટકો ઊભરવા નથી દીધો.

આવા પતિ પર કઈ સ્ત્રી ઓળઘોળ ન થાય. હું પણ ચાહું છું અંતરીક્ષ તમને... મારા અણુએ અણુથી, બેહિસાબ, બેમર્યાદ.

અને વિચારમેળો સમેટતી અરુંધતીના ચહેરા પર પ્રણયનું સુખ ફરકી ગયું.

lll

ત્યારે રિસૉર્ટના રાઉન્ડ પર નીકળેલો અંતરીક્ષ ગ્લાસવૉલ આડેથી જિમના ટ્રૅક પર દોડતાં મિસિસ જયસ્વાલને ઘડીભર નિહાળી રહ્યો.

પાંત્રીસેક વર્ષનાં મિસિસ જયસ્વાલનો સપ્રમાણ દેહ જિમ માટેના સ્કિન-ટાઇટ આઉટફિટમાં વધુ મારકણો લાગતો હતો. ટ્રૅક પર સરકતી તેમની માંસલ જાંઘો પરથી અંતરીક્ષની નજર ઉપર તરફ સરકી. ચાલવાની કસરત સાથે સ્તનયુગ્મોના લયનો તાલમેલ મીટ માંડી રહેવા લલચાવે એ પહેલા અંતરીક્ષ આગળ વધી ગયો : આમ કોઈ સન્નારીને નિહાળવી સારા સંસ્કાર નથી.

સંસ્કાર.

અંતરીક્ષને અરુંધતી સાંભરી ગઈ.

બેશક, શરૂમાં શય્યામાં તેનું ટાઢાપણું પજવતું. શરીરસુખમાં પ્રતિસાદ ન સાંપડે ત્યારે એ નિર્જીવ મડદા પર થતા બળાત્કાર જેવું બની રહે છે. અરુને હું ગમતો નહીં હોઉં?

ધીરે-ધીરે સમજાયું કે એવું નથી. જે છે એમાં તેનો વાંક પણ નથી. સંસ્કારનું પોત તેના સ્વભાવમાં એવું વણાઈ ગયું છે કે આમાં બદલાવ શક્ય નથી. એકાદી ટેવ હોય તો બદલાય, માણસ પોતાનું વ્યક્તિત્વ તો કઈ રીતે બદલી શકે?

અંતરીક્ષ માટે એ કસોટીની ઘડી હતી. અરુંધતી સાથેના સહજીવનમાં મેં કલ્પી હતી એવી ઉન્માદક ક્ષણો ક્યારેક આવવાની નહીં એ જાણીને પણ હું તેને પૂર્વવત્ ઉત્કટતાથી ચાહી શકીશ ખરો?

કેમ નહીં! સંસારજીવનમાં શરીરસુખ મહત્ત્વનું છે, પરંતુ કેવળ એ જ સ્નેહજીવનનું સારસર્વસ્વ નથી. અરુંધતીની મારા માટેની ઊર્મિમાં ખોટ નથી, તેનું હૈયું મારા માટે ધડકે છે અને એ સત્ય હોય તો બીજું બધું ગૌણ છે.

પત્નીનો, તે જેવી છે એ સ્વરૂપમાં નિર્દંભ સ્વીકાર તો અંતરીક્ષ કરી શક્યો, પણ એક કસોટી હજી બાકી રહેતી હતી.

તેનો પોતાનો કામ, જે તેને ડૉક્ટર દીવાનજીના ક્લિનિક સુધી દોરી ગયો.

અત્યારે એ સંભારીને હોઠ કરડતા અંતરીક્ષના કાને હળવો ચિત્કાર પડ્યો : છોડ મને... છોડ.

અવાજની દિશામાં દોડીને જોયું તો સ્ટાફ ક્વૉર્ટર તરફની ઝાડી આગળ બિરજુ વાસંતીનો હાથ પકડીને બળજબરી કરતો લાગ્યો : હું તને કોરી છોડવાનો નથી...

‘બિરજુ!’ કાળઝાળ અંતરીક્ષની રાડે બિરજુ સહેમી ગયો. આજુબાજુથી માણસો દોડી આવ્યા. એમાં નંદન પણ હતો.

‘હાથ છોડ તેનો અને માફી માગ.’ 

અંતરીક્ષનું શરીર કસાયેલું હતું અને રિસૉર્ટમાં તેની ધાક વર્તાતી. બિરજુએ હાથ તો છોડ્યો, પણ માફીનો હરફ ન ઉચ્ચાર્યો.

‘બિરજુ, આ શું માંડ્યું છે.’ નંદન અકળાયો. બિરજુ પણ બિહારનો હોવાનું જાણીને તેણે સામેથી બિરજુને પોતાના ક્વૉર્ટરમાં રાખ્યો હતો. મહિનોમાસથી જોડે રહેતા બિરજુ સાથે દોસ્તી થઈ ગયેલી. માણસ થોડો માથાફરેલ, પણ મહેફિલમાં મજા આણી દે એવો. જોકે તે આમ મજૂર બાઈઓ પર નજર બગાડે એ અંતરીક્ષસર તો કદાપિ નહીં ચલાવે.

‘સૉરી સર, ફરી તે આવું નહીં કરે...’ પરિસ્થિતિ વણસે એ પહેલાં નંદન બિરજુને દૂર તાણી ગયો.

‘છોડ મને...’ ક્વૉર્ટરમાં પહોંચતાં બિરજુએ ગાળ આપી, ‘અંતરીક્ષ માલિક હશે તારો, તે મને શાનો ડારો આપે? વાસંતી બીજી વાર છટકી ગઈ.’

બે વાર બચેલી વાસંતી બીજા દિવસથી કામ પર આવી જ નહીં એટલે બિરજુને અંતરીક્ષ પ્રત્યે રોષ ઘૂંટવાનું બહાનું મળી ગયું : તે વચ્ચે પડ્યો ન હોત તો કેટલાય દહાડાની મારી ભૂખ ભાંગી હોત.  તે મારો બેટો પરણેલો એટલે બૈરી જોડે જલસા કરે.

અંતરીક્ષની પત્ની.

એકાદ-બે વાર દૂરથી નંદનની માલકિનને નિહાળી છે. રૂપની પૂતળી જાણે.

બિરજુની કીકીમાં વાસના લબકારા લેવા લાગી. 

lll

ત્રીજી સવારે... 

‘લંચમાં શું બનાવું અંતરીક્ષ?’

બ્રેકફાસ્ટમાં અંતરીક્ષને ગરમાગરમ થેપલાં સર્વ કરીને અરુંધતી સામી ચૅર પર ગોઠવાઈ, ‘મારે તો આજે અગિયારસ છે.’

આજે એક ઉપવાસ તો કાલે બીજું વ્રત... મહિનામાં અડધા દહાડા તો અરુ અડધી ભૂખી રહેતી હોય છે.

પણ હું બરાબર ભોજન લઉં એનો તો તે બરાબર ખ્યાલ રાખે છે. મને જમાડીને જમે છે, મારી પસંદ તેને મોઢે છે અને શું તેના હાથોનો જાદુ. અરુંધતી ભલે શયનેષુ રંભાની વ્યાખ્યામાં ફિટ ન બેસે, આદર્શ ભાર્યાના બીજા તમામ ગુણ તેનામાં છે અને મને એનો ગર્વ છે. 

પોતાના જવાબ માટે ટાંપતી પત્ની સમક્ષ અંતરીક્ષે સ્મિત ફરકાવ્યું, ‘તો પછી ફરાળી જ બનાવને. સમથિંગ ન્યુ?’

‘ઓકે!’ અરુંધતીએ કશુંક વિચારીને ચપટી વગાડી, ‘ચૅલેન્જ ઍક્સેપ્ટેડ મિસ્ટર હસબન્ડ.’

પોતાને કોશેટામાં બાંધી રાખવાનો અરુનો સ્વભાવ હતો. એની વિરુદ્ધની આવી ઍક્શન, આવો ઉછાળો તે જવલ્લે જ દાખવતી; પણ એ પળોમાં તે વધુ પોતીકી લાગતી. બાકી હું તો તેની ખુશીમાં ખુશ.

અંતરીક્ષના વદન પર પ્રીતની લાલી પ્રસરી ગઈ.

lll

‘અરુ, નંદનને મોકલું છું, પચાસ હજાર આપજે.’

રિસૉર્ટનાં નાનાં-મોટાં કામ માટે ત્રણ-ચાર લાખની કૅશ હંમેશાં રહેતી જેની સંભાળ માટે ઑફિસને બદલે અંતરીક્ષે કબાટના તેના ખાનામાં અલાયદી સેફ રાખી હતી. અરુને એનો કોડ માલૂમ હતો, પણ ઑફિસની તિજોરી ઉઘાડવાનું તેને બનતું નહીં. 

રિસૉર્ટનો ક્લીનિંગ સ્ટાફ સવારે સાફસફાઈ, વાસણ-કપડાંનાં કામ કરી જતો. રિસૉર્ટમાં સહેલાણીઓની ચહલપહલ હોય તો પણ એનો દેકારો અહીં સુધી પહોંચતો નહીં. સ્ટાફ અંતરીક્ષની ચોંપમાં રહેતો અને અરુંધતીને પૂરતું માન આપતો. માર્કેટનું નાનું-મોટું કામ હોય તો દોડીને કરી આપે. તે પોતે જવાની હોય તો શૉફર કાર લઈને હાજર થઈ જાય... પણ એ સિવાય આ તરફ કોઈ ફરકે નહીં. સાંજ પછી તો બિલકુલ નહીં.

સામાન્યપણે અંતરીક્ષ પોતાની ગેરહાજરીમાં ઘર તરફ કોઈને મોકલતો પણ નહીં, પરંતુ આજે બિલના ક્લિયરિંગ માટે મિસ્ત્રી માથે બેઠો હતો એટલે નંદનને મોકલ્યો. 

ત્યારે ભૂલી જવાયું કે ઑફિસની સેફ્માં પોતાની મેડિકલ ફાઇલ અને દવા પણ છે.

lll

આ શું છે!

તિજોરી ખોલતી અરુંધતી ફાઇલ-દવાની સ્ટ્રિપ જોઈને ચમકી : અંતરીક્ષની મેડિકલ ફાઇલ!

ગુપ્ત રોગોના નિષ્ણાત : ડૉ. નિકેશ દીવાનજી.

હે ભગવાન. અંતરીક્ષને કોઈ બીમારી વળગી છે?

અરુંધતી હાંફી ગઈ.

ત્યાં ફોન રણક્યો. અંતરીક્ષ અથરા સ્વરે પૂછતો હતો : અરુ, તેં સેફ ખોલી નથીને!

અરુંધતી સમજી ગઈ : સેફમાં ફાઇલ હોવાનું પતિદેવને હવે ધ્યાન આવ્યું હોવું જોઈએ.

‘ના, હું રૂમમાં જાઉં જ છું.’

‘તો ન જતી.’ અંતરીક્ષના સ્વરમાં એકાએક હળવાશ વર્તાઈ, ‘કૅશની જરૂર નથી. નંદન આવી ગયો હોય તો પાછો મોકલી આપ.’ 

‘ભલે.’

અરુંધતીએ ફોન મૂક્યો કે દરવાજો ઠોકાયો : ભાભી...

અરુંધતીએ ઝડપથી બહાર જઈ, જાળી ખોલીને જવાબ વાળ્યો, ‘સાહેબનો પાછો ફોન આવ્યો, રૂપિયાની જરૂર નથી એવું કહ્યું.’

‘ઓહ, ઠીક છે!’ નંદને તો અદબભર્યું સ્મિત ફરકાવીને પીઠ ફેરવી, પણ તેની સાથે આવેલો મુકાદમ બિરજુ પોતાને કેવી ખાઈ જવાની નજરથી જોઈ રહ્યો હતો!

અરુંધતીએ હોઠ કરડ્યો.

lll

રાત ઔર દિન દિયા જલે,

મેરે મન મેં ફિર ભી અંધિયારા હે...

સાંજે બધું કામ નીપટાવીને ઘરે આવેલો અંતરીક્ષ ઉંબરે જ અટકી ગયો. દીવાનખંડમાં નાનકડી બત્તીના પ્રકાશનું નામ પૂરતું અજવાળું હતું. ફાયર-પ્લેસ આગળ મૂકેલી ઝૂલણખુરસી પર ઝૂલતી અરુંધતી આગળ આવતી ત્યારે ચહેરો અજવાશમાં આવતો અને પાછળ ઢળતી કે અંધકારમાં ખોવાઈ જતો. તેની બાજુમાં મૂકેલા ગ્રામોફોન પર વાગતા ગીતમાં ગુંજતો લતાનો કંઠ વાતાવરણમાં ગજબનું સસ્પેન્સ ભરી દેતો હતો.

‘અરુ... અરુંધતી!’ તેણે દબાયેલા અવાજે બે-ત્રણ વાર સાદ દીધો, પણ કોઈ અસર નહીં. ન રહેવાતાં અંતરીક્ષે નજીક જઈને ઝૂલણખુરસીના મથાળે પંજો દબાવ્યો : અરુંધતી... અરુંધતી!

બીજી વારના ઉચ્ચારણે તે ઝબકી, ખુરસી થંભી ગઈ છે એનો અણસાર આવ્યો હોય એમ તેની પાંપણ ફરફરી, ‘ઓ...હ.’ ઊંડી ગુફામાંથી આવતો હોય એવો ઉદ્ગાર કાઢીને તે ઊલટી ફરી એવી જ ચમકી, ‘ઓહ તમે! આવી ગયા? મને કેમ ખ્યાલ ન રહ્યો! અરે, આજે દીવાબત્તીયે ન કરી!’

ખુરસી પરથી ઊભા થતાં ધ્યાન ગયું, ‘આ મ્યુઝિક કોણે મૂક્યું!’ કહેતાં ગ્રામોફોનની પેન ઉઠાવી, કૅસેટ ફરતી અટકી ગઈ.

તેણે અંતરીક્ષના હાથમાંથી કોટ લીધો, ‘તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા લઈને વરંડામાં આવી.’

અંતરીક્ષ પૂતળા જેવો થઈને પોતાને તાકી રહ્યો છે એ સમજાતાં તેની ખુદની નજર પોતાના બદન પર પડી એવી જ હળવી ચીસ સરી ગઈ, છાતી આડા બે હાથ કરી દીધા. હાય રામ... પોતે માત્ર બ્લાઉઝ-પેટીકોટમાં છે એનો આઘાત અંતરીક્ષને અરુંધતીના ચહેરા પર સાફ વર્તાયો.

‘સાચું કહો અંતરીક્ષ, તમે ક્યારે આવ્યા? આ તમારી જ હરકત છેને?’ આમતેમ જોતાં તેની નજરે સોફા પર પડેલી સાડી પર પડતાં પતિના જવાબની રાહ જોયા વિના એના પર તરાપ મારીને બેડરૂમ તરફ દોડી ગઈ.

અરુંધતીને આજે થયું છે શું?

અંતરીક્ષને પહેલી વાર પત્નીમાં કશુંક ગેબી લાગ્યું.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK