Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > PMOના બોગસ ID કાર્ડ અને રિવૉલ્વર સાથે બે જણે એન્ટ્રી મારી

PMOના બોગસ ID કાર્ડ અને રિવૉલ્વર સાથે બે જણે એન્ટ્રી મારી

Published : 09 September, 2026 09:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પછી ઘટનાની ગંભીરતા જણાઈ આવી એટલે પોલીસને જાણ કરવામાં આવી : ૨૪ વર્ષના રોહન પારેખને તેના ખારના ઘરેથી પકડવામાં આવ્યો, તેના બૉડીગાર્ડની પણ ધરપકડ: આરોપીના વકીલે કોર્ટમાં કહ્યું કે મારો અસીલ ઊલટાનો કૌભાંડનો શિકાર બન્યો છે

પોલીસે રોહન પારેખની અને તેના બૉડીગાર્ડ દિલીપ કુંદેની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા.

પોલીસે રોહન પારેખની અને તેના બૉડીગાર્ડ દિલીપ કુંદેની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા.


નરેન્દ્ર મોદીના આગમનના એક દિવસ પહેલાં જિયો વર્લ્ડ પ્લાઝામાં સિક્યૉરિટીમાં મોટું ગાબડું

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલા હાઈ-પ્રોફાઇલ જિયો વર્લ્ડ પ્લાઝામાં સોમવાર સાંજે  પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)ના ઉચ્ચ અધિકારીઓ હોવાનો દાવો કરીને અને બનાવટી ડિજિટલ આઇડેન્ટિટી (ID) કાર્ડ બતાવીને હથિયાર સાથે ગેરકાયદે પ્રવેશ કરવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ગંભીર ઘટનામાં BKC પોલીસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ટેલિજન્સ યુનિટ (CIU)એ ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી રોહન પારેખ અને દિલીપ કુંદેની રિવૉલ્વર તથા જીવંત કારતૂસ સાથે ધરપકડ કરી હતી, જ્યારે તેમનો એક સાથી પ્રથમેશ બાગુલ હજી ફરાર છે. મામલાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી સંવેદનશીલતાને પગલે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ટેલિજન્સ યુનિટને સોંપવામાં આવી છે. જોકે કોર્ટમાં બચાવ પક્ષના વકીલે એવો દાવો કરતાં કેસમાં મોટો ટ્‍વિસ્ટ આવ્યો છે કે લંડનમાં ભણેલો આરોપી રોહન પોતે જ તરુણ ગુપ્તા નામના માણસ દ્વારા PMOમાં નોકરી અપાવવાના કૌભાંડનો શિકાર બન્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BKC ખાતે આવેલા જિયો વર્લ્ડ પ્લાઝામાં સોમવારે સાંજે ૪.૫૦ વાગ્યે PMOના ઉચ્ચ સરકારી અધિકારીઓ હોવાનો દાવો કરીને હથિયાર સાથે ગેરકાયદે પ્રવેશ કરવાનો ગંભીર બનાવ બન્યો હતો. મૉલના પ્રાઇવેટ સુરક્ષા-ગાર્ડ સની સિંહે હથિયાર સાથે પ્રવેશવાની ના પાડતાં આરોપીઓએ મોબાઇલ ફોનમાં PMOનું બોગસ ડિજિટલ ID કાર્ડ બતાવીને દબાણ ઊભું કર્યું હતું, જેને લીધે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે તેમના પર શંકા જતાં સુરક્ષા-અધિકારીએ તેના સિનિયર અધિકારીઓને જાણકારી આપી હતી. વડા પ્રધાન મુંબઈની મુલાકાતે આવવાના હોવાથી શંકાસ્પદ હિલચાલ સામે આવતાં શૉપિંગ મૉલનાં ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સાંજે ૬ વાગ્યે તપાસવામાં આવ્યા બાદ સમગ્ર ઘટનાની સત્યતા સામે આવી હતી. આ મામલે BKC પોલીસ-સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં 
આવી છે.’



ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘આ ઘટનાની જૉઇન્ટ તપાસ અમને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન જે કારમાં આરોપીઓ આવ્યા હતા એના રજિસ્ટર્ડ નંબર અને મોબાઇલ લોકેશનના આધારે ખાર-વેસ્ટમાં આવેલા નીલિમા બિલ્ડિંગમાં સોમવારે મોડી રાતે રેઇડ પાડવામાં આવી હતી. ત્યાંથી ૨૪ વર્ષનો મુખ્ય આરોપી રોહન પારેખ મળી આવ્યો હતો. તેની કડક પૂછપરછ કરતાં તેણે નાશિકના ગ્રામીણ વિસ્તારમાં રહેતા સાથીદારો ૪૯ વર્ષના દિલીપ કુંદે અને ૨૬ વર્ષના પ્રથમેશ બાગુલનાં નામોનો ખુલાસો કર્યો હતો. PMO અને એના અધિકારીઓ વિશે પૂછતાં રોહન કોઈ યોગ્ય જવાબ આપી શક્યો નહોતો.’


ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સિનિયર અધિકારીઓના આદેશથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ટેલિજન્સ યુનિટને આગળની તપાસ માટે સોંપવામાં આવ્યો હતો. ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને રોહન પારીખ અને દિલીપ કુંદેને તાબામાં લીધા હતા, જ્યારે તેમનો ત્રીજો સાથી પ્રથમેશ બાગુલ ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ અગાઉથી કાવતરું રચી, પૂર્વતૈયારી સાથે બોગસ ID કાર્ડનો ઉપયોગ કરીને અને સરકારી અધિકારી હોવાનું બનાવટી નાટક કરીને સુરક્ષાકર્મીઓ પર રોફ જમાવ્યો હતો. આરોપી દિલીપ કુંદેની જડતી લેતાં તેની પાસેથી કાળા રંગની રિવૉલ્વર અને ૬ જીવંત કારતૂસ મળી આવી હતી. આરોપીઓના મોબાઇલ એક્સ્ટ્રેક્શન દ્વારા ડેટા મેળવવામાં આવી રહ્યો છે.’

ગઈ કાલે સવારે તપાસ-અધિકારીઓએ આરોપીઓના પોલીસ-રિમાન્ડની માગણી કરતાં કોર્ટને જણાવ્યું હતું કે ‘ફરાર આરોપી પ્રથમેશને પકડવો જરૂરી છે. જામીન પર મુક્ત થવાથી તેઓ ભાગી શકે છે. આરોપીઓ PMOમાં નોકરી કરવાનો ખોટો દાવો કરે છે, પણ તેમની પાસે એના કોઈ પુરાવા મળી આવ્યા નથી અને આ એક ગંભીર તથા દેશની સુરક્ષાને સ્પર્શતો ગોપનીય મામલો છે.’


બચાવ પક્ષના વકીલનો મોટો દાવો અને કેસમાં ‘તરુણ ગુપ્તા’નો નવો ટ્‍‍વિસ્ટ

બીજી તરફ કોર્ટમાં આરોપી રોહન પારેખના વકીલે એક નવો જ દાવો કરીને કેસમાં મોટો ટ્‍‍વિસ્ટ લાવ્યા હતા. વકીલે દલીલ કરી હતી કે ‘રોહને લંડનમાં અભ્યાસ કર્યો છે અને તે 
જિયો-પૉલિટિક્સ તથા ડિફેન્સ પૉલિસી પર કામ કરે છે. તેને PMOની કથિત બનાવટી ઈ-મેઇલ દ્વારા ફસાવવામાં આવ્યો છે. તરુણ ગુપ્તા નામની વ્યક્તિએ રોહનને PMOમાં નોકરીની ઑફર આપી હતી. એ પછી જ રોહનને PMOનું કથિત ડિજિટલ ID કાર્ડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કથિત સહીવાળો પ્રશંસાપત્ર મળ્યો હતો. વકીલે રોહન પોતે જ આ ફ્રૉડનો ભોગ બન્યો હોવાનો દાવો કર્યો છે.’ આ દલીલો બાદ હવે પોલીસે બનાવટી કાગળો બનાવનાર તરુણ ગુપ્તા નામના શંકાસ્પદની ભૂમિકા અને ફરાર પ્રથમેશ બાગુલની શોધખોળ તેજ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK