Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સમણાંનો સ્વામી - મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૪)

સમણાંનો સ્વામી - મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૪)

Published : 15 January, 2026 06:53 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

આખું પ્રકરણ અહીં વાંચો

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘બિચારો ઍલન. ઇન્ડિયા જઈ ઊર્જાને મળવાનાં શમણાં જોતો હશે, બિચારાને શું ખબર કે ઊર્જાના નામે તે મુંબઈમાં નામર્દ ઠરી જવાનો છે!’

હું આ શું સાંભળું છું!



આજે સાંજે મુંબઈ-પૅરિસની ફ્લાઇટમાં પૅરિસ ઊતરેલી ઊર્જાનો નાઇટ-સ્ટે પૅરિસમાં હતો. સ્વિસ ઍરના નિયમ પ્રમાણે સ્ટાફ તેમના રુત્બા મુજબની હોટેલના ઑપ્શન્સ લઈ શકતો. ઊર્જા હોટેલ મર્ક્યુરીમાં રોકાતી. એની વિન્ડોમાંથી સામે જ આઇફલ ટાવર દેખાતો.


કંઈકેટલી વાર અહીં ઍલને ઘૂંટણિયે પડી ઊર્જાને પ્રપોઝ કર્યું હશે, ટાવરની ટોચે ઊર્જાના હોઠને હોઠમાં જકડી સમયને થંભાવી દીધો હશે, રૂમની દીવાલો શરમાઈ જાય એવી મધુરજની માણી હશે... ઊર્જાનાં શમણાંઓનો કંઈ અંત હતો!   

પણ અત્યારે ડિનર લઈ રૂમ પર પરત થતી ઊર્જાના પગ થંભી ગયા. થોડે દૂર ઝાંખા અજવાસમાં ઊભેલા કપલમાંની સ્ત્રી શું બોલી ગઈ!


તેણે કાન માંડ્યા અને ડીલના બહાને ડેવિડ સાથે પૅરિસ આવેલી મારિયાને નાઇટ-શો માણવાના થનગનાટમાં ધ્યાન જ નહોતું કે પોતાનો પ્લાન નન અધર ધૅન ઊર્જાના કાને પડી ચૂક્યો છે!

lll

આ તો મારિયા હતી. ઍલનની વાઇફ. ધ મૅન વૉઝ ડેવિડ - ઍલનનો મૅનેજર.

ઍલનની આસપાસ મહત્તમ રહેનારી બે વ્યક્તિને ઊર્જા સોશ્યલ મીડિયાને કારણે ચહેરાથી ઓળખતી હતી. તેમનું ચારિત્ર આજે ખૂલી ગયું! 

બેઉને નજીક આવતાં જોઈ અંધારામાં સરકી ગયેલી ઊર્જાના દિમાગમાં ધમધમાટી બોલતી હતી: જર્મન ભાષા શીખ્યાનું આજે સાર્થક થયું, નહીં તો અમારાં નામ સિવાય કશું પલ્લે ન પડત!

પણ હવે સ્પષ્ટ છે કે ડેવિડ સાથે રૂમ શૅર કરનારી મારિયાનો તેની સાથે આડો સંબંધ જ હોય ને એટલે જ બેઉ ઍલનનાં વેરી બન્યાં હોય!

આવતા અઠવાડિયે શુક્રવારે ઇન્ડિયન ટાઇમ મુજબ ઍલન રાત્રે દિલ્હી લૅન્ડ થશે, ડેવિડે જ ઍલનના પેજ પર ટૂરની માહિતી શૅર કરી છે. દસ દિવસની યાત્રામાં મારિયા પણ જોડાવાની છે, ડેવિડ તો હોય જ. દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતમાં વડા પ્રધાનને પણ મળવાનો પ્લાન છે, રામલીલા મેદાનમાં પબ્લિક ઇવેન્ટ છે. ત્યાંથી
કલકતા- હૈદરાબાદનો રાઉન્ડ લઈ બીજા શુક્રવારે રાતે તે મુંબઈ ઊતરશે અને સોમવારે અર્લી મૉર્નિંગ તેમની ફ્લાઇટ છે એટલે જે થશે એ શનિ કે રવિવારે થશે...

