સોમચંદના કાન ઊભા થયા અને તે પોતે પણ. જોકે તે કંઈ પૂછે એ પહેલાં જ ઑફિસરે તેને કહ્યું, ‘બે મિનિટ આપો. કદાચ તમારા કામનું કંઈ મળી જાય.’
ઇલસ્ટ્રેશન
‘ઑપરેશન U/A... નામ સારું આપ્યું છે.’
‘હા પણ કામ અઘરું મળ્યું છે.’ સોમચંદે ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંત સામે જોયું, ‘તમે એક આરોપી સાથે તૈયાર છો અને એ પછી પણ તમારો શિવાનંદ નહીં, બીજો કોઈ મર્ડરર છે એ મારે શોધવાનું છે.’
ADVERTISEMENT
‘તમે ટોટલી ફ્રી છો સોમચંદ...
આમ પણ આપણે અગાઉ સાથે કામ કર્યું જ છે પણ સાચું કહું, આ કેસમાં ફી માટે તમે કામ કરતા હો તો ફી લઈને શાંતિથી ઘરે આરામ કરો. બીજો કોઈ મર્ડરર મળવાનો નથી.’
‘એ તો સમય જતાં ખબર પડશે. અત્યારે મને તમારી પાસેથી થોડી હેલ્પ જોઈએ છે.’ સોમચંદે કહ્યું, ‘જે દિવસે હિતાર્થની હત્યા થઈ એ દિવસે સ્કૂલમાં સૌથી પહેલું કામ શું થયું હતું?’
‘બીજા સ્ટુડન્ટ્સ પૅનિક ન થાય એનું ધ્યાન રાખીને જ્યાં મર્ડર થયું હતું એ વૉશરૂમને કૉર્ડન કરવામાં આવ્યો અને સ્ટુડન્ટ્સને રવાના કરવામાં આવ્યા.’
‘તમને નથી લાગતું એ ભૂલ હતી?’ ચોખવટ સાથે સોમચંદે પોતાની વાત આગળ વધારી, ‘તમે સીધું એવું જ ધારી લીધું કે સ્કૂલના બીજા કોઈ સ્ટુડન્ટનો આ કેસમાં હાથ જ નથી. તમારી આ માન્યતા વચ્ચે જ તમે બીજી ભૂલ કરી. જો કોઈ સ્ટુડન્ટનું આ કામ હોય તો તે એ દિવસે હથિયાર સાથે સ્કૂલમાંથી સેફ બહાર નીકળી ગયો. તમે જાણો છો, મર્ડરમાં વપરાયેલું વેપન મળવું ખૂબ જરૂરી છે.’
‘વેપન શિવાનંદ પાસેથી મળી ગયું.’ ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો, ‘એ ઑલરેડી શિવાનંદના ખિસ્સામાં જ હતું.’
‘મેં રિપોર્ટમાં વાંચ્યું અને પણ તમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સાથે એ વેપનનો રિપોર્ટ કમ્પેર કરતાં ભૂલી ગયા.’ સોમચંદે બન્ને પેપર ટેબલ પર મૂક્યાં, ‘શિવાનંદ પાસેથી જે હથિયાર મળ્યું એ છરી છે, ચાકુ નહીં. છરીની બ્લેડ ચાર ઇંચની હોય અને છ ઇંચ કે એના કરતાં લાંબી બ્લેડ હોય એને ચાકુ કહે. હિતાર્થના શરીર પર જે ઘા પડ્યા છે એ ચાકુના છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે એક ઘા હિતાર્થના શરીરમાં છેક આઠ ઇંચ ઊંડો છે, એ જ ઘા હિતાર્થની મોતનું કારણ બન્યો. પાંસળી તોડતું એ ચાકુ છેક હૃદય સુધી પહોંચ્યું અને એણે હૃદયમાં પંક્ચર પાડ્યું. ઇન્ટરનલ બ્લીડિંગની માત્રા વધી અને હિતાર્થનું મોત થયું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ પણ લખ્યું છે કે એ ઘા પછીના બીજા ઘા હત્યારો ડેડ-બૉડી પર કરતો હતો.’
ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંત આગળ કંઈ કહે એ પહેલાં સોમચંદે પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ ટેબલ પર મૂકી, જેમાં કેટલાંક વાક્યને હાઇલાઇટ કરવામાં આવ્યાં હતાં.
‘બૉડીમાં કુલ સાત ઘા હતા. સાત ઘામાંથી ચાર ઘા પાંચ ઇંચ ઊંડા છે અને એક ઘા સાડાછ ઇંચ ઊંડો છે.’ સોમચંદે તર્ક સાથે કહ્યું, ‘હું અને તમે બન્ને અનુભવી છીએ એટલે તમને સમજાવવાની જરૂર નથી કે શરીરમાં ઘા માર્યા પછી ચાકુને પાછું ખેંચવા માટે ખાસ્સી તાકાતની જરૂર પડે. તમારો શિવાનંદ સુકલકડી છે, તે ચાકુ પાછું ખેંચવાની ક્ષમતા ધરાવતો હોય એવું મને દેખીતી રીતે લાગતું નથી પણ હા, જો તેણે એ સમયે ડ્રગ્સ લીધું હોય તો તેનામાં એ ચાકુ પાછું ખેંચવાની ક્ષમતા આવી જાય પણ જો તેની પાસે ચાકુ હોય તો... શિવાનંદ પાસે ચાકુ હતું જ નહીં, તેની પાસે છરી હતી જેની બ્લેડ માત્ર ચાર ઇંચની હતી જ્યારે હિતાર્થનું મર્ડર ચાકુથી થયું છે.’
‘કેસ રી-ઓપન કરવામાં મને
વાંધો નથી.’
‘એ કરવો જ પડશે પણ હમણાં એની ઉતાવળ નથી કરવી. લેટ્સ સી, આ પ્રકારના ચાકુ સાથે હિતાર્થનું મર્ડર કોણ કરી શકે?’
‘તમને શું લાગે છે?’
‘સાચું કહું તો મને આ કામ એવી કોઈ વ્યક્તિનું લાગે છે જેને હિતાર્થના મોતથી લાભ થવાનો હતો.’ સોમચંદે અનુમાન લગાડ્યું, ‘કાં તો હિતાર્થ કોઈને એવી અવસ્થામાં જોઈ ગયો છે જે વાત બહાર જવાથી નુકસાન થાય એમ છે. ઉદાહરણ આપીને કહું તો કાં તો હિતાર્થે કોઈ ટીચર અને સ્ટુડન્ટને અભદ્ર અવસ્થામાં જોયા હશે, પછી એ ટીચર અને કોઈ સર પણ હોઈ શકે, કોઈ ગર્લ-સ્ટુડન્ટ અને સર પણ હોઈ શકે કે પછી વૉટેવર... તમે સમજી ગયા, હું શું કહેવા માગું છું...’
‘જો એવું હોય તો CCTV કૅમેરામાં તો આપણને એ વ્યક્તિ મળવી જોઈએ. CCTVનાં વિઝ્યુઅલ્સમાં શિવાનંદ સિવાય કોઈ મળ્યું નથી.’
‘આપણે એ વિઝ્યુઅલ્સ ફરીથી ચેક કરવાં પડશે.’ સોમચંદે કહી પણ દીધું, ‘આપણે સ્ટુડન્ટ્સને પણ ઇન્ક્વાયરીમાંથી બાકાત નહીં રાખીએ. આ જેન-ઝી છે અને જેન-ઝીમાં વાયલન્સ ભારોભાર છે. ઍટ લીસ્ટ બીજી બધી જનરેશન કરતાં તો વધારે છે જ.’
‘સોમચંદ, બહુ અઘરું છે. સ્કૂલમાં બધા મળીને બારસોથી વધારે લોકો છે. સ્ટુડન્ટ્સ પણ એમાં આવી ગયા.’
‘હા, ખબર છે. રૂના ઢગલામાંથી ટાંકણી શોધવાની છે પણ કૃષ્ણકાંત, કરવું તો પડશેને?’ સોમચંદના ચહેરા પર દૃઢતા હતી, ‘આગનો તણખો રહી ગયો તો એ ભવિષ્યનો ભડકો બને. બહેતર છે આપણે એ તણખાને અત્યારે જ ઓલવીએ.’
lll
હાશ...
સોમચંદ થાકી ગયા હતા.
બેડ પરથી ઊભા થઈને તેણે સૌથી પહેલાં બે હાથ ફેલાવીને આળસ મરડી.
છેલ્લા છત્રીસ કલાકથી એ પોતાના ઘરમાં બંધ અવસ્થામાં હતા. બહારનો સૂર્ય પણ તેણે જોયો નહોતો. ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંતે તેને સ્કૂલ સાથે સંકળાયેલા તમામનો મોબાઇલ ડેટા આપ્યો હતો, જેનું ચેકિંગ સોમચંદે શરૂ કર્યું હતું.
સૌથી પહેલાં તો મળેલા એ ડેટાને અલગ-અલગ ભાગમાં વહેંચવાનો હતો. સોમચંદે સ્કૂલનો ટીચિંગ સ્ટાફ અલગ કર્યો અને એ પછી સોમચંદે ઍડ્મિન અને મૅનેજમેન્ટ સ્ટાફના નંબરોને અલગ કરી નાખ્યા. ત્યાર પછી સોમચંદે એઇથ સ્ટાન્ડર્ડથી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને અલગ કર્યા અને ફર્સ્ટથી સેવન્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને અલગ તારવી લીધા. મળેલા મોબાઇલ-નંબરોના આધારે તેમના વૉટ્સઍપ મેસેન્જર સુધી પહોંચવાનું કામ આસાન હતું. આટલા મેસેન્જર ચેક કરવાનો, એની એકેક લાઇન વાંચવાનો અત્યારે સમય નહોતો એટલે સોમચંદે કેટલાક કી-વર્ડ્સ બનાવ્યા હતા જે કી-વર્ડ્સ કે પછી એની આસપાસના શબ્દોનો ઉલ્લેખ જે ચૅટમાં થયો હોય એ ચૅટ પહેલાં ચેક કરવી એવું નક્કી થયું હતું. કામની શરૂઆતમાં ટીચિંગ સ્ટાફના મોબાઇલ-નંબર અને એ નંબર સાથે જોડાયેલા વૉટ્સઍપ મેસેન્જરને ચેક કરવામાં આવ્યા.
‘સર, આપણો એક કી-વર્ડ છે મર્ડર.’ ઘરે જ આવી ગયેલા સાઇબર સેલના ઑફિસરે લૅપટૉપમાં જોતાં સોમચંદને કહ્યું, ‘તમામ ટીચર્સ અને સરની વાતોમાં એની ચર્ચા છે, પણ એ ચર્ચા મર્ડર પછી શરૂ થઈ છે. સ્કૂલના વૉટ્સઍપ ગ્રુપમાં પણ એની ચર્ચા છે પણ એમાં પણ મર્ડર પછીની જ ચર્ચા છે.’
‘એ તમામ ચૅટ સાઇડ પર રાખીએ.’ સોમચંદે સૂચના આપી, ‘આપણને મર્ડરના બોંતેર કલાક પહેલાં એવી કોઈ ચર્ચા થઈ હોય કે પછી આપ્યા એ કી-વર્ડ વિશે કોઈ વાતો થઈ હોય એની તાત્કાલિક જરૂર છે.’
‘એક વખત ઍડ્મિન અને મૅનેજમેન્ટના નંબર્સ ચેક કરી લઈએ?’
સોમચંદે હા પાડી કે તરત સાઇબર સેલના ઑફિસરનાં આંગળાંઓ લૅપટૉપના કીબોર્ડ પર ફરવા માંડ્યા અને ત્રણ કલાકમાં એ નંબરોનો રિપોર્ટ પણ આવી ગયો.
‘સર, ઑલમોસ્ટ સેમ. દરેકે મર્ડર વિશે વાત કરી છે પણ સોમવાર અને ૧ ડિસેમ્બર પછી જ બધી વાતો થઈ છે.’
‘ઑલમોસ્ટ કે હન્ડ્રેડ પર્સન્ટ?’
‘હંમ...’ ઑફિસરે ફરીથી કી-વર્ડ નાખીને ચેક કર્યું, ‘હન્ડ્રેડ પર્સન્ટ. એની પહેલાં એક ક્લર્કની ચૅટમાં મર્ડરની વાત છે પણ એ તો જૂન મહિનાની વાત છે.’
‘જૂન મહિનામાં તેણે મર્ડરની શું વાત કરવી પડી?’
‘ચેક કરું.’
ફરીથી કીબોર્ડના સ્ટ્રોક્સનો અવાજ રૂમમાં ગુંજવા માંડ્યો અને ત્રણેક મિનિટના અંતરાલ પછી તેણે જવાબ આપ્યોઃ ‘સર, તેની સોસાયટીમાં મર્ડર થયું એની વાત છે. એ પોતાના રિલેટિવ સાથે ચૅટ કરે છે અને ચૅટમાં મોટા ભાગની વાત એ કેસની જ છે.’
સોમચંદ કંઈ પૂછે એ પહેલાં જ ઑફિસરે બીજું રિસર્ચ પણ ખોલી નાખ્યું.
‘સર, એ મર્ડર મુંબઈમાં બહુ ગાજ્યું હતું. હસબન્ડે જ તેની વાઇફની હત્યા કરી એ કેસની વાત છે.’
‘હંમ... તો એ ભૂલી જા.’ પ્લાન-C અમલમાં મૂકતાં સોમચંદે કહ્યું, ‘હવે પહેલાં ઇલેવન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટ્સના નંબરની ડીટેલ ચેક કરવાનું શરૂ કર.’
‘એમાં તો ચાન્સિસ ઓછા લાગે છે.’
‘ઇન્ક્વાયરીનો નિયમ છે.’ સોમચંદે ઑફિસરની સામે જોયું, ‘જ્યાં શંકા ઓછી ત્યાં જ સંભાવના વધારે.’
‘જી.’
ઑફિસર ફરીથી પોતાના કામે લાગ્યો અને સોમચંદે તેના હાથમાં રહેલી ચૅટ પર નજર નાખવાનું શરૂ કર્યું. સોમચંદને ખબર નહોતી કે આવતા ત્રણ કલાકમાં તેને આ કેસની પહેલી સર્ચલાઇટ મળવાની છે.
lll
‘સર, આપણા કી-વર્ડ્સ મુજબની વાત એક સ્ટુડન્ટની ચૅટમાં છે.’
સોમચંદના કાન ઊભા થયા અને તે પોતે પણ. જોકે તે કંઈ પૂછે એ પહેલાં જ ઑફિસરે તેને કહ્યું, ‘બે મિનિટ આપો. કદાચ તમારા કામનું કંઈ મળી જાય.’
ઑફિસરની નજર સ્ક્રીન પર
હતી અને સોમચંદનું ધ્યાન પણ લૅપટૉપ પર હતું.
થોડી મિનિટો આમ જ પસાર થઈ અને એ પછી ઑફિસરના ચહેરા પર હળવાશ આવી.
‘સર, કદાચ આ આખું મેસેન્જર તમને કામ લાગશે.’
‘પ્રિન્ટ આપ.’ સોમચંદ પ્રિન્ટર પાસે પહોંચી ગયા, ‘નામ શું છે તેનું?’
‘ઍન્થની...’ ઑફિસરે ધ્યાનથી નામ વાંચ્યું, ‘ઍન્થની ડીકોસ્ટા.’
સોમચંદ કંઈ પૂછે એ પહેલાં જ ઑફિસરે ઍન્થનીનો બાયોડેટા આપવાનું પણ શરૂ કરી દીધું.
‘ઍન્થની ઇલેવન્થમાં છે. સ્કૂલમાં ઍક્ટિવ છે અને સ્પોર્ટ્સમાં આગળ પડતો છે. તેણે પોતાના ક્લાસ અને બીજા સ્ટુડન્ટ્સને ઍડ કરીને વૉટ્સઍપ ગ્રુપ પણ બનાવ્યું છે.’
‘તેની પણ ડીટેલ્સ લઈ લે.’
‘હા. બધી જ વિગત આપું છું...’ ઑફિસરની આંખોમાં ફરી ચમક આવી, ‘સર, આ છોકરો પણ કામનો લાગે છે. રાજન મ્હાત્રે.’
lll
‘ઍન્થની ડીકોસ્ટાને મળવું હોય તો?’
‘બોલાવી આપીએ સર...’
ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંત સાથે સ્કૂલે આવેલા ડિટેક્ટિવ સોમચંદને રિસેપ્શનિસ્ટે બેસવાનો ઇશારો કર્યો અને પછી તરત સિક્યૉરિટી ગાર્ડને ઇલેવન્થના A ક્લાસમાંથી ઍન્થનીને બોલાવવા મોકલ્યો.
‘એ તો રજા પર છે...’ પાંચ જ મિનિટમાં પાછા આવેલા ગાર્ડે કહ્યું, ‘કાલે પણ નહોતો આવ્યો.’
‘તેનું ઍડ્રેસ?’
‘જી સર... પણ અમે એવી રીતે કોઈના ઘરનું ઍડ્રેસ ન આપી શકીએ.’ રિસેપ્શનિસ્ટના અવાજમાં સૉફ્ટનેસ હતી, ‘તમે એક વાર પ્રિન્સિપાલને ઇન્ફૉર્મ કરી દેશો તો મને પ્રૉબ્લેમ નહીં આવે.’
‘પ્રિન્સિપાલ બહાર આવીને તમને પરમિશન આપી જાય કે પછી...’
સોમચંદે પ્રિન્સિપાલની ચેમ્બર તરફ પગ ઉપાડ્યા અને રિસેપ્શનિસ્ટે જવાબ આપ્યો.
‘ના સર, તેમણે મેઇલ કરવાની રહેશે.’
lll
‘કૃષ્ણકાંત, પેલી છોકરીને મેઇલ આવી ગઈ હશે.’ ચેમ્બરમાંથી જ ડિટેક્ટિવ સોમચંદે ઇન્સ્પેક્ટરને ફોન કર્યો હતો, ‘ઍન્થનીનું ઍડ્રેસ લઈ લે... અને સાથે પેલા રાજનનું પણ ઍડ્રેસ લઈ લેજે.’
‘થૅન્ક્સ ફૉર કો-ઓપરેશન...’ ફોન મૂકી સોમચંદે પ્રિન્સિપાલની કાનપટ્ટી પરથી પોતાની પિસ્ટલ હટાવી, ‘કેટલીક વાર ન્યાય માટે પણ નિયમ તોડવા પડે.’
પ્રિન્સિપાલના ચહેરા પર પરસેવો વળી ગયો હતો.
એક ઍડ્રેસ માટે કાનપટ્ટી પર કોઈ ગન તાકે એવું આજ સુધી તેણે ફિલ્મોમાં જ જોયું હતું, અનુભવ્યું પહેલી વાર...
(ક્રમશ:)


