Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ગૅલેન્ટાઇન્સ ડે: એવા મૈત્રીપૂર્ણ સંબંધો જે રોમૅન્ટિક રિલેશન કરતાં વધુ મહત્ત્વના

ગૅલેન્ટાઇન્સ ડે: એવા મૈત્રીપૂર્ણ સંબંધો જે રોમૅન્ટિક રિલેશન કરતાં વધુ મહત્ત્વના

Published : 13 February, 2026 01:15 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજે ગૅલેન્ટાઇન્સ ડે છે ત્યારે વાત કરીએ એવા મૈત્રીપૂર્ણ સંબંધો વિશે જે રોમૅન્ટિક રિલેશન કરતાં વધુ મહત્ત્વના બનતા જાય છે

ઈશા ગાંધી અને તેમનાં મહિલા મિત્રો

ઈશા ગાંધી અને તેમનાં મહિલા મિત્રો


વૅલેન્ટાઇન્સ ડે રોમૅન્ટિક પાર્ટનર્સ માટે છે ત્યારે ગૅલેન્ટાઇન્સ ડે સ્ત્રીઓ માટે પોતાની સખીઓ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધાવવાનો દિવસ છે. આજના સમયમાં લોકો માત્ર પાર્ટનર પર આધાર રાખવા કરતાં મૈત્રીપૂર્ણ સંબંધોમાં પણ ઊંડો અર્થ શોધી રહ્યા છે. પ્લેટૉનિક ફ્રેન્ડશિપ હવે માત્ર સમય પસાર કરવાની વાત નથી પરંતુ એક મજબૂત ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ બની રહી છે. ગૅલેન્ટાઇન્સ ડે આ બદલાવનું સુંદર પ્રતિબિંબ છે

૧૪ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન્સ ડે આવે એ પહેલાં દુનિયાભરમાં ૧૩ ફેબ્રુઆરીએ એક બહુ જ સુંદર દિવસ ઊજવાય છે ગૅલેન્ટાઇન્સ ડે. જ્યારે વૅલેન્ટાઇન્સ ડે રોમૅન્ટિક પાર્ટનર્સ માટે છે ત્યારે ગૅલેન્ટાઇન્સ ડે સ્ત્રીઓ માટે પોતાની સખીઓ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધાવવાનો દિવસ છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવનમાં માત્ર પ્રેમી જ નહીં પણ પ્રેમાળ મિત્રો હોવા પણ કેટલા જરૂરી છે. ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં જ ચારે બાજુ લાલ ગુલાબ, ચૉકલેટ બૉક્સ અને પર્ફેક્ટ ડેટની શોધ શરૂ થઈ જાય છે. વર્ષોથી આપણને શીખવવામાં આવ્યું છે કે જીવનની સંપૂર્ણતા માત્ર એક રોમૅન્ટિક પાર્ટનર મળવાથી જ થાય છે પરંતુ શું તમે નોંધ્યું છે કે આધુનિક સમયમાં એક નવો અને ખૂબ જ સુંદર બદલાવ આવી રહ્યો છે? આજે લોકો માત્ર પાર્ટનર પાછળ ભાગવાને બદલે એવા પ્લેટૉનિક એટલે કે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવી રહ્યા છે જેમાં રોમૅન્ટિક સંબંધો જેવી જ ઊંડાઈ, વફાદારી અને આત્મીયતા હોય; પણ એમાં અપેક્ષાઓ કે જટિલતાઓનો બોજ હોતો નથી.



સંબંધોની બદલાતી વ્યાખ્યા


રિસર્ચ અને મનૌવૈજ્ઞાનિક વલણો સૂચવો છે કે વધુ ને વધુ લોકો હવે રોમૅન્ટિક રિલેશનશિપ કરતાં ડીપ પ્લેટૉનિક ફ્રેન્ડશિપને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. વર્ષોથી આપણને એવું શીખવવામાં આવ્યું છે કે તમારો સોલમેટ એ જ હોય જેની સાથે તમે લગ્ન કરો કે પ્રેમ કરો, પરંતુ હવે નવી પેઢી એવું માની રહી છે કે મિત્ર પણ સોલમેટ હોઈ શકે એવી વ્યક્તિ જે તમને કોઈ પણ શારીરિક આકર્ષણ કે રોમૅન્ટિક અપેક્ષા વગર પૂરેપૂરા સમજે છે. મૉડર્ન ડેટિંગના જમાનામાં સંબંધો ખૂબ જ અસ્થિર અને યુઝ ઍન્ડ થ્રૉ જેવા બની ગયા છે. એવામાં લોકો કંટાળીને હવે એવા સંબંધો શોધી રહ્યા છે જ્યાં સ્થિરતા હોય. માનસિક શાંતિ માટે માત્ર એક પાર્ટનર પર નિર્ભર રહેવું જોખમી છે. જો તમારો રોમૅન્ટિક સંબંધ તૂટે તો તમારી પાસે એક સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ. આથી જ લોકો હવે ‘પ્લેટૉનિક ફ્રેન્ડશિપ’ના કન્સેપ્ટ તરફ વળ્યા છે.

ગૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી


આધુનિક સમયમાં બદલાતા સંબંધોનું એક સુંદર ઉદાહરણ સાયનમાં રહેતાં ઈશા ગાંધી અને તેમનાં મહિલા મિત્રોમાં જોવા મળે છે. તેમનું આઠ મહિલાઓનું ગ્રુપ છે જેમાં ૩૮ લઈને ૬૫ વર્ષની ઉંમરની મહિલાઓ છે. આમ તો તેઓ પાડોશી છે, પણ સમય સાથે તેઓ એકબીજાની પાકી બહેનપહેણીઓ બની ગઈ છે. આ વર્ષે ગૅલેન્ટાઇન્સ ડેના સેલિબ્રેશન માટે આ ફ્રેન્ડસર્કલ પાલઘરમાં સનફ્લાવર ફાર્મમાં જઈને દિવસ પસાર કરવાનું છે. ઈશા ગાંધી પોતાનો અનુભવ જણાવતાં કહે છે, ‘સમાજમાં રોમૅન્ટિક સંબંધોને જેટલું મહત્ત્વ મળે છે એની સરખામણીમાં ફ્રેન્ડશિપ ઘણી વાર અન્ડરરેટેડ રહી જાય છે. વાસ્તવમાં આવી મૈત્રી વ્યક્તિના ઘડતરમાં અને માનસિક શાંતિમાં મોટો ભાગ ભજવે છે. આ સંબંધની સૌથી સુંદર વાત એ છે કે અહીં તમારે દિલ ખોલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો, જ્યારે તમે તેમની સાથે હો છો ત્યારે મનની વાત આપોઆપ બહાર આવી જાય છે. ઘણી વાર આપણે આપણી પર્સનલ લાઇફને લઈને ચિંતામાં હોઈએ અને એ વાત શૅર ન પણ કરીએ છતાં માત્ર એક મિત્રની હાજરીમાં સાથે બેસવાથી કે સમય વિતાવવાથી અડધી ચિંતા દૂર થઈ જાય છે. જીવનના દરેક તબક્કે તમારે એવા મિત્રોની જરૂર હોય છે જે તમને જજ કર્યા વગર સાંભળી લે, જ્યાં તમારે કશું સાબિત નથી કરવું પડતું કે કશું છુપાવવું નથી પડતું. બસ, દિલથી દિલનો સંવાદ થાય છે અને હલકું થઈ જાય છે. ફ્રેન્ડશિપ માત્ર સમય વિતાવવાનું સાધન નથી પણ એક એવો વિસામો છે જ્યાં વ્યક્તિ ખરા અર્થમાં પોતાની જાતને પામી શકે છે.’

અપેક્ષા વગરનું બંધન

પ્લેટૉનિક ફ્રેન્ડશિપના વધતા જતા ટ્રેન્ડ પાછળની સાઇકોલૉજી સમજાવતાં સાઇકોલૉજિસ્ટ અમ્રિતા આચરેકર કહે છે, ‘રોમૅન્ટિક સંબંધોમાં હંમશાં એક ડર રહે છે કે જો બ્રેકઅપ થશે તો બધું એકઝાટકે ખતમ થઈ જશે, જ્યારે મિત્રતામાં એક સુરક્ષા છે. મિત્રો સાથે ઝઘડો થાય તો પણ એ સંબંધ સાવ તૂટી જવાની શક્યતા સાવ ઓછી હોય છે. આથી લોકો પોતાની લાગણીઓને સુરક્ષિત રાખવા માટે પ્લેટૉનિક ફ્રેન્ડશિપ વધુ પસંદ કરે છે. બીજું, રોમૅન્ટિક સંબંધોમાં ઘણો ટાઇમ, એનર્જી અને ઇમોશન્સ ઇન્વેસ્ટ કરવાં પડે છે છતાં લગ્ન થશે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી હોતી. જો છેલ્લે કશું ન મળે તો વ્યક્તિ ખાલીપો અનુભવે છે. પ્લેટૉનિક ફ્રેન્ડશિપમાં તમે જે ઇન્વેસ્ટ કરો છો એટલે કે વાતો, સપોર્ટ, સમય એનો બદલો તમને દરરોજ મળે છે. અહીં ભવિષ્ય કરતાં વર્તમાન વધુ મહત્ત્વનો છે. એ સિવાય આજના યુગમાં લોકો પોતાની આઝાદી ગુમાવવા માગતા નથી. રોમૅન્ટિક કમિટમેન્ટમાં ઘણીબધી જવાબદારીઓ અને બંધનો આવે છે. પ્લેટૉનિક ફ્રેન્ડશિપમાં એવું કોઈ કમિટમેન્ટ નથી હોતું, છતાં એમાં જે આત્મીયતા મ‍ળે છે એ રોમૅન્ટિક સંબંધો જેવી જ ઊંડી હોય છે. ઉપરાંત મિત્રતામાં બિનશરતી સ્વીકાર વધુ હોય છે. ત્યાં તમારે કોઈને ઇમ્પ્રેસ કરવાની કે પળેપળનો હિસાબ આપવાની જરૂર નથી હોતી. આ એક્સપેક્ટેશન ફ્રી ઝોન લોકોને માનસિક શાંતિ આપે છે.’

સપોર્ટ સિસ્ટમ

પ્લેટૉનિક સપોર્ટ સિસ્ટમ એક વ્યક્તિ માટે કઈ રીતે કામ કરે છે અને રોમૅન્ટિક રિલેશનશિપથી કઈ રીતે જુદી છે એ સમજાવતાં અમ્રિતા આચરેકર કહે છે, ‘જ્યારે તમે માત્ર એક પાર્ટનર પર નિર્ભર હો છો ત્યારે બધો જ માનસિક બોજ એક જ વ્યક્તિ પર આવે છે. જો એ સંબંધમાં તનાવ આવે તો તમારી આખો સપોર્ટ સિસ્ટમ હલી જાય છે. પ્લેટૉનિક ફ્રેન્ડશિપમાં તમારો ભાવનાત્મક ભાર વહેંચાઈ જાય છે. એક મિત્ર તમને સલાહ આપી શકે, બીજો માત્ર સાંભળી શકે અને ત્રીજો તમને હસાવી શકે. આ વિવિધતા તમને વધુ મજબૂત બનાવે છે. રોમૅન્ટિક સંબંધોમાં ઘણી વાર ઉતાર-ચડાવ આવે અથવા તે સંજોગાવશ બદલાઈ પણ શકે. જ્યારે પ્લેટૉનિક મિત્રતા દાયકાઓ સુધી સ્થિર રહે છે, કારણ કે જીવનના દરેક તબક્કે

ફ્રેન્ડ હોય જે તમને હેલ્પ કરે. રોમૅન્ટિક સંબંધોમાં ઘણીબધી અપેક્ષાઓ હોય છે જે ક્યારેક ગૂંગળામણ પેદા કરે છે, જ્યારે પ્લેટૉનિક મિત્રતામાં આવી કોઈ અનિવાર્યતા હોતી નથી. આ લો પ્રેશર વાતાવરણ સંબંધને ક્યારેય જૂનો કે બોજ બનવા દેતું નથી. રોમૅન્ટિક સંબંધોમાં નાની વાત પણ ગંભીર વળાંક લઈ શકે છે, જ્યારે મિત્રતામાં અપેક્ષાઓ ઓછી હોવાથી નાની-મોટી બોલાચાલી પછી પણ સૉરી કહીને આગળ વધવું સરળ હોય છે.’

આખરે દરેક વ્યક્તિની પાયાની જરૂરિયાત છે સેન્સ ઑફ બિલૉન્ગિંગ એટલે કે પોતાનાપણાનો અનુભવ. વર્ષોથી આપણને એવી માન્યતામાં બાંધવામાં આવ્યા છે કે આ અનુભવ માત્ર રોમૅન્ટિક સંબંધોમાં જ મળી શકે, પરંતુ વાસ્તવિકતામાં ડીપ પ્લેટૉનિક ફ્રેન્ડશિપ પણ એટલો જ સંતોષ આપી શકે છે. જીવનમાં એવા સંબંધો હોવા અનિવાર્ય છે જ્યાં તમારે કોઈ મહોરું પહેરવું ન પડે, જ્યાં તમે કોઈ પણ જાતના જજમેન્ટની બીક વગર તમારી જાતને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકો. જ્યારે તમે કોઈ મિત્રની હાજરીમાં તમે જે છો એ જ બનીને રહી શકો છો ત્યારે જ સાચું માનસિક સુખ મળે છે.

કેમ ઊજવાય છે ગૅલેન્ટાઇન્સ ડે?

ગૅલેન્ટાઇન્સ ડે ઊજવવાની શરૂઆત કઈ રીતે થઈ એ પણ જાણવા જેવું છે. આ દિવસ પ્રથમ વખત ૨૦૧૦માં અમેરિકન ટીવી સિરીઝ ‘પાર્ક્સ ઍન્ડ રેક્રીએશન’માં જોવા મળ્યો હતો. આ શોમાં લેસ્લી નોપ નામનું પાત્ર પોતાની મહિલામિત્રોને ૧૩ ફેબ્રુઆરીએ બ્રન્ચ માટે બોલાવે છે અને આ દિવસને ગૅલેન્ટાઇન્સ ડે તરીકે ઊજવે છે. શોમાં તે કહે છે કે આ દિવસ સ્ત્રીઓએ સ્ત્રીઓ માટે ઊજવવો જોઈએ. રસપ્રદ વાત એ છે કે જેની શરૂઆત માત્ર એક કાલ્પનિક ટીવી-શોના એપિસોડથી થઈ હતી એ આજે દુનિયાભરમાં વાસ્તવિકતામાં એક મોટા ટ્રેન્ડ તરીકે ઊજવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 01:15 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK