Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર કરવામાં આવનારા અટૅક પાંચ દિવસ માટે સ્થગિત કર્યા

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર કરવામાં આવનારા અટૅક પાંચ દિવસ માટે સ્થગિત કર્યા

Published : 24 March, 2026 10:12 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકન પ્રેસિડન્ટે કહ્યું કે ઈરાન સાથે વાટાઘાટો થઈ રહી છે; જ્યારે ઈરાને કહ્યું કે અમેરિકાએ પીછેહઠ કરી છે, કોઈ વાતચીત થઈ નથી, અમારો સીધો કે પરોક્ષ સંપર્ક નથી કર્યો

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતાં હાલ પૂરતા ઈરાન પર સંભવિત લશ્કરી હુમલા પાંચ દિવસ સુધી મુલતવી રાખ્યાની જાહેરાત કરી હતી. જોકે બીજી તરફ ઈરાને કહ્યું હતું કે ‘અમેરિકાએ પીછેહઠ કરી છે. અમારી સાથે કોઈ વાતચીત થઈ નથી, અમારો સીધો કે પરોક્ષ સંપર્ક નથી કર્યો. મધ્યસ્થી દ્વારા પણ વાતચીત નથી થઈ. અમારાં લક્ષ્યો વેસ્ટ એશિયાના તમામ પાવર પ્લાન્ટ હશે એવી અમારી ધમકી સાંભળીને તેઓ પાછળ હટી ગયા છે.’

ટ્રમ્પે શું જાહેરાત કરી?



ડોનલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘છેલ્લા બે દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સારી અને સકારાત્મક વાટાઘાટો થઈ છે એથી મેં યુદ્ધ વિભાગને ઈરાની પાવર પ્લાન્ટ્સ અને ઊર્જામાળખા પરના તમામ લશ્કરી હુમલાઓ પાંચ દિવસ માટે મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. ઈરાન સાથેની વાટાઘાટો ખૂબ સારી અને ઉત્પાદક રહી હતી. વાતચીત આખા અઠવાડિયા દરમ્યાન ચાલુ રહેશે. ભવિષ્યમાં હુમલા થશે કે નહીં એનો આધાર વાટાઘાટોની સફળતા પર હશે.’


અગાઉ ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું

જોકે બન્ને દેશો વચ્ચેની વાતચીતમાં શું નિર્ણય લેવામાં આવ્યો હતો અથવા કોઈ નક્કર કરાર થયો હતો કે નહીં એ સ્પષ્ટ કર્યું નથી. અગાઉ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો એ ૪૮ કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લું નહીં રાખે તો અમેરિકા એના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવશે.


ઈરાને કર્યો ઇનકાર

ઈરાનના વિદેશ મંત્રાલયે શાંતિ વાટાઘાટો વિશે પ્રેસિડન્ટ ટ્રમ્પના નિવેદનનું ખંડન કર્યું છે. ઈરાને કહ્યું હતું કે અમારો અમેરિકા સાથે કોઈ સીધો કે પરોક્ષ સંપર્ક નથી થયો. ઈરાની મીડિયાએ ટ્રમ્પની મજાક ઉડાડતાં કહ્યું હતું કે ‘ટ્રમ્પ પાછળ હટી ગયા છે. તેમણે પીછેહઠ કરી છે.’

ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રૉડકાસ્ટિંગે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાનના પ્રતિભાવથી ડરીને ડોનલ્ડ ટ્રમ્પે તેમના ૪૮ કલાકના અલ્ટીમેટમથી પીછેહઠ કરી છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિ આયોગના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ જીતના દાવાઓનું પુનરાવર્તન કરીને કહ્યું હતું કે ‘ટ્રમ્પ અને અમેરિકાએ ફરીથી પીછેહઠ કરી છે. અમે હજી પણ આગળ વધી રહ્યા છીએ, શેતાન માટે વધુ એક હારનો સમય છે.’

તેહરાનના મીડિયાએ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે ‘ટ્રમ્પ ફક્ત ક્રૂડ ઑઇલના ભાવ ઘટાડવા માટે આ જાહેરાત કરી રહ્યા છે. ઉકેલ માટે કોઈ વાટાઘાટો થઈ નથી. ઈરાન પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખશે.’

ઈરાન ઉદ્દેશો પ્રાપ્ત કરશે

ઈરાન મિલિટરી ન્યુઝે વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું હતું કે ‘ઈરાન યુદ્ધમાં એના ઉદ્દેશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ પણ વાટાઘાટો સ્વીકારશે નહીં. ટ્રમ્પની કમેન્ટ્સ તેમની અગાઉની ધમકીઓથી પીછેહઠ છે, પરંતુ ઈરાનની સ્થિતિ બદલાઈ નથી. હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ દુશ્મનો માટે બંધ રહેશે.’

ઈરાનની સ્પષ્ટ વાત

ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘જો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે તો ક્ષતિગ્રસ્ત પ્લાન્ટ ફરીથી બનાવવામાં ન આવે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. ઇઝરાયલના પાવર, એનર્જી અને ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજી (ICT) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવશે. મિડલ ઈસ્ટના દેશોમાં અમેરિકન બેઝ ધરાવતા પાવર પ્લાન્ટ અમારા નિશાના પર રહેશે.’

ટ્રમ્પની જાહેરાતની થોડી વારમાં ઇઝરાયલે તેહરાન પર હુમલો કર્યો

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના પાવર-પ્લાન્ટ પર હુમલા રોકવાની જાહેરાત કર્યા પછી તરત જ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ ઈરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો હતો. IDFએ કહ્યું હતું કે એ તેહરાનના મધ્યમાં ઈરાની આતંકવાદી શાસનનાં લક્ષ્યો પર હુમલો કરી રહ્યું છે. 

હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાનનો જૉઇન્ટ કબજો રહેશે: ટ્રમ્પ

પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પર સંયુક્ત રીતે અમેરિકા અને ઈરાન દ્વારા નિયંત્રણ કરવામાં આવી શકે છે. આ સ્ટ્રેટ સંયુક્ત રીતે નિયંત્રિત કરવામાં આવશે અને કદાચ મારા દ્વારા અને આગામી જે કોઈ પણ આયાતુલ્લા હશે તેમના દ્વારા નિયંત્રિત કરવામાં આવશે, આમ થયા બાદ તેલના ભાવ ઝડપથી ઘટી જશે.

મિસાઇલ બની ગઈ રમકડું

ઇઝરાયલી કબજા હેઠળના વેસ્ટ બૅન્કની એક વસાહતમાં પડેલી ઈરાની મિસાઇલના અવશેષ પર ગઈ કાલ રમતાં બાળકો.

વાતચીત માટે ઈરાને અમારો સંપર્ક કર્યો હતો, તેઓ અમારી સાથે ડીલ કરવા માગે છે:  ટ્રમ્પ

ઈરાન દ્વારા અમેરિકા સાથે કોઈ પણ વાતચીતનો ઇનકાર કર્યા બાદ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ઈરાને વાતચીત માટે અમારો સંપર્ક કર્યો હતો. હું ઈરાનમાં એક ટોચની વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું. અમેરિકા અને ઈરાન બન્ને ચાલી રહેલી દુશ્મનાવટને ઉકેલવા માટે કોઈ કરાર પર પહોંચવામાં રસ ધરાવે છે. અમે ઈરાન સાથે કોઈ કરારની ગૅરન્ટી આપી શકતા નથી. ઈરાન કોઈ પણ હિસાબે અમારી સાથે ડીલ કરવા માગે છે.’  ટ્રમ્પે દાવો કર્યો હતો કે પાંચ દિવસ કે એનાથી વહેલી ડીલ થઈ શકે છે. અહેવાલો અનુસાર ઈરાન સાથે ડીલ પર રવિવારે વાટાઘાટો થઈ હતી જેમાં અમેરિકાના પ્રતિનિધિઓ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકૉફ અને તેમના સમકક્ષ સામેલ હતા. 

નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ઉપલબ્ધ નથી: ટ્રમ્પ

યુદ્ધના સંભવિત અંત પર ઈરાન સાથે વાટાઘાટોમાં સામેલ થયાની જાહેરાત કર્યા પછી ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનમાં શાસનપરિવર્તનનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે ‘અમેરિકા એક સોદા માટે ખૂબ જ ઉત્સુક છે. ઈરાનમાં હાલમાં જે થઈ રહ્યું છે એ શાસનપરિવર્તન છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ઉપલબ્ધ નથી.’

ઈરાનમાં સત્તાપરિવર્તનનું કામ ચાલુ છે, વાટાઘાટો પડી ભાંગશે તો અમે ઈરાન પર બૉમ્બમારો કરીશું : ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનમાં શાસન-પરિવર્તન અસરકારક રીતે ચાલી રહ્યું છે અને ચેતવણી આપી હતી કે જો ઈરાની નેતાઓ સાથે ચાલી રહેલી વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકાનો ઈરાન પર બૉમ્બમારો ચાલુ રહેશે. ડોનલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે અમેરિકાની ચર્ચાઓ સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે નહીં, પરંતુ વાજબી ગણી શકાય તેવા અન્ય અધિકારીઓ સાથે ચાલી રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 10:12 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK