મુશળધાર વરસાદમાં વલ્લભ ઠાકોરજીની મૂર્તિ લઈને બચાવતો ભાગે છે, પણ મિત્ર રમણીકનો દગો તેને વધુ જોખમમાં મૂકે છે. વાસુદેવ બની આવેલ નાવિક તેને બચાવે છે. ધર્મશાળામાં શેખર સામે વલ્લભનો દાવ પલટાય છે અને અચાનક રહસ્યમય સ્ત્રીનો પ્રવેશ થાય છે
ઇલસ્ટ્રેશન
મુંબઈના આકાશે કાળાં ડિબાંગ વાદળો ઓઢી લીધાં હતાં અને આકાશ અનરાધાર વરસવા માંડ્યું હતું. વલ્લભના બન્ને પગ કાદવથી ખરડાયેલા હતા. ઘૂંટણ સુધી ભરાયેલા પાણીમાં તેનાં ચંપલ તો ક્યારના નીકળી ગયાં હતાં અને હવે પગમાં છાલાં પણ પડી ગયાં હતાં. વલ્લભે પેલી મોરપીંછવાળી બૅગ એવી રીતે પકડી હતી જાણે કે તેનો જીવ એ બૅગમાં સિવાઈ ગયો હોય.
વરસાદ સામે ઝીંક ઝીલી નહીં શકાય એવું ધારીને વલ્લભ એક અવાવરું ગોડાઉનના તૂટેલા પતરાના શેડ નીચે ઊભો રહી ગયો. હવે તેનો ડાબો ખભો થાક અને અજંપાને લીધે વારંવાર ઊંચો થવા માંડ્યો હતો તો ભીના સુતરાઉ સદરાને સરખો કરવાનો હવે કોઈ અર્થ નહોતો. વલ્લભના મનમાં વિચારોનું ભયાનક વાવાઝોડું ચાલતું હતું.
ટીવી પર ચમકેલો પોતાનો ફોટો, પોલીસની ગાડીઓની સાયરન, શેખરની ખૂની આંખો અને હૉસ્પિટલમાં રડતો પેલો લાચાર બાપ - આ બધું જ એકસાથે તેના મગજમાં ચકરાવો લઈ રહ્યું હતું.
‘ઠાકોરજી...’ વલ્લભે ભીની આંખો આકાશ તરફ ઊંચી કરી, ‘તું તો અર્જુનનો સારથિ બન્યો, પણ આજે આ કળિયુગમાં મારે ક્યાં જવાનું? મારો સારથિ કોણ? આ બધું કરું છું તો એ તારી મૂર્તિ માટે અને એમાં જ હું... હું સાવ એકલો... ભાઈ ઠાકોરજી કહેતા હતા કે સાચા માણસની કસોટી અઘરી જ હોય; પણ ઠાકોરજી, હવે મારી કોઈ ત્રેવડ રહી નથી. હવે હું ભાગી શકું એમ નથી, નથી ભાગી શકું એમ...’
બરાબર એ જ સમયે વલ્લભને પોલીસ કન્ટ્રોલ-રૂમની વૅનની સાયરન સંભળાઈ અને એકસાથે ૩ વૅન રસ્તા પરથી પસાર થઈ. વલ્લભ વધુ પાછળ અંધારામાં સંતાયો. તે સમજી ગયો હતો કે હવે તેની સલામતીની સંભાવના ઓછી છે. કોઈ પણ ઘડીએ કાં તો પોલીસની ગોળી તેને વીંધી નાખશે અથવા શેખરના ગુંડાઓ કાપી નાખશે.
કરવું શું?
અને વલ્લભને રમણીક યાદ
આવી ગયો.
વલ્લભે ખિસ્સામાંથી જૂનો કી-પૅડવાળો મોબાઇલ કાઢીને વર્ષો જૂના મિત્ર અને કાપડબજારના દલાલ રમણીકને ફોન કર્યો.
‘રમણીકભાઈ, વલ્લભ બોલું. હું તકલીફમાં છું ભાઈ.... મને આજની રાત પૂરતો તમારા અંધેરી-ઈસ્ટવાળા ગોડાઉનમાં આશરો મળે?’
‘અરે વલ્લભ, આવું તારે પૂછવાનું હોય ભાઈ?’ રમણીકના અવાજમાં શહદની મીઠાશ હતી, ‘મેં ટીવી પર બધું જોયું, પણ તું ગાંડા ટેન્શન નહીં કર. તારો આ ભાઈ હજી બેઠો છે... હું... હું એક કામ કરું છું. હું ગોડાઉનની ચાવી લઈને આવું છું. ત્યાં સુધીમાં તું ગોડાઉનની પાછળ આપણી જે જૂની લાકડાની વખાર છે ત્યાં પહોંચી જા... બધી વ્યવસ્થા હું કરું છું. હું તને
મુંબઈની બહાર સુરક્ષિત કાઢીશ, ટેન્શન નહીં કર...’
વલ્લભના હૈયે ટાઢક વળી. તેને લાગ્યું કે અણીના સમયે ઈશ્વરે જ રમણીકને મોકલ્યો. તે ઝડપી પગલે વખાર તરફ આગળ વધ્યો. જોકે વખારમાં મોત તેની રાહ જોતું ઊભું હતું.
lll
‘આવે એટલી વાર...’
‘પણ નહીં આવે તો...’
‘મેં કીધું છેને, તે આવશે...’ રમણીકનો દબાયેલો અવાજ આવ્યો, ‘અત્યારે તેની પાસે મારા સિવાય
બીજો કોઈ રસ્તો નથી ભાઈ... તમે ચિંતા ન કરો.’
સામેથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે રમણીકે સવાલ કર્યો.
‘ભાઈ, મારા ૧૦ લાખ પાકાને...’
વખારના દરવાજામાંથી વલ્લભે અંદર નજર કરી. અંદર રમણીક રઘુ સાથે હાથ મિલાવતો હતો અને ટેબલ પર ૧૦ લાખની રોકડ પડી હતી.
‘વલ્લભ આવે એટલે તે તમારો અને આ ધનલક્ષ્મી મારી... તમારે તેનું જે કરવું હોય એ કરજો. આમ પણ ડોબો જ છે સાવ, ધરતીનો ભાર...’
વલ્લભના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેને તે સગો ભાઈ માનતો હતો તે રમણીકે ૧૦ લાખમાં પોતાના બાળપણના મિત્રનો સોદો કરી નાખ્યો હતો. વલ્લભની છાતીમાં તીવ્ર કંપારી છૂટી ગઈ.
વલ્લભે ભાગવા માટે પગ ઉપાડ્યા અને એ જ વખતે તેનો પગ લોખંડના જૂના ડ્રમ સાથે અથડાયો.
ખખડાટ...
‘કોણ છે?’
અંદરથી રઘુની કર્કશ બૂમ સંભળાઈ. વખારનો દરવાજો ખૂલ્યો અને રઘુ પોતાના હાથમાં તમંચો લઈને બહાર ધસી આવ્યો.
‘અરે, આ તો વલ્લભિયો... પકડો સાલ્લાને...’
વલ્લભ જીવ પર આવીને વરસાદી કાદવમાં દોડ્યો. તેની પીઠ પાછળથી બે ગોળીઓ આવી જે વલ્લભના કાનમાં સુસવાટો કરતી નીકળી ગઈ. જોકે વલ્લભ પાછળ ફરીને જોઈ શકવાની હિંમત નહોતો ધરાવતો. આંખો બંધ કરીને તે ભાગતો રહ્યો.
ભાગતાં-ભાગતાં વલ્લભ અંધેરી અને જોગેશ્વરી વચ્ચેની રેલવેલાઇન પાસે આવેલા ખાડી કિનારે પહોંચ્યો. આગળ કાળું, ઊછળતું ગંદું પાણી હતું અને પાછળ મોત બનીને દોડતો રઘુ અને તેના માણસો હતા.
વલ્લભ રસ્તાની ધારે ફસાયો હતો.
હવે ક્યાં જવું?
બરાબર એ જ સેકન્ડે ખાડીના પાણીમાંથી લાકડાની એક જૂની હોડી કિનારા તરફ સરકી. હોડીના છેડે એક ફાનસ લટકતું હતું, જેનો પીળો તેજસ્વી પ્રકાશ વરસાદનાં ટીપાંને સોનેરી બનાવતો હતો. હોડી ચલાવનાર પડછંદ, તેજસ્વી આંખોવાળા આધેડ નાવિકે માથે કાળો ધાબળો ઓઢ્યો હતો અને તેના હાથમાં લાકડાનું હલેસું હતું. તેના ચહેરા પર એવું અડગ તેજ હતું કે વલ્લભ ક્ષણ માટે બધું ભૂલીને તેને જોઈ જ રહ્યો.
‘ચડી જા હોડીમાં, વિચારવાનો સમય નથી...’
નાવિકે પોતાનો બળૂકો હાથ લંબાવ્યો અને વલ્લભે વિચાર્યા વગર તેનો હાથ પકડી લીધો. નાવિકે ઝાટકા સાથે વલ્લભને બૅગ સહિત હોડીમાં ખેંચી લીધો અને હલેસું મારીને હોડીને ખાડીના ઊંડા પાણીમાં ધકેલી દીધી.
કિનારે પહોંચેલા રઘુ અને રમણીકની પહેલાં બૂમો સંભળાઈ અને પછી વરસતા વરસાદ વચ્ચે ગોળીઓનો અવાજ સંભળાયો. જોકે ત્યાં સુધીમાં તો હોડી આગળ નીકળી ગઈ હતી.
સલામત અંતર દેખાતાં પહેલી વારે વલ્લભે નાવિક સામે જોયું.
‘ભાઈ... તમે? મારું નામ તમને કેમ ખબર?’
‘નામનું તો એવું વાલિડા, હું બધાને વલ્લભ જ કહું... એ બહાને હજાર હાથવાળાનું નામ જીભે આવે...’ નાવિકના ચહેરા પર સ્માઇલ હતું, ‘બાકી વાત રહી હું અહીં કેમ? તો ભાઈ, જ્યારે-જ્યારે કોઈ નિર્દોષ જીવ સંકટમાં આવે, અધર્મનો ભાર વધે ત્યારે તેને કિનારો આપવા આ વાસુદેવ પહોંચી જાય...’
વાસુદેવ!
વલ્લભ સ્તબ્ધ થઈ ગયો. તેને યાદ આવ્યું કે કંસના કારાગૃહમાંથી કૃષ્ણને યમુના પાર કરાવવાના હતા ત્યારે વાસુદેવ આ જ રીતે તોફાની નદી પાર કરીને ગયા હતા. આજે પણ એવી જ ઘટના છે. પાછળ કળિયુગના કંસો છે અને ટોકરીને બદલે બૅગમાં ઠાકોરજી છે. વરસાદ વરસે છે ને કાળું પાણી ઉછાળા મારે છે.
‘ભાઈ... તમે ભગવાન થઈને આવ્યા. મને તો મારા ભાઈબંધે દગો દીધો. હું... હું બધાથી ભાગતો ફરું છું ને મારો વાંક નથી તો પણ... તો પણ હું બધાની નજરમાં છું.’ વલ્લભ રડી પડ્યો.
હલેસું મૂકીને વાસુદેવ વલ્લભ પાસે આવ્યા અને તેની પીઠ થાબડી.
‘જે દગો આપે તે પોતાનો ધર્મ ભૂલે છે, પણ તું તારો ધર્મ ન ચૂકતો. ઠાકોરજી તો લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અનેક રાક્ષસો આવશે પણ તારે તારું સત્ય પકડીને રાખવાનું છે. વલ્લભ, એક વાત કહું.... અંધારું ગમે એટલું કાળમીંઢ હોય, સૂર્યોદય નિશ્ચિત છે અને ધીરજ ત્યારે જ ખૂટે છે જ્યારે પરિણામ હાથવેંતમાં હોય છે.’
હોડી દાદર નજીકના એક જૂના, નિર્જન ધક્કા પાસે આવીને ઊભી રહી ગઈ.
વલ્લભે આજુબાજુમાં નજર કરી અને વાસુદેવે એક દિશા તરફ હાથ કર્યો.
‘સામે જે ધર્મશાળા દેખાય છે ત્યાં જા. સવાર સુધીમાં રસ્તો પણ મળી જશે અને પ્રકાશ પણ પથરાઈ જશે...’
વલ્લભે ધર્મશાળા તરફ નજર કરી અને પછી આભારવશ નજર સાથે વાસુદેવ સામે જોયું, પણ વાસુદેવ રવાના થઈ ગયા હતા. ખાડીના પાણીમાં દૂર માત્ર ફાનસનો પીળો પ્રકાશ પથરાયેલો હતો. વલ્લભની આંખોમાં આંસુ હતાં, પણ હવે તેની અંદર અખૂટ આત્મવિશ્વાસ જન્મી ગયો હતો.
lll
મોરપીંછવાળી બૅગ છાતીએ લગાવીને વલ્લભ ધર્મશાળા તરફ આગળ વધ્યો. ધર્મશાળા શાંત હતી, અંદર અંધકાર હતો. જેવો વલ્લભ અંદર દાખલ થયો કે અચાનક ચારેય તરફથી ધર્મશાળાની ફ્લડલાઇટ્સ ચાલુ થઈ ગઈ અને સફેદ દૂધ જેવો પ્રકાશ વલ્લભની આંખો પર પડ્યો.
વલ્લભે એ ઝળાંહળાં વચ્ચે માંડ આંખો સેટ કરી અને પછી ધીમે-ધીમે દૃષ્ટિ માંડી.
સામે ખુરસી પર શેખર બેઠો હતો.
તેની બાજુમાં રમણીક, રઘુ અને બીજા ૮ ગુંડા ઊભા હતા.
શેખરે ઊભા થઈને તાળીઓ પાડી.
‘વાહ વલ્લભ વાહ. તું તો સાચે જ ખેલાડી નીકળ્યો. અમને તો એમ કે તું ખાડીના રસ્તે નીકળી જઈશ, પણ તું તો સીધો અહીં આવી ગયો... આ જગ્યા તારી જ છેને?’ શેખર ઊભો થયો, ‘અહીં સંતાવાનો તારો પ્લાન હતોને....’
વલ્લભ ઘેરાઈ ચૂક્યો હતો. હવે ભાગવાનો કોઈ રસ્તો નહોતો.
શેખરે પોતાની પિસ્તોલ વલ્લભના કપાળ પર ટેકવી દીધી.
‘હવે બહુ નાટક થયાં. બૅગ આપ એટલે તને કાયમ માટે તારા ઠાકોરજી પાસે મોકલું.... તારા ભાઈ ઠાકોરજી પાસે...’
પહેલી વાર, પહેલી વાર વલ્લભનો ડાબો ખભો સહેજ પણ ન ધ્રૂજ્યો. તેની આંખોમાં મોતનો પણ ડર નહોતો. તેના ચહેરા પર એક રહસ્યમય અને શાંત સ્મિત પથરાયું.
વલ્લભે સીધા શેખરની આંખોમાં જોયું.
‘શેખરભાઈ, તમને શું હતું કે તમે જીતી ગયા? પણ તમે એક વાત જોઈ નહીં. તમારી મૂર્તિ તો મારી પાસે છે, પણ આ મૂર્તિમાં એક ખાસિયત છે. જોઈ લો.’
શેખર ચમક્યો. તેણે આંચકો મારીને બૅગ છીનવી લીધી અને બૅગની ચેઇન ખોલી. અંદર મૂર્તિ તો હતી, પણ મૂર્તિના હાથમાં રહેલી પ્રાચીન સોનાની વાંસળી ગાયબ હતી. એની જગ્યાએ ઠાકોરજીના હાથમાં નાનું લાઇવ ઑડિયો-વિડિયો ટ્રાન્સમીટર ચોંટાડેલું હતું.
‘અત્યારની આ બધી વાત સીધી જાય છે... મુંબઈના પોલીસ-કમિશનરની ઑફિસમાં...’ વલ્લભ પહેલી વાર હસ્યો, ‘આ બધું ત્યારે કર્યું જ્યારે તારા માણસો મારા ઘરે આવી ગયા. કાર્ટર રોડ... કાર્ટર રોડની એક ખાસિયત છે. એ પ્રેમની જગ્યા છે. ત્યાં દગો ન ચાલે. બસ, પ્રેમ ને ખાલી પ્રેમ... તું કાર્ટર રોડવાળાને ફસાવવા નીકળ્યો’તો, પણ ભૂલી ગયો તું કે આ તો ઠાકોરજીનો જિગરિયો... તેને કોઈ સલવાડે નહીં.’
‘સાલ્લા... તું મને ફસાવતો હતો?’
શેખર ક્રોધથી રાતોચોળ થઈ ગયો.
‘એય જલદી બૅગ લઈને તમે લોકો નીકળો... ભાગો... ફટાફટ.’
શેખરે તેના માણસોને સૂચના આપી અને પછી પિસ્તોલ વલ્લભના માથા પર તાકી. વલ્લભે આંખ બંધ કરી અને બીજી જ સેકન્ડે શેખરની પિસ્તોલનો ઘોડો દબાયો અને હવામાં ગોળી છૂટી...
ઢીંચિયાઉં...
જોરદાર અવાજ સાથે આખી ધર્મશાળા ગાજી ઊઠી, પણ છૂટેલી ગોળી વલ્લભને ન વાગી. ધર્મશાળાના ઉપરના ભાગથી તીક્ષ્ણ પથ્થરનો ઘા આવ્યો હતો જેણે શેખરના હાથમાં રહેલી રિવૉલ્વરને ફગાવી દીધી હતી અને રિવૉલ્વર હાથમાંથી છૂટ્યા પછી ફાયરિંગ થયું હતું. શેખર કંઈ સમજે કે કરે એ પહેલાં ફરીથી પથ્થરોનો વરસાદ થયો અને ધર્મશાળાના હૉલમાં રહેલી તમામ ફ્લડલાઇટ ફૂટી.
હવે ધર્મશાળામાં કાળમીંઢ
અંધકાર હતો.
શેખર અને તેના માણસો મૂંઝાયા અને એ મૂંઝવણ વચ્ચે અંધારામાં ધર્મશાળાનો દરવાજો ખૂલ્યો અને બહારનો પ્રકાશ એ દરવાજામાંથી દાખલ થયો. પ્રકાશ વચ્ચે એક તેજસ્વી પડછાયો ધર્મશાળાના મુખ્ય દ્વાર પર આવીને ઊભો રહ્યો. પડછાયા પરથી સ્પષ્ટ થતું હતું કે આવનારી તે વ્યક્તિ કોઈ સ્ત્રી હતી અને તેના હાથમાં ઠાકોરજીની પેલી સોનાની વાંસળી ચમકતી હતી!
(આવતી કાલે સમાપ્ત)
