Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રામનવમી - એક અનોખી વાત (પ્રકરણ ૨)

રામનવમી - એક અનોખી વાત (પ્રકરણ ૨)

Published : 24 March, 2026 12:04 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

આજથી ત્રીસેક વર્ષ અગાઉના એ જમાનામાં યાદવ પરિવારની આખા અયોધ્યા પંથકમાં આણ વર્તાતી. પિતા લોકરાજ સિંહના પગલે ચાલી ધર્મરાજ સિંહે પોતાનો પ્રભાવ પાથરી દીધેલો. દેખાવ ખાતર તેમની એકરોના એકરોની ખેતી હતી, ચાર-છ ફૅક્ટરી હતી

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


હું વસુધા...

હું કોઈની પત્ની છુ અને મારા પતિ હજી હયાત છે એટલે ખરેખર તો અ. સૌ. વસુધા ધર્મરાજસિંહ યાદવ લખવું જોઈએ. પણ કેફિયત મારી છે એટલે સંબંધનું છોગું નહીં જોઈએ, ખાસ કરીને હું છોડી ચૂકી છું એ બાહુબલી ગણાતા પતિનું તો



બિલકુલ નહીં!


બાપ રે. બે વાક્યોમાં વસુધામાએ દુખી દામ્પત્યનો ચિતાર આપી દીધો. માના પતિ બાહુબલી ગણાતા - મતલબ અજાતશત્રુના પિતા જ બાહુબલી થયાને?

ઉત્સુકતાપૂર્વક નિરાલી એકચિત્તે વાંચતી રહી, કદી નહીં જોયેલાં પાત્રો નજર સમક્ષ ઊપસતાં ગયાં.


lll

‘દીકરી માટે બહુ મોટા ઘરેથી કહેણ આવ્યું છે.’

મા-પિતાની ધીમા સાદની ચર્ચા કાને પડતાં વસુધા થોડી હરખાઈ, થોડી લજાઈ. અલાહાબાદની કૉલેજ ક્યારની પૂરી થઈ હતી, સંગની સખીઓ પરણીને વિદાય લઈ રહી હતી. વયસહજ અરમાન વસુધાના અંતરમાં અંગડાઈ લેતાં. એમાં આ કહેણે તેના કાન સરવા કર્યા.

આજથી ત્રીસેક વર્ષ અગાઉના એ જમાનામાં યાદવ પરિવારની આખા અયોધ્યા પંથકમાં આણ વર્તાતી. પિતા લોકરાજ સિંહના પગલે ચાલી ધર્મરાજ સિંહે પોતાનો પ્રભાવ પાથરી દીધેલો. દેખાવ ખાતર તેમની એકરોના એકરોની ખેતી હતી, ચાર-છ ફૅક્ટરી હતી. પણ અસલી ઊપજ જમીનના સોદામાંથી નીકળતી. જે જમીન પર યાદવની નજર પડી એ વિના દલીલે, પૈસા માગ્યા વિના ખાલી કરી દેવી પડતી નહીં તો તેમના માણસો ભરબજારમાં ઢીમ ઢાળી દે એવા બેત્રણ કિસ્સા બન્યા બાદ બાહુબલી ગણાતા ધર્મરાજ સિંહની ઇચ્છા વિરુદ્ધ જવાની કોઈની મજાલ! પછી એ જમીન પર પૉલિટિશ્યન સાથે મળી રિસૉર્ટ કે કૉલોની ઊભી કરી એમાંથી કમાણી વસૂલવાની!

જુવાન ધર્મરાજમાં સોગઠાં ગોઠવવાની આવડત હતી. દેખાવડો પણ ખરો.

તેનું માગું પોતાના માટે આવ્યું એ જાણી વસુધા રોમાંચિત થયેલી : બાહુબલી ગણાતું કુટુંબ માગું મૂકવાની નીયત રાખે એટલે ખાનદાની તો ગણાય જ! 

રંગેચંગે લગ્ન થયાં, મધુરજનીનો કેફ ચડે એ પહેલાં વાસ્તવિકતા ભોંકાઈ : અડધી રાતે પત્નીને સોહાગ ખંડમાં એકલી મૂકી પતિદેવ ક્યાં ચાલ્યા?

કપડા પર પરફ્યુમ છાંટતા પતિને તે પલંગમાં ઉભડક બેઠી થઈ પૂછી બેઠી : અટાણે ક્યાં જાઓ છો?

ડ્રેસિંગ મિરર સામે ઊભેલો ધર્મરાજ પળ પૂરતો સ્થિર થયો, પછી કાંડે ઘડિયાળનો પટ્ટો ભીંસતાં ધડાકો કર્યો, ‘હું જાઉં છું આપણી વાડીની બંગલીએ.’

‘વાડીએ! અત્યારે!’

હવે તે જરા ખુલ્લું હસ્યો : શું છે મારાં રાણી કે તમારી સાથે સુહાગરાત ઊજવી લીધી, હવે ત્યાં કોઈ તેની નથ ઊતરવાની વાટ જોતી બેઠી છે.’

હેં!

હૃદયમાં કોઈએ કટાર ઘોંચી હોય એવી સહેમી ગઈ વસુધા.

‘ધરમ રાતે બહાર ગયેલો?’

બીજી સવારે વહુનુ સૂઝેલું મોં જોઈ અંદાજો આવ્યો હોય એમ સાસુએ એકાંતમાં પૂછતાં વસુધાનાં અશ્રુ છલકાઈ ગયેલાં.

‘આમ રોતી રહીશ તો વહેલી મસાણભેગી થઈ જઈશ ને તો બીજી બૈરી કરવામાં તારો વર તારી ચિતા ઠરવાની પણ રાહ નહીં જુએ.’

આ કોણ, દીકરાની મા બોલે છે?

‘મા નહીં, આ ઘરની સ્ત્રી બોલે છે જે એ વેઠી ચૂકી છે જેનો તું અત્યારે અનુભવ કરી રહી છે!’

સાસુના શબ્દોએ વસુધાને

થીજવી દીધેલી.

‘આ ઘરનો પુરુષ સત્તા વગરનો રાજા છે વહુ, તેની મરજીને અનુકૂળ થઈને રહીશ તો તારાં માન-મર્યાદા જળવાશે નહીંતર...’ 

સાસુનો અધ્યાહાર વહુએ સમજી લીધો, સ્વીકારી લીધો.

‘હાઉ કૅન યુ ટૉલરેટ ધિસ!’

લગ્નના ત્રીજા વર્ષે કૉલેજની સખી નિર્મળા અનાયાસ દિલ્હીમાં મળી ગઈ.

(નિર્મળા... નિરાલી ટટાર થઈ. ઉતાવળે નિર્મળાની ઓળખાણ આપતાં વાક્યો ઉકેલતાં સ્તબ્ધ બનાયું: આ તો મમ્મી જ!

મતલબ અજાતશત્રુ મારી મમ્મીની સખીના દીકરા!

અભિભૂત થતી નિરાલીને થયું, પહેલાં વસુમાની કથની પૂરી વાંચી લઉં. મા સાથે ખરાઈ તો પછી પણ થઈ રહેશે!

તેણે સંધાણ કર્યું.)

lll

દિલ્હી!

આમ તો ધર્મરાજને પાટનગરના દિલ્હીના આંટાફેરા રહેતા જ હોય, પણ ત્યારે કોઈ રાજકારણીના દીકરાનાં લગ્નના રિસેપ્શનનું ફંક્શન હતું. એ સોશ્યલ ઇવેન્ટ નિમિત્તે ધર્મરાજ બે દિવસ માટે પત્નીને લઈને દિલ્હી આવ્યો હતો. રાબેતા મુજબ તે પોતાના કામકાજમાં વ્યસ્ત હતો એટલે હોટેલ સ્વીટમાં કંટાળેલી વસુધા ધર્મરાજના પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડ્સની નિગરાનીમાં દિલ્હી દર્શન કરી રહી હતી એમાં લાલ કિલ્લાના મીનાબજારમાં નિર્મળા ભેટી ગઈ.

અલાહાબાદની કૉલેજમાં બેઉ એક ક્લાસમાં ભણેલાં. નિર્મળા પોતે ગુજરાતી, તેના પિતા ક્લાસ વન ઑફિસર હતા એટલે ઘણાં રાજ્યોમાં ફરજ બજાવી ચૂકેલા. એ સમયે તેમનો મુકામ ત્યારના અલાહાબાદમાં હતો. કૉલેજ પતતાં સુધીમાં વળી બદલીને કારણે પરિવાર ગુજરાત શિફ્ટ થયો, બેઉ સખી વચ્ચે થોડો વખત પત્રવહેવાર થયો, પછી સંપર્કમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. ખાસ્સાં વર્ષોના અંતરાલ પછી મળેલી બેઉ સખીઓ આનંદવિભોર બની. નિર્મળા તેના પતિ સાથે હનીમૂન પર આવી હતી. શિમલાથી વળતાં દંપતી બે દિવસ માટે દિલ્હી રોકાયું હતું. 

એ સાંજ બહુ આનંદમય રહી.

પણ પછી બીજી બપોરે અચાનક હોટેલ પર ધસી આવેલી નિર્મળા જેટલી આવેશમાં હતી એટલી જ

દુખી લાગી.

‘રાતે પપ્પા સાથે વાત થઈ ત્યારે તારા વરની કુંડળી ખૂલી. હી ઇઝ માફિયા, રાઇટ? ધનદોલતનો મોહ તને ક્યારે હતો વસુ? અને ધર્મરાજનો અધર્મનો ધંધો જે હોય એ, તેના ચારિત્ર્ય-ચલગતને તું કેમ સહી શકે?’

‘નિર્મળા!’ વસુધા ઘવાઈ.

‘મેં જોયું છે એટલે બોલું

છું, વસુધા.’

નિશ્વાસ નાખતી નિર્મળાએ તેને ડઘાવી દીધેલી, ‘જનપથની અમારી હોટેલની ગલીમાં ઝાડીઓથી ઘેરાયેલો બંગલો છે. એ તારા પતિનું દિલ્હીનું કાયમી ઠેકાણું છે ને અત્યારે પણ તે ત્યાં રહેતી તારી સૌતનની સોડમાં ભરાયો છે.’

વસુધા થીજી ગઈ. હજી ગઈ સાંજે વસુધાએ જેની તસવીર દેખાડી એ પુરુષ વિશે રાતે પિતા પાસે જાણ્યું ને એની થોડી વારમાં તેને બાજુના બંગલામાં જતો જોઈ વૉક લેવા નીકળેલાં દિવાકર-નિર્મળાએ પહેલાં તો મળવાનું વિચાર્યું, પણ પછી હોટેલના ગેટકીપરે ભેદ ખોલતાં અરુચિ થઈ. થોડી વાર પહેલાં ફરી તેને બંગલામાં દાખલ થતો નિહાળી નિર્મળા સખીને ઝંઝોડવા આવી પહોંચી હતી.

‘જે આદમી દિલ્હીમાં રખાત રાખતો હોય તે પોતાના ગામમાં સાધુ બની રહેતો હોય એ માનવા હું તૈયાર નથી. અને તું તારા વરનાં અપલક્ષણથી અજાણ હોય એટલી ડમ્બ તો નથી જ.’ નિર્મળાની

આંખમાં આંસુ હતાં, ‘તું શું કામ આ બધું સહે છે?’

‘જન્મ, મરણ અને લગ્ન નસીબને આધીન છે સખી, અને મારી કિસ્મત સાથે મેં સમાધાન સ્વીકારી લીધું છે.’

બળતા જીવે સખીઓ છૂટી પડી, પછી સંપર્ક પણ ક્યાં રહ્યો!

‘દિલ્હીમાં આપણો બંગલો છે? ત્યાં કોઈ સ્ત્રી...’

એક રાતે વસુધાએ કામક્રીડા માંડતા પતિને દબાયેલા સાદે પૂછ્યું. એવો જ ગાલે તમાચો પડ્યો, ‘તું મારી જાસૂસી કરે છે?’

પછી હાથ લંબાવી ફોનનું ડબલું ખેંચ્યું, નંબર ઘુમાવ્યો. રિંગ ગઈ, કૉલ રિસીવ થયો : હલો!

રૂપાની ઘંટડી જેવો અવાજ વસુધાની છાતી ચીરી ગયો.

‘રતિ, મારી વાઇફ તારા વિશે જાણી ગઈ છે...’

‘ઓહ!’

‘પતિ પર જાસૂસી કરવાની ગુસ્તાખીની સજા તો મળવી ઘટેને. તું બસ, રિસીવર કાને રાખી એ સજા સાંભળ.’

અને બેરહમપણે તે પત્ની પર ભૂખ્યા રાક્ષસની જેમ તૂટી પડ્યો. એનાથી વસમી પીડા કોઈ અમારા અંગત પર કાન માંડી બેઠું છે એની હતી.

વસુધાએ સ્વમાન ચૂરચૂર થતું અનુભવ્યું. આખી રાત તેનાં નૈન વરસતાં રહ્યાં.

‘આયેમ સૉરી.’

બીજી બપોરે તેના રૂમનો ફોન રણક્યો હતો. સામા છેડે રતિ હતી.

‘તમે કદાચ મારાથી ખફા હશો વસુધા, પણ કોઈકની બીજી સ્ત્રી બનીને રહેવાનું કોઈ સ્ત્રી હાથે કરીને પસંદ નથી કરતી એ તો તમે માનશો. મારે પણ મજબૂરી હતી. મારી વિધવા માનો હું એકમાત્ર આધાર. પિતાજી દેવું મૂકી ગયેલા. એમાં માને કૅન્સર નીકળ્યું. અમારા MLAને મદદની ટહેલ નાખવા સચિવાલયમાં આંટાફેરા કરતી’તી એમાં ધરમનો ભેટો થયો અને પછી ટૂંકમાં એટલું કે તેમણે

મારી મજબૂરી ખરીદી લીધી ને હું વેચાઈ ગઈ.’

‘મને તારી સામે કોઈ ફરિયાદ નથી રતિ... જ્યારે પોતાનું જ

માણસ ખોટું નીકળે ત્યારે પારકાને શું ધોકો કરવો!’

વસુધાએ કનેક્શન કાપી નાખ્યું.

મેં મારા જીવતરની દોરી કેમ ન કાપી! શા માટે અપમાનના ઘૂંટ ગળવા જીવતી રહી? જે પુરુષ પત્ની અને ઉપપત્ની હોવા છતાં કસબાની સ્ત્રીઓને ઉઠાવી ભોગવતો ફરે તે નરાધમનું સિંદૂર કેમ સેંથીમાં પૂરતી રહી?

કદાચ આવતી કાલના સુખની આશાએ. કદાચ ધરમ સુધરી જાય, મારા ખોળામાં બાળક રમતું થાય તો હું બીજા બધા ગમ ભૂલી જાઉં.

બાળક.

અને વસુધા ઉદર પર જમણો હાથ મૂકી આંખો મીંચી ગઈ: ક્યારે અહીં ધરમનો અંશ પાંગરે...

એ અંશ પાંગર્યો તો ખરો, પણ...

lll

પણ પછી શું? 

સવારની રાત થઈ. નિરાલીની ઇચ્છા તો એકી બેઠકે વાંચન પતાવાની હતી, પણ હવે ઝોકાં આવતાં મુદત નાખવી જ રહી.

lll

આ..હ!

રૂમમાં ઊઠતી ચીસો બહાર વગડામાં પડઘાતી રહી. તમાકુ મસળતા ગાર્ડ્સ એકબીજા સામે જોઈ હસ્યા : આજે છોટે ભૈયા બહુ તાનમાં લાગે છે.

‘વગર ગાંજાએ તાનમાં છે!’ એકે આંખ મિંચકારી, ‘રંભા ને ઉર્વશી જેવી અપ્સરા મળે પછી આપણા છોટે ભૈયા તાંડવ મચાવ્યા વિના રહેતા હશે!’

‘પણ યાર, હવે છોકરી ઉપાડવાનું જોખમી થઈ ગયું છે. પહેલાં તો બડે ભૈયાની ધાકે કોઈ બોલતું નહીં. કોઈ ફરિયાદ નોંધાવવા જાય તો પણ ફોજદાર દંડા મારી ભગાવી દેતા, પણ નવી પેઢીમાં કોઈને બડે ભૈયાની પણ શેહશરમ નથી રહી.’ બીજાએ દાખલો ચીંધ્યો, ‘જોને, ગયા મહિને નવાબસરની સબીનાએ રેપની ફરિયાદ નોંધાવી એને ઠેકાણે પાડવા બડે ભૈયાએ દિલ્હી સુધી ધક્કા ખાવા પડ્યા.’

‘છોટે ભૈયા તો પણ ક્યાં સુધરે છે!’ પહેલાએ તમાકુ મોંમાં મૂકી, ‘પર કુછ ભી કહો, છોટે ભૈયા મેં દમ હૈ. પોલીસ તો છોડો, નેતાને ગણકારતા નથી. પેલે દહાડે MLA બડે ભૈયાને મળવા દફતરે આવેલા તો તેમની મીટિંગમાં ઘૂસી જઈ છોટે ભૈયાએ પાધરકું નેતાનું માથું ટેબલ પર અફાળ્યું : બડે ભૈયા સામે બેસવાની તારી ઔકાત! યે ભગવાન હૈં યહાં કે, અદબ સે ખડા રહનેકા... બાહુબલીમાં આવો પાવર જોઈએ! બડે ભૈયા એ હિસાબે થોડા ઘરડા થઈ ગયા હવે.’  

‘હા, મતલબ અપની ગદ્દી છોટે ભૈયા કો સૌંપ દેની ચાહિએ.... આખિર ઉનકે ઇકલૌતે વારિસ તો વહી હૈં.’

એ જ વખતે રૂમની ચીસો તીવ્રતમ બની.

‘બોલો, યે છોટા બડા બન જાએગા ફિર ક્યા હોગા!’

બન્ને ગાર્ડ ગંદું હસ્યા અને રાતનો માહોલ વધુ બિહામણો બની ગયો.

lll

‘આ છોકરો હજી આવ્યો નહીં!’

મધરાત વેળા રૂમમાં આંટા મારતા ધર્મરાજ સિંહે કાંડા ઘડિયાળમાં જોઈ દાંત પીસ્યા : યુવરાજ ફરી બંગલીએ જ ગયો હોવો જોઈએ. આજકાલ તેની જવાની કંઈક વધારે જ ફાટફાટ થતી લાગે છે!

તેમની નજર દીવાલે લટકતી પત્નીની તસવીર પર પડી : વસુ, યુવરાજને હું કેટલું સમજાવું છું... કે હવે તારા બાપ-દાદાનો જમાનો નથી રહ્યો. હતો, એ જમાનો હતો જ્યારે મારી ગાડીના હૉર્ન માત્રથી લોકોની છાતી ચિરાઈ જતી, હવે શું છે કે બધાએ જ બાહુબલી બનવું છે. તું હયાત હોત વસુધા, તો આપણા દીકરાને સંભાળી લીધો હોત!

‘આપણો દીકરો?’ પત્ની ન સહાય એવું હસી, પછી ઉમેર્યું : બાઈમાણસ પુરુષને સમજાવે એવી આ ઘરમાં પ્રથા જ ક્યાં છે? અને તમે યુવરાજનું કહો છો, પણ તમારી જુવાનીમાં તમે કાંઈ ઓછી રાત ગાળી છે એ બંગલીમાં?

અને ધર્મરાજે નજર ફેરવી લેવી પડી.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 12:04 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK