‘ગભરાવાની જરૂર નથી ભાઈ. અમને તારી હેલ્પ જોઈએ છે.’ પગમાં પડી ગયેલા ડ્રાઇવરને ઊભો કરતાં સોમચંદે કહ્યું, ‘બીજી માર્ચ અને સોમવારે જે માણસને તેં કુરિયર ઑફિસ પર ઉતાર્યો તે તારી રિક્ષામાં ક્યાંથી બેઠો હતો?’
ઇલસ્ટ્રેશન
ડિટેક્ટિવ સોમચંદના હાથમાં રહેલો હર્ષદભાઈ અને સુનીતાબહેનનાં મૅરેજ સમયનો પેલો જૂનો ફોટો રાતની રોશનીમાં વધુ ભયાનક લાગતો હતો. હર્ષદ મહેતા અને સુનીતાબહેનના આલબમમાંથી લેવામાં આવેલા એ ફોટોમાં ઊભેલા એક અજાણ્યા માણસનો ચહેરો સિફતપૂર્વક કાપવામાં આવ્યો હતો. આ કપાયેલો ચહેરો જ આ આખા કેસનું સૌથી મોટું રહસ્ય હતું. ફોટોની પાછળ લખાયેલા શબ્દો સોમચંદને હવે ગોખાઈ ગયા હતા.
‘ત્રણ લાશ હજી બાકી છે.’
ADVERTISEMENT
આ શબ્દો સોમચંદના મન પર હથોડાની જેમ વાગતા હતા.
‘સાવંત, આ કેસ હવે વ્યક્તિગત અદાવતથી વધીને સિરિયલ રિવેન્જ તરફ આગળ વધતો મને દેખાય છે,’ પોલીસ-સ્ટેશનના શાંત વાતાવરણમાં સોમચંદે સાવંત સામે જોયું, ‘જે માણસ છે તે અટકવા નથી માગતો, તે મહેતા ફૅમિલીને ખતમ કરવા નીકળ્યો હોય એવી રીતે વર્તે છે.’
‘મને તો કંઈ સમજાતું નથી.’
સાવંત હજી પણ હર્ષદભાઈએ પોતાના દીકરાના લીધેલા પાંચ કરોડના ઇન્શ્યૉરન્સ અને નિમેશના બ્લૅકમેલિંગની ઘટનામાં અટવાયેલા હતા.
‘સાલ્લું કંઈ સમજાતું નથી. હર્ષદભાઈ કહે છે કે તેને ધમકી મળી એટલે તેણે ઇન્શ્યૉરન્સ લીધો...’ સાવંતનો પ્રશ્ન વાજબી હતો, ‘ધમકી મળે એટલે કોઈ ઇન્શ્યૉરન્સ લે એ કેવું કહેવાય?’
‘સાવંત, એ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં નૉમિની તરીકે પ્રીતિનું નામ છે એટલે ઇન્શ્યૉરન્સ માટે હર્ષદભાઈએ કંઈ કર્યું હોય એવું બને નહીં.’ સોમચંદે જવાબ આપ્યો,
‘તેમણે જે કામ કર્યું એ બુદ્ધિપૂર્વકનું હતું. જો દીકરાને કંઈ થઈ જાય તો પ્રીતિની આગળની લાઇફ સેફ રહે અને એમાં કશું ખોટું પણ નથી. હર્ષદ મહેતાની જગ્યાએ હું હોઉં તો મને પણ આટલું સાચું, સારું અને વાજબી સ્ટેપ સૂઝે નહીં.’
‘બધાને ધમકી કોણ આપે છે?’ સાવંતે સવાલ કર્યો, ‘એ માણસ જેનું મોઢું ફોટોમાંથી કાપવામાં આવ્યું છે?’
‘ના.’ સોમચંદે ફોટો સાઇડમાં મૂક્યો, ‘કદાચ આ ખૂની નથી. જો તે ફોટોમાં હોત તો તેને એટલું સમજાય કે આ ફોટો દેખાડીને આપણે સુનીતાબહેન પાસેથી તેનું નામ કઢાવી લેશું એટલે તે હજી પણ રમત રમે છે.’
ડિટેક્ટિવ સોમચંદ ઊભા થયા.
‘રમત રમે છે અને ચૅલેન્જ પણ કરે છે કે હિંમત હોય તો મને પકડીને દેખાડો...’
lll
‘સોમચંદ, રિક્ષા મળી ગઈ.’
સવારે સોમચંદને ઇન્સ્પેક્ટર સાવંતનો ફોન આવ્યો. સાવંતના અવાજમાં ઉત્સાહ હતો. તેણે વાત આગળ વધારી.
‘રિક્ષા-ડ્રાઇવરને વરાછા પોલીસ-સ્ટેશનમાં બેસાડી રાખ્યો છે. તેને અહીં લઈ આવવો છે કે પછી આપણે જવું છે?’
‘આપણે જઈએ.’ સોમચંદે ફ્લૅટનો ડોર બંધ કરતાં કહ્યું, ‘તારા એ પોલીસ-ફ્રેન્ડને કહી દેજે કે તે મર્ડરર નથી એટલે ડ્રાઇવર સાથે સારી રીતે વર્તે અને ગેસ્ટની જેમ ટ્રીટમેન્ટ આપે. ખર્ચો આપણે આપી દઈશું.’
કલાકમાં સોમચંદ અને ઇન્સ્પેક્ટર સાવંત સુરત જવા માટે સ્ટેટ હાઇવે પર આવી ગયા હતા.
lll
‘ગભરાવાની જરૂર નથી ભાઈ. અમને તારી હેલ્પ જોઈએ છે.’ પગમાં પડી ગયેલા ડ્રાઇવરને ઊભો કરતાં સોમચંદે કહ્યું, ‘બીજી માર્ચ અને સોમવારે જે માણસને તેં કુરિયર ઑફિસ પર ઉતાર્યો તે તારી રિક્ષામાં ક્યાંથી બેઠો હતો?’
‘સાહેબ, એટલું બધું મને યાદ નથી.’
‘વેઇટ.’ સોમચંદે CCTV ફુટેજ દેખાડીને ડ્રાઇવરને પૂછ્યું, ‘હું આ માણસનું પૂછું છું. આ માણસ ક્યાંથી તારી સાથે...’
‘વેસુથી.’ રિક્ષાવાળાએ માથું ખંજવાળતા કહ્યું, ‘સાહેબ, વેસુમાં શાંતિવિહાર અપાર્ટમેન્ટ છે. ત્યાં મેં આ માણસને જોયો. તે લંગડાતો હતો. તેનાં કપડાં બહુ ખરાબ હતાં. મને તેની દયા આવી એટલે મેં કંઈ પૂછ્યા વિના જ તેને બેસાડી દીધો, પણ ઊતરતી વખતે તેણે મને ભાડું આપ્યું અને એ બસોની નોટ સાથે એક ચિઠ્ઠી ભૂલથી આવી ગઈ.’
‘ચિઠ્ઠી? કઈ ચિઠ્ઠી...’
‘છેને મારી પાસે, આવો...’
રિક્ષાવાળો સોમચંદને લઈને રિક્ષા પાસે આવ્યો અને પોતાની રિક્ષાની ગાદી નીચેથી તેણે એક ચિઠ્ઠી કાઢી સોમચંદના હાથમાં મૂકી. ચિઠ્ઠીમાં લખ્યું હતું.
દેવું અને વેર ક્યારેય જૂનાં ન થવા દે, ઉતારવાં અઘરાં થઈ જાય.
‘સારું વાક્ય વાંચીને મેં એ સાચવી રાખ્યું.’
સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘સાવંત, માણસ ઇન્ટરેસ્ટિંગ છે.’ સોમચંદની આંખોમાં ચમક પણ હતી, ‘તે ઇચ્છે છે કે પોતે પકડાય અને એ પછી પણ તે સતત ટ્રાય કરે છે કે આપણે અવળા રસ્તા પર આગળ વધતા રહીએ.’
‘આ કોઈ સાયકો...’
‘હા, સાયકો-કિલર જ છે પણ તેની દુશ્મની માત્ર મહેતા ફૅમિલી સાથે છે એટલે બીજું કંઈ ટેન્શન કરવાની જરૂર નથી.’ સોમચંદે જૂના ડૉટ કનેક્ટ કર્યા, ‘કુરિયરમાં પણ શાંતિવિહારનું જ ઍડ્રેસ હતું અને એ જ ઍડ્રેસ પરથી એ ભિખારી આ રિક્ષાવાળાને મળે છે. મતલબ કે તેણે એકેક પૉઇન્ટ યાદ રાખ્યા અને એ પછી તેણે પ્લાનનો અમલ કર્યો.’
‘તું જા ભાઈ...’ ખિસ્સામાંથી પાંચસોની ચાર નોટ કાઢી રિક્ષાવાળાના હાથમાં મૂકતાં સોમચંદે કહ્યું, ‘તારું કામ પૂરું થયું.’
‘પણ આ પૈસા...’
‘ઘરે મીઠાઈ લેતો જજે.’
lll
મુંબઈ પાછા આવીને સોમચંદ સીધો જ નિમેશ પાસે પહોંચ્યો.
‘નિમેશ, જો હું અતિશય થાક્યો છું. મને માત્ર એક હેલ્પ જોઈએ છે.’ સોમચંદે નિમેશના ખભા પર હાથ મૂક્યો, ‘જરા પણ ભૂલ થવી ન જોઈએ.’
‘પ્રૉમિસ સર... મારાથી થશે એ હેલ્પ કરવા હું તૈયાર છું.’
‘તને જે ફોન આવતા હતા એમાં ક્યાંય કોઈ ચોક્કસ કે ખાસ અવાજ કે કોઈ એવી વાત જે તને વારંવાર કહેવામાં આવતી હોય?’
નિમેશે આંખો બંધ કરી બધા ફોન-કૉલ્સ યાદ કર્યા અને પછી સોમચંદ સામે જોયું.
‘એ માણસ વારંવાર એક વાત કહેતો, ન્યાય આંધળો છે એટલે એનો સહારો લેવા જતો નહીં.’
‘હંમ... એ સિવાય બીજી કોઈ ખાસ વાત, જે તને લાગતું હોય કે અમને ઇન્ક્વાયરીમાં હેલ્પફુલ બને?’
‘હંમ.’ થોડું યાદ કરીને નિમેશે ઉત્સાહ સાથે કહ્યું, ‘મને બે વખત ફોનમાં સ્કૂલ છૂટવા સમયે જે બેલ વાગે એ સંભળાઈ હતી. મને નવાઈ પણ લાગી કે ફૉરેનના નંબર પરથી આ ફોન આવે છે તો શું ત્યાં પણ આપણી સ્ટાઇલથી જ સ્કૂલ છૂટતી હશે?’
સ્કૂલ બેલ.
સોમચંદના કાન ચમક્યા અને તેનું દિમાગ કામે લાગી ગયું.
સુનીતાબહેન પણ સ્કૂલનાં પ્રિન્સિપાલ હતાં. શું આ કરનારો કોઈ સ્કૂલ સાથે જોડાયેલો છે?
‘રજનીકાંત વોરા.’
સોમચંદના મોઢેથી અનાયાસ જ નામ નીકળી ગયું કે તરત નિમેશે તેની સામે જોયું.
‘એ કોણ?’
‘તું નહીં ઓળખ.’ નિમેશના ગાલ પર વહાલથી ટપલી મારતાં સોમચંદે કહ્યું, ‘તારે એકાદ દિવસ અહીં રહેવું પડશે પણ અહીં રહેવું એ હવે તારી સજા નથી, તારી સેફ્ટી છે.’
lll
‘સાવંત, મને રજનીકાંત વોરા વિશે બધેબધી માહિતી જોઈએ છે. તેમણે ૧૨ વર્ષ પહેલાં નોકરી છોડી પછી તે ક્યાં ગયા, તેમણે શું કર્યું, અત્યારે ક્યાં છે એ બધેબધું જાણવું છે. આપણે માટે એ બહુ મહત્ત્વનું છે.’
‘મેં તમને કહ્યું તો ખરું કે મને નથી ખબર.’
‘તો જે ખબર છે એ કહો. પણ બધું કહો અને યાદ કરીને કહો.’
‘રજનીકાંત વોરા બહુ વિદ્વાન પ્રોફેસર હતા. ફિઝિક્સમાં તો માસ્ટર... ’
‘ફિઝિક્સ... સાવંત, ફિઝિક્સ.’ સોમચંદ ઑલમોસ્ટ ઊછળી પડ્યા, ‘સાવંત, ફિઝિક્સનો પ્રોફેસર બૉમ્બ બનાવવામાં એક્સપર્ટ થઈ શકે. તું જો, એ આખી ટેક્નિક યાદ કર. દોરી ખેંચવી, બ્લાસ્ટ થવો. આ ફિઝિક્સના કોઈ માસ્ટરનું જ કામ હોઈ શકે. બૉમ્બમાં વપરાયેલું સલ્ફર અને ઍસિડ પણ પ્રયોગશાળામાં આસાનીથી મળી જાય.’
‘હા, પણ ૧૨ વર્ષ પછી કેમ?’
‘એ તો શોધવાનું છે.’ સોમચંદ રવાના થતાં બોલ્યા, ‘હું સુનીતાબહેનને મળીને આવું છું.’
lll
‘તમને કેટલી વાર કહું કે મને તેમના વિશે કંઈ ખબર નથી.’ સુનીતાબહેન અકળાયાં, ‘૧૨ વર્ષ પહેલાંની વાત છે અને એ પછી અમારે કોઈ સંબંધ પણ નથી રહ્યા.’
‘વાંધો નહીં.’ સોમચંદે ઠંડા સ્વરે કહ્યું, ‘૧૨ વર્ષ પહેલાંનું જે યાદ હોય એ કહો, રજનીકાંત વોરાના પરિવારમાં બીજું કોણ હતું?’
‘તેમને એક દીકરો હતો જે કાર્તિકનો જ ક્લાસમેટ હતો પણ રજનીકાંત પર ચોરીનો આક્ષેપ લાગ્યો અને બધાં પ્રૂફ પણ તેમના તરફ ઇશારો કરતા હતા એટલે બદનામીના ડરે કે પછી શરમના કારણે એ છોકરાએ સુસાઇડ કરી લીધું.’
સોમચંદ અવાક્ થઈ ગયા હતા.
‘તેમનાં વાઇફ...’
‘છોકરાના સુસાઇડ પછી તેમનાં વાઇફ પણ ગુજરી ગયાં.’ સુનીતાબહેને કહ્યું, ‘કદાચ છ-આઠ મહિનામાં જ અને એ પછી વોરા પોતે ગાયબ થઈ ગયા.’
સોમચંદ સ્તબ્ધ થઈ ગયા.
કેસનો અસલી મોટિવ હવે તેમની સામે હતો.
વાત અહીં માત્ર નોકરી કે પ્રતિષ્ઠાનો જ નહોતો, આ એક પિતાના આખા પરિવારના પતનનો બદલો હતો.
lll
એ જ રાતે ઇન્સ્પેક્ટર સાવંતના મોબાઇલ પર વિડિયો આવ્યો.
વિડિયોમાં કાંદિવલીની આકાશગંગા સોસાયટીના પાછળના ભાગમાં આવેલા ગેસ્ટહાઉસમાં બંધાયેલું કોઈ દેખાતું હતું. એ માણસ છૂટવા માટે તરફડિયાં મારતો હતો.
વિડિયોમાં એક પહાડી અવાજ સંભળાતો હતો
‘સોમચંદ, તેં રિક્ષા શોધી લીધી, ઇતિહાસ પણ જાણી લીધો પણ ભવિષ્ય મારા હાથમાં છે. મહેતા ફૅમિલીની બીજી લાશ માટે તૈયાર થઈ જા.’
lll
‘સોમચંદ, વૉટ્સઍપ ચેક કર, ફાસ્ટ...’
ચાલુ મોબાઇલે જ સોમચંદ વિડિયો જોયો અને તેણે કહી દીધું.
‘હું કાંદિવલીમાં જ છું, આકાશગંગા પહોંચું છું. તું જલદી આવ.’ સોમચંદ એ વ્યક્તિને ઓળખી ગયો હતો, ‘આ હર્ષદભાઈ છે.’
lll
પંદર મિનિટમાં સોમચંદ આકાશગંગા સોસાયટીના ગેસ્ટહાઉસમાં પહોંચી ગયા. રૂમનો દરવાજો તોડ્યો ત્યારે હર્ષદભાઈ ખુરશી સાથે બાંધેલા હતા અને તેમના પગ સાથે નાનકડું બૉક્સ બંધાયેલું પડ્યું હતું, જેના પર લખ્યું હતુંઃ With Warm Wishes.
સહેજ પણ હલનચલન થાય તો બીજો બ્લાસ્ટ નક્કી હતો.
‘હર્ષદભાઈ, મનમાં નવકાર મંત્ર ચાલુ કરી દો.’ સોમચંદે સાવંત સામે જોયું, ‘સાવંત, પાણી આપ. જલદી...’
સાવંત પાણી લાવ્યો અને સોમચંદે બૉક્સ પર બે બાલદી પાણી રેડી દીધું અને પછી મૅગ્નિફાઇંગ ગ્લાસમાં જોતાં-જોતાં બૉક્સ ખોલવાનું શરૂ કર્યું. ક્ષેમકુશળ રીતે બૉક્સ ખૂલી ગયું અને હર્ષદભાઈ આઝાદ થયા.
‘ફિઝિક્સના નિયમોનો ઉપયોગ કરીને બનાવેલા આ બૉમ્બમાં લૅબોરેટરીમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ થયો હતો એટલે પાણીથી કામ ચાલી ગયું.’
બૉક્સ ખોલવામાં વ્યસ્ત એવા સોમચંદના હાથમાં એક ચિઠ્ઠી આવી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘આ તો ડેમો હતો. અસલી ખેલ તો સુનીતાના સ્કૂલના ફંક્શનમાં થશે. ન્યાય ત્યાં જ થશે જ્યાં અન્યાય થયો હતો.’
સોમચંદ સમજી ગયો કે ખૂની હવે ક્લાઇમૅક્સ તરફ વધી રહ્યો છે. રજનીકાંત વોરાએ આખી વાર્તાનો સ્ક્રીનપ્લે બહુ પહેલાં લખી નાખ્યો હતો.
‘સાવંત, કાલે સુનીતાની સ્કૂલનો ઍન્યુઅલ ડે છે.’
હર્ષદભાઈના શબ્દો સાંભળી સોમચંદ-સાવંતના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ.
વધુ આવતી કાલે
