Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શ્રદ્ધા અને સત્ત્વ વિના ધર્મ સાથેનાં લગ્ન સર્વથા અશક્ય છે

શ્રદ્ધા અને સત્ત્વ વિના ધર્મ સાથેનાં લગ્ન સર્વથા અશક્ય છે

Published : 15 January, 2026 08:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવાલિયા ટૅન્કમાં જૈન ઉપાશ્રયમાં પ્રવચનમાં આ વિષય પર વાત થઈ. પ્રવચનમાં એક યુવક પણ હતો.

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

સત્સંગ

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.


‘બને ઘણી વાર એવું કે દુઃખના સમયમાં માણસ વધુ મજબૂત થઈને બહાર આવે, સુખના સમયમાં એ એટલો જ નિઃસત્ત્વ પુરવાર થાય. સંઘર્ષમાં તે જેટલો ખીલે, સગવડોમાં તે એટલો જ કરમાય એટલે જિંદગીને શ્રેષ્ઠ બનાવવી હોય તો આ વાસ્તવિકતા સતત નજર સામે રાખજો. સુખને માટે લાચારી દાખવશો નહીં અને પાત્રતા વિના મળતા સુખને સ્વીકારવાની ભૂલ કરશો નહીં. દુ:ખને સામે ચડીને આમંત્રણ ભલે ન આપો પણ આવી જ જાય તો એને સ્વીકારી લેવામાં પાછી પાની કરશો નહીં.’

ગોવાલિયા ટૅન્કમાં જૈન ઉપાશ્રયમાં પ્રવચનમાં આ વિષય પર વાત થઈ. પ્રવચનમાં એક યુવક પણ હતો. કૉલેજનું શિક્ષણ તેણે તાજેતરમાં જ ઉચ્ચ ગુણાંકે પૂર્ણ કર્યું હતું. ધર્મ પ્રત્યે તેને રસ. યુવાનીના દોષો તેનામાં જોવા ન મળે. વાતચીતની ઢબ સારી. કેટલાક વખત પછી તે મળવા આવ્યો. ધર્મારાધનાની તેને મેં પૂછપરછ કરી વાત શરૂ કરી.



‘રાત્રિભોજન?’ 
‘કરવું પડે છે.’ તેણે સહેજ લાચારી સાથે કહ્યું, ‘ચારેક મહિના થયા નોકરીને, સમય સવારના બારથી આઠનો છે. મહેનત કરું છું. બાકી, એક વાત કહું આપને? ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે મારા ગુણાંક જોઈને પહેલે જ ધડાકે મને નોકરી માટે પસંદ કરી લેવામાં આવેલો. પગાર માટે મેં સામેથી પૂછ્યું તો મારી અપેક્ષા પૂછવામાં આવી. મેં પણ કહ્યું કે લાયકાતનો તમને અંદાજ છે જ એટલે તમે કહો એ જ સારું રહે. તેમણે મને પગાર ઑફર કરતાં કહ્યું કે શરૂઆતમાં ૧૫,૦૦૦ અને એક વર્ષ પછી ૨૫,૦૦૦.’


યુવકે ઉત્સાહ સાથે વાત આગળ વધારી.

‘મેં તેમને કહ્યું કે કંપની આટલો ઊંચો પગાર આપવા તૈયાર હોય તોય મારે એટલો પગાર લેવો નથી. શરૂઆત મારી ૧૦,૦૦૦થી જ ભલે થાય. કંપનીવાળાને નવાઈ લાગી એટલે મને કહે કે આનું કારણ શું. મેં તેમને જવાબ આપતાં કહ્યું કે હું ઉપર પહોંચવા માગું છું પણ લિફ્ટથી નહીં, દાદરથી. પગથિયાં ચડીને ઉપર જવામાં મને ૨સ છે, લિફ્ટનું બટન દબાવીને નહીં! તમને મારી લાયકાત સારી દેખાતી હોય તોય મારી લાયકાતનો મને જ ખ્યાલ હોયને, બહેતર છે કે શરૂઆતમાં મને ૧૦,૦૦૦ જ આપજો.’


યુવકે પ્રેમ અને આસ્થા સાથે હાથ જોડ્યા.

‘મહારાજસાહેબ, ખુમારી સાથે નોકરીમાં રહ્યો છું એટલે કંપનીમાં સમજાવી શકું એમ છું. આપને મળ્યો અને મનમાં વિચાર આવી ગયો કે રાત્રિભોજન મારે છોડવું જ છે. કંપનીમાં વાત કરી દઉં કે સમય ૧૨થી ૬નો કરી દે તો રાત્રિભોજન ત્યાગ ચાલુ થઈ જાય, અન્યથા બીજે શોધી લઈશ.’

શ્રદ્ધા અને સત્ત્વ વિના ધર્મ સાથેનાં લગ્ન સર્વથા અશક્ય જ છે એ વાતની પ્રતીતિ આ દૃષ્ટાંત વાંચ્યા પછી થઈ જાય છેને?

-  જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
(વાસ્તવદર્શી વિચારધારા થકી જીવનપરિવર્તનનું નિમિત્ત બનતા જૈન ગુરુવરને ભારત સરકારે પદ્‍મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા છે)

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2026 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK