Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રામનવમી - એક અનોખી વાત (પ્રકરણ ૩)

રામનવમી - એક અનોખી વાત (પ્રકરણ ૩)

Published : 25 March, 2026 12:07 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

રામાયણની કથા તો એવી કરે કે ગામ ઘેલું થાય. લોકજાગૃતિમાં પણ અગ્રેસર: જે જિલ્લાનું નામ અયોધ્યા હોવું જોઈએ એ ફૈઝાબાદ તરીકે ઓળખાય છે, રામની જન્મભૂમિ પર રામનું જ મંદિર નહીં?

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘મન કી અયોધ્યા તબ તક સૂની જબ તક રામ ન આએ...’

દૂર ક્યાંક ગુંજતા લતાના સ્વરના સાંનિધ્યમાં અનસૂયામાએ રૂમમાં રહેતો પટારો ખોલ્યો. એમાંથી ભગવો ઝભ્ભો હાથમાં લેતાં હૈયું કંપ્યું.



‘મા, મારી બહુ માયા ન રાખીશ.’


અતીતમાંથી સરી આવેલા અખિલના શબ્દો તેમને ગતખંડમાં તાણી ગયા.

ભરતગઢનો આશ્રમ પતિ વિશ્વાનંદ માટે સેવાના ધામ


સમાન હતો.

ખરેખર તો એ મૂળ મહંત રામેશ્વરનાથનો આશ્રમ હતો. કાળની થાપટથી જર્જરિત બનેલા આશ્રમના ઢાંચાને તોડી તેમની ત્રીજી પેઢીના શિષ્ય વિશ્વાનંદે ખેતી શરૂ કરી ઉપજાઉ બનાવી દીધો. વિશ્વાનંદે સંસાર પણ માંડ્યો, પરંતુ સંસારી સાધુની જેમ મોહમાયાના દુર્ગુણથી તો નિર્લેપ જ રહ્યા. ખેતીની આવકમાંથી સદાવ્રત ચાલતું. સંસારમાં પતિના સ્વાસ્થ્ય અને પુત્રના સુખથી વિશેષ કામના અનસૂયાએ કદી કરી નહોતી. દીકરો તેનો પ્રાણપ્યારો. વિશ્વાનંદ તેને સંસ્કૃતના પાઠ ભણાવતા, રામાયણની ચોપાઈ વાંચતા.

પછીથી અખિલ તેના મધુર કંઠે ચોપાઈ દોહરાવે ત્યારે સમગ્ર વાતાવરણ મુગ્ધ બની જતું. મોટો થતો પુત્ર ભક્તિરસમાં તરબોળ થાય, દીનદુખીની સેવા કરે એથી દંપતી હરખાતું. રામનામ તેના હૈયે હતું. રામાયણની કથા તો એવી કરે કે ગામ ઘેલું થાય. લોકજાગૃતિમાં પણ અગ્રેસર: જે જિલ્લાનું નામ અયોધ્યા હોવું જોઈએ એ ફૈઝાબાદ તરીકે ઓળખાય છે, રામની જન્મભૂમિ પર રામનું જ મંદિર નહીં?

તેણે કારસેવકો માટે સદાવ્રત શરૂ કર્યું. દીકરાને અધ્યાત્મની ઊંચાઈ સર કરતો જોઈ માતાપિતાને ભવ સાર્થક થતો લાગતો.

અરે, બાવીસ વર્ષના થયેલા અખિલના સ્પર્શે માંદા લોકો સાજા થયાના કિસ્સા ચર્ચાતા થયા હતા, પણ અખિલ પોતે એ ચમત્કારને નહોતો માનતો. સ્પર્શમાં હીલિંગ પાવર છે એ ખરું, પણ ખરેખર તો દવાની અસર શરૂ થવી અને મારો હાથ ફરવો એ જોગાનુજોગને ભોળી પ્રજા ચમત્કાર માની લે છે.

દીકરાના વિવેક પર અનસૂયા ઓવારી જતાં, તેમનું તો વિશ્વ જ અખિલમાં સમેટાઈ જતું.

‘તારા ભક્તિમાર્ગની આડે નહીં આવું પણ તું પચીસનો થાય એટલે સંસારની બેડી બાંધી દેવાની છું.’ માના ઓરતા બોલી ઊઠતા.

માના વહાલે ગદ્ગદ થતો અખિલ ક્યારેક બોલી જતો: મા, મારી બહુ માયા ન રાખ.

‘કેમ આવું બોલે છે?’ અનસૂયા ક્યારેક વઢતાં, ક્યારેક રડી પડતાં.

‘તને કેમ સમજાવું?’ વીસ વર્ષનો થયેલો અખિલ સહેજ વિહ‍્વળ બનતો, ‘ગયા વર્ષે કાશીથી વિદ્યાધન પંડિત આવેલા. તેમની પાસેથી થોડું જ્યોતિષ શીખ્યો છું એટલે જાણું છું કે મને આવરદાનું સંકટ છે.’

હેં! તેજસ્વી પુત્રના અલ્પ આયુના ભવિષ્યકથને અનસૂયા-વિશ્વાનંદ વિચલિત થઈ ગયેલાં. પણ અખિલની સ્થિતપ્રજ્ઞતા અદ‍્ભુત હતી: મા, પિતાજી, એનો શોક શું કરવો? આખરે કોણ અહીં અમરપટો લઈને આવ્યું છે? 

મા તેને ચૂમીઓથી ભીંજવી દેતી: મારા રહેતાં તને લેવા યમરાજ આવે તો ખરા!

અને કોણ જાણે યમરાજ એ સાંભળી ગયા હોય એમ મારી ગેરહાજરીમાં જ આવ્યા ને મારા જીવનનો આધાર છીનવી ગયા!

અત્યારે પણ નિસાસો સરી ગયો અનસૂયામાથી.

ધર્મરાજ સિંહ યાદવ. ત્યારના ફૈઝાબાદનો લૅન્ડ માફિયા.

એ અરસામાં ધર્મરાજનું ધ્યાન અલાહાબાદ-વારાણસી જતા નૅશનલ હાઇવે ટચ આશ્રમની મોકાની જગ્યા હડપ કરવા પર હતું.

વિશ્વાનંદ ત્યારે શરીરે નાદુરસ્ત રહેતા. પચીસ વર્ષના ઉંબરે ઊભેલા અખિલને બેચાર વાર જમીન ખાલી કરવા સંદેશો મોકલ્યો, ઊભેલો

મોલ બાળી નખાવ્યો. તોય બંદો

ટસનો મસ નથી થતો એનો ધરમરાજને ખાર હતો. 

‘ભૈયાજી, જવા દોને. તેને બહુ વતાવવા જેવો નથી. મંત્ર-તંત્ર જાણતો હશે કે નહીં એની તો ખબર નથી, પણ તેનો હાથ ફરવાથી માંદા બેઠા થાય એવી ગામવાળાની શ્રદ્ધા છે. ચમત્કારી આદમીને હેરાન કરીએ તો એ આપણું ધનોતપનોત કાઢી નાખે.’ 

ધર્મરાજના વિશ્વાસુ મનાતા બેચાર જણે વારવાની કોશિશ કરી જોઈ એથી તો તેને વધુ ચાનક ચડી: આવા ચમત્કારી જુવાનને મારાં ચરણોમાં નમતો કરવાનો ચમત્કાર કરી દેખાડું તો હું ખરો બાહુબલી!

પણ તે ટસનો મસ ન થતાં ધર્મરાજ ગિન્નાયો: ‘ખતમ કર

દો ઉસકો.’

ધર્મરાજના આદેશે અખિલની હત્યાના ઇરાદે શાર્પશૂટર બબલુ અમાસની રાતે ખેતરમાં ઊતરી મધ્યમાં આવેલા બેઠા ઘાટના મકાન સુધી પહોંચ્યો. અનસૂયા ત્યારે પતિની સારવાર અર્થે દિલ્હી ગયેલાં એટલે ઘરમાં અખિલ એકલો જ હતો.

અંદરના ખંડની બત્તીનો દૂધિયો અજવાસ આંગણામાં અજવાળું આપતો હતો. દબાતે પગલે આગળ વધતા બબલુએ જમણા હાથમાં પિસ્ટલ કસી ડાબા હાથે ધક્કો દેતાં મુખ્ય દરવાજો ખૂલી ગયો. તેને નવાઈ લાગી: બારણે અંદરથી આગળો પણ નથી વાસ્યો!

અને લો, સામે જ બેઠો છે તેનો શિકાર!

કેસરિયા ધોતી-ઉપરણામાં પદ્માસનની મુદ્રામાં ધ્યાનમાં બેઠેલો અખિલ હિમાલયના કોઈ સાધુ જેવો ભવ્ય લાગ્યો.

ના, ના. મારે તેનાથી અંજાવાનું નથી! બબલુએ આસપાસ જોયું. હૉલની ખુલ્લી બારીમાંથી શીતળ હવા ફેંકાય છે. લાઇટ ચાલુ છે, પણ પંખો બંધ છે. ઓરડાની વચ્ચોવચ જઈ બબલુએ રિવૉલ્વર તાકી: આંખો ખોલ!

અને તેની પાંપણના પડદા ઊંચકાયા. ઓહ, કેવી નિર્મળ અને છતાં મોહિત થઈ જવાય એવી આંખો! 

‘ભાઈ, તારી પીઠ પાછળ મારા રામજી બેઠા છે.’ અખિલે સ્મિત વેર્યું, ‘તેમના ધામમાં હથિયાર શોભે નહીં!’

તેની વાણીમાં પણ કેવું

સંમોહન વર્તાયું! બબલુએ રિવૉલ્વર પર મૂઠી કસી,

‘ઉપદેશ બંધ, સાધુ! આંખો મીંચી તારા ઈષ્ટદેવને સંભારી લે એટલે મને નિશાન લેવાનું ફાવે!’

‘તું મને મારવા માગે છે, પણ જન્મ-મરણ તેના હાથમાં છે જેની મરજી વિના પત્તું પણ નથી હાલતું.’ અખિલે જરાય વિચલિત થયા વિના આંખો મીંચી, ‘મારું મૃત્યુ આ ઘડીએ તારી ગોળીથી લખ્યું હશે તો એ કદાપિ મિથ્યા નહીં થાય. અને એવું નિર્મિત ન હોય તો છૂટેલી ગોળી પણ મારો વાળ વાંકો નહીં કરી શકે.’

‘એમ!’ બબલુની આંગળી ટ્રિગર પર દબાઈ, ‘આ જો..ઈ.. ઓ મા!’

છતમાં લટકતા બંધ પંખા પરથી સર્પ તેના રિવૉલ્વરવાળા કાંડે પડ્યો ને ચીસ નાખતા બબલુના હાથમાંથી ગન વચકી ગઈ.

‘બાપજી, માફી!’ ધ્રૂજતા હાથે તે કરગર્યો. આંખો ખોલતાં અખિલને દૃશ્ય સમજાયું. ઊભા થઈ બબલુ પાસે પહોંચ્યો. મા બાળકને પારણામાંથી તેડે એમ બબલુના કાંડા પરથી સાપને લઈ જમીન પર છોડી દીધો, ‘અહીં ખેતરને કારણે સર્પ આવી ચડતા હોય છે, પણ એ ઝેરી નથી હોતા...’

તેના પાતળા હોઠ પર ફરકી જતું સ્મિત બબલુને ગૂઢ લાગ્યું.

‘હું ફરીથી ધ્યાનમાં બેસું છું, તને તારું કામ પતાવવાની છૂટ છે.’

પણ ઝેરનાં પારખાં કરવાની બબલુની હામ નહોતી. તે ગન લઈને એવો ભાગ્યો કે આ દિશામાં ફરી દેખાયો નથી!

તેના બયાને ધર્મરાજ સમસમી ગયેલો: કાગનું બેસવું ને ડાળના પડવાને ચમત્કાર ગણે છે બેવકૂફ?

અને પછી એક સાંજે અખિલ સંધ્યા સાધનામાંથી પરવાર્યો કે ઊભા મોલને કચડતી મોટી ગાડીઓ આશ્રમના આંગણમાં અટકી..

કાશ, હું ત્યારે આશ્રમમાં હાજર હોત તો દીકરાનું મોત મેં ઝીલી

લીધું હોત.

અનસૂયામાએ ભીની પાંપણ લૂછી. પતિ વિશ્વાનંદના સ્વર્ગવાસના ત્રીજા મહિને આ બન્યું ત્યારે પોતે શોક ઉતારવા મથુરાના પિયર ગયેલાં અને અહીં કાળ મારા લાડકવાયાને ભરખી ગયો.

કાંપતા હાથે વસ્ત્રો પંપાળી તેમણે કપડાની ગડી વચ્ચે મૂકેલી તસવીર હાથમાં લીધી: કેવો કલૈયાકુંવર જેવો મારો દીકરો! ક્યાં ગયો તું દીકરા?

‘ક્યાંય ગયો નથી મૈયા. અજાતશત્રુના રૂપમાં હું તારી સાથે જ છું!’

અને પુત્રની છબી છાતીએ ચાંપતી માતાની આંખો વરસી પડી.

lll

ત્યારે નિરાલી વસુધાના વૃત્તાંતમાં મધ્યાંતરે પહોંચી ચૂકી હતી.

બાહુબલી ગણાતા ઐયાશ પતિ સાથેનું લગ્નજીવન સુખી નહોતું. તોય ડિવૉર્સનું તો વિચારાય પણ નહીં અને આત્મહત્યા કરી હું છૂટી જાઉં પણ પછી ખાનદાન પર કલંક લગાડવા બદલ ધર્મરાજ મારા માવતરને બરબાદ કરી મૂકે એ ડર મરવા પણ નહીં દેતો.

‘નહીં, કોઈ પણ હિસાબે મને સોનાની લગડી જેવી જમીન જોઈએ.’

બૈરીનું સ્થાન શૈયા અને રસોઈઘરથી બીજે ક્યાંય હોય નહીં એવું માનનારા ધર્મરાજ વસુધા સાથે ધંધાની ગતિવિધિ ચર્ચતા હોય એ તો સંભવ નહોતું પણ તેનું કામકાજ, તેના ફોન ચાલુ જ હોય એટલે વસુધાના કાને ઘણું કંઈક પડતું રહે.

આમાં ધર્મરાજ ભરતગઢના આશ્રમની જમીન હડપવા માગે છે એ ઘટનાક્રમ જાણી વસુધાનો નિશ્વાસ સરી ગયેલો. આશ્રમના યુવાન અખિલ વિશે સાંભળી આદરથી નમન કરવાનું મન થયેલું : ચોવીસ-પચીસની ઉંમરે તેનું તપનું એવું બળ કે લોકોનો બેલી બની જાય, ગન લઈને ગયેલો બબલુ તેને મારી ન શકે! રામ સાથે વેર ન બાંધવા મંદોદરીએ રાવણને સમજાવેલો એમ વસુધાએ પણ પતિને કહી જોયું: શા માટે દીનદુખિયાના આશરા જેવા આશ્રમ પર નજર નાખો છો?

શયનખંડમાં વણમાગી સલાહે ધર્મરાજ લાલચોળ થયેલો, એ રાતે બહુ જુલમ વરસાવ્યો તેણે.

વસુધાના ચિત્તમાં આત્મહત્યાનો ભાવ ઘૂંટાવા લાગ્યો: માવતરને કહીશ તો તેઓ પણ મારી સાથે વખ ઘોળવા તૈયાર થઈ જશે. પણ હવે નથી જીવવું, નથી જીરવવું!

પણ ના. એમ આંધળૂકિયું કરવાનું વસુધાના નસીબમાં નહીં હોય. એટલે ખુશખબરીએ દસ્તક દીધી : તે ગર્ભવતી થઈ!

આ બધું વાંચતાં નિરાલીને સમજાયું કે ધર્મરાજની નજર આ જ આશ્રમ પર હતી. દાદીમૈયાના યુવાન પુત્ર અખિલ વિશે જાણી અભિભૂત થવાયું.

વસુધા ગર્ભવતી બન્યા પછી

શું થયું?

નિરાલીએ પાનું ફેરવ્યું.

lll

‘બધાઈ હો!’

યાદવ કુટુંબની વહુ ગર્ભવતી હોવાના ખબરે હવેલીમાં ઓચ્છવનું વાતાવરણ સર્જી દીધું. સાસુ ગામતરું કરી ગયેલાં પણ શ્વશુરે આશીર્વાદ ભેગી શીખ દીધી: વહુ, ન ભૂલશો કે તમારામાં યાદવકુળનો વંશજ શ્વસે છે. એવું કંઈ જ કરશો નહીં જેથી તેને હાનિ પહોંચે.

આમાં કાળજીથી વધુ આજ્ઞાપાલનની ગર્ભિત ધમકી હતી.

અને વંશના વારસ માટેની તકેદારી પણ કેવી! ધર્મરાજનો બિસ્તર અલગ રૂમમાં કરાયો, ડૉક્ટરે ચકાસણી માટે ઘરે આવવાનું રહેતું. અરે, અલાહાબાદના પિયર જવાની પણ

છૂટ નહોતી.

‘તમે તો ભાઈ ભારે ભુલકણા.’

ધર્મરાજસિંહના કુટુંબીઓમાં પણ તેના નામનો થથરાટ રહેતો, પણ દૂરનાં ફોઈની દીકરી મેઘના સાથે ધરમને ભળતું. બનારસથી પિયર આવેલી મેઘનાએ જ યાદ અપાવ્યું, ‘ભાભીના ખુશખબર પછી તમે કુળદેવીએ પગે લાગવા તો ગયા નહીં! બાપા (લોકરાજસિંહ) પણ વીસરી ગયા કે આપણે ત્યાં વહુ ભારેપગી થાય કે માતાજીનાં દર્શને લઈ

જવાનો રિવાજ છે. ગર્ભમાં પ્રાણના સંચાર થાય એ પહેલાં ભાભીને કુળદેવીએ લઈ જાઓ...’

મેઘનાની ટકોર છતાં તરત તો નીકળાયું નહીં. બીજા મહિને પરાણે સમય કાઢી વસુધા સાથે દેવીના સ્થાનકેથી પાછા ફરતાં ધર્મરાજના ચિત્તમાં અખિલ ઝબકી ગયો : થોડો લાંબો ચકરાવો લઈ તેનો હિસાબ નિપટાવી દીધો હોય તો! એ કહેવાતા ચમત્કારી જુવાનને પણ ભાન થાય કે બાહુબલીની આડે ઊતરનારની કેવી વલે થાય છે!

અને તેમણે અખિલના રહેણાકની દિશા પકડતાં એકસાથે દસ ગાડી હાઇવે પર સરકવા લાગી.

અને સૂરજ ડૂબવાને ટાણે ઊભા મોલને કચડતી મોટી ગાડીઓ આશ્રમના આંગણમાં અટકી.

lll

નિરાલી એકચિત્તે વાંચતી રહી. એ સાંજે અહીં જે ઘટ્યું અને એના પછી જે બન્યું એ અવાક કરી દેનારું હતું.

રાતે જાગીને તેણે વૃત્તાંતવાંચન પતાવ્યું. ક્યાંય સુધી તેના દિલદિમાગ પર એ ગાથાની અસર રહી.

lll

આની ચોથી સાંજે...

નિરાલી હજી ન આવી!

ચૈત્રની સાતમના નોરતે સાંજે માતાજીના મંદિરે જવાનું કહી નીકળેલી નિરાલી પરત આશ્રમ આવી જ નહીં. તેનો મોબાઇલ પણ નથી લાગતો!

હવે?

 

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 12:07 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK