Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્ત્રી - હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા (પ્રકરણ ૪)

સ્ત્રી - હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા (પ્રકરણ ૪)

Published : 12 February, 2026 12:02 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ભૂતકાળના ક્રિયાપદે આરવને થથરાવી મૂક્યો. જાતને વધુ ખોતરવાની હામ ન હોય એમ મન મનાવ્યું : એક વાર માને આવી જવા દો, પછી બધું ઠીક થઈ જશે!

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘ચિંતા ન કરો ભાભી, સૌ

સારાંવાનાં થશે.’



આદર્શે સધિયારો પાઠવી ફોન મૂક્યો.


ક્રિસ્ટિનાની વિદાય પછી તેણે જાતને ટ્રસ્ટના કામમાં જોતરી દીધેલી. યામિનીભાભી સિવાય ભાગ્યે જ કોઈ જોડે સંપર્ક રહેલો. આરવ જોડે બૉન્ડ બન્યો. છેલ્લે તેનાં લગ્ન પૂરતો

ઇન્ડિયા ગયેલો.


લીઝા ત્યાર પછી આવી. ટ્રસ્ટના કામ માટે હવે મદદનીશની જરૂર વર્તાતી હતી અને ઇન્ટરવ્યુઝ્માં લીઝા ગમી ગઈ. બાવીસની વય પણ કોઈ ઉછાંછળાપણું નહીં. સાદગીમાં દંભ નહીં. વિધવા માનો એકનો એક સહારો. તેનું મૂલ્ય બંધારણ પારખી આદર્શે તેને જૉબ પર રાખી અને ઑફિસનો જાણે નકશો જ બદલાઈ ગયો. દીકરીની જેમ તે આદર્શનું ધ્યાન રાખતી.

‘આરવે ભાભીને મુંબઈ તેડાવ્યાં એથી ભાભી પરેશાન લાગ્યાં. ખૂલીને હજી કહેતાં નથી, પણ મને ખાતરી છે શી વિલ સૉર્ટ ઇટ આઉટ.’

આદર્શે લીઝાને વાતચીતનો હવાલો આપતાં તેનાથી મનોમન પ્રાથર્ના થઈ ગઈ : ગૉડ, આરવનું સોહામણું સ્મિત મુરઝાય નહીં એટલું કરજો!

lll

કુશાંગીને માના આગમનનો પણ આનંદ નથી.

આરવની ઉદાસી ઘુંટાય છે. કોણ કહેશે આ એ જ કુશાંગી છે જેને હું ચાહતો હતો?

હતો?

ભૂતકાળના ક્રિયાપદે આરવને થથરાવી મૂક્યો. જાતને વધુ ખોતરવાની હામ ન હોય એમ મન મનાવ્યું : એક વાર માને આવી જવા દો, પછી બધું ઠીક થઈ જશે!

lll

‘દરેક સમસ્યાનો ઉકેલ છે.’ નિકામે બે દિવસથી સાસુના આવવાનું દુખડું રડતી કુશાંગીને કાગળની પડીકીનું પૅકેટ થમાવ્યું : લે, બપોરના ખાણામાં ભેળવી દેજે એટલે તારી સાસુ ઘોડા વેચીને સૂતી હોય એમ ચાર કલાક ઘોરતી રહેશે ને આપણી મોજ ચાલુ!

સાંભળીને કુશાંગી મહોરી ઊઠી.

lll

‘આવો આવો, મા!’

શુક્રની સાંજે આવી પહોંચેલાં સાસુમાને કુશાંગીએ ભાવથી આવકારતાં આરવે રાહત અનુભવી.

યામિનીબહેન પણ વહુના ભાવે ખુશ થયાં. ખરેખર તો તેમને આરવ જોડે જ આવવું હતું ને એમાં મુદત પણ તેમણે જ નાખી હતી. વહુના કિસ્સામાં પોતાની ગાથાનુ પુનરાવર્તન ન હોય એવું જાતને સમજાવવા જેટલોય સમય જોઈતો હતો. આદર્શને પણ ફોડ પાડી કહી ન શક્યાં પણ અહીં આવી વહુને ખુશ ભાળી અડધું ટેન્શન તો ઊતરી ગયેલું.

કુશાંગીએ શનિ-રવિનો હરવા-ફરવાનો પ્રોગ્રામ પણ બનાવી કાઢ્યો. કેટલી મઝા આવી!

‘તેં તો મને નાહક જ ગભરાવી મૂકી. જાણે શું હશે કે તેં મને એકાએક રહેવા તેડાવી!’

રવિવારની બપોરે દીકરાને કહેતાં માને તેમની જાણ બહાર સાંભળી ગયેલી કુશાંગીને તાળો બેઠો : અચ્છા, આરવ બાળક માટે મને સમજાવી નથી શકતા એટલે માને કહ્યું હશે...

‘મેં કહેલુંને મા કે તું આવશે એટલે બધું ઠીક થઈ જશે.’

નહીં! કુશાંગીના ચિત્તમાં પડઘો પડ્યો: આપણી વચ્ચે કશું ઠીક થવાનું નહીં, આરવ. હું એ વળાંકથી ઘણી આગળ નીકળી ચૂકી છું ને મને એનો પસ્તાવો નથી! બસ, કોઈક રીતે મા રવાના થવાં જોઈએ!

lll

અને સોમવારની સવાર ઊગી.

આરવના ઑફિસ ગયાની થોડી મિનિટમાં સામા ઘરેથી નિયતિને નીકળતી જોઈ યામિનીબહેને કુશાંગીને ચમકાવી: સામેના કપલ સાથે તમારે કેવાં રિલેશન છે?

હેં! અચાનકના સવાલે કુશાંગી સહેજ ભડકી ગઈ: કેમ આમ પૂછો છો, મા!

‘નહીં, આ તો... ’ યામિનીબહેને મોઘમ કહ્યું, ‘આટલાં વર્ષોમાં મેં તેમને ત્યાં તેમના પેરન્ટ્સ કે વડીલોને આવતા જોયા નથી ને શુક્રવારની સાંજે હું ગામથી આવી ત્યારે સામે પાર્ટીનો કેવો શોર હતો! પાછા વર-બૈરીના કામના કલાકો જુદા. આ કેવો સંસાર? આપણે આવા દાખલાથી દૂર રહેવું.’

યામિનીબહેનની સૂઝ બોલી, પણ દૂર રહેવાને બદલે વહુ કેટલી નજીક પહોંચી ગઈ છે એની તેમને ક્યાં જાણ હતી?

lll

‘મા, તમને આરવે કશુંક કહ્યું છે? અમારા વિશે?’

બપોરે સાસુ-વહુ જમવા બેઠાં કે કુશાંગીએ વાત કાઢી. તેનો ઇરાદો તો પાડોશી સાથેના વહેવારની ટિપ્પણી કરનારાં સાસુને ‘અમારી વચ્ચે બધું બરાબર છે’ જતાવી બને એટલાં વહેલાં રવાના કરવાનો હતો. આરવના કહેવા પર મા આવ્યાં છે એટલે દીકરાએ માના કેટલા કાન ભંભેર્યા છે એ જાણવાની જિજ્ઞાસા પણ ખરી. 

પણ જમાનાનાં ખાધેલ યામિનીબહેન એમ ઓછું પેટ આપે?

‘તેં કેમ એવું ધાર્યું કે આરવે મને કશુંક કહ્યું હોય?’ ગુલાબજાંબુનું બટકું તોડતાં તેમણે વહુને નિહાળી, ‘અને કહેવા જેવું છે શું?’

કુશાંગી ભેરવાઈ. સાસુની નજરની ધાર ખમાતી ન હોય એમ રોટલીને શાકમાં બોળવાના બહાને નીચું જોઈ ગઈ: સાસુને શું કહેવું? બાળક બાબત અમારા વિચારભેદની હિન્ટ આપવામાં તેમને તો આરવનો જ પક્ષ સાચો લાગવાનો. અને સમસ્યા છે એવું જતાવવામાં તો તે પાછાં રોકાઈ જાય એવી દહેશત!

‘મારે પણ એ જ કહેવું હતું, મા...’ તેણે શબ્દો ગોઠવી કાઢ્યા, ‘પતિ-પત્ની વચ્ચે થોડી નોકઝોક થતી રહે, બાકી કંઈ નથી. આરવ મને ફૂલની જેમ સાચવે છે.’

યામિનીબહેનના કાળજે ટાઢક થઈ, ‘તમે રાજીખુશી રહો એનાથી બીજું મને કાંઈ ન જોઈએ, વહુ.’ તેમણે સહેજ ખંચકાટભેર ઉમેર્યું, ‘હું સાસુપણાથી નથી કહેતી બેટા પણ ખોળે બાળક રમતું થાય પછી વર-બૈરીને ઝઘડવાનો ટાઇમ પણ નહીં મળે!’

બાળક. ક્યારેય નહીં ને આજે જ કેમ સાસુમાએ બાળકની વાત ઉચ્ચારી?

યામિનીબહેન તો લાગણીવશ બોલી ગયાં, પણ કુશાંગીના મનનો ચોર ટિકટિક કરવા લાગ્યો: જરૂર આરવે કહ્યું જ હોવું જોઈએ! માવડિયો.

દાઝમાં તેણે હોઠ કરડ્યો. યામિનીબહેનને લાગ્યું વહુ પીડા દબાવે છે.

બાળકની વાતે પીડા ઊપડે એવું તે શું હોય?

યામિનીબહેનને પોતાનો ગતખંડ સાંભરી ગયો, જાતને મક્કમ કરતાં જોર પડ્યું : નહીં, હું ધારું છું એવું તો ન જ હોય.

‘બાળક માટે હું તો તૈયાર જ છુંને મા, પણ આરવ...’ કુશાંગીએ જાણીને અધ્યાહાર છોડ્યો, ‘છોડો, તેનું તમે તેને જ પૂછી લેજોને!’

વહુના વાક્યે યામિનીબહેન તર્કવિતર્કના રવાડે ચડી ગયાં.

અને ધીરે-ધીરે તેમની આંખો ઘેરાવા લાગી.

lll

હું કેટલું સૂતી!

સામી દીવાલ ઘડિયાળમાં સાંજના સવાપાંચનો આંકડો જોતાં યામિનીબહેન જરાતરા ઓછપાયાં પણ, વહુ પણ શું ધારશે કે સાસુમા તો જમ્યાં એવાં ઘોરવા માંડ્યાં!

પણ આવું તો કદી નથી થયું. બપોરે સૂવાની તો મને આદત જ નથી. ગામના ઘરે તો પાર વિનાનાં કામ પણ હોય છે તોય મટકું નથી મારતી. તો પછી આમ કેમ?

બીજા દિવસે, ત્રીજા દિવસે પણ આવું થતાં તેમને વહેમ પેઠો : આવી કુંભકર્ણ જેવી ઊંઘનું કારણ જુદું જ હોવું જોઈએ. બપોરનું ભોજન લીધા પછી જ આંખ ઘેરાવા માંડે છે.

ભોજન.

‘મા, તમે તો કંઈ ખાતાં જ નથી!’ આગ્રહભેર પીરસતી વહુની છબી તરવરતાં યામિનીબહેનના ડોળા ચકળવકળ થવા લાગ્યા: ક્યાંક વહુ જ તો મારા ખાણામાં ઊંઘની દવા જેવું કોઈ તત્ત્વ નથી ભેળવતીને!

પણ વહુ આવું શું કામ કરે! મને ઉંઘાડીને તેને શું મળવાનું? તે પણ તો તેના રૂમમાં સૂતી જ હોય છેને!

આવું તો હું જાગ્યા પછી વહુ કહેતી હોય છે. હું ક્યા જોવા ગઈ કે આખી બપોર તે શું કરે છે! 

આનો બીજો અર્થ એ કે બપોરે વહુ કંઈક એવું કરે છે જે મારે જોવા-જાણવા જેવું ન હોય!

તો-તો એ જાણવું જ રહ્યું!

પોતાનો નિર્ણય આંખ સામે મોત રમતું કરી મૂકશે એની ત્યારે યામિનીબહેનને ક્યાં ખબર હતી?

lll

હળવેથી રૂમનો દરવાજો ખૂલ્યો. પલંગની સાવ નજીક આવી પગરવ દૂર થયો. સાથે કાનમાં અવાજ રેડાયો: તારી જડીબુટ્ટી બરાબર કામ કરે છે. સાસુમા ઘોડા વેચીને સૂતા છે. કપડાં કાઢી નાખ, હું તારામાં સમાઈ જવા આ સામે આવી!

બારણું બંધ થવાનો અવાજ સંભળાયો ને યામિનીબહેનનાં નેત્રો ખૂલી ગયાં. આજે જાપ્તો રાખી વહુને મારા દાળના કટોરામાં દવાની ટીકડી નાખતાં ઝડપી પોતે પછીથી વહુની જાણબહાર એ દાળ ઢોળી વાટકો જ બદલી કાઢેલો ને રાબેતા મુજબ ઊંઘનો ડોળ કરી રૂમમાં આવી આંખો મીંચી પડ્યાં રહ્યાં એમાં વહુનાં છાનગપતિયાંની ચોરી ઝડપાઈ ગઈ!

હલકટ. સામેના ઘરવાળા જોડે આડો સંબંધ બાંધી મારા દીકરાને છેતરે છે! હવે જો તારો કેવો ધજાગરો કરું છું, કુલ્ટા!

ધમધમ થતા દિમાગે તેમણે પહેલાં તો આરવને ફોન જોડ્યો: તાત્કાલિક ઘરે આવ, તારું કામ છે!

 કૉલ કટ કરતાં તેમનાં જડબાં ભીંસાયાં: વહુ ફોન પર તેના યારને કેવું કહી ગઈ, તારામાં સમાવા હું આ આવી... તો લે, તમને ઝડપવા હું આ આવી!

અંબોડો કસી તેમણે ઝડપથી પગ ઉપાડ્યા અને...

બાળક માટે હું તો તૈયાર છું પણ આરવ...

વહુના શબ્દો પડઘાયા ને તેમને બ્રેક લાગી ગઈ. આરવ સાથે આ મુદ્દો ચર્ચવાની હામ જ થતી નથી. એટલું જાણું છું કે બાળકને ખાતર તો ઉંબરો મેં પણ ઓળંગ્યો હતો. અને વ..હુ પણ?

છાતીમાં ધમસાણ મચ્યું. ભૂતકાળનો ભેદ વર્તમાનને પડકારતો હતો.

અને અશ્રુધારા વહાવતાં યામિનીબહેન બહાર દોડી ગયાં, સામા ફ્લૅટના દરવાજે બન્ને હાથની થાપટ વીંઝવા લાગ્યાં : વહુ, ભલી થઈને પાછી વળ, બાળક ખાતર તારે પાપ વહોરવાની કોઈ જરૂર નથી!

lll

હેં!

યામિનીબહેનના વિક્ષેપે પહેલાં તો કુશાંગી-નિકામ ભડક્યાં, પણ કુશાંગી ગર્ભવતી થવા પરપુરુષના આશરે ગઈ હોવાના તેમના અનુમાને તત્કાળ પૂરતી રાહત પ્રગટાવી હોય એમ સ્વસ્થ થઈ ગંભીર વદને બેઉ બહાર આવ્યાં, કુશાંગીને વળગી રડી પડેલાં યામિનીબહેનને તેમના ઘરમાં દોર્યાં.

દીવાનખંડમાં ત્રણે ગોઠવાયાં.

‘આજે મેં તારી દવાવાળી દાળ ખાધી જ નહોતી...’

તેમના વાક્યે કુશાંગીએ હોઠ કરડ્યો. નિકામે ખભા ઉલાળ્યા: ઑબ્વિયસલી.

ન ઊંઘવાના કાર્યકારણ જણાવી યામિનીબહેન મુદ્દા પર આવ્યાં, ‘પહેલાં તો મને કુશાંગીની હરકત છિનાળવા જેવી લાગી. પણ પછી એનો અધ્યાહાર સાંભર્યો: બાળક માટે હું તો તૈયાર છુ પણ આરવ...’ તેમની વાણીમાં ધ્રુજારી ભળી, ‘આરવ પિતા બનવા સમર્થ નથી એવું જ તું કહેવા માગતી હતીને, વહુ?’

કુશાંગીએ માંડ-માંડ પહોળાં થવા માગતાં નેત્રોને વશમાં રાખ્યાં. પૂર્ણ પુરુષત્વની પ્રતિકૃતિ જેવા દીકરા માટે આવું કેમ ધાર્યું એ તો માજીને જ કહેવા દો.

‘હું પોતે આવી કશ્મકશમાંથી ગુજરી ચૂકી છું વહુ.’

તે કહેતાં ગયાં.

lll

લગ્નના છઠ્ઠા વર્ષે યામિનીના સંજોગો વસમા બન્યા હતા. દેવકીમાએ વેવાણને અલ્ટિમેટમ આપી દીધું હતું : હું હજી વરસ રાહ જોઈશ, ત્યાં સુધીમાં તમારી દીકરી પાસેથી મને વારસદારનાં વધામણાં ન મળ્યાં તો લઈ જાજો તમારી લાડકવાયીને, વાંઝણીવહુનો આ ખોરડાને ખપ નથી!

અને દેવકીમાનું વલણ જે હોય એ, ખોળાના ખૂંદનારની ઉણપ યામિનીને પજવતી થઈ હતી. સગર્ભા સ્ત્રીને જોઈ તેનું માતૃત્વ વળ ખાતું. કામવાળી બાઈએ તેની ધાવણી છોકરીને છાતીએ ચાંપી હોય ત્યારે યામિનીનાં થાન છલકવા આતુર બની ઊઠતાં. પાડોશમાં રમતાં બાળકોને જોઈ તે ઘરમંદિરમાં દોડી જતી : મા, મારા ઘરે પા પા પગલીનો માંડનાર ક્યારે આવશે?

દિવાકર બિચારો મથતો પણ

ખરો, પરંતુ...

અને તેની નિષ્ફળતાએ યામિની ફુત્કારી ઊઠતી : તમારાથી શેક્યો પાપડ ભંગાવાનો નહીં! હવે સંતાન માટે હું જે કરીશ એ મૂંગા મોંએ જોતા રહેજો!

પોતે તો શું જ કરી શકવાની! આવેશ ઓસરતાં યામિની વિચારે ચડી જતી: પતિ અસમર્થ હોય ત્યારે પત્નીએ માતૃત્વ ધારણ કરવા પરપુરુષ પર આધાર રાખવો પડે... તેની સાથે સૂવું પડે!

ને યામિનીને કમકમાં આવી જતાં. શું મા થવા મારે મારું સતીત્વ ગુમાવવાનું? અને એવો પુરુષ કોણ હોય?

lll

‘આવામાં આદર્શનો ફોન આવ્યો.’ ગતખંડ દોહરાવતાં યામિનીબહેન બે ઘડી રોકાયાં ને કુશાંગીના દિમાગમાં કડાકો બોલ્યો: આ..દ  ર્શ! મતલબ હરિદ્વારમાં સાસુજી દિયર સાથે...

તેને ખડખડાટ હસવાની ઇચ્છા થઈ.

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 12:02 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK