કચ્છી અસ્મિતા મંચ દ્વારા આયોજિત કચ્છી પગડી કોણ શિરે સન્માન સમારોહમાં ઉપમુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે સમાજ રત્નોનું સન્માન
ગઈ કાલે થાણેમાં આયોજિત કાર્યક્રમમાં સન્માનિત વ્યક્તિઓ અને કચ્છી પાઘડી પહેરીને સંબોધન કરતા એકનાથ શિંદે.
કચ્છી અસ્મિતા મંચ દ્વારા થાણેમાં આયોજિત ‘કચ્છી પગડી કોણ શિરે’ સન્માન સમારોહમાં ઉપમુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કચ્છી સમાજ સાથેના પોતાના પારિવારિક અને આત્મીય સંબંધોને ઉજાગર કરતાં જણાવ્યું કે થાણેના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરતો આ કાર્યક્રમ છેલ્લાં સતત ૧૯ વર્ષથી યોજાઈ રહ્યો છે અને દર વર્ષે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપતા આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘જે રીતે પોતાના પરિવારના કાર્યક્રમમાં આપણે ગમે અેવી પરિસ્થિતિમાં પણ હાજર રહીએ છીએ અેવી જ લાગણીથી હું દર વર્ષે આ કાર્યક્રમમાં આવું છું. કચ્છી સમાજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર વ્યક્તિઓને પગડી પહેરાવી સન્માનિત કરે છે. આવા સન્માનથી સમાજમાં વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા મળે છે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય છે.’
ADVERTISEMENT
આ પ્રસંગે પુરસ્કાર માટે પસંદ થયેલા ૪૦ વર્ષના યુવાનના હૃદયરોગના હુમલાથી થયેલા અકાળ અવસાન વિશે તેમણે ગહન શોક વ્યક્ત કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમના મુખ્ય સંયોજક સુરેશ ગડાના કાર્યની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે ‘સુરેશ ગડા ઘણાં વર્ષોથી સમાજસેવામાં સક્રિય છે. ધર્મવીર આનંદ દીઘેસાહેબના સાચા અને નિષ્ઠાવાન શિવસૈનિક જો કોઈ હોય તો અે સુરેશ ગડા છે.’
તેમણે હિન્દીમાં પણ કહ્યું, ‘૪૦ સાલ સે શિવસેના કે સાથ ખડા, ઉસકા નામ હૈ સુરેશ ગડા.’
અષાઢી બીજ કચ્છી સમાજનું નવું વર્ષ હોવાનું જણાવીને તેમણે સૌને નવવર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે ‘જેમ ગૂઢીપાડવા મરાઠી સમાજ માટે નવા વર્ષની શરૂઆત છે અેમ કચ્છી સમાજ માટે અષાઢી બીજ નવા વર્ષની શરૂઆત છે.’
એકનાથ શિંદેએ કચ્છી સમાજના સમાજસેવાના સતત યોગદાનની પ્રશંસા કરતાં અપીલ કરી કે સમાજહિત માટે આવી જ એકતા અને સમર્પણ સાથે કાર્ય કરતા રહો, રાજ્ય સરકાર હંમેશાં તમારા સાથે મજબૂતપણે ઊભી છે.