પણ ત્યાં સુધીની રાહ શું કામ જોવી? હું જિનીવા પહોંચી ઍલનને ચેતવી દઉં છું...

અને તે તારું કહ્યું માની લેશે? તારી પાસે પુરાવો શું છે? ખાતરી કરવા તેણે મારિયાની ઊલટતપાસ કરી તો અનર્થ થઈ જવાનો. મારિયા કદી કબૂલે નહીં, ઊલટું મારા-ઍલનના સંબંધ પર મનઘડંત આક્ષેપ મૂકી વાત ફેરવી નાખશે. પોતાનો પ્લાન પણ બદલી નાખશે તો મને એ જાણવાનો મોકો વારંવાર ઓછો મળવાનો!

નહીં, મારું નામ વાપરી ઍલનને નુકસાન પહોંચાડવાનો કારસો તો ખુલ્લો પાડવો જ રહ્યો. આ બહાને પણ ઍલનની રૂબરૂ થવાનું બનશે એ વિચારે મુગ્ધતા પ્રસરી.

અને ત્યારે ધ્યાન ગયું: મારિયા બોલી હતી- ઍલન ઊર્જાને મળવાનાં શમણાં જુએ છે... મતલબ ઍલન મને ભૂલ્યા નથી! મને મળવા ઝંખે છે!

હોઠ કરડતી ઊર્જાએ તકિયો છાતી સરસો ભીંસી દીધો!

lll

‘દિલ્હી!’ મહિમા સખીને તાકી રહી.

ઍલનના મુંબઈ આવવાના ખબરે ઊર્જાનું ખુશ થવું સ્વાભાવિક લાગેલું પણ ત્રણ દિવસ અગાઉ પૅરિસથી પરત થયેલી ઊર્જા રઘવાટમાં હતી: ઍલનની વાઇફ તેને ચીટ કરે છે, તેના મૅનેજર જોડે મળી મુંબઈમાં ઍલનને નુકસાન પહોંચાડવાની છે... કહી શુભાંગની મદદ માગી અને શુભાંગે પ્રૉમિસ આપ્યું છે કે તે ઍલનને કંઈ નહીં થવા દે, સિવિલ ડ્રેસમાં એક ઑફિસર તેના રૂમની લૉબીમાં રહેશે...

ત્યારે માંડ શાંત થયેલી ઊર્જાને હવે જુદી પજવણી થાય છે: ધારો કે મારિયાનો પ્લાન બદલાઈ ગયો હોય તો? મુંબઈને બદલે તે દિલ્હીમાં કાવતરું પાર પાડવાની હોય તો! એટલે તે ઍરલાઇનમાં રજા મૂકી ઍલન આવે એ પહેલાં દિલ્હી પહોંચી જવા માગે છે.

અલબત્ત, મારિયા મુંબઈ પહેલાં ઍલનને નુકસાન પહોંચાડવાનું જોખમ નહીં લે કેમ કે ઍલનની ટૂરમાં વડા પ્રધાનથી માંડી વિવિધ સેલિબ્રિટીઝને મળવાના પ્લાન્સ છે, પ્રમોશન માટે કંપનીએ કરોડો રૂપિયાનો ખેલો કર્યો છે એ તો હેમખેમ પાર પાડવું જ પડે નહીં તો કંપનીના ઇન્શ્યૉરન્સવાળા પાછળ પડી જાય એ મારિયાને કેમ પરવડે! એ હિસાબે મુંબઈની ઇવેન્ટ પતવા સુધી ઍલનને માથે કોઈ જોખમ નથી એ સમજવા છતાં ઊર્જાનું મન માનતું નથી...

અંહ, મામલો લાગે છે એવો સીધો નથી. કશુંક છે જે હજી ઊર્જાના હોઠે આવ્યું નથી...

‘તને ઍલનની આટલી ચિંતા કેમ છે?’ તેણે સીધું જ પૂછ્યું, ‘યુ લવ હિમ, રાઇટ? નાદાન છોકરી, તું તેને મળી પણ છો?’

ઊર્જાના હોઠ થરથર્યા: મળી છુ, લંડનમાં...

હેં!

lll

વર્ષોથી છાતીના ઊંડાણમાં ધરબેલો પ્રણયભેદ ઊર્જાએ સખી સમક્ષ ખોલી નાખ્યો. મહિમા અવાક હતી. 

ઍલન પણ ઊર્જાને ચાહતો હશે? મારિયા ઍલનની મરદાનગી વાઢનારીને ઊર્જાના નામે મોકલવાની છે એવું તો ઊર્જા અત્યારે કહે છે. ઍલન ઊર્જાને મળવાનાં શમણાં જોતો હોય એનો શું અર્થ!

‘મારે અત્યારે અર્થ નથી સમજવો મહિમા, અનર્થ ટાળવો છે. ઍલનની આસપાસ રહેવું છે. એ મને મળવા માગતો હોય ત્યારે પુરાવા વિના તેની બૈરીની કૂથલી કરી મારે અળખામણાં નથી ઠરવું. બસ, તેને કોઈ નુકસાન પહોંચાડવા માગે ત્યારે ઢાલ બની રહેવું છે...’

મહિમા ઊર્જાને નિહાળી રહી. ઍલન સેફ ન બને ત્યાં સુધી ઊર્જાની મનોદશા સ્થિર નહીં બને એટલે પણ તેને વારવાનો આ સમય નથી.

‘ગૉટ ઇટ, ઊર્જા. તારા પેરન્ટ્સને હું સમજાવી દઈશ પણ તું એકલી દિલ્હી નહીં જાય, ઍલનની સેફ્ટી એન્શ્યૉર ન કરીએ ત્યાં સુધી હું પણ તારી સાથે જ રહેવાની!’

ઊર્જા બહેનપણીને વળગી પડી.

lll

‘ઊર્જા, તેં પેલીને ઓળખી? ધૅટ લેડી ઇન પિન્ક...’

મહિમાએ ચીંધેલી દિશામાં ઊર્જા જોઈ રહી.

શુક્રવારની આજની રાતે દિલ્હી ઊતરી ઍલન મૅરિયટમાં રોકાવાનો છે એટલી આગોતરી જાણકારી શુભાંગે મેળવી રાખેલી એટલે મહિમા-ઊર્જા પણ બપોરના આવી અહીં જ ઊતર્યાં હતાં. સાતમા માળે તેમનો રૂમ હતો. ફ્રેશ થઈ બેઉ રેસ્ટોરાંમાં આવ્યાં. મહિમાએ ચીંધી એ કૉર્નર ટેબલ પર બુક લઈ બેઠેલી પાંત્રીસેક વર્ષની ગોરી સ્ત્રી દેખાવડી છે, પણ એવી જાણીતી નથી કે ઓળખી પડાય!

‘તું OTT પર ઇંગ્લિશ સિરીઝ નહીં જોતી હો. અધરવાઇઝ કૅથરિન ગ્રીનને ઓળખી કાઢત. ફ્રેન્ચ ઍક્ટ્રેસ છે. રોમન સામ્રાજ્યની ‘એમ્પાયર’ વેબ-સિરીઝમાં મહારાણી તરીકે તેની ભૂમિકા બહુ વખણાઈ છે. શોની પાંચમી સીઝન બે મહિના અગાઉ જ રિલીઝ થઈ.’ મહિમા ઉત્સાહમાં આવી, ‘લાગે છે વિદેશી સેલિબ્રિટીને ઇન્ડિયા ફરવાનો જાણે ચસકો લાગ્યો છે!’  

ઊર્જા ના-ના કરતી રહી, પણ મહિમા ધરાર કૅથરિનની નજીક ગઈ, ‘એક્સ્ક્યુઝ મી’ કહી સામી ખુરશી પર ગોઠવાઈ: તમે કૅથરિન છોને? આયૅમ યૉર બિગ ફૅન!

lll

‘તે કૅથરિન જ હતી, તેના પતિ સાથે ફરવા આવી છે. બે દિવસ પહેલાં આવી. હજી ચાર દિવસ રોકાવાની છે. આગરા-હરિદ્વાર જવાનું બાકી છે.’ મહિમાએ માહિતી આપી, ‘કેટલી ગ્રેસફુલ લેડી. તેમનો સ્વીટ ૧૪મા માળે છે, ઍલનના જ ફ્લોર પર.’

‘ઓહ, એવું છે!’ ઊર્જાને પહેલી વાર કૅથરિન વહાલી લાગી. તેણે દૂરથી કૅથરિન તરફ સ્મિત ફેંક્યું. જોકે તેનું ધ્યાન અહીં નહોતું. તે ટેબલ પર મૂકેલું પર્સ લઈ ઊભી થતી દેખાઈ, ‘કેટલું મોડું કર્યું, જ્યૉર્જ!’

વયમાં તેના જેવડા જ સોહામણા ખડતલ પુરુષે અદબથી તેનો હાથ પકડી લીધો, ‘સૉરી સ્વીટી. બટ આપણું ફરવાનું જ પ્લાન કરવા ગયો હતો. કાલથી વીક-એન્ડ છે એટલે મૅનેજરની સલાહ છે કે શનિ-રવિ દિલ્હીનું જ સાઇટ-સીઇંગ કરીએ, વીકડેઝમાં હરિદ્વાર-આગરા પતી જશે.’

‘સાઉન્ડ્સ ગુડ. ઍલન પણ આજે આવે છે તો તેની સાથે પણ ટાઇમ સ્પેન્ડ થશે.’

ઓહ. કૅથરિન ઍલનને પર્સનલી જાણતી હોય એમ બોલી ગઈ. ઊર્જાને તેનામાં રસ પડ્યો: આની સિરીઝ જોવી પડશે!

‘જ્યૉર્જ કૅથીનો હસબન્ડ છે.’ બેઉ નીકળી ગયાં એટલે મહિમાએ ગૂગલજ્ઞાન પીરસ્યું, ‘તેમનાં લગ્નને દસ વર્ષ થયાં... સો હૅપીલી મૅરિડ!’

મહિમા ભૂલી ગઈ કે સંબંધનું સત્ય કેવળ સમયની પટ્ટીથી મપાય ત્યારે ઘણી વાર એ ખોટું નીકળવાની સંભાવના રહેતી હોય છે.

lll

‘આર યુ કમ્ફર્ટેબલ?’

કુતુબમિનાર જોઈ કારમાં ગોઠવાતાં પતિની આળપંપાળ પર કૅથરિનને ગુસ્સો પણ આવતો હતો ને અકળામણ પણ થતી હતી: બહુ થયો તારો દંભ, જ્યૉર્જ! તારી બેવફાઈ હું જાણું છું. અરે, તું મને મારવાનો પ્લાન બનાવીને ઇન્ડિયા લઈ આવ્યો છે એ પણ મને ખબર છે!

કૅથરિને દમ ભીડ્યો: બીજી કોઈ પણ પત્નીની જેમ હું પણ મારા સંસારથી ખુશ હતી. મારું કામ સારું ચાલી રહ્યું હતું. પાંચ વર્ષથી ચાલતી ‘એમ્પાયર’ સિરીઝથી મને ઇન્ટરનૅશનલ
ફૅન-ફૉલોઇંગ મળ્યું. પોતાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સમેટી જ્યૉર્જ મારો એજન્ટ બની ગયો એ પણ મને ગમ્યું: મારા પતિથી બહેતર મારું કામ કોઈ જોઈ શકે?

ત્યારે એવો અણસાર પણ કેમ આવે કે શો બિઝનેસનું કામ જ્યૉર્જ માટે લપસણી ભૂમિ જેવું બની રહેશે!

