Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સામાન્ય દુખાવો અને માઇગ્રેન એ બેમાં ફરક છે

સામાન્ય દુખાવો અને માઇગ્રેન એ બેમાં ફરક છે

Published : 20 August, 2026 09:13 PM | IST | Mumbai
Dr. Sushil Shah

સામાન્ય માથાનો દુખાવો મસ્ક્યુલર એટલે કે સ્નાયુઓનો હોય છે, જ્યારે માઇગ્રેનમાં થતો દુખાવો વૅસ્ક્યુલર એટલે કે લોહી જેમાં ભ્રમણ કરી રહ્યું છે એ રક્તવાહિનીઓમાં થતો હોય છે

ડૉ. સુશીલ શાહ

ડૉક્ટર ડાયરી

ડૉ. સુશીલ શાહ


સામાન્ય વ્યક્તિ માટે માથું દુખે એ માત્ર એક કૉમન લક્ષણ છે. તેમને લાગે છે કે માથાનો દુખાવો એક જ પ્રકારનો હોય. જોકે માથાનો દુખાવો કેમ થાય છે અને એ કયા પ્રકારનો છે એ સમજવું જરૂરી છે. માથાના દુખાવા માટે એક શબ્દ વારંવાર વપરાય છે એ છે માઇગ્રેન. માથું દુખવું એ સામાન્ય તકલીફ છે, પણ જો લોકોને વારંવાર એ દુખાવો થતો હોય તો તેઓ એને માઇગ્રેન જેવું નામ આપે છે. હકીકતમાં માઇગ્રેન કયા પ્રકારનો માથાનો દુખાવો છે એ આજે સમજીએ. સામાન્ય માથાનો દુખાવો મસ્ક્યુલર એટલે કે સ્નાયુઓનો દુખાવો હોય છે, જ્યારે માઇગ્રેનમાં થતો દુખાવો વૅસ્ક્યુલર એટલે કે લોહી જેમાં ભ્રમણ કરી રહ્યું છે એ નળીઓનો દુખાવો છે. આપણી ખોપડીની અંદર અને એની આજુબાજુ આવેલી નળીઓમાં જ્યારે સોજો આવે અથવા એ વધુ પડતી ફૂલે ત્યારે એના કદમાં થતો વધારો દુખાવાનું કારણ બને છે જેને માઇગ્રેન કહે છે. જોકે માઇગ્રેન પાછળનું સાચું મેકૅનિઝમ તો હજી સુધી કોઈ જાણતું નથી. આથી જ એને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાયું નથી પરંતુ એની તીવ્રતાને દવાઓ દ્વારા કાબૂમાં લઈ શકાય છે. 
આમ તો માઇગ્રેનના ઘણા પ્રકાર છે, પરંતુ મુખ્યત્વે માઇગ્રેનના બે પ્રકાર છે : ૧. ક્લાસિકલ માઇગ્રેન અને ૨. કૉમન માઇગ્રેન. આ બન્ને વચ્ચેનો મૂળભૂત તફાવત ઑરાનો છે. ઑરા એટલે કોઈ પણ પ્રકારનો દાર્શિક, શાબ્દિક, સંવેદનાત્મક વિક્ષેપ જેના દ્વારા સંકેત મળે કે દુખાવો થોડી જ વારમાં શરૂ થઈ જશે. ક્લાસિકલ માઇગ્રેન ઑરા સાથેનું માઇગ્રેન છે એટલે કે આ પ્રકારમાં દુખાવો શરૂ થતાં પહેલાં કોઈ એવો સંકેત કે ભાસ થાય છે કે થોડી ક્ષણોમાં દુખાવો ચાલુ થશે. જેટલા લોકોને માઇગ્રેનનો પ્રૉબ્લેમ છે એમાંથી ૧/૩ લોકોને આ ક્લાસિકલ માઇગ્રેનનો પ્રૉબ્લેમ રહે છે, જે કૉમન માઇગ્રેન કરતાં વધુ જોખમી ગણાય છે. કૉમન માઇગ્રેનમાં ઑરાને કોઈ સ્થાન હોતું નથી. તમને કયા પ્રકારનો માઇગ્રેન છે એ તમે તમારા ડૉક્ટરને પૂછીને સમજી શકો છો. 
માઇગ્રેન કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. વળી એ કોઈ પણ ઉમરે થતો રોગ છે. માઇગ્રેનના ૨/૩ કેસ પાછળ ફૅમિલી હિસ્ટરી જવાબદાર હોય છે. આ ઉપરાંત હૉર્મોનનું બૅલૅન્સ ખોરવાય ત્યારે પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે. મુંબઈ જેવા શહેરમાં આજે માઇગ્રેન જેવા રોગનું વધતું પ્રમાણ ચિંતાકારક છે જેની પાછળ દરરોજ વધતો માનસિક તનાવ જવાબદાર છે. માઇગ્રેનનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. માઇગ્રેનના લગભગ ચારમાંથી ૩ દરદી સ્ત્રી-દરદી હોય છે. વળી રૂટીન ફિઝિકલ ઍક્ટિવિટી કરવાને લીધે આ દુખાવામાં વધારો થઈ શકે છે, જ્યારે બીજા પ્રકારના માથાના દુખાવામાં આવું થતું નથી.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 09:13 PM IST | Mumbai | Dr. Sushil Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK