બારમા ધોરણમાં ૯૫.૭ ટકા લાવનારા થાણેના વિદ્યાર્થીએ હતાશ થઈને ભર્યું જીવલેણ પગલું
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પર હીરાનંદાની એસ્ટેટની એક પૉશ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ૧૭ વર્ષના તેજસ્વી વિદ્યાર્થીએ શનિવારે રાતે બાવીસમા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ મામલે કાસારવડવલી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બારમા ધોરણમાં સાયન્સમાં ૯૫.૭ ટકા માર્ક્સ મેળવનારા આ વિદ્યાર્થીએ પોતાની મનપસંદ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ ન મળવાના આઘાતમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેણે ઝંપલાવતાં પહેલાં પરિવારના વૉટ્સઍપ ગ્રુપમાં જીવન ટૂંકાવવાનો મેસેજ મોકલ્યો હતો, પણ પરિવાર કંઈ સમજે એ પહેલાં જ સોસાયટીના બાવીસમા માળના રેફ્યુજ એરિયામાંથી ઝંપલાવીને પોતાનો જીવ આપી દીધો હતો.
પોલીસે જણાવ્યો ઘટનાક્રમ
ADVERTISEMENT
કાસારવડવલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટીનેજર કલકતાના શિબપુર વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી (IIEST)માં બૅચલર ઑફ સાયન્સ-માસ્ટર ઑફ સાયન્સ (BS-MS)ની ડ્યુઅલ ડિગ્રી મેળવવા માગતો હતો. જોકે ઍપ્ટિટ્યુડ ટેસ્ટમાં ૧૦,૭૪૭મો રૅન્ક આવતાં તેને ત્યાં સીટ મળી શકી નહોતી. આવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ ન મળતાં તે નિરાશામાં સરી પડ્યો હતો. શનિવારે સાંજે ૭.૩૦ વાગ્યે તે સાઇક્લિંગ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને રાત્રે ૮.૧૫ વાગ્યે તેણે પરિવારના ગ્રુપમાં આત્મહત્યા કરવાનો મેસેજ મૂક્યો હતો. મેસેજ જોઈને પરિવારે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન સ્વિચ્ડ-ઑફ આવતાં તેમણે તાત્કાલિક અમને જાણ કરી હતી. અમે અને પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં ટીનેજર તેના અપાર્ટમેન્ટ નજીકની ફુટપાથ પર ગંભીર રીતે જખમી હાલતમાં મળી આવ્યો હતો. તેને તરત સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ટીનેજરના પિતાના નિવેદનના આધારે અમે ADR નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’