તે ક્યારથી પરસ્ત્રીઓ સાથે સૂવા લાગ્યો હશે એ નથી જાણતી, પણ મને ભનક છ મહિના અગાઉ જ આવી. એ પણ સાવ અનાયાસ.

પૅરિસના અમારા ઘરના સરનામે ઝ્યુરિકની હોટેલનું બિલ આવ્યું. ત્યાં મિસ્ટર ઍન્ડ મિસિસ જ્યૉર્જ ગ્રીન બે નાઇટ રોકાયાં હતાં. સેટલમેન્ટમાં તેમનું લૉન્ડ્રી બિલ બાકી રહેતાં હોટેલવાળાએ મામૂલી રકમની ઉઘરાણી કરી એમાં જ્યૉર્જની ચોરી પકડાઈ ગઈ! કેમ કે એ તારીખોમાં હું તો હૉલીવુડના સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી. મારી પીઠ પાછળ જ્યૉર્જ કોને પોતાની મિસિસ બતાવી સ્વિટ્ઝરલૅન્ડ  ફરવા લઈ ગયો! પોતે પૅરિસમાં નથી એની ગંધ પણ મને નથી આવવા દેતો!

હોટેલનું બિલ મેં ભરી દીધું. ના, જ્યૉર્જને તો આની ગંધ પણ નથી આવવા દેવી. કાળજે તિરાડ પડી છે, એ પણ દેખાડવી નથી. પથારીમાં મને રીઝવતી વખતે જ્યૉર્જને ગિલ્ટ પણ કનડતું નહીં હોય? કેટલો કુશળ અભિનેતા. મેં તને કયું સુખ ઓછું આપ્યું - ના, તેની સમક્ષ રડી-કકળી મારે મારી જાતને નીચી નથી પાડવી. મારે તો જાણવું છે એક પુરુષ સ્ત્રીને કેટલી હદ સુધી દગો આપી શકે.

જ્યૉર્જને ખ્યાલ જ નથી કે તેના દગાથી ખબરદાર રહેવા મેં ડિટેક્ટિવ સર્વિસ હાયર કરી છે ને તેની એક્સ-એમ્પ્લૉઈ લ્યુસી સાથેના તેના અફેરના પુરાવા છે મારી પાસે. તેમના સહશયનના ફોટો, બેડમાં મને બરફ જેવી કહી છેવટે ઝ્યુરિકની હોટેલમાં મને ઇન્ડિયાની મુલાકાત દરમ્યાન
ફૂડ-પૉઇઝનિંગથી મારી નાખવાના કાવતરાનું પણ રેકૉર્ડિંગ છે મારી પાસે.  

આટલા પુરાવા ડિવૉર્સ માટે શું, તેને જેલભેગો કરવા પૂરતા ગણાય. પણ ના, મારી પીઠ પાછળ ખેલ રચનારનો મુખવટો મારી જાતે ઉતારવો છે મારે.

બહુ જલદી.

કૅથરિનના ચહેરા પર સ્મિત ફરકીને અદૃશ્ય થઈ ગયું.

lll

અને વિમાનનાં પૈડાં ભારતની ભૂમિને સ્પર્શ્યાં. ઍલનના ચિત્તમાં ઝણઝણાટી પ્રસરી રહી: ઊર્જાના દેશમાં હું આવી પહોંચ્યો! હે ઈશ્વર, હવે જલદી ઊર્જાનો ભેટો થાય એટલું કરજે. તે પરણી હોય તો તેના સુખથી સંતોષ પામીશ, મારું દર્દ તેને નહીં કહું અને ન પરણી હોય તો...

છાતીમાં ઊંડો શ્વાસ ભરી તેણે બાજુમાં બેઠેલી પત્ની તરફ જોયું.

ત્યારે મારિયાના ચિત્તમાં પડઘો ઊઠતો હતો: ઍલન, તું ઇન્ડિયા આવ્યો ખરો, પણ જતી વેળા તારી મર્દાનગી ગુમાવી ચૂક્યો હોઈશ!

શું થવાનું હતું એની કોને ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

 

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2026 06:53 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK