Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > The Perfect Doubt : સો ટકા એવું જ બન્યું છે! (પ્રકરણ ૩)

The Perfect Doubt : સો ટકા એવું જ બન્યું છે! (પ્રકરણ ૩)

Published : 30 September, 2026 12:17 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વાંચો વાર્તાનું ત્રીજું પ્રકરણ અહીં

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


મુંબઈની સેશન્સ કોર્ટની સુનાવણી બીજા દિવસ પર ગયા પછી સાંજ ઢળવા આવી હતી, પણ મુંબઈના વાતાવરણમાં છવાયેલો ઉકળાટ શમવાનું નામ નહોતો લેતો. જુહુના સિલ્વર બીચ પર સમુદ્રની ભીની રેતી પર અથડાતી લહેરોનો અવાજ શાંત હતો, પણ દરિયાની સામે બેઠેલા ડિટેક્ટિવ સોમચંદના મગજમાં વિચારોનું ભયાનક તોફાન શરૂ થયું હતું.

મીરાની ડાયરીનું છેલ્લું પાનું વાંચ્યા પછી જે વાત સોમચંદના મન પર કબજો લઈને બેઠી હતી એ વાતે હવે મનમાં ઘમસાણ શરૂ કરી દીધું હતું.



જો મીરા દેવેનથી ડરેલી હોય તો તેણે ડાયરી છુપાવીને કેમ ન રાખી? બીજી વાત. દેવેન જેવા જિનીયસ વકીલે ડાયરીનાં પાનાં ફાડ્યાં, પણ તેણે ડાયરી સળગાવી કેમ નહીં? હકીકત તો એ જ હોવી જોઈએ કે પુરાવાનો નાશ, પણ દેવેન એ કર્યું નહીં. શું દેવેન થાપ ખાઈ ગયો કે પછી... કે પછી કોર્ટને જે દેખાડવામાં આવ્યું એ કોઈના ષડ્યંત્રનો ભાગ હતો?


જ્યારે કોઈ અટપટી ગૂંચવણમાં સોમચંદ ફસાય ત્યારે તે હંમેશાં સિલ્વર બીચ આવતા. ગમતી વ્યક્તિએ વર્ષો પહેલાં કહ્યું હતું, ‘જ્યારે જવાબ ન મળે ત્યારે અહીં આવી જજે. આ અફાટ દરિયો તારા દરેક સવાલનો જવાબ આપશે.’

આજે પણ સોમચંદને જવાબ જોઈતા હતા, પણ દરિયો શાંત હતો.


lll

‘સોમચંદ, ક્લિયર વાત છે....’ કોર્ટ પૂરી થયા પછી સરકારી વકીલ સુહાસ પાટીલે કોર્ટના કૅમ્પસમાં જ સોમચંદને કહી દીધું હતું, ‘કેસ હવે પૂરો થઈ ગયો. મીરા સંઘવીની ડાયરી જ દેવેન ચોકસીનો ગાળિયો બનશે. કાલે ચુકાદો આવે ત્યારે તું જોઈ લેજે... ગૅરન્ટી, હવે દેવેન લાંબા સમય માટે અંદર ગયો.’

વાતમાં સચ્ચાઈ હતી, પણ સોમચંદને આ વિજય પચતો નહોતો.

lll

‘કેસ જરૂર કરતાં વધુ સીધો અને સરળ છે...’ સોમચંદે જાત સાથે જ વાત કરવાનું શરૂ કર્યું, ‘દેવેન સંઘવી જેવો શાતિર વકીલ, જેણે ક્રાઇમ કેસમાં અઢળક આરોપીઓને કાયદાની છટકબારીઓમાંથી બહાર કાઢ્યા, તે પોતાની પત્નીના મર્ડરમાં આવા બાળપોથી કહેવાય એવા પુરાવા કેમ છોડે? કેમિસ્ટ પાસે જાતે જાય, મેઇડની નજર સામે ગ્લાસમાં ઝેર ઓગાળે અને સૌથી વિચિત્ર... જે ડાયરી પત્નીના મોત પછી તેને સીધી જેલમાં ધકેલી શકે એમ છે એ ડાયરીમાંથી છેલ્લું એક જ પાનું ફાડે અને પછી ડાયરી સંતાડી દે? શું કામ ડાયરીનો કાયમી નાશ ન કરે? દેવેનની જગ્યાએ પોતે હોત તો તેણે રાતે જ આ ડાયરી સળગાવી નાખી હોત, જેથી સવારે ડેથ ડિક્લેર થાય ત્યારે બળેલી ડાયરીનું પ્રૂફ પણ ઘરમાં ન મળે; પણ એવું તેણે કર્યું નહીં. શું કામ?’

ક્રાઇમ-વર્લ્ડનો પૉપ્યુલર નિયમ છે કે જો ઘટનાસ્થળે પુરાવા અપેક્ષા કરતાં પણ વધુ સારી રીતે ગોઠવાયેલા મળે તો સમજી લેવું કે એ પુરાવા તપાસ કરનારા માટે મૂકવામાં આવ્યા છે, રહી નથી ગયા.

એકઝાટકે ચા પૂરી કરીને સોમચંદે નિર્ણય લઈ લીધો. કોર્ટ ચુકાદો આપે એ પહેલાં આખી ઘટનાનું પુનરાવર્તન કરવું જોઈએ. પ્રોસિક્યુશનને ભલે કામગીરીથી સંતોષ હોય; પણ ન્યાયની વ્યાખ્યા આરોપી શોધવા પૂરતી સીમિત નથી, સત્ય સુધી પહોંચવાની છે.

સોમચંદ ઊભા થયા અને તેમણે કફ પરેડ જવા માટે કૅબ બુક કરી.

lll

દેવેન ચોકસીનો ફ્લૅટ સીલ કરી દેવામાં આવ્યો હતો, પણ ઇન્ક્વાયરી ઑફિસરની સૂચનાથી ડ્યુટી બજાવતા કૉન્સ્ટેબલે ફ્લૅટ ખોલી આપ્યો. ફ્લૅટમાં અંદર હજી પણ એ જ સૂનકાર અને ગૂંગળામણ હતાં. સોમચંદ સીધા માસ્ટર બેડરૂમમાં ગયા.

રૂમમાં રાખેલી દરેક નાની વસ્તુ તરફ તેમની આંખો ફરતી રહી. ફૉરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી એકઠી કરેલી વસ્તુઓની યાદી સોમચંદે ખિસ્સામાંથી કાઢી. પેઇનકિલર્સ, ઑક્સિજન પાઇપ, પાણીનો અડધો ભરેલો ગ્લાસ અને ડસ્ટબિનમાંથી મળેલાં મૉર્ફીન-હાઇડ્રોકોડોન ડ્રગનાં બે ખાલી પાઉચ.

સોમચંદે ફૉરેન્સિક લૅબના ઇન્ચાર્જ સાળવીનો નંબર ડાયલ કર્યો.

‘સાળવી, મને પેલા ડસ્ટબિનમાંથી મળેલાં દવાનાં પાઉચ અને પાણીના ગ્લાસ પરની ફિંગરપ્રિન્ટ્સની ઇન્ફર્મેશન જોઈએ છે. રિપોર્ટમાં તમે લખ્યું છે કે પ્રિન્ટ્સ મળી, પણ કોની મળી એ નથી લખ્યું.’

‘સોમચંદ, ગ્લાસની બહારની સપાટી પર બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ હતી.’ સાળવીએ જવાબ આપ્યો, ‘દેવેન સંઘવી અને મીરા સંઘવીની. આ ઑબ્વિયસ છે. દેવેને ગ્લાસ પકડ્યો હતો અને મીરાએ પીવા માટે ગ્લાસ હાથમાં લીધો હતો...’

‘ઓકે... હવે મને કહે...’ સોમચંદે ઉત્સુકતાથી પૂછ્યું, ‘દવાનાં ખાલી પાઉચ પર કોની ફિંગરપ્રિન્ટ હતી... પાઉચ ખોલવાનું કામ દેવેને કર્યું છે એટલે એના પર દેવેનની ફિંગરપ્રિન્ટ...’

‘ના... અને એનું આશ્ચર્ય અમને પણ છે.’ સાળવીના અવાજમાં પણ મૂંઝવણ હતી, ‘અમે સુપરગ્લુ ફ્યુમિંગ મેથડથી બન્ને પાઉચ ચેક કર્યાં. એ પાઉચ પર દેવેન સંઘવીની કોઈ ફિંગરપ્રિન્ટ નથી. પાઉચના પ્લાસ્ટિક પર અને ખાસ તો કાતરથી જે ખૂણો કાપવામાં આવ્યો ત્યાં માત્ર મીરા સંઘવીની
જમણા હાથની આંગળીઓનાં નિશાન છે...’

સોમચંદના પગ નીચેથી જમીન સરકી ગઈ.

જો દેવેન સંઘવીએ રસોડામાં ઊભા રહીને પાઉચ કાપીને પાઉડર ગ્લાસમાં નાખ્યો હોય તો એ પાઉચ પર દેવેનની ફિંગરપ્રિન્ટ કેમ નહીં? શું દેવેને મીરાને દવા આપતાં પહેલાં સર્જિકલ ગ્લવ્ઝ પહેર્યાં હશે? ધારો કે હા, તો પછી ગ્લવ્ઝને કારણે ગ્લાસ પર પણ દેવેનની ફિંગરપ્રિન્ટ્સ આવવી ન જોઈએ. ગ્લાસ પર દેવેનની આંગળીઓ છે, પણ જે પાઉચમાંથી ઝેર નીકળ્યું એના પર માત્ર મીરાની આંગળીઓ છે. મતલબ કે એ પાઉચ મીરાએ પોતાના હાથે ખોલ્યું હતું.

જો એવું હોય તો પછી દેવેન રસોડામાં ગ્લાસમાં શું ઓગાળતો હતો અને કાંતાબહેને જે જોયું એ શું હતું?

lll

સોમચંદે ધીમેકથી દરવાજાને ધક્કો માર્યો અને દેવેન સંઘવીની નરીમાન પૉઇન્ટ પર આવેલી લૉ-ઑફિસના દરવાજા ખૂલી ગયા. ઑફિસના ચેકિંગ માટે ઑલરેડી પહેલેથી જ કોર્ટમાંથી ઑર્ડર લઈ લેવામાં આવ્યો હતો એટલે પોલીસની હાજરીમાં સોમચંદ દેવેનના ઘરેથી સીધા ઑફિસ પર આવ્યા હતા.

lll

દેવેન ચોકસીની ઑફિસ ખાસ્સી વિશાળ હતી. લૉનાં પુસ્તકોની લાઇબ્રેરી, મોટા સોફા અને લાકડાના ટેબલ પાછળ એક નાની તિજોરી. સોમચંદે દેવેનની ઑફિસના મુખ્ય અકાઉન્ટન્ટને બોલાવીને તિજોરી ખોલાવી. અંદરથી પ્રૉપર્ટીના કાગળો ઉપરાંત એ લૉકરમાં ઇન્શ્યૉરન્સ કંપનીની પૉલિસીની ઓરિજિનલ ફાઇલ પણ હતી.

સુહાસ પાટીલ અને પ્રોસિક્યુશનનો સમગ્ર કેસ એ વાત પર જ ઊભો હતો કે દેવેને પચીસ કરોડના ઇન્શ્યૉરન્સ ક્લેમ માટે મીરાનું મર્ડર કર્યું, પણ તે મર્ડરર તરીકે પોતે જ ફસાઈ ગયો.

સોમચંદે બેસીને એ ફાઇલ વાંચવાનું શરૂ કર્યું. ફાઇલનાં છેલ્લાં પાનાંઓમાં પૉલિસીનાં કીડી જેવડા અક્ષરોમાં છપાયેલાં નિયમો અને શરતો હતી. સોમચંદની નજર એના પર સ્થિર થઈ અને તેમણે ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. નજર આગળ વધતી ગઈ અને પેજ નંબર ૭ પર સોમચંદની આંખો અટકી ગઈ. એમાં નોંધાયેલા ક્લોઝ-નંબર 14/B પર પેન્સિલથી અન્ડરલાઇન થયેલી હતી. સોમચંદે એ કલમ મોટેથી વાંચી...

‘જો વીમાધારકનું મૃત્યુ પૉલિસીની મુદત દરમ્યાન સામાન્ય સંજોગોમાં થશે તો મૂળ રકમના ૧૦ ટકા મળશે, પણ જો વીમાધારક આત્મહત્યા કરશે તો વીમાકંપની કોઈ પણ પ્રકારનો ક્લેમ ચૂકવવા બંધાયેલી રહેશે નહીં; વારસદારને ક્લેમ મળશે નહીં, પરંતુ જો વીમાધારકનું મૃત્યુ અકુદરતી રીતે થાય તો નૉમિનીને ડેથ બેનિફિટની પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવશે.’

આમ તો આ બહુ સ્વાભાવિક લાઇન હતી તો પછી કાગળ પર દેવેને અન્ડરલાઇન કેમ કરી હશે?

એક ક્ષણ માટે સોમચંદનું મગજ સુન્ન થઈ ગયું.

જો મીરા સંઘવીએ કૅન્સરની અસહ્ય પીડાથી કંટાળીને આત્મહત્યા કરી હોત તો વીમાકંપની એક પાઈ પણ ન ચૂકવત. દેવેન રોડ પર આવી જાત, કંગાળ થઈ જાત અને તેણે કાં તો આત્મહત્યા કરવી પડે અને કાં તો તેણે શહેર છોડીને ભાગી જવું પડે.

જો દેવેન સંઘવીએ મીરાની હત્યા કરી હોય તો તેને ઇન્શ્યૉરન્સના ક્લેમના રૂપિયા મળે તો પણ તે પોતે જેલમાં જાય અને એ પૈસાનો કોઈ અર્થ રહે નહીં. એટલે તેણે પ્રયાસ કર્યો હશે કે આ હત્યા નૉર્મલ મોત જ બની રહે. ક્લેમ વિના રહી શકાય, પણ જેલમાં જવાનું પરવડે નહીં.

સોમચંદના મનમાં અકલ્પનીય અને જોખમી થિયરી આકાર લેવા માંડી હતી, પણ આ થિયરીમાં એક સૌથી મોટો પ્રશ્ન હજી વણઉકેલાયેલો હતો. આખી રમતમાં મીરા સંઘવીની શું ભૂમિકા? શું મીરા ખરેખર પીડિતા કે આ ખેલની બરાબરની ભાગીદાર?

lll

આ રહસ્યના અંતિમ છેડા સુધી પહોંચવા માટે સોમચંદ દેવેન સંઘવીની ઑફિસથી નીકળીને સીધા લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા, જ્યાં મીરાની ટ્રીટમેન્ટ ચાલતી હતી. મીરાની ટ્રીટમેન્ટ કરતા સિનિયર ઑન્કોલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ત્રિવેદી હજી હૉસ્પિટલમાં જ હતા. સોમચંદે પોતાની ઓળખ આપી અને પછી સીધા મૂળ વાત પર આવી ગયા.

‘ડૉક્ટર, મારે એ જાણવું છે કે...’ સોમચંદે પૂછ્યું, ‘મીરાની બીમારી અને તેમના છેલ્લા દિવસોની માનસિક સ્થિતિ કેવી હતી?’

ડૉક્ટર ત્રિવેદીથી અજાણતાં જ નિસાસો નખાઈ ગયો.

‘સોમચંદ, મીરા એક અદ્ભુત લેડી હતી. છેલ્લા એક મહિનામાં કૅન્સર તેમના બોન મૅરો સુધી ફેલાઈ ચૂક્યું હતું. પેઇનકિલર્સ પણ અસર કરતી બંધ થઈ ગઈ હતી. તે રોજ રાતે અસહ્ય પેઇનથી ચીસો પાડતી અને દેવેન આખી રાત તેની પાસે બેસી રહેતો, નિઃસહાય બનીને...’

‘હં...’ સોમચંદે ડૉક્ટરની આંખોમાં જોયું, ‘દેવેન સંઘવી અને મીરા વચ્ચે કેવા ટર્મ્સ હતા?’

‘સોમચંદ, તમે કદાચ માનશો નહીં...’ ચૅર ખેંચીને ડૉક્ટર સોમચંદ શાહની સહેજ નજીક આવ્યા, ‘દેવેન જેવો હસબન્ડ મેં મારી ૩૦ વર્ષની કરીઅરમાં નથી જોયો. મીરાને બચાવવા માટે તેણે અમેરિકાથી સ્પેશ્યલ ઇન્જેક્શન્સ મગાવ્યાં હતાં, જેની એક વાયલની કિંમત ૮ લાખ રૂપિયા હતી અને એ ઇન્જેક્શન મીરાને દર ૧૦ દિવસે આપવું પડતું. સોમચંદ, દેવેને પોતાની પ્રૉપર્ટીથી માંડીને શૅર્સ, તેનું સેવિંગ્સ બધું વાઇફ પાછળ ખર્ચી નાખ્યું. અરે, મીરાના દાગીના સુધ્ધાં તેણે વેચી નાખ્યા અને પોતાનાં ઑર્નામેન્ટ્સ પણ વેચી નાખ્યાં.’

‘એ પછી પણ તે તો એક કરોડની ગાડીમાં ફરે છે...’

‘હા, પણ સોમચંદ, કેટલીક વખત બહારથી પૈસા લેતા રહેવા માટે પણ તમારે સ્ટેટસ જાળવી રાખવું પડે.’ ડૉક્ટરે પ્રૅક્ટિકલ વાત કરી, ‘બાકી હકીકત એ જ છે કે દેવેને તેની સંપત્તિ, પૈસો, ફિક્સ્ડ ડિપોઝિટથી માંડીને બધું જ પાણીની જેમ વહાવી દીધું. તે હૉસ્પિટલનાં બિલ ચૂકવવા માટે લોકો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા ઉછીના લાવતો. આ કોઈ સ્વાર્થી કે લાલચુ માણસનું વર્તન નથી હોતું મિસ્ટર સોમચંદ...’

‘એક વાત પૂછું?’ સોમચંદ સવાલ પૂછી લીધો, ‘પછી મીરાને પોતાના અંત વિશે ખબર હતી?’

ડૉક્ટર ત્રિવેદીનો ચહેરો વધુ ગંભીર બન્યો.

‘હા, અને એ જ કરુણતા છે. બનાવના ૪ દિવસ પહેલાં મીરાએ મને એકલો મળવા બોલાવ્યો હતો. તેમણે મને સીધો જ સવાલ કર્યો કે સાચું કહી દો, મારી પાસે કેટલો સમય છે? હું કોઈ ગલ્લાંતલ્લાં ન કરું એ માટે તેમણે મને અમારા ઇષ્ટદેવના સોગન પણ આપ્યા અને મારા દીકરાના સમ પણ આપ્યા. મેં તેમને સાચું કહી દીધું કે હવે તેમની પાસે માંડ દસથી ૧૫ દિવસ બાકી બચ્યા હશે.’

‘પછી તેની હાલત કેવી હતી?’

‘મને હતું કે તે ભાંગી પડશે, રડશે; પણ ના, એવું કંઈ થયું નહીં; પણ હા...’ ડૉક્ટરની આંખોમાં સહેજ ચમક આવી, ‘મારી વાત સાંભળીને તેણે જે કહ્યું એ મારાં રૂંવાડાં ઊભાં કરી દે એવું હતું.’

 ‘શું કહ્યું હતું મીરાએ?’

સોમચંદના શ્વાસ થંભી ગયા હતા.

lll

‘સર..’ મીરાનો અવાજ ધ્રૂજતો હતો, ‘દેવેને મને બચાવવા માટે ગાંડાની જેમ ખર્ચો કર્યો છે... તેણે પોતાની આખી લાઇફની કમાણી મારી પાછળ ખર્ચી નાખી છે. તે બહુ મોટા દેવામાં છે. જો હું આમ જ રોજ થોડું-થોડું મરીશ તો તે પણ મારી પાછળ જીવતેજીવ મરી જશે. મારે તેને બરબાદ થતો નથી જોવો...’

‘જે થઈ ગયું એ થઈ ગયું મીરા... અત્યારે એ બધી વાત પર ધ્યાન આપવાની જરૂર નથી. તમે તમારી હેલ્થ પર...’

‘મારી હેલ્થ કોઈ બીજાની લાઇફ બગાડે એનો શું અર્થ સર...’ મીરાની આંખમાં આંસુ હતાં, ‘મેં દેવેનની ઑફિસમાંથી બધાં પેપર્સ મગાવીને જોઈ લીધાં છે. મને ખબર છે કે તે... તે હવે આ બધામાંથી ક્યારેય બહાર નહીં આવી શકે. મારે તેને આ બધામાંથી બહાર લાવવો છે...’

lll

ડૉક્ટરની આ એક વાતે સોમચંદના મગજમાં બંધ પડેલાં તમામ તાળાં ખોલવાનું કામ એકસાથે શરૂ કરી દીધું હતું.

(ક્રમશ:)

 

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 12:17 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK