Mumbai Weather Updates: આજે મુંબઈ અને તેના ઉપનગરોમાં આંશિકથી પૂર્ણ વાદળછાયા આકાશ સાથે હળવા વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરી છે; શહેરમાં તાપમાન ૨૮ થી ૩૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે; મુંબઈના જળાશયોમાં પાણીનો સ્ટોક ૯૫.૯૪ ટકા થયો
ફાઇલ તસવીર
આજે ગુરુવાર, ૩ સપ્ટેમ્બરના રોજ મુંબઈ (Mumbai) અને તેના ઉપનગરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)ના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન વચ્ચે-વચ્ચે વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે. જ્યારે તાપમાન ૩૧ થી ૩૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. અઠવાડિયાના અસ્થિર ચોમાસા બાદ હાલ મુંબઈ માટે કોઈ ગંભીર હવામાન ચેતવણી જાહેર ન થતાં મુંબઈગરાઓને રાહત મળી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુરુવાર, ૩ સપ્ટેમ્બરના રોજ મુંબઈ (Mumbai Weather Updates) અને તેના ઉપનગરોમાં આંશિકથી પૂર્ણ વાદળછાયા આકાશ સાથે હળવા વરસાદ અને સતત ઝાપટાંની સંભાવના (Mumbai Weather Today) વ્યક્ત કરી છે. શહેરમાં મુશળધાર વરસાદમાંથી વિરામ જળવાઈ રહ્યો છે, ત્યારે દિવસ દરમિયાન પવન સાથે વચ્ચે-વચ્ચે હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની ધારણા છે.
ADVERTISEMENT
ભેજ વચ્ચે તાપમાન સામાન્ય રહેવાની શક્યતા
સ્થાનિક હવામાન આગાહી મુજબ, મહાનગરમાં મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્શિયસ થી ૩૨ ડિગ્રી સેલ્શિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫ડિગ્રી સેલ્શિયસ ની આસપાસ રહેશે. સરેરાશ ૮૯ થી ૯૦ ટકા જેટલા ઊંચા ભેજના પ્રમાણને કારણે વરસાદ ન પડતો હોય તેવા સમયગાળા દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ થશે.
હવામાન નિષ્ણાતોએ નોંધ્યું છે કે, દરિયાકાંઠાના અને કેટલાક ઉપનગરીય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સાથે ઝડપી પવન ફૂંકાઈ શકે છે, જોકે આર્થિક રાજધાની માટે કોઈ ગંભીર હવામાન ચેતવણી કે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી.
બપોરના સમય માટે હાઈ ટાઈડની ચેતવણી જારી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)ના નાગરિક સત્તાવાળાઓએ દરિયાકાંઠે મોજાંની હિલચાલ અંગે સ્થાનિક રહીશોને ચેતવણી આપી છે. બપોરના સમયે દરિયામાં ૩.૮ મીટરથી વધુ ઊંચાઈ સુધીના મોજાં ઉછળવાની (હાઈ ટાઈડ) શક્યતા છે, ત્યારબાદ મોડી સાંજે ઓટ આવશે. આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ મુસાફરો અને પ્રવાસીઓને ભરતીના મુખ્ય કલાકો દરમિયાન બીચ અને દરિયાકિનારાના વોકવે નજીક સાવચેતી રાખવા સલાહ આપી છે.
મુંબઈમાં નોંધાયેલો વરસાદ
૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ વાગ્યાથી ૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન મુંબઈના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો.
શહેરના વિસ્તારમાં સરેરાશ ૨.૪૧ મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ ઉપનગરોમાં ૩.૭૧ મીમી વરસાદ પડ્યો હતો. આ ૨૪ કલાકના સમયગાળા દરમિયાન પશ્ચિમ ઉપનગરોમાં સૌથી વધુ સરેરાશ ૪.૯૮ મીમી વરસાદ નોંધાયો હતો.
મહાનગરમાં AQI `સારી` શ્રેણીમાં રહ્યો
મોસમી દરિયાઈ પવનો અને વચ્ચે-વચ્ચે થતા વરસાદના કારણે મુંબઈની હવાની ગુણવત્તા સ્વચ્છ વિસ્તારમાં જળવાઈ રહી છે. શહેરના મુખ્ય મોનિટરિંગ સ્ટેશનો પર નોંધાયેલો એકંદર એર ક્વોલિટી ઈન્ડેક્સ (Air Quality Index) ૫૦ થી નીચે રહ્યો છે, જે મુંબઈની હવાને સ્પષ્ટપણે `સારી` (Good) શ્રેણીમાં રાખે છે.
મુંબઈના જળાશયોમાં પાણીનો સ્ટોક ૯૫.૯૪ ટકા થયો
ભાંડુપ માસ્ટર કંટ્રોલ સેન્ટર ખાતેના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં (Mumbai Lake Levels) ગુરુવાર, ૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૩,૮૮,૫૪૨ મિલિયન લીટર એટલે કે તેમની કુલ ક્ષમતાના ૯૫.૯૪ ટકા પાણીનો જથ્થો નોંધાયો હતો.
પાણીનો આ વર્તમાન જથ્થો ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ઓછો છે, જ્યારે આ જળાશયોમાં ૧૩,૯૪,૨૯૨ મિલિયન લીટર (૯૬.૩૩ ટકા) પાણી હતું. આ ઉપરાંત, જળાશયોમાં પાણીનું સ્તર ૨૦૨૪ કરતાં પણ ઓછું રહ્યું છે, જ્યારે તળાવોમાં ૧૪,૦૫,૬૭૮ મિલિયન લીટર પાણી હતું, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૯૭.૧૨ ટકા જેટલું થતું હતું.
આ વર્ષે સાત જળાશયોમાંથી વિહાર તળાવમાં ૧૦૦ ટકા પાણીનો જથ્થો જળવાઈ રહ્યો છે. જ્યારે તુલસી તળાવમાં ૯૭.૨૦ ટકા, તાનસામાં ૯૮.૨૯ ટકા, મિડલ વૈતરણામાં ૯૭.૭૪ ટકા, મુંબઈના સૌથી મોટા જળાશય ભાતસામાં ૯૬.૦૬ ટકા અને અપર વૈતરણામાં સૌથી ઓછું ૯૦.૧૯ ટકા પાણીનું સ્તર છે.
