નેપાળ પ્રવાસે નીમા અને અતુલ્યના સંબંધમાં નવી ખુશીઓ ખીલે છે, પરંતુ ભૂતકાળ ફરી સામે આવે છે. છ વર્ષ પહેલાં શેખરના રહસ્યમય અપહરણ બાદ એકલી માતા બનેલી નીમાના જીવનમાં અતુલ્ય આશા જગાવે છે, ત્યાં કાઠમંડુમાં શેખર પણ જેલથી બચવા ભાગવાની તૈયારી કરે છે.
ઇલસ્ટ્રેશન
વિમાનમાંથી દેખાતાં હિમાલયનાં શિખરો, નદી-સરોવરો, મંદિરો પર લહેરાતી ધજાઓ – સૌકોઈ જાણે આવકારતું લાગ્યું : દેવભૂમિ નેપાલમાં આપનું સ્વાગત છે.
અતુલ્ય અંશને ખોળામાં લઈને ઉત્સુકતાપૂર્વક બારીમાંથી બધું બતાવી રહ્યો છે. એ જોઈને મુસ્કુરાતી નીમાએ નિકટ સરકીને અતુલ્યના ખભે માથું મૂક્યું. પછી બેઉનું ધ્યાન ગયું કે અંશ તેમને ટગર-ટગર નિહાળી રહ્યો છે. નીમા તરત અળગી થઈ.
અંશ મલકાયો, ‘મૉમ, અતુલ્ય તને પણ ગમે છેને?’
નીમા વધુ સંકોચાઈ. છોકરો જવાબ લીધા વિના છોડશે નહીં. અમે ફૅમિલીની જેમ ફરવા તો નીકળ્યાં, પણ અંશને શું કહેવું એ તો વિચાર્યું જ નહીં. હું પણ કેમ તેની નજરે ચડવા જેવું કરી બેઠી.
‘મૉમને તો બસ તું ગમે છે.’ અતુલ્યે હસીને મામલો સંભાળ્યો, ‘અને હું તને ગમું છું એટલે મૉમને પણ ગમું છું. એવી જ રીતે તને મૉમ ગમે છે એટલે મને પણ ગમે છે.’
છોકરાના સમાધાન માટે આ જવાબ પૂરતો હતો. નીમાએ ફરી અતુલ્યના ખભે માથું ટેકવ્યું, ત્રણેના સેલ્ફી લીધા.
ફોટોનું સ્મિત સુખની ગવાહી પૂરતું હતું. એ નજરાય નહીં એટલું જોજો, મારા વિઘ્નહર્તા દેવ.
lll
હોટેલની બારીમાંથી નીમા કાઠમાંડુના બજારની ઢળતી સાંજની ચહલપહલ નિહાળી રહી.
અતુલ્ય-અંશ બાજુની રૂમમાં પોઢી ગયા છે. પોતે અલગ રૂમમાં કેમ રહે છે એ અંશને સમજાયું નહોતું. અતુલ્ય પાસે એનો પણ જવાબ હતો : ‘આપણે મુંબઈમાં અલગ ઘરે રહીએ છીએને એટલે અહીં બે અલગ રૂમ રાખવા પડે... મુંબઈ જઈને આપણે એક ઘરે રહીએ તો તને ગમશેને?’
‘બહુ જ.’
દીકરાના જવાબે અત્યારે પણ મલકી પડી નીમા.
વર્ષો પછી પોતે મુંબઈની બહાર નીકળી. આજની અને મારી એ છેલ્લી યાત્રામાં કેટલો ફેર છે.... શેખર અને અતુલ્યમાં હોય એટલો.
નીમા શેખર સાથેની એ છેલ્લી યાત્રા સંભારી રહી.
lll
‘નીમા, આપણે મમ્મી-પપ્પાનું શ્રાદ્ધ ગયામાં સરાવી આવીએ તો?’
એક રાત્રે શેખરે પૂછતાં નીમાને નવાઈ લાગેલી : શ્રાદ્ધ સરાવવા જેવું તમારા ધ્યાનમાં કેમનું આવ્યું?
‘નહીં, આ તો હીરાબજારના એક વેપારીને ત્યાં વાત થતી સાંભળી... એટલે ઇચ્છા થઈ આવી. તું તો જાણે છે કે મારો વેપાર શરૂ કરવા મેં લોન લીધી છે...’
ખરું પૂછો તો નીમા પાસે પતિની આવકનો હિસાબ કે બૅન્ક-લૉકરની કોઈ જાણકારી રહેતી નહીં. નીમાને એટલી ખબર કે હીરાના આંગડિયા તરીકે શેખર કમાય છે સારું. દર મહિને પહેલી તારીખે તે નીમાને ઘરખર્ચની ઉચ્ચક રકમ આપી દેતો જે મહિનાના છેડે વધતી. આદર્શ ગૃહિણીની જેમ નીમા એનું અલગથી રોકાણ કરતી : ક્યારેક પતિનો હાથ ભીડમાં હોય તો કામ લાગે.
‘આ જો!’
હજી અઠવાડિયા પહેલાં શેખરે નીમાને બૅન્કની પાસબુક બતાવી હતી. એમાં ૬૦ લાખની જમા પૂંજી જોઈને નીમાનાં નેત્રો પહોળાં થયેલાં : ખાતામાં બે દિવસ અગાઉ જ ૬૦ લાખ રૂપિયા જમા થયા છે. આટલી મોટી રકમ...
‘લોન લીધી છે...’ શેખરે સાદ ખંખેરેલો, ‘ક્યાં સુધી નોકરીના ઢસરડા કરવા! ઝવેરીબજારમાં દુકાન જોઈ છે. નાનકડી છે, પણ ૩૦ લાખની પાઘડી પર ભાડે મળે એમ છે. બાકીની મૂડી હીરાની ખરીદીમાં રોકીશ. ધંધો જામતાં લાખના કરોડ થતાં વાર નહીં લાગે!’
ઘર ગિરવી મૂકી, માનાં ઘરેણાં વેચીને મૂડી ઊભી કરવા બદલ પતિને ઠપકારાવો કે વેપાર માટે પ્રોત્સાહિત કરવો એ નીમાને સમજાયું નહોતું. જોકે અત્યારે, નવો વેપાર શરૂ કરતાં પહેલાં માતા-પિતાનું શ્રાદ્ધ સરાવીને તેમના ઋણમાંથી મુક્ત થવાના શેખરના પ્રસ્તાવનો તો ઇનકાર કેમ હોય.
શેખરે બુકિંગ કરાવી દીધું. ફ્લાઇટમાં ગયા પહોંચતાં સંધ્યાકાળ થઈ ગયો. તીર્થસ્થાન નજીક ગેસ્ટહાઉસમાં રૂમ રાખી.
‘હું ફ્રેશ થઈને આવું.’ નીમા નહાવા માટે બાથરૂમમાં જાય છે કે શેખર પાછળ સરકી આવ્યો, ‘ચલ, હું તને નવડાવી દઉં.’
‘નો શેખર!’ નીમા સહેજ ભડકી ગઈ, ‘પવિત્ર સ્થાનની તો મર્યાદા રાખો.’
‘પાછો ઉપદેશ...’ શેખરે પિત્તો ગુમાવ્યો, ‘પતિને સંતુષ્ટ કરવાથી વધુ પવિત્ર પત્ની માટે કંઈ હોઈ જ ન શકે સમજી. અને આ બિહાર છે. અહીં ધોળે દહાડે લૂંટ અને અપહરણ થતાં હોય છે... સાંજ પછી બહાર નીકળાય નહીં તો બીજું કરવાનું શું!’
શેખરે વસ્ત્રો સરકાવ્યાં. નીમા તેને જોઈ રહી.
‘શું જુએ છે!’ શેખરે ભળતો જ અર્થ કરીને ગંદો ઇશારો કર્યો, ‘યુ વિલ નેવર ફાઇન્ડ અ મૅન લાઇક મી.’
તેના અટ્ટહાસ્યે નીમા આંખો
મીંચી ગઈ.
lll
બીજી સવારે ઘાટ પર જઈ શ્રાદ્ધની વિધિ પતાવીને દંપતી ગેસ્ટહાઉસ પાછું આવ્યું. સાંજની ફ્લાઇટ માટે બપોરે બે વાગ્યે નીકળવાનું હતું.
‘બાજુની ગલીમાં લૉજ છે. હું ટિફિન લઈ આવું. અહીં જ જમી લઈએ.’
કહીને શેખર ગયો એ ગયો...
અત્યારે કાઠમાંડુની હોટેલની રૂમમાં ઊભી નીમાએ કડી સાંધી:
કલાક થવા છતાં શેખર આવ્યો નહીં એટલે નીમાને ચિંતા થવા લાગી. પાછો તેનો મોબાઇલ પણ સ્વિચ્ડ-ઑફ આવે છે. હવે?
શેખરે અહીં લૅન્ડ થતાં જ સ્પષ્ટ સૂચના આપેલી : બિહારમાં ક્યાંક એકલી નીકળીશ નહીં... અહીં ધોળા દિવસે લૂંટફાટ-અપહરણ થતાં હોય છે.
બીજો કલાક થતાં નીમાની ધીરજ ખૂટી. ગેસ્ટહાઉસની આસપાસની ગલીઓમાં ચક્કર માર્યાં પણ શેખર ક્યાંય દેખાયો નહીં.
‘ભૈયા, મેરા પતિ મિલ નહીં રહા...’ છેવટે ગેસ્ટહાઉસ પર આવીને થડા પર બેઠેલા આધેડ વયના માલિક ભગીરથ આગળ તે રડી પડી.
શેખરનો ફોન પણ નથી લાગતો જાણીને ભેદ પામી ગયો હોય એમ ભગીરથે ડોક ધુણાવી : ત્યારે તો તે કિડનૅપ થયો, ચોક્કસ. આજકાલ છોટુ યાદવ ગૅન્ગનો ઉત્પાત વધી ગયો છે. ધોળે દિવસે ઉપાડી જાય છે બદમાશો. ઐસે લોગોં સે હી હમારે બિહાર કા નામ બદનામ હોતા હે... કહીને આશ્વાસન આપ્યું : જોકે ફિરૌતી ચૂકવી દો તો તે લોકો જાન નથી લેતા એટલી માણસાઈ રાખી છે. હા, તું પોલીસમાં જઈ શકે, પણ ગૅન્ગના માણસો તારી ગતિવિધિ પર નજર રાખતા જ હશે. એટલી તારા વરને ઉપાધિ. અને પોલીસ છોટુના હપ્તા ખાય છે એટલે તારી ફરિયાદ લેવાને બદલે એ જ તારી ચાડી ખાય એવું બને.
બાપ રે... આ કેવું જંગલરાજ,
ગુજરાત માને જાણ કરવાનો અર્થ નહોતો. બીજા કોની મદદ લેવી એ પણ સૂઝ્યું નહીં. રૂમમાં પુરાઈને તે આંસુ સારતી રહી.
અને સંધ્યાટાણે રૂમના દરવાજાની ફાટમાંથી કાગળ સરકી આવ્યો. એમાં દેહાતી હિન્દીમાં લખ્યું હતું: તારો વર અમારા કબજામાં છે, તેને જીવતો રાખવો હોય તો કાલ સુધીમાં ૬૦ લાખ રૂપિયા તૈયાર રાખ... બાકી બાદ મેં.
સા...ઠ લાખ!
નીમાના ચિત્તમાં બૅન્ક-અકાઉન્ટની રકમ ઝબકી ગઈ. અપહરણકર્તાઓએ આ આંકડો શેખર પાસેથી જ કઢાવ્યો હશે. અરેરેરે, તેમને બહુ ટૉર્ચર તો નહીં કર્યા હોયને?
‘૬૦ લાખની મૂડી તો છે, પણ એ તો મુંબઈની બૅન્કમાં.’
નીમા વળી કાઉન્ટર પર ભગીરથભૈયાને મળી. સંકટ સમયમાં તે જ એક આધાર જેવા હતા.
‘એની ચિંતા તું ન કરીશ. તારા ખાતાની વિગત આપી દે, સવારે અહીંની બૅન્કમાં જઈને હું ઉપાડનો વહેવાર પતાવી આપીશ. મૅનેજર મારો દૂરનો ભત્રીજો છે એટલે કામ થઈ જશે...’
નીમાને ત્યારે ભગીરથભૈયા ભગવાન જેવા લાગ્યા હતા.
રાત જેમતેમ વીતી અને બીજી સવારે ખરેખર ભગીરથભૈયાજી કૅશનો ઉપાડ કરી લાવ્યા.
આના કલાકમાં કાઉન્ટરના લૅન્ડલાઇન પર નીમા માટે ફોન આવ્યો : પૈસા લઈને પુરાણા ઘાટ પર આવ - એકલી. ત્યાં ૧૩ નંબરની હોડી લાંગરેલી હશે. એમાં કૅશનો થેલો મૂકીને આજુબાજુ ફાંફાં માર્યા સિવાય સીધી પાછી જજે. કૅશની ડિલિવરી અમારા સુધી પહોંચે એટલે તારો વર તારા સુધી પહોંચી જશે...
ઘોઘરા પુરુષ સ્વરમાં અપાયેલી સૂચનાને અનુસર્યા વિના છૂટકો ક્યાં હતો?
‘પુરાણો ઘાટ તો સાવ અવાવરું જગ્યા છે. દાયકાઓ પહેલાં શ્રાદ્ધક્રિયાઓ ત્યાં થતી... તું કહેતી હો તો હું તારી સાથે આવું?’
‘ના, ના. મારે એકલા જ જવાનું કહ્યું છે.’
મનોમન જપ કરતી નીમા ભગીરથભૈયાએ કરી આપેલી રિક્ષામાં નીકળી. તેને ભય એ જ હતો કે ક્યાંક કોઈ મને લૂંટી ન લે તો સારું, નહીં તો શેખરનો જીવ જોખમમાં આવી જશે.
સદ્ભાગ્યે એવું કશું બન્યું નહીં. ઘાટ સાવ નિર્જન જણાયો. ૧૩ નંબરની હોડી વપરાશમાં હોય નહીં એમ નધણિયાતી લાંગરેલી હતી. એમાં કૅશવાળો થેલો મૂકીને નીમા એ જ રિક્ષામાં સડસડાટ પાછી વળેલી.
એ બપોરની રાત થઈ, પણ શેખરનો કોઈ પત્તો નહીં. ગૅન્ગવાળાને પૈસા નહીં મળ્યા હોય? શેખરને તેમણે છોડ્યો કેમ નહીં?
સવાર સુધીમાં નીમા ભાંગી પડી. અજાણ્યા પ્રદેશમાં ભગીરથભૈયાએ ખૂબ મદદ કરી, પણ પોલીસમાં જવા તે તૈયાર નહોતા : તું તો ફરિયાદ લખાવીને બે દા’ડામાં મુંબઈ નીકળી જશે, કોતવાલીનાં ચક્કર મારે કાપવાનાં થાય. હું મારો ધંધો જોઉં કે પોલીસને સંભાળું. ના બાઈ, આગળ તું જાણે ને તારું કામ જાણે.
તેમને દોષ દેવાનો અર્થ નહોતો. નીમાએ માને ફોન કર્યો., મહોલ્લાના બે ભાઈઓ બીજા દિવસે ગયા આવી પહોંચ્યા.
પછી પોલીસ-ફરિયાદનું, તપાસનું ચગડોળ ચાલ્યું. પોતે અઠવાડિયું ત્યાં રહી, પણ કોઈ નિષ્કર્ષ નહીં. અરે, એક વાર તો પોલીસે તેને જ ગુનેગાર ધારી લીધી હતી : હિન્દીમાં લખાયેલી ચિઠ્ઠી, એક નનામો ફોનકૉલ અપહરણ માનવા માટે પૂરતાં નથી. છોટુ ગૅન્ગની આ કાર્યપદ્ધતિ પણ નથી. ક્યાંક એવું તો નથીને કે કોઈ કારણસર તમે જ તમારા પતિને પતાવીને આખો ડ્રામા ઊભો કર્યો હોય!
lll
એ આરોપની યાદે અત્યારે કાઠમંડુની હોટેલની બારીએ ઊભેલી નીમાને સમસમાવી દીધી.
પોલીસે જે કોઈ દિશામાં તપાસ કરી હોય, પરિણામ શૂન્ય રહ્યું. આજકાલ કરતાં શેખરના ગાયબ થયાને સાડાછ વર્ષ થઈ ગયાં. ન તે જીવતો મળ્યો, ન મરેલો.
ગયાથી મુંબઈ પાછા આવતી વખતે પોતે પેટમાં ફરફરાટ અનુભવ્યો હતો. શેખર ભલે લાપતા થયો, તેની નિશાની મારા ઉદરમાં રોપાઈ ચૂકી હતી.
‘આમાં તને જીવનનો આધાર મળ્યો એમ માનીને રાજી થાઉં કે તું વગર ધણીએ બંધાઈ ગયાનો અફસોસ કરું?’
મા મુંબઈ રહેવા આવી ગઈ હતી. દીકરીની ફિકરમાં તે અડધી થઈ જતી.
‘રાજી થા મા. મારું બાળક મારા જીવનનો ખાલીપો ભરશે એનો ઉત્સવ મનાવ.’ હું કહેતી.
સંજોગો વધુ વસમા બન્યા હતા. શેખર લાપતા હોવાનું જાણીને ધિરાણ દેનારાઓએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ઘર ગિરવી હતું.
‘બળ્યું આ ઘર. જવા દે. આપણે ગામભેગાં થઈ જઈએ.’
માની કાળજી સ્પર્શતી, પણ ગામનું ખખડધજ ઘર દાયકો ખેંચે. પછી અમે નોંધારાં બની જઈએ.
એના કરતાં એમ્બ્રૉઇડરીની મારી આવડતને આજીવિકાનું સાધન બનાવીને હું ટકી ગઈ... અંશના પગલે આવક એટલી થવા લાગી કે લોન ચૂકવાતી ગઈ. પાછું વળીને જોવાનું રહ્યું નહીં. મા અંશને રમાડીને ગઈ એટલો આનંદ.
સમય સાથે શેખરના પુનરાગમનની, તેના જીવિત હોવાની સંભાવના ધૂંધળી થતી ગઈ. તે નેપથ્યમાં સરકતો ગયો. પોતે તેની છબિ પણ ઘરમાં રાખી નહોતી. અંશ માટે શેખરનું અસ્તિત્વ જ નહોતું. ખરું પૂછો તો તેના પુનરાગમનના વિચારે સહેમી જવાતું.
અને અતુલ્યના પ્રવેશ બાદ મારે એ દિશામાં વિચારવું પણ નથી.
અને નીમાએ વિચારબારી બંધ કરી દીધી.
lll
ત્યારે કાઠમાંડુની માર્કેટની હૉસ્પિટલમાં ઍડ્મિટ થયેલો તે ઇરાદો ઘૂંટે છે : પરમ દિવસે મને ડિસ્ચાર્જ મળતાં જેલભેગો કરી દેવાશે... હત્યાના પ્રયાસની સજામાંથી બચવું હોય તો મારી પાસે છટકવા માટે કાલનો જ દિવસ છે.
(ક્રમશઃ)
