આમ જ ભગવાન ભક્તની પ્રતીક્ષા કરે છે એટલે જ લક્ષ્મી-નારાયણ ઊભાં છે. રાધા-કૃષ્ણ ઊભાં છે અને સીતા-રામ ઊભાં છે.
પ્રતીકાત્મક તસવીર
પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે રાધા-કૃષ્ણ સામે ઊભાં રહેલાં દૃષ્ટિગોચર થાય છે. સીતા-રામ ઊભાં છે. લક્ષ્મી-નારાયણ પણ ઊભાં છે. આ બધાં ભગવાન ક્યાં બેસે છે? કેમ કે તે પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે મારા ભક્ત આવે, ક્યારે હું તેમને જોઉં, ક્યારે હું તેમનાં દર્શન કરું.
જે રીતે મા ઘરે પુત્રની પ્રતીક્ષા કરે છે. દરરોજ સાંજે છ વાગ્યે ઘરે આવી જનારો દીકરો રાતના સાડાનવ થઈ જાય છતાં ન આવે ત્યારે મા ચિંતા કરે છે કે ‘શું થયું હશે? જ્યારે ઘરે આવતાં મોડું થતું તો ફોન કરી દેતો, આજે તો તેનો ફોન પણ નથી આવ્યો.’
ADVERTISEMENT
બસ, આમ જ ભગવાન ભક્તની પ્રતીક્ષા કરે છે એટલે જ લક્ષ્મી-નારાયણ ઊભાં છે. રાધા-કૃષ્ણ ઊભાં છે અને સીતા-રામ ઊભાં છે.
આવો જ પ્રસંગ કુરુક્ષેત્રના મેદાનમાં બાણશૈયા પર સૂતેલા પિતામહ ભીષ્મ શ્રીકૃષ્ણને કહે છે, ‘હે દેવોના દેવ, મારી પ્રતીક્ષા કરો. જ્યાં સુધી મારા પ્રાણ આ કલેવરને છોડીને ન જાય, ત્યાં સુધી હૈ યદુવર, તમે અહીં જ ઊભા રહેજો અને પ્રતીક્ષા કરજો.’
આમ જોઈએ તો જ્યારથી જીવ અજ્ઞાનને કારણે ભગવાનથી અલગ થયો છે અને જીવનયાત્રા પર નીકળી ચૂકયો છે ત્યારથી ભગવાન પ્રતીક્ષા કરતા રહે છે. શ્રીકૃષ્ણને સુદામાની પ્રતીક્ષા તો ઘણા સમયથી હતી અને જ્યારે એક દિવસ સુદામાની પત્ની સુશીલાએ તેમને પ્રેરિત કર્યા ત્યારે સુદામા ચાર મુઠ્ઠી તાંદુલ લઈને દ્વારકાધીશ પાસે પહોંચ્યા.
શ્રીકૃષ્ણે જેવા સમાચાર સાંભળ્યા કે ‘કોઈ બ્રાહ્મણ આવ્યો છે પ્રભુ, તમને મળવા ઇચ્છે છે. પોતાને તમારો મિત્ર જણાવે છે, તેનું નામ સુદામા છે.’
આટલું સાંભળતાં જ શ્રીકૃષ્ણ દોડે છે.
પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી
પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખ હારી
જગત માંહી સંત પરમ હિતકારી
પ્રતીક્ષા એટલે ભગવાન ઊભા છે. અહીં ભીષ્મ પિતામહ બાણની શૈયા પર સૂતા છે અને ભગવાન ઊભા છે. પિતામહ ભીષ્મે કહ્યું, ‘પ્રતીક્ષતામ્.’ છોકરાઓ જે રીતે ‘સ્ટૅચ્યુ’ રમતાં હોય તેમ જ તે એકદમ સ્થિર થઈ જાય. તેમણે ભગવાનને કહી દીધું કે ‘આ જગ્યાને છોડીને ક્યાંય જતા નહીં. અહીં જ ઊભા રહો. મારી પ્રતીક્ષા કરો.’
ભગવાનને સ્ટૅચ્યુ કહે છે. જેવું હતું એવું જ સ્મિત ચહેરા પર ફરકાવીને રાખજો, પ્રભુ. આ મધુર મુસ્કાન જવી ન જોઈએ, એ તમારી ઓળખ છે.
મંદ-મંદ મુસ્કાતા, આંખોમાં પ્રેમ, કરુણા વરસાવતા, હવામાં ઉત્તરીયને લહેરાવતા પિતામહ ભીષ્મ સામે ઠાકુરજી દ્વારકાનાથ ઊભા છે. જીવનમાં જ્યારે ગુરુની કૃપા થાય છે ત્યારે વિવેક પણ જાગૃત થાય છે અને જીવ ભગવદ્ અભિમુખ પણ બને છે.
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
(પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે)


