Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અષાઢી બીજ - એક ગાથાના આરંભથી અંત સુધી (પ્રકરણ ૫)

અષાઢી બીજ - એક ગાથાના આરંભથી અંત સુધી (પ્રકરણ ૫)

Published : 17 July, 2026 10:09 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ગુલાબે નિશાન લઈને દૂરથી વીંઝેલી કટાર જીવણની છાતીમાં ખૂંપી ગઈ ને અધૂરા વાક્યે તેની જીવનલીલા સમેટાઈ ગઈ.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


અમારી સગાઈના ખબર કદમનગર પણ પહોંચ્યા...

પરાકાષ્ઠા વાગોળતાં ગુલાબબા સહેજ હાંફી ગયાં : ‘સગાઈ-ફોકને કારણે જીવણનાં લગ્ન હજી થયાં નહોતાં એટલે તેણે મનમાં ઝેર રાખ્યું હતું. એમાં દુલ્હાની ઓળખે ઘા પર મીઠું છાંટ્યું : મારી જગ્યા પેલો મામૂલી કાસદ લેશે? નહીં, એ કોઈ કાળે નહીં બને!’



આ બાજુ ત્રીજા વરસે પિતાશ્રીની શરતમાં ઉત્તીર્ણ થયેલો એભલ અષાઢી બીજે હંમેશ માટે પાછો આ‍વવાનો હતો. રાતનો સમય હતો એટલે પિતાજીએ તેને લેવા ૪ માણસ ભાવનગર મોકલ્યા હતા.


પિયુની રાહ જોતી ગુલાબ કક્ષની બારીમાંથી રસ્તે મીટ માંડીને બેઠી છે ત્યાં દાસી દોડતી આવી : ‘ગજબ થયો ગુલાબબા, જમાઈરાજ સીમમાં પ્રવેશે છે ત્યાં જ તેમના પર હુમલો થયો... એક વળાવિયો કુમક માગવા ભાગતો આવ્યો એટલે ખબર પડી.’

હેં!


બીજા પહોંચે એ પહેલાં હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘોડો પલાણીને ગુલાબ પહોંચી।

પણ ત્યારે ધીંગાણું પતી જવા પર હતું. અહીં જ, આ જમીન પર એભલ લોહીલુહાણ થઈને આખરી શ્વાસ લઈ રહ્યો હતો. ગુલાબે દોડીને તેનું માથું ખોળામાં લીધું : ‘એ...ભ...લ.’

‘આવી પહોંચી ગુલાબ. મોડું થઈ ગયું. જીવણે દગો કર્યો. પીઠ પાછળ હુ...મ...લો... કર્યો. તોય તેના માણસોને પૂરા કર્યા હોં!’

એ જ વખતે કશોક સંચાર સંભળાતાં ગુલાબે નજર ફેરવી તો...

જીવણ! ધીંગાણામાં ઘાયલ થયેલો તે ઘોડા પર સવાર થઈને છટકી જવા માગે છે?

‘જીવણ...’ ગુલાબે ત્રાડ નાખતાં તેણે ઘોડાની લગામ સંભાળતાં અટ્ટહાસ્ય વેર્યું : ‘તારા મનના માણીગરને મેં મોત ભેગો કરી દીધો ગુલાબ. હજીયે માની જતી હો તો મારા રંગમોલમાં...’

ખચાક.

ગુલાબે નિશાન લઈને દૂરથી વીંઝેલી કટાર જીવણની છાતીમાં ખૂંપી ગઈ ને અધૂરા વાક્યે તેની જીવનલીલા સમેટાઈ ગઈ.

‘શાબાશ...’ જીવણનો અંજામ જોઈને સુકૂનનો શ્વાસ લેતા એભલે પ્રિયતમાનો હાથ હાથમાં લીધો : ‘હું જાઉં છું ગુલાબ, પણ મારી પાછળ આવવાની ઉતાવળ ન કરશો. આપણા ઓરતા આવતા ભ...વે પૂ...રા કરીશું.’

કહીને એભલે ડોક ઢાળી દીધી હતી...

- એ જગ્યાએ એભલની ખાંભી થઈ ને પોતે તેના પડખે જ વસવાનું હોયને. જીવણની દગાખોરી પુરવાર થયા પછી તેની હત્યાનો આરોપ ટક્યો નહીં. મા-પિતાએ મને રોકી-ટોકી નહીં. તેમના પછી ભઈલો મારી સંભાળમાં ચૂક્યો નથી.

બાકી આપણા મિલન-વિદાયની સાક્ષી જેવી અષાઢી બીજે વાદળાં અહીં અચૂક વરસે એ આપણી પ્રીતને પોંખવા જને!

lll

‘છોટા સા ઘર હૈ યે મગર...’

દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતમાં પોતાના મનની વાત કહેવાઈ હોય એમ અરેન મહોરી ઊઠ્યો.

જુહીએ હોઠ કરડ્યો : ‘છોટા સા ઘર. વરલીના વૈભવી ટાવરમાં તૈયાર થતું પેન્ટહાઉસ કોઈ રીતે નાનું ગણાય એમ નહોતું... વિશાળ જગ્યા, મંદિર માટે અલાયદો ઓરડો, ઉપર માસ્ટર બેડરૂમનો બાથરૂમ પણ મારા બેડરૂમ કરતાં મોટો હશે.’

‘હજી બાંધકામ પતતાં છએક મહિના લાગશે... પછી ફર્નિચરનું કામ ચાલશે...’ અરેન કહેતો રહ્યો. જુહી હળવા પગલે દીવાનખંડના બીજા છેડે ગઈ. સિનેમાનો વિશાળ સ્ક્રીન જેવો ભાગ ખુલ્લો હતો. ખરેખર તો અહીં ગ્લાસ વિન્ડો આવશે. બહાર નાના ક્યારા મુકાય એવી પાળી રહેશે. અત્યારે આ ભાગ ખુલ્લો છે એટલે લોખંડની આડી પાઇપ દીવાલના બે છેડે સ્ક્રૂથી ટાઇટ કરીને સેફ્ટી રખાઈ છે, પણ...

રેલિંગ પર હાથ પસવારતી જુહીએ હોઠ કરડ્યો : ‘ધારો કે આના સ્ક્રૂ કાઢીને પાઇપ ખાલી ટેકવી રખાય અને કોઈને ધક્કો લાગે તો...’

ભાવનગરની ટૂર પતાવી પોતે મુંબઈ આવીને પહેલું કામ માનવને મળવાનું કરેલું... માનવ પણ પ્લાન સમજાવવા ઉત્તેજિત હતો:

‘અરેનને મારવા આપણે ક્યાંય બહાર જવાનું નથી... તમે ભાવનગર હતા એ દરમ્યાન હું અરેનના બની રહેલા પેન્ટહાઉસમાં લટાર મારી આવ્યો... થોડા દિવસ પછી તેનો બર્થ-ડે આવે છે એવું તું કહેતી’તી – રાઇટ. એ રાતે તેને ત્યાં લઈ જજે. દીવાનખંડની ગ્લાસવૉલ ત્યાં સુધીમાં બની નહીં રહે. એ ખુલ્લા ભાગને લોખંડની પાઇપથી કૉર્ડન કરવામાં આવ્યો છે, પણ સાંજે કારીગરોના ગયા પછી હું ત્યાં જઈ એ રેલિંગનો સળિયો ઢીલો કરી આવીશ... બિલ્ડિંગમાં CCTV કૅમેરા લાગ્યા નથી એટલે કોઈને મારી અવરજવરનો પુરાવો મળવાનો નથી... બસ, તારે રાતે અરેનને નવા ઘરે લઈ જઈ કોઈક બહાને રેલિંગ સુધી લાવીને જોરથી ધક્કો દેવાનો છે. લોખંડની ટેકવેલી પાઇપ ફર્શ પર અફળાશે, અરેન પોતાનું બૅલૅન્સ જાળવી નહીં શકે અને પાંત્રીસમા માળેથી સીધો ની...ચે.’

- અત્યારે જાણે અરેન ખરેખર નીચે પડતો હોય એ જોવા જુહીએ ડોક લંબાવી કે અરેને તેને ખેંચી લીધી : ‘આમ આગળ ક્યાં જાય છે? રેલિંગનો ભરોસો નહીં...’

જુહી ઘડીક રેલિંગને તો ઘડીક અરેનને તાકી રહી : ‘મારી સાથે આ રેલિંગ પણ તમને ધોકો દેવાની અરેન! તમારો બર્થ-ડે તમારો મૃત્યુદિન બની રહેવાનો!’

lll

‘જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ અરેન!’

રાતે બારના ટકોરે જુહીના ફોને અરેનને ખીલવી દીધો. બે-ચાર મિનિટ વાતો કરીને જુહીએ કૉલ ટૂંકાવ્યો, ‘મને ઊંઘ આવે છે અરેન, કાલે મળીએ? ગુડ નાઇટ.’

‘ગુડ નાઇટ...’ ફોન મૂકીને અરેને પથારીમાં લંબાવ્યું : જુહી સાથેની સગાઈથી પોતે ખુશ હતો અને જુહી પણ ખુશ છે એવું માનતો હતો, પણ ભાવનગરના દેવગઢ ગામે સતીમાતાનાં દર્શન નિમિત્તે ગુલાબબાને મળવાનું થયું ને તેમણે આંખો ઉઘાડી... ત્યાર પછી જુહીની વર્તણૂકને ઝીણી નજરે માપતાં એમાં રહેલો આયાસ સ્પષ્ટ વર્તાયો. અરેન્જ્ડ મૅરેજમાં ઐક્ય બંધાતાં સમય લાગે એ સમજાય, ઐક્ય બંધાવાની વૃત્તિમાં ખોટ લાગે ત્યારે ઊંડા ઊતરવું અનિવાર્ય બની જાય છે.

- એટલે પોતે કંઈક એવું કર્યું છે જેની જુહીને કલ્પના પણ નહીં હોય.

અરેને દમ ભીડ્યો : ‘તારું અંતરમન મને પૂરું પરખાયું નથી જુહી, પણ હું તો તારા માટે હા ભણી ત્યારનો તને ચાહવા લાગ્યો છું... ઈશ્વર એ મોહબ્બતની લાજ રાખે એટલું જ માગું છું!’

lll

- અને એ ઘડી આવી પહોંચી.

ઘરે બેઉ ફૅમિલીની હાજરીમાં કેકકટિંગ સેરેમની પત્યા પછી લૉન્ગ ડ્રાઇવના બહાને અરેન સાથે નીકળીને જુહી તેને પેન્ટહાઉસ લઈ આવી હતી. માનવે રેલિંગ લૂઝ કરવાનું કામ પતાવી દીધું છે... હવે મારે એક ધક્કા જેટલું જ કષ્ટ લેવાનું છે.

અરેનને દીવાનખંડના રેલિંગવાળા છેડે જતો જોઈને જુહીએ હોઠ કરડ્યો : ‘તમને મરવાની આટલી ઉતાવળ થાય છે. માનવને કહી જોઉં - આજનો દિવસ જવા દઈએ. કોઈને તેના બર્થ-ડેએ જ કેમ મારવો? દીકરાનો જન્મદિન જ મૃત્યુદિન બને, હોંશથી જે નવું ઘર લીધું ત્યાંથી જ પડીને તે મરે એ આઘાત તેનાં માવતર સહન પણ કરી શકશે ખરાં! તેમની આંતરડી કકળાવીને આપણે સુખી થઈશું ખરાં?’

- પણ ના, આવું પૂછવાનો અર્થ નહોતો। માનવે રેલિંગ લૂઝ કર્યાના ખબર આપીને પડકારની ઢબે કહ્યું હતું, ‘મને ચાહતી હો તો આજે અરેનનો અંજામ આણીને દેખાડજે!’

જુહીએ ડગ ઉપાડ્યાં. દબાતે પગલે અરેનની પાછળ થઈને તે ધક્કો મારવા હાથ ઉપાડે છે ત્યાં જ...

‘રેલિંગ ઢીલી નથી...’ અચાનક ઊલટા ફરીને અરેને કહેલા વાક્યે જુહીને બઘાવી દીધી : હેં! રેલિંગ લૂઝ હોવાની અરેનને તો ખબર કઈ રીતે પડે? તેમના વદન પર વેદના છે ને આંખોમાં ન સહાય એવી ઉદાસી. એકાએક અરેન બદલાઈ કેમ ગયા!

‘આજે મારો જન્મદિવસ... તેં એને મૃત્યુદિન બનાવવા ચાહ્યો?’

જુહી પસીને રેબઝેબ. બીક પણ લાગી : ક્યાંક અરેન મને ઊંચકીને બહાર નહીં ફંગોળી દેને.

‘વાંક તારો નથી જુહી... તું તો એક નાલાયક જુવાનની જાળમાં ફસાઈ.’ કંઈક કહેવા જતી જુહીને ઇશારાથી અટકાવીને અરેને ઉમેર્યું, ‘બર્થ-ડે પર રિટર્ન ગિફ્ટ આપવાનો રિવાજ છે. તને અમુક ફાઇલ્સ, કૉલ-રેકૉર્ડિંગ્સ ફોન પર મોકલ્યાં છે. ના, અહીં નહીં, ઘરે જઈને નિરાંતે જોજે.’ ઘડીક અટકીને તેણે સાદ ખંખેર્યો, ‘ડિટેક્ટિવનો રિપોર્ટ છે.’

હેં!

lll

ન હોય!

ઘરે જઈને અરેને મોકલેલી વિગતો જોતાં જ જુહીના પગ તળેથી જમીન સરકી ગઈ. માનવ સાથેના તેના કૉલ્સમાં અરેનને મારવાનું કાવતરું તો હતું જ, પણ માનવના અન્ય કૉલ્સમાં તેની અય્યાશી છતી થતી હતી. શટર પાડીને મનાતી રંગરેલીઓનો રીસન્ટ વિડિયો પણ હતો. એમાં છોકરીનો ચહેરો બ્લર કરી દેવાયેલો, પણ મારે તે છોકરી વિશે જાણવું પણ નથી કેમ કે તે માનવની પહેલી સોબત નથી ને છેલ્લી પણ નહીં હોય... વહેશી આદમી.

હે ભગવાન! પેલા ગુલાબબાની ટકોરે ચેતેલા અરેનને પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લેવાનું સૂઝ્યું ન હોત, આજે તેણે રિપોર્ટ આપ્યો ન હોત તો આજે મારા હાથે હત્યા થઈ ચૂકી હોત ને પછી માનવની બેવફાઈ ખૂલતાં મારે પસ્તાવાનું જ રહેત.

આ બાજુ માનવ કૉલ પર કૉલ કરતો હતો. તેને મર્ડર વિશે જાણવાની ઇન્તેજારી હતી. એક તબક્કે જુહીનો સંયમ તૂટ્યો.

lll

ક્યાં માનવ અને ક્યાં અરેન!

જુહી શોષાતી રહી.

માનવ માટે હું કઠપૂતળી હતી, જ્યારે આટલું થયા પછી પણ અરેન શું કહે છે?

‘જુહી, તારું અફેર હોવું, મંગેતરની હત્યા સુધી જવાનું મારા માટે હૈયું તૂટવા બરાબર હતું; પણ પછી સમજાયું કે તને માનવે ઇન્ફ્લુઅન્સ કરી છે... મેં તને ચાહી છે જુહી, તું માનવ સાથે છેડો ફાડી શકતી હો તો હજી મેં એન્ગેજમેન્ટ રિંગ ઉતારી નથી.’

થોડી વાર પહેલાં આવેલા ફોનમાં કહેવાયેલા આ શબ્દો સાંભરીને જુહી બસ રડતી જ રહી.

lll

‘...અને બીજી સવારે જુહી મારા ઘરે આવી ત્યારે અષાઢી બીજ હતી ગુલાબબા. બહાર વરસાદ વરસતો હતો અને ભીતર અમે બેઉ લાગણીના વહેણમાં તણાતાં હતાં... તે જુહી નોખી હતી ગુલાબબા. વધુ મજબૂત, એકદમ પારદર્શક અને પૂર્ણતઃ મારી હતી!’ કહેતાં અરેન સહેજ શરમાયો.

ગુલાબબાએ નજર નાખી. સાસરિયાં સાથે આવેલી જુહીમાં દેખીતું પરિવર્તન હતું. ઊર્મિભીની, આત્મવિશ્વાસુ અને અરેન પર ઓળઘોળ!

‘પ્રીતનો પડઘો પડતો જ હોય છે અરેન. બીજું કોઈ હોત તો જુહીને પોલીસમાં સોંપી હોત... પણ તારી પરખે રંગ રાખ્યો.’ ગુલાબબા મલક્યાં, ‘તમારી જોડીમાં મને એભલ-ગુલાબનો અણસાર લાગે છે.’ કહીને પૂછવાનું સૂઝ્યું, ‘પેલા માનવનું શું થયું?’

‘માનવનો ફેંસલો કરીને જ જુહી મારી પાસે આવી હોયને...’ અરેને સ્મિત ફરકાવ્યું, ‘જુહીએ એ રાતે જ તેના લફરાનો વિડિયો વાઇરલ કરી દીધેલો...’

(બીજી સવારે અરેન પાસે જતાં પહેલાં જુહી માનવના ઘરે પહોંચી હતી, અરેનનું શું થયું એ જાણવા માગતો માનવ તેને જોઈને ચોંક્યો ને જુહીએ તેનાં માબાપની હાજરીમાં પાધરોક તમાચો ઠોકીને મોબાઇલ દેખાડ્યો : ‘જો, તું લફરેબાજ છે એ સત્ય વાઇરલ થઈ ગયું છે! સારું થયું તારી અસલિયત આપણાં લગ્ન પહેલાં ખૂલી ગઈ. કારમાં ફૉલ્ટ આવતાં અમે રાતે પેન્ટહાઉસ પર પહોંચી જ નહોતાં શક્યાં...’

અરેન બચી ગયો, પોતે બદનામ થયો ને જુહી પણ હાથમાંથી સરકી ગઈ એથી માનવ ગિન્નાયો તો ઘણો; પણ બાજીમાં ઊતરવા માટે કોઈ પત્તું રહ્યું જ ક્યાં હતું! ઊલટું માબાપે પસ્તાળ પાડી, ડ્રાઇવિંગ સ્કૂલની આડમાં દેહવિક્રયના ખેલ ચાલતા હોવાની વાત જામતાં ધંધા પર શટર પાડી દેવું પડ્યું. એથી હતાશ થયેલો જુવાન ડ્રગના રવાડે ચડીને બરબાદ જ થયો! જેવી જેની કરણી.)

સતીમાતાનાં મંદિરે દર્શન કરીને નીકળતી વેળા અરેન-જુહી ગુલાબબાને પગે લાગ્યાં.

‘અષાઢી બીજ સાથે અમારું સંભારણું પણ જોડાયું માડી.’ જુહીના ભાવે ગુલાબબાએ તેને વળગીને આશિષ પાઠવ્યા, ‘હવે બહુ જલદી પૌત્રને લઈને આવો એવા મારા ને એભલના આશીર્વાદ.’

સાંભળીને જુહીએ ઉદરમાં ફફડાટ અનુભવ્યો. તેનું સુખ હવે અકબંધ જ રહેવાનું એ ઉમેરવાની જરૂર ખરી?

 

‍(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 10:09 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK