Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્ત્રી - હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા (પ્રકરણ ૫)

સ્ત્રી - હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા (પ્રકરણ ૫)

Published : 13 February, 2026 11:39 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

પતિ સાથે પહેલી વાર બહારગામ જનારી યામિનીના દિમાગમાં માતૃત્વ વળ ખાતું હતું. મમતા સ્વાર્થી બનવા પ્રેરતી હતી: પ્રવાસનો મેળ ગોઠવવામાં કુદરતનું જ કરવું જો.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


યામિનીબહેને ગતખંડની કડી સાંધી.

‘આદર્શનો કૉલ આવ્યો : ક્રિસ્ટિનાના દેહાંતને વરસ થવાનું ભાભી. તમે તો જાણો છો, તેની આખરી ઇચ્છારૂપે ભારતીય રિવાજ મુજબ તેના અંતિમ સંસ્કાર કરેલા. હવે વરસી વાળવા ઇન્ડિયા આવું છું. દિલ્હી ઊતરી સીધો હરિદ્વાર. તમે અને દિવાકર પણ આવો.’



યામિનીબહેન સંભારી રહ્યાં : 


lll

પતિ સાથે પહેલી વાર બહારગામ જનારી યામિનીના દિમાગમાં માતૃત્વ વળ ખાતું હતું. મમતા સ્વાર્થી બનવા પ્રેરતી હતી: પ્રવાસનો મેળ ગોઠવવામાં કુદરતનું જ કરવું જો. હરિદ્વારના ત્રણ દિવસના રોકાણમાં બે રાત્રિની તક મળે એમ છે. હિંમત કરી એક વાર તારા રૂમમાંથી નીકળી આદર્શના રૂમમાં પહોંચવાનું જોર અજમાવ... પતિની ઊણપનો ઇલાજ દિયર કરે એ છિનાળવું ન ગણાય.


હરિદ્વારમાં ત્રણ વર્ષે આદર્શને ભાળી યામિનીથી રડી પડાયું. ઉદાસી તેનો સ્વભાવ બની ગઈ હતી. હસવાનું- હસાવવાનું સાવ ભૂલી ગયો!

‘શું કરું ભાભી, ક્રિસ્ટિના છોડી ગઈ...’ આદર્શની પીડા છલકાઈ ઊઠેલી.

બીજી બપોર સુધીમાં વિધિ પતાવી. સાંજે ગંગા આરતી વખતે યામિનીએ હાથ જોડી આંખો મીંચી: મારી મમતાને ખાતર જે કરું એ પાપ ન ગણાય ગંગામૈયા એટલી મહેર રાખજો!

અને મધરાતે પતિની નીંદરની ખાતરી કરી યામિનીએ માથે કંબલ ઓઢ્યો, હળવેથી રૂમ બહાર નીકળી દરવાજો ઠેલી બાજુના દરવાજે ટકોરા માર્યા.

‘ભાભી, તમે?’

ધાર્યા મુજબ આદર્શ સૂતો નહોતો. કદાચ ક્રિસ્ટિનાને સંભારી રહ્યો હતો.

‘આજની રાત પૂરતી ક્રિસ્ટિનાને ભૂલી જાઓ, દિયરજી.’ હોઠ ભીડી દરવાજાની સ્ટૉપર મારી યામિનીએ કંબલ ફગાવ્યો એટલામાં તો હાંફી જવાયું.

‘ભાભી, તમે આમ...’ આદર્શના વદન પર આઘાત છવાયો.

‘ગેરસમજ ન કરશો દિયરજી. લગ્નના સાત વર્ષે હું કુંવારી છું, પણ વાસનાની મારી નથી આવી.’

યામિની હજી પીઠ ફેરવીને ઊભી હતી, પણ તેના રણકામાં સચ્ચાઈ વર્તાઈ, ‘સાસુનાં મેણાં અકારાં થઈ પડ્યાં હોત તો ઉંબરો ઓળંગવાને બદલે મેં વખ ઘોળવું પસંદ કર્યું હોત. આજે આ પાવનધામમાં હું તમારા આશરે આવી છું મમતાની મારી!’ દોડીને તે આદર્શને પગે પડી, ‘મારી કોખમાં માતૃત્વ ફૂટે એટલી મહેર વરસાવી દો આદર્શ, જીવતરનો સહારો પામવા મારે બીજો કોઈ આરો નથી!’

તેના શબ્દોમાં, આદર્શનાં ચરણોને ભીંજવતા તેના અશ્રુજળમાં માતૃત્વ નીતરતું હતું. આ વાસના નહોતી, આડા સંબંધનુ ઈજન નહોતું.

આદર્શ પળ પૂરતો આંખ મીંચી ગયો, ખૂલી ત્યારે દ્વિધા નહોતી.

અને પછી...

lll

‘અને પછી...’

અત્યારે યામિનીબહેનને કહેતાં કુશાંગીએ હાથ આડો કરી અટકાવ્યાં, ‘પછીનું અમે ક્યારના સમજી ગયાં! એક બાજુ સાગરમાં સમાવા આતુર નદી જેવી સ્ત્રી ને સામે પાછો લંડનમાં જન્મેલો, ઊછરેલો જુવાન! પછી બે જુવાન શરીર વચ્ચે મદભર્યા એકાંતમાં જે થવું ઘટે એ થયું અને એનું ફળ તમારા ગર્ભમાં રોપાયું! આનો બીજો અર્થ એ કે આરવ આદર્શઅંકલની નાજાયઝ ઓલાદ છે!’ કુશાંગીએ નિકામને નિહાળ્યો, ‘ઇઝન્ટ ધિસ અ જૅકપૉટ?’ 

નિકામ હસ્યો: યા સ્વીટી!

યામિનીબહેન બેઉને ફાટી આંખે નિહાળી રહ્યાં.

‘આટલા ડોળા શાની ફાડે છે ડોકરી!’ કુશાંગીની ખંધાઈ ખુલ્લી થઈ, ‘અમે તારો આ ભેદ આરવને નહીં કહીએ, તારે અમારા સંબંધ સામે આંખમીંચામણાં કરવાનાં!’

એટલે...

‘એટલે એમ કે તારા દીકરામાં કોઈ ઊણપ નથી સિવાય કે તે જુનવાણી છે! મને બાળક જોઈએ છે એવું મેં તમને અમસ્તું કહેલું, આરવે આ બાબતમાં તમને કેટલું કહ્યું છે એ જાણવાના આશયે કહેલું, અમારી વચ્ચે ઇશ્યુ એ જ હતો-છે કે મારે બાળક નથી જોઈતું ને આરવ એ સ્વીકારી શકતો નથી!’

બાળક નથી જોઈતું? પુરુષમાં ભ્રમરવૃત્તિ છે, જવાબદારીથી દૂર ભાગવાનું પણ ઘણા પુરુષોનું લક્ષણ હોય છે એટલે પિતા ન બનવાનું તેનું વલણ સમજાય, પણ સ્ત્રી તો સર્જનની કરનારી! એક સ્ત્રી પોતાની મરજીથી માતૃત્વવિહોણી રહેવા માગે? મા બનવું તેને બંધનરૂપ લાગે? અરે, કોઈ આવી છોકરીઓને સમજાવો કે ગર્ભમાં બાળકના પહેલા ફફરાટે છાતીમાં વહાલનું એવું ઝરણ ફૂટતું હોય છે કે શરીરમાં લોહીને બદલે મમતા ફરતી થઈ જાય છે પછી શું પ્રસવની પીડા કે શું જીવતરનો સંઘર્ષ, કશું જ તેને ડરાવી કે ઝુકાવી શકતું નથી! પણ લાગે છે આજની પેઢીની સુખની વ્યાખ્યા બહુ સંકુચિત બનતી ગઈ છે. દયાજનક, બીજું તો શું! 

આ ઓછું હોય એમ નિયતિને પણ આડા સંબંધની જાણ છે જાણી યામિનીબહેનને તો આભડછેટની જ લાગણી થઈ.

‘તું પણ આટલી જ ફૉર્વર્ડ હોય કુશાંગી તો આરવને છોડી સામા ઘરે પર્મનન્ટ્લી જતી રહેને, કોણ રોકે છે?’

‘તમારો સવાલ વૅલિડ છે સાસુમા, પણ આરવથી છૂટી થઈ હું રસ્તા પર આવી જાઉં!’

કુશાંગીના ખુલાસાએ યામિનીબહેનને અરુચિ થઈ : કેટલી સ્વાર્થઅંધ છોકરી! પતિના નામે ઘર, બૅન્ક-બૅલૅન્સ જોઈએ છે ને પાછો તેને જ છેતરવો પણ છે! આવી જ પત્નીઓ પછી આગળ જતાં પ્રેમી સાથે મળી પતિને પતાવી દેતી હોય છે.

ધ્રૂજી ગયાં યામિનીબહેન. 

‘નાઓ કમ ટુ ધ પૉઇન્ટ. અમારા વિશે આરવને કહેશો તો તમારી કામકથાનો ભાંડો હું ફોડી દઈશ... ડીલ?’

ઊંડો શ્વાસ લઈ યામિનીબહેને ડોક ધુણાવી : ના.

પછી કુશાંગી સાથે નજર મેળવી, ‘કેમ કે પોતાના જન્મની કહાણી આરવ જાણે જ છે.’

‘હેં! ન હોય! આરવ જાણે છે કે એ તારા ને આદર્શના સંસર્ગનું...’

સટાક. યામિનીબહેને દાંત કચકચાવી એવો લાફો વીંઝ્યો કુશાંગીને કે બે ઘડી તો તેને તમ્મર આવી ગયાં.

‘વિકૃત દિમાગને વિકૃતિ જ સૂઝે. ધીરજ રાખી કથાની પરાકાષ્ઠા હવે સાંભળ.’

lll

યામિનીનું માતૃત્વ પોકારતું હતું. આદર્શ આંખો મીચી ગયો. ખૂલી ત્યારે દ્વિધા નહોતી.

અને પછી...

તેણે ખભે હાથ મૂકી યામિનીને ઉભી કરી, ‘તમારો માતૃત્વ માટેનો વલોપાત મને સમજાય છે ભાભી, પણ એને પામવાનો આ સાચો રસ્તો નથી. અત્યારે તમે પાછાં વળો, તમારી ગોદ સૂની નહીં રહેવા દઉં એટલો ભરોસો રાખો.’

lll

‘અને હું અણીશુદ્ધ પાછી વળી.’ યામિનીબહેને સંધાણ કર્યું, ‘બીજા દિવસે અમે દિલ્હીથી મુંબઈની ફ્લાઇટ પકડી, ત્યાં સુધીમાં આદર્શે દિવાકરને ડૉક્ટરને કન્સલ્ટ કરવા મનાવી લીધેલા.’

ખરેખર તો આદર્શે દિવાકરને ગંગાતટે લઈ જઈ તેનું મન ફંફોસવાની ઢબે પૂછેલું : લગ્નનાં આટલાં વર્ષ થયાં ભાઈ, તમારે ત્યાં ઘોડિયું કેમ નથી બંધાતું?

પતિ તરીકેની ઊણપ દિવાકરને પણ અંદરખાને પજવતી તો હતી જ. પહેલી વાર કોઈએ મિત્રભાવે પૂછ્યું ને દિવાકરે પોતાની મર્યાદા કબૂલી લીધી.

‘આટલી અમસ્તી વાત!’ આદર્શે જાણે પહેલી જ વાર સાંભળતો હોય એવો ભાવ દાખવી તેને આશ્વસ્ત કર્યો, ‘હવે તો મેડિકલ સાયન્સ કેટલું ઍડ્વાન્સ થઈ ગયું છે. આપણે એક કામ કરીએ. મુંબઈ મોટા ડૉક્ટરને મળતા જઈએ.’

દિવાકરમાં પોતાની નિર્ણયશક્તિ નહોતી અને માને ફોન જોડી આવું પૂછવામાં સંકોચ નડ્યો. કંઈક પત્નીને સુખી કરવાની ભાવના પણ ખરી એટલે તેણે હામી ભરી.

અને એ ડૉક્ટર તન્નાનો ઇલાજ ફળ્યો. યામિનીને અતૃપ્તિ ન રહી અને ચોથા જ મહિને દિવસો રહ્યા.

પૂરા મહિને દીકરો જન્મ્યો. એ ધન્ય ઘડીએ યામિનીએ આદર્શને સાંભરેલો : મારું આ

સુખ તમારા પ્રતાપે છે આદર્શ એ હું ક્યારેય વિસરીશ નહીં.

આદર્શે જોકે ક્રિસ્ટિનાની યાદમાં ચૅરિટી ટ્રસ્ટ ખોલ્યું હતું ને તેનાં જ કામોમાં વ્યસ્ત રહેતો. યામિની પણ આરવમય બનતી ગઈ. દીકરો દિવાકર જેવો નબળો ન બને એ માટે એ શરૂથી જ સચેત રહી. 

lll

‘છેવટમાં એટલું જ કે ડૉક્ટર તન્નાની ફાઇલ આજે પણ મારા કબાટના ચોરખાનામાં છે.’ યામિનીબહેનનું તેજ ઝળહળ્યું, ‘આ ઘરમાં કુંભઘડો મૂક્યાના દિવસે મેં આ ગાથા ઉખેળેલી ને એ છોકરાએ એમાં માતૃત્વનો મહિમા જ નિહાળ્યો.’

આદર્શને પણ આની ખુશી હતી : આખરે તમારો ઉછેર બોલ્યોને, ભાભી! તમારો લાડકવાયો મારો સવાયો લાડકો બની ગયો.

ઓ..હ. કુશાંગીના દિમાગમાં કડાકો બોલ્યો : અમારાં લગ્નમાં આવેલા આદર્શઅંકલ આરવને કેમ આટલું માનતા હતા એ હવે સમજાય છે. અને આ બધાનો બીજો અર્થ એ કે સાસુમાને આરવને અમારા બાબત કહેતાં રોકવાનું કોઈ હથિયાર અમારી પાસે નથી! પછી ડિવૉર્સ અને હું રસ્તે રઝળતી!

આ અનર્થ રોકવાનો એક જ માર્ગ છે! કુશાંગીની કીકીમાં ઝનૂન છવાયું, તરાપ મારી તેણે બાજુના ટેબલ પર પડેલો નૅપ્કિન ઉઠાવ્યો, યામિનીબહેનની પાછળ પહોંચી, ‘ડોકરી, તો-તો તારે મરવું રહ્યું!’ કહી તેમની ગરદનમાં ફાંસો નાખ્યો ને ભીંસ વધારતી ગઈ.

યામિનીબહેન સમક્ષ મોત તાંડવ કરવા લાગ્યું. હવાતિયાં મારતાં તે સોફાની બેઠકે ઊછળવા લાગ્યાં. આંખે અંધારા છવાયાં, શ્વાસની ડોરી તૂટવા લાગી.

‘આર યુ ક્રેઝી?’ નિકામ પણ ફફડી ઊઠ્યો, ‘છોડ કુશાંગી, ઇટ્સ ઓવર.’

‘નો લેક્ચર, નિકામ.’ કુશાંગી કંઈ જ સાંભળવાની અવસ્થામાં નહોતી, ‘હેલ્પ મી આઉટ. મારાથી વધુ ઝીંક નહીં ઝિલાય... કમ હિઅર, તારી એક જ ભીંસે માજીના રામ રમી જશે. ક્વિક!’

હતપ્રભ સો નિકામ કુશાંગીની નજીક જઈ તેના હાથમાંથી નૅપ્કિનના છેડા લે છે એટલી ક્ષણ યામિનીબહેન માટે જીવાદોરી જેવી રહી અને નિકામ ભીંસ કસે એ પહેલાં પોતાની પાસે રહેતી ચાવીથી દરવાજો ખોલી આરવ સમયસર આવી પહોંચ્યો : ખબરદાર!

નિકામ થોથવાયો. કુશાંગી ચમકી : આરવ કેમનો આવી ગયો? અને આવ્યો તો મારું અલાર્મ કેમ ન વાગ્યું?

ત્યારે ધ્યાન ગયું કે સાસુમાને અહીં દોરી લાવવાની ધાંધલમાં મારો ફોન તો નિકામના ઘરે જ રહી ગયેલો. હાય-હાય!

‘આ બધું છે શું, હેં?’ વાઘ જેવી તેની ત્રાડે નિકામ ધ્રૂજી ગયો, કુશાંગી કાંપી રહી.

‘હું કહું છું...’ માનો કણસાટભર્યો સ્વર સંભળાયો.

ખલાસ!

lll

યામિનીબહેનની જુબાનીએ કતલના પ્રયાસના આરોપસર કુશાંગી-નિકામને ઘટતી સજા થઈ. પત્નીના બદલાતા રૂપનો અંદાજ હતો એટલે તેના આડા સંબંધના સત્યનો આરવને ઝાઝો ધક્કો નહોતો લાગ્યો. તેને સહેલાઈથી છૂટાછેડા મળી ગયેલા.

નિયતિ જોકે કુશાંગી-નિકામને ભાંડી નિકામથી છૂટી થઈ ગયેલી : તમને એક પ્રૌઢાથી બચતાં ન આવડ્યું, યુઝ્લેસ ફેલોઝ! ફોજદારી ગુના પછી નિકામનું ભવિષ્ય રુંધાઈ ગયું. એવા સાથે હું જોડાયેલી રહેવા નથી માગતી! 

કહી તે ઘર પણ વેચીને નીકળી ગઈ.

નિકામ કુશાંગીની અધીરાઈને કોસે છે ને કુશાંગીને એટલો જ અફસોસ છે કે સાસુમાના ભૂતકાળની ગાથાનો ભળતો અંત ધારવાને બદલે આખી વાત સાંભળવા જેટલી ધીરજ રાખી હોત તો તેમને બ્લૅકમેલ ન કરતાં કોઈ બીજા બહાનાથી વાત વાળી લેવાત. કદાચ! પણ હવે શું? ગાજેલા કિસ્સાની બદનામી તેમને ક્યારેય ઊભરવા નહીં દેવાની!

પણ હા, આરવ ભૂતકાળ ભૂલી આગળ વધી ગયો છે. આદર્શના નિમંત્રણે નોકરીમાં રજા મૂકી તે લંડન પહોંચ્યો.

‘મીટ લીઝા. આપણા ટ્રસ્ટ પર તેની જોહુકમી ચાલે છે.’ આદર્શ આરવના કાનોમાં ગણગણ્યો, ‘ટિપ આપું છું. એ તારી તસવીરને બહુ મુગ્ધતાથી તાકતી હોય છે!’

આરવ સહેજ શરમાયો. લીઝા તેને નિહાળી રહી.

આના મહિના પછી આદર્શ યામિનીબહેનને ફોન પર વધામણાં આપી રહ્યો છે : લીઝા વિશે મેં તમને કહેલુંને ભાભી, એ છોકરી તમારા ચિરંજીવીને પણ ગમી  ગઈ છે... તમતમારે લગ્નનું મુરત જોવડાવો!’

સાંભળીને યામિનીબહેને પાર ઊતરવાનો હરખ અનુભવ્યો.

અને લગ્નના વરસ પછી ગામના ઘરની મેડીના રૂમમાં લીઝા પતિને કહી રહી છે : તમે સ્ત્રીનાં ઘણાં રૂપો જોયાનું કહેતા હતાને; મમતામયી મા, વઢકણાં દાદી, દગાબાજ પત્ની...

‘પ્રણયપ્રચુર પ્રેયસી.’ તેના વાળની લટ રમાડતાં આરવે ઉમેર્યું. પછી નજર ફેરવી, ‘પણ સ્ત્રીનું સૌથી નિર્મળ રૂપ તેં મને આપ્યું, સ્ત્રીનું દીકરી રૂપ! એના પર મારા સઘળાં સુખ કુરબાન.’  

અને ઘોડિયામાં સૂતેલી હજી બે દહાડાની બાળકી પિતાના હેતનો પડઘો પાડતી હોય એમ હસી. એ હાસ્ય, એ સુખ કદી નજરાવાનાં નહીં એટલું વિશેષ.

 

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 11:39 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK