આખું પ્રકરણ અહીં વાંચો
ઇલસ્ટ્રેશન
ઍલન!
દિલ્હીની મૅરિયટ હોટેલમાં પ્રવેશતા ઍલનની પહેલી ઝલકે થાંભલાની આડશે ઊભેલી ઊર્જા પૂતળા જેવી થઈ. એ જ મોહક મુખડું, એ જ પારદર્શક આંખો...
ADVERTISEMENT
સાવ નજીકથી એ પસાર થયો ત્યારે ઊર્જાને થયું હૃદય હમણાં જ ધબકતું બંધ થઈ જશે!
પણ તેની પાછળ દોરાતાં મારિયા-ડેવિડને જોઈ કીકીમાં જુસ્સો ઊપસ્યો: મારા ઍલનને હું કોઈ પણ હિસાબે બચાવવાની!
lll
‘અ હેક્ટિક ડે!’
શનિવારની રાત્રે ઍલન વગેરે હોટેલમાં પ્રવેશ્યા.
સવારે વડા પ્રધાન સાથે મુલાકાત, બપોરે મીડિયા સાથે લંચ, સાંજે રામલીલા મેદાનમાં હકડેઠઠ ભીડમાં સ્વાગત-સંબોધન...
‘મારિયા, આયૅમ નૉટ ગોઇંગ ઍનીવેર ટુમૉરો મૉર્નિંગ....’
‘ઠીક છે, તમે આરામ કરજો, હું ડેવિડ સાથે અહીંની માર્કેટમાં આંટો મારી આવીશ.’
‘જ્યૉર્જ તમને જૉઇન કરશે, મારિયા.’
લિફ્ટ આગળ આવેલા સાદે ઍલન-મારિયા-ડેવિડ જરાતરા ચમકી ગયાં. જોયું તો, ઓહ, આ તો પેલી OTTસ્ટાર કૅથરિન ગ્રીન! ઍલનની ફેવરિટ.
ઍલનને શો-બિઝનેસનો એવો ચાવ નહીં. પબ્લિક અપિઅરન્સમાં, એન્ડૉર્સમેન્ટ્સની પ્રમોશનલ ઇવેન્ટ્સમાં હૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝને મળવાનું પણ થતું, એમાં ભાગ્યે જ કોઈ માટે તેને જેન્યુઇનલી ફૅન જેવી ફીલિંગ આવતી. કૅથરિન એમાંનાં એક. ખાસ તો તેમના ‘એમ્પાયર’ સિરીઝના પર્ફોર્મન્સથી પ્રભાવિત થયેલા ઍલને ચોથી સીઝન પછી તેમને લેટર પણ લખેલો. ટેનિસના ઑલટાઇમ ગ્રેટેસ્ટ ગણાતા ઍલનની બિરદામણીને કૅથરિને અંગત સંભારણા તરીકે સાચવી હતી. પછી તો ફ્રેન્ચ ઓપન દરમ્યાન કૅથરિને તેને પર્સનલી લંચ પર ઇન્વાઇટ કરેલો અને ઍલન ગયેલો પણ ખરો.
અત્યારે પણ કૅથરિનને ભાળી તેને આનંદ થયો : હર હાઈનેસ!
‘એમ્પાયર’ના પાત્રના નામે સંબોધતાં ઍલનને તેમણે હસીને કહી દીધું : આ ત્રણે શૉપિંગમાં જશે અને આપણા બેની લંચ-ડેટ મારા સ્વીટમાં. ડન?
‘ડન. હર હાઈનેસ કહે એ માનવું જ પડે!’ ઍલને હસતાં મંજૂરી આપી.
મારિયા-ડેવિડને જ્યૉર્જનું ટપકવું રુચ્યું તો નહીં, એમ જ્યૉર્જને પણ સમજાયું નહીં : ઍલન સાથેના લંચમાં કૅથી મને કેમ સાથે રાખવા નથી માગતી?
ત્યારે થોડે દૂર ઊભી ઊર્જા મહિમાના કાનોમાં ગણગણે છે: આઇ થિન્ક આવતી કાલનું મુરત આપણે પણ ઝડપી લેવું જોઈએ. મારિયા-ડેવિડની ગેરહાજરીમાં ઍલનને મળી તેને જોખમનો અંદાજ આપી શકાય ખરો...
આજે પણ આખો દિવસ બેઉ ઍલનને ફૉલો કરતાં રહેલાં. ઓળખાઈ ન જવાય એ માટે રૂમમાંથી બુરખામાં જ નીકળતાં.
‘શ્યૉર.’
lll
રવિવારની સવારે સાડાદસના સુમારે મારિયા-ડેવિડ-જ્યૉર્જ નીકળ્યાં એ ઊર્જા-મહિમાએ નોંધ્યું.
આ સંજોગોમાં ઍલનને શાંતિથી મળી લેવું જોઈએ. મુંબઈ પોલીસ (શુભાંગ) સાથે વાત કરાવીશું તો તેને વિશ્વાસ જરૂર બેસશે...
બન્ને બુરખામાં જ ઍલનના ફ્લોર પર પહોંચ્યાં, પણ લૉબીના વળાંકે દૂરથી જ અટકી જવું પડ્યું.
ઍલનના દરવાજે કૅથરિન ઊભાં હતાં, ‘હું ચેક કરવા જ આવી, તમે ફ્રેશ થયા હો તો રૂમ પર આવો. લંચ પણ કલાકેકમાં સર્વ થઈ જશે.’
‘શ્યૉર. મને બે મિનિટ આપો.’
લો, હવે? ઊર્જા-મહિમા મૂંઝવણમાં રહ્યાં ને ઍલન કૅથરિનની રૂમમાં સરકી પણ ગયો!
lll
‘હવે હું મૂળ વાત પર આવું છું, ઍલન...’
બેરર લંચ સર્વ કરી ગયો એટલે કૅથરિન ગંભીર બની, ‘લંચ તો બહાનું છે. ખરેખર તો મારે મારો અંગત જખમ ઉઘાડવો છે.’
તેનો સ્વર સહેજ ધ્રૂજ્યો, ‘આ બૉટલ જુઓ છો?’
કૅથરિનના સાદે ઝબકતાં ઍલનની નજર ટીવી-સ્ટૅન્ડ પર મૂકેલી ટ્રાન્સપરન્ટ બૉટલ પર ગઈ.
‘અંદર પાણી ભર્યું છે?’
‘આમ જુઓ તો પાણી ને આમ જુઓ તો ઝેર.’
એટલે!
‘માની લો પીવાના પાણીમાં કોઈએ વાંદા મારવાની દવા ભેળવી છે, જે અહીંના બજારમાં બહુ આસાનીથી મળે છે. આપણી હોટેલમાં બોર કરેલા છે. એમાંથી પમ્પ વાટે પાણી ટેરેસની ઓવરહેડ ટાંકીમાં લેવાય છે. હોટેલની ક્ષમતા મુજબની એ બહુ વિશાળ ટાંકી છે. ઉપર કોઈ CCTV પણ નથી. ધારો કે કોઈ આ ઝેરી પાણી ઉપરની ટાંકીમાં ભેરવી દે તો...’
‘તો!’ ઍલનનો જીવ આટલું સાંભળતાં જ ઊંચો થઈ ગયો, ‘તમે તો એવી રીતે બોલો છો કૅથરિન જાણે આવું બનવાનું જ છે એની તમને ખાતરી હોય. ઝેરી પાણી રસોઈમાં વપરાશે, પીવામાં વપરાશે. ગૉડ, નિર્દોષ લોકો માર્યા જશે કૅથરિન, ખરેખર આવું થવાનું હોય તો તમારે મૅનેજમેન્ટને જાણ કરવી જોઈએ.’
કૅથરિને ડોક ધુણાવી, ‘પાણીની ટાંકીમાં એ ઝેર બહુ ઓછી માત્રામાં ભેળવાશે એટલે બીજા કોઈને જાનહાનિ નહીં થાય, ઝાડા-ઊલ્ટી જેવી સામાન્ય તકલીફ થશે. મૃત્યુ કોઈ એક જણનું જ થશે કેમ કે તેને એ જ ઝેર વધુ માત્રામાં અલગથી અપાયું હશે.’
હેં! ઍલનને ઝાટકો લાગ્યો: ક્યાંક કૅથરિન મારી વાત તો નથી કરતાંને!
‘કોણ મરવાનું છે કૅથરિન અને કેમ?’
‘મને મારવાનો આ પ્લાન મારા પતિનો છે.’
જ્વાળામુખીના વિસ્ફોટ જેવું વાક્ય કૅથરિન કેવી ટાઢકથી બોલી ગયાં!
‘એ ટાઢક હેઠળના અગ્નિમાં હું છ-છ મહિનાથી ભુંજાઉ છું, ઍલન!’
કૅથરિન કહેતાં રહ્યાં : ઝ્યુરિકની હોટેલના બિલથી દિલ્હીમાં ફૂડ-પૉઇઝનિંગના નામે મારવાના જ્યૉર્જના પ્લાન સુધીની ગાથા કહી ડિટેક્ટિવે આપેલા પુરાવા પણ દેખાડ્યા.
ઓહ. કેવો નપાવટ પુરુષ. તારું મન પરસ્ત્રીમાં લાગ્યું હોય તો ડિવૉર્સ લઈને છૂટો થા, પણ આણે તો બૈરીને મારી એની લાખો યુરોની મિલકત પર રાજ કરવું છે! અહીંની ટાંકીમાં ભેળવનારું ઝેર જ્યૉર્જ અલગથી કૅથરિનના ખાણામાં ભેળવશે એટલે તે બચશે નહીં, પણ એમાં કોઈને હત્યા નહીં ગંધાય. એવું જ મનાશે કે હોટેલના બીજા ઉતારુઓ સાજા થઈ ગયા, પણ આ બિચારી કમનસીબ કે ઊગરી ન શકી! અરે, ઇન્ડિયામાં હમણાં જ પાણીની ભેળસેળને કારણે લોકો મરી ગયા એટલે પ્રશાસનને પણ હો-હા કરવાને બદલે કેસનો વીંટો વાળવામાં જ રસ હોવાનો. જ્યૉર્જની ગણતરી તર્કબદ્ધ છે.
‘તે જાણતો નથી કે તેનો ફોન ક્લોન થયેલો છે. લ્યુસી સાથે તે આ બધું ચર્ચતો હશે જેની જાણ મને મારા ડિટેક્ટિવ તરફથી થતી રહે છે.’
‘ઓહ. આયૅમ સૉરી કૅથરિન, પણ હવે? તમે શું કરવા માગો છો?’
‘મારે જ્યૉર્જને ખુલ્લો પાડવો છે. બધાની સામે. એમાં તમારી મદદ મને જોઈશે, ઍલન. કરશો?’
‘અફકોર્સ!’ ડિટેક્ટિવના રિપોર્ટ જોયા પછી ઍલનને જ્યૉર્જના ગુનામાં શંકા નહોતી. કૅથરિન કદાચ મારી વગ વાપરવા માગતી હોય તો અહીંની પોલીસ કે પ્રધાન સાથે હું વાત કરી જ શકું...
‘મને તમારી વગ નથી જોઈતી ઍલન,’ કૅથરિન મલક્યાં, ‘તમારે કરવાનું એટલું જ કે...’
lll
‘એ લોકો આવી ગયા છે.’
દરવાજો ખૂલવા સાથે કૅથરિનના સાદે લૉબીના વળાંકે બેઠેલાં ઊર્જા-મહિમા ટટ્ટાર થયાં.
પણ આ શું? રૂમમાં જવાને બદલે ઍલન તો કૅથરિન સાથે લિફ્ટમાં જતા રહ્યા!
‘ધે આર ગોઇંગ ડાઉન!’
બીજી લિફ્ટમાં એ બેઉ પણ નીચે સરક્યાં.
lll
અને...
સામેથી મારિયા-ડેવિડ-જ્યૉર્જ પોર્ચનાં પગથિયાં ચડી હોટેલની લાઉન્જમાં પ્રવેશે છે. પાછળ લિફ્ટનો દરવાજો ખૂલતાં ઊર્જા-મહિમા બહાર પગ મૂકે છે.
એ જ ઘડીએ બેઉની મધ્યમાં પહોંચેલો ઍલન અંધારાં ચક્કર આવતાં હોય એમ લથડાઈને ફર્શ પર પડે છે, પડતાં-પડતાં મોમાંથી લાલ પ્રવાહીનો ઉલાળિયો કરતાં આંખ મીંચી દે છે....
ઘડીભર લાઉન્જમાં સન્નાટો
છવાઈ ગયો.
ઍલનની સાથે ચાલતાં કૅથરિન આ પળ માટે તૈયાર હતાં. તેમણે રઘવાટ દાખવી જ્યૉર્જને પૂછવાનું હતું : તમારી બૅગમાં આ બૉટલ હતી, એના પાણીમાં તો કંઈ નથીને! લિફ્ટમાં જ ઍલને અડધી બોટલ પીધી ને આમ...
નૅચરલી જ્યૉર્જથી સચ સ્વીકારાવાનું નહીં. તે એમ જ કહેશે કે પાણી જેવું પાણી છે...
એવી જ હું બૉટલ ધરીશ: તો પી દેખાડો.
ખલાસ! ઍલનની હાલત જોઈને પણ જ્યૉર્જથી પાણી પીવાવાનું નહીં. તે બૉટલ ફગાવશે, ચિલ્લાશે, તેં જ પાણીમાં કશું ભેળવ્યું હશેનો લવારો પણ કરે અને ત્યારે હું તેનું લ્યુસી સાથેનું વૉઇસ-રેકૉર્ડિંગ ફોનના ફુલ વૉલ્યુમ પર મૂકી તેનો મુખવટો ઉતારી દઈશ: ઍલને તો કેવળ મારી રિક્વેસ્ટે અભિનય કર્યો. લાલ પ્રવાહી તો ટમેટાનો જૂસ છે!
પણ કૅથરિન હરકતમાં આવે એ પહેલાં...
‘ઍ..લ..ન!’ પીઠ પાછળના ચિત્કારે કૅથરિન મુંઝાયાં. બેભાન બનવાનો ઢોંગ કરતો ઍલન પણ અંદરખાને ચમક્યો. ત્યાં તો ઊર્જા ઍલનની હાલતે ડઘાયેલી મારિયા તરફ ધસી ગઈ: કુલટા. પાપિણી! બોલ, શું કર્યું તેં ઍલન સાથે?
‘મેં?’ મારિયા ડઘાઈ. એક તો ઍલન અચાનક જ ઢળી પડ્યો ત્યાં તો ધસી આવી આવું પૂછનારી બુરખાધારિણી છે. તેની પાછળ બીજી બુરખાવાળી છે. ડેવિડે કાંઈ લોચો નથી માર્યોને? મારિયાનું કાળજું ચૂંથાવા લાગ્યું.
‘હા, તેં.’ ઊર્જાના આવેશને થોભ નહોતો, ‘શંખિણી, તારા આ યાર સાથે મળી તેં ઊર્જાના નામે ઍલનની મર્દાનગી વાઢવાનું કાવતરું ઘડ્યું...’
‘હા, પણ એ તો મુંબઈમાં...’ મારિયાએ જીભ કચરી. ડેવિડે કપાળ કૂટ્યું. કૅથરિન ડઘાયાં : મેં મારા ધણીનો પર્દાફાશ કરવા ઍલન પાસે અભિનય કરાવ્યો તો તેની પત્નીની પોલ ખૂલી!
‘એ છોકરી, આ શું અનાપશનાપ બકે છે?’ મારિયા વાત વાળવા ગઈ, ત્યાં...
‘ઊર્જા જૂઠ નથી બોલતી.’ મોં લૂછી ઍલનને ઊભો થતો જોઈ કૅથરિન સિવાય સૌકોઈ આંચકો ખાઈ ગયાં. ઍલન તો સાજોસમો છે!
ઊ..ર્જા! મારિયા હચમચી ગઈ. યુવતી બુરખામાં હોવા છતાં ઍલન કઈ રીતે તેને ઓળખી ગયા?
‘મારા ક્ષેમકુશળની આટલી ફિકર ઊર્જા સિવાય બીજા કોને હોય?’
તેણે ઊર્જાના બુરખાની ચહેરાજાળી ઉઠાવી. ચાર નયન વર્ષો પછી એક થયાં ને સર્વ કંઈ જાણે થંભી ગયું.
‘આ બધું શું છે?’ કૅથરિનની નિકટ આવી શોષ પડતો હોય એમ પત્નીના હાથમાંથી બૉટલ ખૂંચવી જ્યૉર્જે મોઢે માંડી ને હવે ધ્યાન ગયું હોય એમ કૅથરિનનાં નેત્રો પહોળાં થયાં, છાતી હાંફવા માંડી: તમે આ પાણી ક્યાં પીધું, જ્યૉર્જ! આ તો તમારી બૅગની બૉટલ હતી. તમને સ્વાદફેર ન લાગ્યો?
ન હોય. પાણી સહેજ તૂરું તો લાગ્યું. કે પછી મારો વહેમ છે? જ્યૉર્જની છાતી ભીંસાવા લાગી, બુદ્ધિ બહેર મારી ગઈ. મેં ભેળવેલું ઝેર મારો જ ભોગ લેશે?
‘પણ મારી બૉટલ તો ફુલ હતી...’
‘એમાંથી થોડું પાણી હું લૉબીના ક્યારામાં રેડતી આવી. તમે એ પંચાત મૂકોને. જુઓ, તમને પસીનો થાય છે. કોઈ ઍમ્બ્યુલન્સ બોલાવો. હાય-હાય, જ્યૉર્જ આમાં કયું ઝેર ભેળવ્યું છે એ બેહોશ થતાં પહેલાં કહેતા જાઓ તો ડૉક્ટર્સ ઍન્ટિડોટ તૈયાર રાખે.’
‘હા, હા, વાંદા મારવાની દવા છે.’
દવાનું નામ બોલતો જ્યૉર્જ કૅથરિનના વંકાતા હોઠે થોથવાયો, સમજ્યો: ટ્રૅ..પ! કુશળ અભિનેત્રી એવી મારી પત્ની મને નર્વસ કરવાનો આબાદ પાઠ ભજવી ઝેર ભેળવવાની કબૂલાત કરાવી ગઈ!
આ ઓછું હોય એમ કૅથરિને મોબાઇલ પર જ્યૉર્જ-લ્યુસીનું રેકૉર્ડિંગ વગાડ્યું ને જ્યૉર્જના ચહેરા પર કાળાશ પ્રસરી ગઈ.
આખરે બૂરાનો અંજામ બૂરો જ હોવાનો!
lll
કથાના ઉપસંહારમાં એટલું જ કે જ્યૉર્જ-લ્યુસીને હત્યાનું કાવતરું ઘડવા બદલ ઘટતી સજા થઈ, કૅથરિન જખમ વિસારી આગળ વધી ગયાં. ઍલનનાં લગ્ન પાછળ બ્લૅકમેલિંગ કારણભૂત હતું, બાકી તેમના હૈયે તો હું જ હતી એ સત્ય ઊર્જાને મહોરાવી ગયેલું. મારિયા-ડેવિડ વિરુદ્ધ ઍલને ફરિયાદ નોંધાવવાનુ ટાળ્યું, પણ સામે બિનશરતી ડિવૉર્સ મેળવી લીધા. એ માટે મારિયા-ડેવિડ એકબીજાને કોસે છે એ જોતાં તેમનું ગાડું આમ જ ખાબડખુબડ ચાલવાનું.
ઊર્જાની પ્રણયગાથાને માવતરે પોંખી છે. લેજન્ડરી ટેનિસ સ્ટાર ભારતનો જમાઈ છે એનો આમજનતાને પણ ગર્વ છે.
અને હા, પૅરિસના હનીમૂનમાં ઍલને ઘૂંટણિયે પડી ઊર્જાને પાછું પ્રપોઝ કર્યું. ટાવરની ટોચે ઊર્જાના હોઠને હોઠમાં જકડી સમયને થંભાવી દીધો. રૂમની દીવાલો શરમાઈ જાય એવી મધુરજની માણવી એ હવે કેવળ ઊર્જાનાં શમણાં નથી, તેના સ્વામીનું વાસ્તવ છે.
(સમાપ્ત)


