Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાસૂસ જોડી - નેટવર્કનું રહસ્યચક્ર (પ્રકરણ 3)

જાસૂસ જોડી - નેટવર્કનું રહસ્યચક્ર (પ્રકરણ 3)

Published : 29 July, 2026 09:15 PM | Modified : 29 July, 2026 09:53 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

વાર્તાનું ત્રીજું પ્રકરણ વાંચો અહીં

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


ભારત!

કાવેરી તેની કૅબિનના કાચમાંથી કૉન્ફરન્સ હૉલમાં અમાત્યને દિલ્હી વિનયકાંત સાથે ઑનલાઇન ચર્ચા કરતો નિહાળી રહી. અમાત્ય ‘ભારત’નું પાકિસ્તાનને મળવું જીરવી પણ શકશે? તેનું જીવનસ્વપ્ન તેની જીવનસંગિની દ્વારા તૂટ્યું છે એ જાણીને અમાત્યનું હૃદય ધબકતું બંધ થઈ જાય તો તું ખુદને માફ કરી શકીશ કાવેરી?



કાવેરીએ નિ:શ્વાસ ખાળીને જાતને મક્કમ કરી : નહીં, આ વિચારોનો હવે અર્થ નથી. પોતે બહુ આગળ નીકળી ચૂકી છે.


ખરેખર તો પોતે ‘ભારત’ના સોદાનો નિર્ધાર પાકો કર્યો ત્યારે સવાલ એ હતો કે પૈસા માટે અમાત્યને અંધારામાં રાખીને ‘ભારત’નો સોદો કરવો કોની સાથે? પોતાના હરીફને હાથવગો કરવામાં ગૂગલને રસ હોય ખરો? એમ તો ‘ભારત’નો કબજો પાકિસ્તાનને પણ ગમવાનો! મારે બેઉ ચૅનલ ટ્રાય કરવી જોઈએ. જે મને વધુ ફાયદો આપે ‘ભારત’ એનું!

અને તેના ચિત્તમાં ‘ગૂગલ’નો પોતાનો એક્સ કલીગ સુલેમાન ઝબક્યો : તે મૂળ પાકિસ્તાનનો છે અને હિન્દુસ્તાનીઓ માટે તેને પૂર્વગ્રહ પણ છે... લેટ મી ટ્રાય હિમ.


‘ભારત’ વિશે જાણીને સુલેમાન કેવો બઘવાઈ ગયેલો. બે મહિના પહેલાં તેણે પાકિસ્તાનના મિસ્ટર ખાનનો સંપર્ક કરાવી આપ્યો. પોતે તેમને એક વાર હોટેલમાં મળી છે. પોતાના વિશે તે ઝાઝું ઊઘડ્યો નહીં, પણ તેની પહોંચ પાકિસ્તાનના આકાઓ સુધી છે એટલું નક્કી. વન બિલ્યન ડૉલરમાં સોદો નક્કી થયો છે. લૉન્ચિંગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કની વિગતો પોતે આપી ચૂકી છે. ડેમોની સામે પચાસ ટકાનું પેમેન્ટ થવાનું છે. ત્યાર બાદ પોતે પાકિસ્તાનની ટેક્નિકલ ટીમ સાથે ‘ભારત’નું સ્ટ્રક્ચર શૅર કરવાનું છે. એક તરફ ભારત ૧૫ ઑગસ્ટે લૉન્ચિંગની તૈયારી કરતું હશે એની સામે ૧૪ ઑગસ્ટના આઝાદ દિને પાકિસ્તાન એને લૉન્ચ કરીને દુનિયાને હેરતમાં મૂકી દેશે. ભારતને એની કળ વળતાં વર્ષો લાગવાનાં.

કાવેરીએ હોઠ કરડ્યો : બેશક, પછી હું મિસિસ અમાત્ય નહીં જ રહું, પણ સામે બિલ્યનેર બની ગઈ હોઈશ એ પણ એટલું જ સાચુંને. તું તારો સ્વાર્થ જો કાવેરી, અમાત્યનું જે થાય એ તેનું નસીબ.

કાવેરીએ ટચાકા ફોડ્યા : અલબત્ત, પેમેન્ટ ખાતામાં પડે નહીં, પાકિસ્તાનનું લૉન્ચિંગ પતે નહીં ત્યાં સુધી મિસિસ ઝાલાનો પાઠ ભજવવો રહ્યો. નહીંતર બાવાનાં બેઉ બગડવા જેવો ઘાટ થાય. ભારત ચેતી જાય તો પણ મારો સોદો ફોક થઈ જાય. જોકે હવે આ બધું જલદી થવું જોઈએ. મિસ્ટર ખાન કહે છે કે પાકિસ્તાનમાં લૉન્ચિંગની તૈયારી યુદ્ધના ધોરણે ચાલુ છે, પણ ડેમો આપ્યા પછી મને પહેલી હપ્તાની રકમ નથી મળી એનું શું?

કાવેરી દમ ભીડ્યો : ડેમોથી શું થવાનું. ‘ભારત’ની નો-હાઉ તો તેમને ફુલ પેમેન્ટ વિના નહીં જ આપું.

– અને ધારો કે પેમેન્ટ ન મળ્યું તો?

આનો કોઈ ચોક્કસ જવાબ ઊગ્યો નહીં, સૂઝ્યો નહીં એટલે પણ કાવેરી ધૂંધવાઈ : તો બીજું ગમે એ કરીશ પણ ‘ભારત’ને ફ્રીની રેવડીમાં તો નહીં જ જવા દઉં.

શાવરની ધારે તે સહેજ સિસકારી ઊઠ્યો. પછી ગુરૂરભર્યું મલકી જવાયું : વહીદા શયનક્રીડામાં કેટલી આવેગમય થઈ જાય છે... ક્યારેક હું વારવા જાઉં તો તે મારા હોઠો પર આંગળી રમાડે : ‘વાંક તારો છે અકબર અલી, તારા આ મર્દાના જિસ્મનો છે...’

‘બસ... બસ.’ હું તેને ભીંસી દઉં : ‘તારી આ હુસ્ન-નદી મારા દરિયામાં ભરતી ઉછાળે છે એનું કંઈ નહીં?’

અને ખરેખર વેકેશન પર હોઈએ એમ અમે બેઉ એકમેકમાં ગૂંથાયેલાં રહીએ છીએ. વહીદા કહેતી હોય છે એમ આટલી ફુરસદ અમારા કામકાજમાં ક્યારેક જ મળતી હોય છે. એને મન ભરીને શા માટે માણી ન લેવી.

– અને બાથરૂમના દરવાજે ટકોરા પડ્યા, વહીદાનો સ્વર પડઘાયો : અકબર, મેસેજ છે. બૉસ પાંચ મિનિટમાં ફોન કરશે.

બૉસ.

અકબરનો રોમૅન્ટિક મૂડ ઓસરી ગયો. ફટાફટ સ્નાનવિધિ પતાવીને તે તૈયાર થઈ રહ્યો કે તેનો ફોન રણક્યો. ખરેખર તો આ ઇન્ટરનૅશનલ કૉલ હતો જે ટ્રેસ ન થઈ શકે એવું સેટિંગ હતું. છતાં વાતચીત કોડ-લૅન્ગ્વેજમાં જ થવાની હતી.

દુઆ-સલામ પતાવીને બૉસ મુદ્દા પર આવ્યા, ‘દુશ્મનના શું ખબર છે?’

દુશ્મન એટલે ભારત અને ભારતને અદના દુશ્મન ગણનાર બૉસ હતો પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ISIનો વડો મુર્તઝા અલી. તેની સાથે લૉન્ગ ડિસ્ટન્સ કૉલ પર વાત કરનાર અકબર અલી ISIનો નીવડેલો જાસૂસ છે, વહીદા તેની જાસૂસ સાથી છે.

‘૧૫ ઑગસ્ટના પ્રોગ્રામની બાતમી પાકી છે. અવેઇટિંગ ફૉર યૉર ઑર્ડર સર.’

‘ટાર્ગેટ પર વૉચ રાખો... બાકી રૂબરૂમાં.’

કૉલ કટ થયો.

ભારત!

કૉલ કટ કરીને મુર્તઝા ખુરસીને અઢેલ્યા.

વતનની જાસૂસ સંસ્થાના વડા તરીકેની આ ખુરસી તેમને પ્રિય હતી, નૅચરલી. અવામ પર હુકૂમત કરતા હોય, દુશ્મન દેશને તબાહ કરવાની ચાવી પોતાના હસ્તક હોય એવી અનુભૂતિ આ ખુરસી આપતી.

અલબત્ત, ભારતમાં ત્રિવેદીની સરકાર આવ્યા પછી પહેલાં જેવું નથી રહ્યું, પણ એથી ભારતને બરબાદ કરવાની ચળ ઓછી થઈ નથી.

આમ તો પોતે મુંબઈમાં
કેમિકલ-અટૅકનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યાં એક ક્લુ સાવ અનાયાસ ‘ભારત’ અંગે મળી. ધૅટ સુલેમાનનો ચાચો અમારી ઑફિસ ક્લર્કની ઓળખાણમાં નીકળ્યો. તેના દ્વારા બાતમી પહોંચી. પોતાને ટેક્નૉલૉજીમાં એવો રસ નહીં, સમજ નહીં; પણ હિન્દુસ્તાનનું સારું ન થવા દેવું બસ એટલું વેર તો ખાલિદા બેગમ કહેતાં હોય છે એમ કાયમ આંખમાં કાજળની જેમ અંજાયેલું રહે છે. એટલે
અકબર-વહીદાને US રવાના કર્યાં...

મુર્તઝાના હોઠ સ્મિતમાં વંકાયા : બન્ને અમારાં ટોચનાં જાસૂસ. એકમેકને ચાહનારાં બેઉ માટે આ લાંબું રોકાણ હનીમૂન જેવું બની રહેવાનું. પાછા આવીને તેમણે કેમિકલ-અટૅકના મિશનમાં જોતરાવાનું છે એટલે ભલે તરોતાજા થઈ જતાં. કેમિકલ-અટૅકનો પ્રોગ્રામ ઢીલમાં મૂકીને પહેલાં ‘ભારત’નો ખેલ ખતમ કરવામાં સમજદારી હતી. મિસ્ટર ખાન તરીકે અકબરે ડીલ નક્કી ઠેરવી. પેલી બિચારી બાઈ (કાવેરી ઝાલા) એમ માને છે કે પાકિસ્તાન તેની પાસેથી ‘ભારત’ ખરીદી રહ્યું છે. મૂરખ, એટલું પણ નથી સમજતી કે બીજું ગૂગલ લૉન્ચ કરવાનું બજેટ પણ અમને પરવડે એમ નથી.

– પણ એ હિન્દુસ્તાન પણ લૉન્ચ ન કરી શકે એટલું અવશ્ય અમે કરી દેખાડીશું.

કઈ રીતે?

અને મુર્તઝા અલી ખંધું મલકી પડ્યા : વેલ, એ અકબર-વહીદા બરાબર જાણે-સમજે છે!

આમ તો તેમણે કામ પતાવી દીધું હોત, પણ ભારતના ડ્રીમ પ્રોજેક્ટના સર્વનાશના સાક્ષી પોતે પણ બનવું હતું. દીકરાના ગ્રૅજ્યુએશન નિમિત્તે સિલિકૉન વૅલી જવાનું જ છે તો ત્યારે જ ઘટનાને અંજામ આપવાનો હોયને.

તેમણે કૅલેન્ડરમાં નજર નાખી
: વેરી સૂન!

‘આવો... આવો!’

અમેરિકાના પ્રવાસની વિગતે ચર્ચા કરવા હિંમતગઢ પહોંચેલાં
અનિકેત-તર્જનીને આવકારતાં રાજમાતાનો હરખ ઊભરાઈ રહ્યો. સમીરસિંહ-અર્જુનસિંહે અનિકેતને લાગમાં લીધો, લાવણ્યા-ઉર્વશીએ તર્જનીની મશ્કરી માંડી : ‘કંકોતરી લઈને આવ્યાં હોત તો સરકારના ખર્ચે અમેરિકામાં તમારું હનીમૂન પણ થઈ જાતને!’

અમેરિકા. કેતુએ દમ ભીડ્યો : પોતે તર્જની સાથે ‘રૉ’ના પ્લાન મુજબ ઑપરેશન મુર્તઝા પતાવવાનું છે અને કોઈને શંકા ન જાય એ માટે વેપારી ડેલિગેશનના સભ્ય તરીકે જોડાવાનું છે. અમારાં નામ, ઓળખ બધું જુદું રહેશે – પાસપોર્ટ સુધ્ધાં. ચહેરો પણ ગેટઅપથી થોડો બદલાશે.

રાજમાતાને અમારા મિશન વિશે વિશ્વનાથસરે કૉલ જોડીને બ્રીફ કરેલાં એટલે તેમને અમારા મૂળ હેતુની જાણ છે. ભારત વિરુદ્ધ કેમિકલ-અટૅક પ્લાન કરનારાને બક્ષાય નહીં અને મુર્તઝાનું ઢીમ ઢળે તો પાકિસ્તાનનો ભારતવિરોધી એજન્ડા બે દાયકા પાછળ જતો રહે એટલું નક્કી.

અલબત્ત, અનિકેત-તર્જની કે ઈવન રાજમાતાને પણ ત્યારે ખબર નહોતી કે અમેરિકાની ટ્રેડ-ડીલ લટકતી રાખીને પાકિસ્તાનને પાછળ કરવાની સાથે ભારતના વડા પ્રધાન ‘ભારત’ દ્વારા દેશને નવયુગમાં લઈ જવાનો પ્લાન પણ બનાવી બેઠા છે.

ઓમકાર મહેતા. વૈદેહી દવે.

રાજમાતા ઘડીભર કેતુ-તર્જનીના પાસપોર્ટ સામે અને ઘડીક બેઉને નિહાળી રહ્યાં. ના, વેશપલટાની જાસૂસને નવાઈ ન હોય અને કેતુ-તર્જની જેવાં પંકાયેલાં જાસૂસ વેશ બદલે ત્યારે ઓળખવાં મુશ્કેલ બને. ચશ્માંને કારણે બેઉ જાસૂસને બદલે કૉમર્સનાં સ્કૉલર વધુ લાગતાં હતાં.

‘મારે તમારાં નવાં નામ ગોખી રાખવાં પડશે!’

રાજમાતા બબડ્યાં ને જાસૂસ જોડી મલકી પડી.

‘ટેક અ બ્રેક હની.’

બપોરની વેળા કાવેરીની કૅબિનમાં આવીને અમાત્યએ કૉફીનો મગ ધર્યો : જાણું છું ડેડલાઇનનું પ્રેશર છે, પણ આપણી તબિયતનું પણ ધ્યાન રાખવાનુંને.

‘હં...’ રિલૅક્સ થતી કાવેરીથી બોલી જવાયું : ‘આટલા લોડના બદલામાં આપણને મળશે શું? તારીફના બે બોલ, થોડા દિવસોની વાહવાહી – બસ?’

અમાત્યે પત્નીને ધ્યાનથી નિહાળી. તે આંખોથી પોતાનું અંતર વાંચી લેશે એની ભીતિ હોય એમ કાવેરીએ નજર વાળી લીધી. છતાં કાન તો પતિના જવાબ પર મંડાયેલા રહ્યા.

‘આપણને મળશે દેશ માટે કંઈક કરી છૂટ્યાનો આત્મસંતોષ!’

– એવા લુખ્ખા સંતોષ કરતાં મારા વન બિલ્યન ડૉલર્સ શું ખોટા.

કાવેરી મનમાં જ હસી. ત્યાં સહેજ ચમકવા જેવું થયું.

અમાત્યનો ફોન રણક્યો હતો અને સ્ક્રીન પર ઝબૂકતો નંબર જોઈને તે અદબમાં ઊભો કેમ થઈ ગયો.

‘પ્રણામ રાજમાતા!’

રાજમાતા. કાવેરીને ઝબકારો થયો. અમાત્ય જેમની અદબમાં ઊભો થઈ જાય તે રાજમાતા હિંમતગઢનાં મીનળદેવી જ હોય. અમારાં લગ્નમાં આવેલાં રાજમાતાનો હીરાનો નેકલેસ મને ગમી જતાં તેમણે બીજા અઠવાડિયે સેમ એવો પીસ બનાવી મોકલેલો. તેમનો પ્રભાવ અને પ્રભુત્વ જાતે નિહાળ્યાં છે. રાજપૂતાનાના વયોવૃદ્ધ મહારાજ પણ રાજમાતાના આગમને ઊભા થઈ હાથ જોડીને તેમનું અભિવાદન કરે છે.

‘નથિંગ ડૂઇંગ રાજમાતા. તમે ગમે એવા સરકારી કામે આવ્યાં હો, અમારી સિટીમાં આવો એટલે અમારે ત્યાં જ રહેવાનું. હા... હા, તમારા મહેમાનોને લઈને આવો, એમાં પૂછવાનું ન હોય.’

રાજમાતાને આગ્રહ કરતા અમાત્યનો થનગનાટ અનેરો લાગ્યો.

ફોન પતાવીને પત્નીને ખબર આપ્યા : રાજમાતા ટ્રેડ-ડીલનું ડેલિગેશન લઈને અમેરિકા આવ્યાં છે. વચમાં અઠવાડિયાનો ગૅપ મળે એમ છે એટલે ખાસ આપણને મળવાનું ગોઠવ્યું છે.’

‘ધૅટ્સ નાઇસ ઑફ હર, પણ તું જાણે છેને હાઉ બિઝી વી આર...’ કહેતી કાવેરીને જુદો ઝબકારો થયો એટલે વાળી લીધું : ‘ભલે, તું તેમનો ખ્યાલ રાખજે, સેન્ટરનું કામકાજ હું સંભાળી લઈશ.’

બાકીનું મનમાં બોલી : એ બહાને પાકિસ્તાનની ડીલ ન થઈ તો ‘ભારત’નું શું કરવું એ વિચારવાનો અવકાશ પણ મળી રહેશે.

અમેરિકા!

કૅલિફૉર્નિયા સ્ટેટના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફ્લાઇટ લૅન્ડ થતાં મુર્તઝા અલીએ રાહતનો શ્વાસ લીધો. પોતાને ઍર ફ્લાઇટનો ફોબિયા છે એ પત્ની સિવાય કોઈ જાણતું નથી અને કોઈને કહેવું પણ શું કામ!

એટલે પણ પોતે વિદેશપ્રવાસ ટાળતા, પણ દીકરો ગ્રૅજ્યુએટ થવાનો એટલે આવવું જ પડે એમ હતું.

મુર્તઝા અલીની ફૅમિલી લાઇફ સ્ટેબલ ગણાતી. ધાર્યું હોત તો પોતાની સત્તાના જોરે ઇચ્છ્યું એ જોબન માણી શક્યા હોત, પણ અય્યાશી તેમના સ્વભાવમાં નહોતી. એકના એક દીકરા સલીમને પણ રાજકારણથી, ISIથી દૂર જ રાખેલો.

ગ્રૅજ્યુએટ થયા પછી સલીમ માસ્ટર્સ પણ અહીં જ કરવાનો અને સેટલ પણ US જ થવાનો, જ્યારે પોતે તો ભારતને બરબાદ કરીને વતનમાં જ આખરી શ્વાસ લેશે એવી ઇચ્છા છે. આગે અલ્લાહ માલિક.

ત્યારે તેમને ક્યાં ખબર હતી કે પોતાનો ખાતમો કરવા ભારતની જાસૂસ જોડી ૩ દિવસ અગાઉથી સિલિકૉન વૅલી આવી ચૂકી છે અને યુનિવર્સિટી પરથી ગ્રૅજ્યુએશન સેરેમની માટે આવનારા પરદેશી ગેસ્ટ્સને ક્યાં ઉતારવાના છે એ સુધ્ધાંની માહિતી મેળવી રાખી છે.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 09:53 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK