ભાલચંદ્ર અને વૈભવની નાની બહેન નિશા ખૂણામાં બેઠાં હતાં, જ્યારે પલંગ સાથે બંધાયેલો વૈભવ પોતાની પૂરેપૂરી તાકાત વાપરતો છૂટવા માટે તરફડિયાં મારતો હતો. તેના મોઢામાંથી લાળ પડતી હતી અને આંખો લાલચોળ થઈ ગઈ હતી.
ઇલસ્ટ્રેશન
ગુરુજીએ પોતાના હાથમાં રહેલી ભસ્મ વૈભવ તરફ ફેંકી અને વૈભવ શાંત થયો. ગુરુજીએ માનસીની
સામે જોયું.
‘બેટા, હવે તારે નીકળવું પડશે. આપણી પાસે સમય બહુ ઓછો છે. વૈભવ અત્યારે શાંત છે, પણ તેની આ શાંતિ લાંબો સમય નહીં રહે.’
માનસી જેવી ઊભી થઈ કે તેની સાથે તરત મેઘા ઊભી થઈ.
‘તું એકલી નહીં જાય, હું તારી સાથે આવીશ.’
માનસીએ ગુરુજી સામે જોયું અને ગુરુજીએ હકારમાં ગરદન હલાવતાં માનસીના હાથમાં ગંગાજળથી અભિમંત્રિત કરેલું તાંબાનું પાત્ર અને એક નાની હથોડી આપી.
‘બેટા, એ વડ પાસે જવું આસાન નથી. દમયંતીની કાળી શક્તિ તારો રસ્તો રોકવા જોર લગાવશે; પણ તારું સતીત્વ, તારો સાચો પ્રેમ અને તારી પવિત્રતા તારું રક્ષણ કરશે. બાકી હરિ ઇચ્છા...’
માનસી અને મેઘા રેઇનકોટ પહેરીને વાડાની બહાર નીકળી ગયાં.
રાતના પોણાઅગિયાર વાગ્યા હતા. કબૂતરખાના અને ચોપાટી તરફ જતો રસ્તો સાવ સૂમસામ હતો. માત્ર વીજળીના કડાકા અને પવનના સુસવાટા સંભળાતા હતા.
lll
માનસી અને મેઘા શિવાજી પાર્કના પશ્ચિમ છેડા પાસે પહોંચી ગયાં હતાં. વડનું ઝાડ હવે ૫૦૦ મીટર પણ દૂર નહોતું. જેમ-જેમ તે બન્ને ઝાડની નજીક પહોંચતાં ગયાં એમ-એમ વાતાવરણમાં બળવાની દુર્ગંધ વધવા માંડી. હિંમત કરીને બન્ને આગળ વધતાં રહ્યાં અને શિવાજી પાર્કની અંદરનો રસ્તો પાર કરતાં હતાં ત્યાં જ અચાનક પવન એવો પ્રચંડ બન્યો કે માનસીની
ડાબી અને જમણી બાજુની સ્ટ્રીટલાઇટ્સના બલ્બ એક પછી એક ધડાકા સાથે ફૂટ્યા.
એકસાથે બન્ને બાજુના દસથી ૧૨ બલ્બ ફૂટતાં ચારેય તરફ અંધારું છવાઈ ગયું.
મેઘાએ ડરીને માનસીનો હાથ પકડી લીધો.
‘માનસી, આ... આ શું...’
‘ડર નહીં મેઘા... બસ, ચાલતી રહે. આપણે રોકાવાનું નથી.’ માનસીએ હિંમત સાથે કહ્યું, ‘યાદ છેને ગુરુજીના શબ્દો, આપણને એ શક્તિ રોકશે...’
lll
બન્ને વડના ઝાડ પાસે પહોંચ્યાં. અંધારામાં ઝાડ ભયાનક દૈત્ય જેવું લાગતું હતું. વડની વડવાઈઓ પવનમાં ફફડતી હતી. માનસીએ ટૉર્ચ ચાલુ કરી. વડના થડની બરાબર નીચે જમીન પર કંકુ અને કાળા અડદ વેરાયેલાં હતાં. આ એ જ જગ્યા હતી જ્યાં આઈનાં અસ્થિ-ભસ્મ દાટ્યાં હતાં.
માનસીએ કોદાળી હાથમાં લીધી અને જમીન ખોદવાનું શરૂ કર્યું.
વરસાદને કારણે માટી ભીની હતી, પણ ખોદવું આસાન નહોતું.
ઠક... ઠક... ઠક...
ત્રીજો ઘા જમીન પર પડ્યો અને જમીનમાંથી અજીબ તીણો અવાજ આવવો શરૂ થયો, જાણે કોઈ સ્ત્રી અંદરથી ચીસો પાડતી હોય. માનસીના હાથ અટકી ગયા. વરસતા વરસાદ વચ્ચે પણ મેઘાને પરસેવો વળવા માંડ્યો હતો.
‘માનસી જલદી...’
માનસીએ ફરીથી ખોદવાનું શરૂ કર્યું અને અડધા ફુટ જેટલો ખાડો થયો હશે ત્યાં માટીમાંથી લોહી જેવું લાલ પ્રવાહી બહાર આવ્યું અને થોડી જ ક્ષણોમાં એ લાલ પાણીમાંથી કાળો હાથ બહાર નીકળ્યો.
માનસી એક કદમ પાછળ જવા ગઈ કે બીજી જ સેકન્ડે એ હાથે માનસીનો પગ મજબૂતીથી પકડી લીધો.
માનસીની ચીસ નીકળી ગઈ.
મેઘાના હાથમાંથી ટૉર્ચ પડી ગઈ અને અનાયાસ ટૉર્ચની લાઇટ હાથ પર પડી.
એ હાથના નખ કાળા અને અણીદાર હતા.
હાથ પડતાં જ માનસીના પગની ત્વચા પર જલન ઊપડી. જોકે માનસીએ હિંમત હારી નહીં. તેણે ગુરુજીએ આપેલા પાત્રમાંથી પવિત્ર જળ કાઢીને એ હાથ પર છાંટ્યું. જેવું જળ એ હાથ પર પડ્યું કે તરત ભયાનક ચીસ આકાશમાં ગૂંજી ઉઠી.
આહહહ...
અવાજ દમયંતી આઈનો હતો.
જળ પડતાં હાથ ફરી જમીનમાં ગરકાવ થઈ ગયો.
માનસીએ ફરી હિંમત એકઠી કરી અને ઝડપથી ખોદકામ પૂરું કરીને જમીનમાં રહેલો આઈની ભસ્મ ભરેલો નાનો કળશ કાઢ્યો અને પછી એ કળશને લાલ કપડામાં લપેટીને પોતાના થેલામાં મૂકી દીધો.
‘માનસી, ફાસ્ટ... આપણી પાસે ટાઇમ નથી... ઇટ્સ ઑલરેડી ૧૧.૩૦.’
બન્ને ઑલમોસ્ટ દોડતા શિવાજી પાર્કમાંથી બહાર નીકળીને પાછા દેશમુખ વાડા તરફ ભાગ્યા.
lll
દેશમુખ વાડામાં પરિસ્થિતિ વધારે વણસી ગઈ હતી.
ગુરુજી હૉલમાં એકધારા મંત્રોચ્ચાર કરતા હતા.
ભાલચંદ્ર અને વૈભવની નાની બહેન નિશા ખૂણામાં બેઠાં હતાં, જ્યારે પલંગ સાથે બંધાયેલો વૈભવ પોતાની પૂરેપૂરી તાકાત વાપરતો છૂટવા માટે તરફડિયાં મારતો હતો. તેના મોઢામાંથી લાળ પડતી હતી અને આંખો લાલચોળ થઈ ગઈ હતી.
‘એય છોડ...’ વૈભવમાંથી આઈનો અવાજ આવ્યો, ‘મૂક મને...’
બીજો અવાજ સાંભળીને ગુરુજીની આંખો પહોળી થઈ. પહેલો અવાજ તો આઈનો હતો પણ બીજો અવાજ? એ કોઈ પુરુષનો હતો, એકદમ ઘોઘરો અને કણસતો.
‘કોણ છે તું?’ ગુરુજીએ વૈભવ સામે જોયું, ‘તારી ઓળખાણ આપ...’
વૈભવ ખડખડાટ હસી પડ્યો અને પછી તેણે ગુરુજી સામે આંખો કાઢી.
‘શાસ્ત્રી, તું સાધક બન્યોને... તો ઓળખી જા કોણ છું હું?’ વૈભવમાં રહેલા બીજા અવાજે સવાલ કર્યો, ‘આ મારો ખેલ છે... ઓળખ મને...’
ધડામ.
ઝાટકા સાથે વાડાનો દરવાજો ખૂલ્યો અને માનસી-મેઘા અંદર આવ્યાં. બન્ને પલળીને લથબથ થઈ ગયાં હતાં. માનસીના હાથમાં ભસ્મના કળશવાળી થેલી હતી.
માનસીએ હવનકુંડ પાસે કળશ મૂક્યો, પણ વૈભવના મુખમાંથી નીકળતા એ નવા પુરુષ-અવાજને સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ હતી.
‘ગુરુજી! આ કોનો અવાજ?’
‘માનસી... આ જે છે તેને તું નથી ઓળખતી.’ ગુરુજીએ ધીમેકથી આંખો ખોલી, ‘આ વૈભવના નાનપણના પાડોશી અને તેના ફેવરિટ ટિમોથી અંકલનો આત્મા છે.’
‘તે અહીં કેમ...’
‘આ અંકલ ટિમોથી આઈના ગુરુ અને અઘોરી સાધક હતા. વીસેક વર્ષ પહેલાં આઈએ પોતાના સ્વાર્થ માટે અમર થવા અંકલ ટિમોથીનો બલિ ચડાવ્યો, પણ પછી એ જ ટિમોથીનો આત્મા આઈ સાથે જોડાઈ ગયો. હવે આઈ અને ટિમોથી બન્ને સાથે મળીને વૈભવમાં રહેવા માગે છે. અત્યારે બન્ને અહીં રહેવા આવી ગયાં છે.’
માનસીના હાંજા ગગડી ગયા.
નાનપણમાં વૈભવ જેને પ્રેમ કરતો તે જ માણસ અત્યારે પોતાના પ્રેમને કાયમ પોતાનો કરવા માટે આવ્યો હતો.
‘માનસી, હવે મોડું કરવાનો સમય નથી.’ ગુરુજીએ બૂમ પાડી, ‘આપણી પાસે ૧૦ જ મિનિટ છે. ૧૨ વાગતાં પહેલાં ભસ્મને હવનકુંડમાં નાખીને અગ્નિમાં હોમવાની છે, જેથી આ બન્ને આત્માઓનો સંબંધ તૂટે...’
માનસીએ તરત થેલીમાંથી કળશ કાઢ્યો અને હવનકુંડના પવિત્ર અગ્નિમાં ભસ્મ પધરાવવાનું શરૂ કર્યું. જેવી આઈની ભસ્મ હવનકુંડમાં પડી કે વાડામાં ભયાનક ચીસ ગૂંજી ઊઠી અને હવનકુંડમાંથી કાળો ધુમાડો નીકળીને સીધો વૈભવના શરીર તરફ આગળ વધ્યો. વૈભવને પલંગ પર બાંધવામાં આવ્યો હોવા છતાં એ ધુમાડા પછી વૈભવનું શરીર પલંગથી હવામાં અધ્ધર થવા લાગ્યું.
ગુરુજીએ તરત હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા.
નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા...
હવનકુંડની આગની જ્વાળા વધારે મોટી થઈ અને વૈભવના શરીરમાંથી આઈનો અને ટિમોથીનો આત્મા ચીસો પાડતા બહાર નીકળવા લાગ્યા. વાડાના લાકડાના ફ્લોરિંગમાં તિરાડો પડવા લાગી અને હૉલમાં રહેલી ચીજવસ્તુઓ ધ્રૂજવા માંડી.
ગુરુજીએ મંત્રેલું જળ
વૈભવના ચહેરા પર છાંટ્યું અને એક ધડાકો થયો.
ધડામ...
વાડાની તમામ બારીઓના કાચ તૂટીને વિખેરાઈ ગયા. વૈભવનું શરીર હવામાંથી સીધું જમીન પર પછડાયું અને તે બેભાન થઈ ગયો.
ચારેય તરફ સન્નાટો પ્રસરી ગયો.
પવન થંભી ગયો અને વરસાદ પણ ધીમો પડી ગયો.
માનસી દોડીને વૈભવ પાસે ગઈ.
‘વૈભવ... વૈભવ... આંખ ખોલ...’
થોડી મિનિટો પછી વૈભવે ધીમેથી આંખો ખોલી. તેની આંખોમાં હવે પહેલાં જેવી જ નિર્દોષતા હતી. વૈભવે માનસી સામે જોયું.
‘માનસી... તું... આ બધું શું છે?’
વૈભવમાં પોતાની મૂળ ચેતના પાછી આવી ગઈ હતી. માનસી પાસે કોઈ જવાબ નહોતો, સિવાય કે ખુશીનાં આંસુ. રડતી આંખે તે વૈભવને ભેટી પડી. ભાલચંદ્ર અને નિશા પણ રડી પડ્યાં.
ગુરુજીએ રાહતનો શ્વાસ લીધો.
‘ઈશ્વરનો આભાર... દમયંતી અને ટિમોથીનો કાળો પાશ તૂટી ગયો. વૈભવ હવે મુક્ત છે.’
રાતના સાડાબાર વાગી ગયા હતા. ગુરુજીએ દેશમુખ વાડામાંથી વિદાય લેતાં કહ્યું, ‘બાકીની પૂજા આપણે સવારે પૂરી કરીશું, હવે તમે બધા આરામ કરો...’
ગુરુજીને ક્યાં ખબર હતી કે તેમની ધારણા ખોટી હતી, કોઈને કંઈ આરામ મળવાનો નથી.
lll
તરસના કારણે માનસી અચાનક ઊંઘમાંથી જાગી ગઈ. તેણે જોયું તો બાજુમાં વૈભવ ઘસઘસાટ ઊંઘતો હતો. ઘણા દિવસે તેને શાંતિથી સૂતેલો જોઈને માનસી ઊભી થઈ અને નીચે રસોડામાં પાણી પીવા ગઈ.
પાણી પીધા પછી માનસી પોતાના રૂમ તરફ આવતી હતી ત્યારે તેને વાડાના પાછળના ભાગમાંથી અવાજ સંભળાયો.
ખટ... ખટ... ખટ...
માનસીએ હળવેથી પાછળના ભાગનો દરવાજો ખોલ્યો અને બહારનું દૃશ્ય જોઈને તે થીજી ગઈ.
બહાર કાળી સાડી પહેરીને એક સ્ત્રી અને તેની સાથે પુરુષ ઊભાં હતાં. તેમની સામે જમીન પર કળશ પડ્યો હતો. બન્નેની પીઠ દરવાજા તરફ હતી. માનસીએ જેવો
દરવાજો ખોલ્યો કે તે સ્ત્રીએ પાછળ ફરીને જોયું.
એ દમયંતી આઈ નહોતી. તે નિશા હતી અને નિશાની બાજુમાં ઊભેલો પુરુષ બીજો કોઈ નહીં પણ નણંદ નિશાનો બૉયફ્રેન્ડ અઝીઝ હતો.
નિશાના હાથમાં આઈની કાળી વિદ્યાની ડાયરી હતી અને
તેના ચહેરા પર ભયાનક આસુરી સ્મિત હતું.
નિશા ધીમેકથી માનસી તરફ આવી.
‘ભાભી, તમને શું હતું, આઈ તો મહોરું હતી. તાંત્રિક પૂજા તો હું અને અઝીઝ કરીએ છીએ. આઈનો આત્મા તો વૈભવદાદાને વશમાં રાખવાની સાધના હતી, પણ અમે અમર થવા આ શક્તિ વાપરીએ છીએ. એના માટે હવે બલિ ચડશે તમારા પેટમાં રહેલું આ બાળક... બાળવૈભવ...’
અઝીઝે ખિસ્સામાંથી કાળો
છરો કાઢ્યો અને માનસી તરફ આગળ વધ્યો.
માનસી અવાક્ થઈને ઊભી હતી. જેને તે અત્યાર સુધી પોતાની નાની બહેન માનતી હતી તે જ આ આખા કાળા જાદુની અસલી ખેલાડી હતી.
વૈભવ હવે સાજો હતો, પણ દુશ્મન હજી ઘરમાં જ હતો. નિશા અને અઝીઝની નજર હવે માનસી પર હતી અને માનસીએ ઉપર જવાની તૈયારી કરવાની હતી.
(આવતી કાલે સમાપ્ત)
