Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનધારા અજીબ દાસ્તાં હૈ યે (પ્રકરણ ૨)

જીવનધારા અજીબ દાસ્તાં હૈ યે (પ્રકરણ ૨)

Published : 30 June, 2026 02:52 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ડિસ્ટ્રિક્ટ ફૉરેસ્ટ ઑફિસર તરીકે તે ડાંગમાં ફરજ બજાવે છે. છવ્વીસ-સત્તાવીસ વરસનો જુવાન માથાફરેલ ગણાય છે. દીપડાના શિકારનો શોખીન છે.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘મા, આજે દહીં ખાઈને જવાનું છે.’

ટિફિન મૂકતાં સવિતાબહેન સમજી ગયાં : આજે ઑફિસમાં કોઈ મહત્ત્વનું કામ હોવાનું.



કશાક અગત્યના કામે જવાનું હોય ત્યારે પિતાને દહીંનું શુકન લઈને નીકળવાની ટેવ હતી એ જાણ્યા પછી અકિન પણ એને અનુસરતો. બાપ તેવો બેટો!


‘ઈશ્વર તને યશ આપે.’ ચમચી દહીં ખવડાવીને સવિતાબહેને આશીર્વાદ આપ્યા.

અને અકિનના નીકળતાં જ નજર સામેનું દૃશ્ય પલટાયું.


પોતે વલસાડના ઘરે છે અને દહીં ખવડાવીને પતિને વિદાય કરી રહ્યાં છે.

lll

‘ઈશ્વર તમને યશ આપે.’

‘તારી શુભકામનાની બહુ જરૂર છે સવિતા.’ કાળો કોટ સરખો કરતાં દામોદરે કહ્યું, ‘તું જાણે છે કે ચૌધરી સામેનું આજે પહેલું હિયરિંગ છે...’

વનરાજ ચૌધરી.

ડિસ્ટ્રિક્ટ ફૉરેસ્ટ ઑફિસર તરીકે તે ડાંગમાં ફરજ બજાવે છે. છવ્વીસ-સત્તાવીસ વરસનો જુવાન માથાફરેલ ગણાય છે. દીપડાના શિકારનો શોખીન છે. ખરેખર તો જંગલી જનાવરોનાં અંગોની તસ્કરીના એક કેસમાં તપાસનો રેલો તેના સુધી આવતાં ડ્યુટી પરથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આહવાની સેશન્સ કોર્ટમાં ચાલનારો આ કેસ ન લેવા પબ્લિક પ્રોસિક્યુટર્સને ધમકીઓ મળી છે. ઘણાએ એથી પાછી પાની કરી, પણ દામોદર ગાંઠ્યા નહોતા : ગુનેગારની ધમકીથી ડરું તો-તો કાળો કોટ પહેરવાને કાબિલ ન ગણાઉં.

એ કેસની આજે શરૂઆત થવાની...

પતિના નીકળ્યા બાદ સવિતા કાંપતા હૈયે ઘરમંદિરમાં બેસી રહેલી. કોર્ટના કામકાજ માટે દામોદર ઘણી વાર કાર લઈને નવસારી, આહવાની કોર્ટમાં જતો. વધુ કામ હોય તો સર્કિટ હાઉસમાં રોકાઈ જતો.

ખરેખર તો વકીલાતનું ભણેલા દામોદરની પ્રૅક્ટિસ જામી રહી હતી. ન્યાતમાં મહેતા પરિવારનું ઘણું મોટું નામ હતું. અલબત્ત, ધૂમ પૈસો નહીં એમ સાવ પાતળી હાલત પણ નહીં. માતા-પિતાના દેહાંત બાદ ત્રણના પરિવાર માટે હવેલી બહુ મોટી પડતી, પણ ઘર માટે દામોદરની મમતા એવી કે રંગરોગાનથી એની શાન અકબંધ રાખતો.

‘પૂર્વજોના નામને ઉજાળે એ જ સાચો વારસ.’ દામોદર કહેતો પણ ખરો. ખૂબ મહેનત કરતો. કમાતો પણ સારું. વનરાજના કેસમાં પણ પતિની ખુમારી પર સવિતા ઓવારી ગયેલી : આપણો અકિન હજી ૩ મહિનાનો છે પણ જોજોને, મોટો થઈને પિતા પર બહુ ગર્વ કરવાનો!

‘સવિતા...’ મોડી રાતે આહવાથી પાછા થયેલા દામોદરે ખુશખબર આપ્યા : વનરાજને જામીન ન મળ્યા...

‘હાશ, આખરે તમારી મહેનત ફળી.’

‘બદમાશ કોર્ટમાં મને એવા ખુન્નસથી જોતો હતો...’

સાંભળીને સવિતાનું હૈયું ધડકી ગયું.

lll

સવિતાબહેનનું હૈયું ધડકી ગયું.

- વનરાજ ચૌધરીનો કેસ અમને પાયમાલ કરી ગયો.

દામોદરના પ્રયાસથી પહેલા જ હિયરિંગમાં વનરાજની જામીનઅરજી ખારીજ થઈ અને કેસની બીજી તારીખ પહેલાં તે એવી ચાલ રમ્યો કે અમારે રાતોરાત ગામ છોડવું પડ્યું... દામોદર એના આઘાતમાંથી ક્યારેય ઊભરી શક્યા નહીં અને તેમણે ઝેર ખાઈ લીધું!

આ બધું જ અકિનને કહેવાનું છે... બને એટલું જલદી.

lll

‘ગુડ મૉર્નિંગ સર.’

સ્ટાફના અભિવાદનનો જવાબ વાળીને અકિન તેની કૅબિનમાં દાખલ થયો. ફૅક્ટરીના મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટથી અલાયદું કૉર્પોરેટ ઑફિસનું ૪ માળનું બિલ્ડિંગ હતું. એમાં અકિનની ઑફિસ બીજા માળે હતી. ૩ બાજુ વુડન પાર્ટિશન અને ચોથી પ્લાન્ટ તરફની દીવાલે મોટી ગ્લાસ વિન્ડો હતી જેના પર ડિઝાઇનર કર્ટન્સ ઢળેલા રહેતા. અકિનને પોતાની ઑફિસ એકદમ ક્લીન ગમતી. મઘમઘતાં ફૂલો, ડસ્ટ વિનાનું ડેસ્ક અને છતમાં જડેલા સ્પીકરમાં અત્યંત ધીમા સ્વરમાં ગુંજતા લતા મંગેશકરે ગાયેલા મંત્રો.

કૅબિનમાં સેટ થઈ, રૂટીનમાંથી પરવારીને તેણે મોબાઇલની ડિરેક્ટરીમાં નામ જોયું : જુગલ RTI.

RTI. સરકારે ઉમદા હેતુથી રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ ઘડ્યો, પણ જુગલ જેવાએ એને કમાણીનું સાધન બનાવી દીધો છે.

જુગલ પોતાને એન્વાયર્નમેન્ટલ ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખાવે છે. MIDCમાં ભાડાની ઑફિસ ખોલી છે. ચારેક જણનો સ્ટાફ રાખ્યો છે. વરસેદહાડે બે-ચાર સેમિનાર યોજે, પર્યાવરણને લગતી પબ્લિક ઇવેન્ટમાં હાજરી પુરાવીને એના વિડિયો પણ મૂકે, પણ આ તો બધું ઑફિશ્યલ.

અંદરખાને તેનો સ્ટાફ MIDCમાં ચક્કર મારતો રહે. ચીમનીમાંથી ધુમાડો દેખાય એના વિડિયો ઉતારી લે, ઑનલાઇન ઍપ્લિકેશન્સમાંથી ભૂલો પકડે. પુરાવા સાથેનું પાકું કામ કરી તે જે-તે ઇન્ડસ્ટ્રીમાં લાગતા-વળગતાનો સંપર્ક કરે : હું આ મુદ્દા પર RTI કરવા માગું છું. એનાથી તમારી જ તકલીફ વધશે... ક્લોઝર જ આવશે.

કોઈ કંપની આવું ન ઇચ્છે એટલે હપ્તો બાંધે અને જુગલભાઈ RTI ન કરવા માટે માની જાય.

‘આ તો બ્લૅકમેઇલિંગ છે.’

છએક મહિના અગાઉ જુગલે સલોની ફાર્મા પર સકંજો કસ્યો. જુગલના

ધંધા-ઉદ્યોગો કોઈથી છૂપા નથી, પણ એવા સાથે કોણ લમણા લે એમ વિચારીને તેને ડાફુ આપીને મામલો પતાવી દેવાય. સલોનીનું મૅનેજમેન્ટ પણ એ જ કરત, પણ મીટિંગમાં હાજર અકિનનું લોહી ધગી ગયેલું. અન્યાય સામે અવાજ ઉઠાવવાની શીખ એ હદે ઘૂંટાઈ ગયેલી.

‘આપણે ક્યાંક નૉન-કમ્પ્લાયડ હોઈએ તો આપણે કમ્પ્લાયન્સ પર ફોકસ કરવું જોઈએ, નહીં કે કોઈના બ્લૅકમેઇલિંગને સરેન્ડર થવું. જુગલનો કેસ મને સોંપો સર... તેની ખો ન ભુલાવી દઉં તો કહેજો.’

અકિનની વિનંતીએ જુગલ સાથેની ડીલનો ચાર્જ તેને અપાયો.

પિસ્તાલીસનો જુગલ તેનાથી ઉંમરમાં મોટો ગણાય, પણ અકિને પહેલી જ મુલાકાતમાં તેની સાથે દોસ્તી જમાવી દીધી. એક તરફ પ્રોડક્શન ટીમે કમ્પ્લાયન્સ અચીવ કર્યું ત્યાં સુધીમાં અકિને જુગલનો વિશ્વાસ જીતી લીધેલો.

બન્ને મહિને-બે મહિને એક વાર MIDCની જ કોઈ ચાની લારી પર ભેગા થતા, કવરની આપ-લે થતી અને બેઉ છૂટા પડતા.

આજે આમાં કંઈક અલગ થવાનું.

અકિને દમ ભીડ્યો.

lll

અલાર્મના રણકારે મોનિકાને ઝબકાવી દીધી.

ઢળેલા કર્ટન્સને કારણે બેડરૂમમાં અંધારું લાગે, પણ બહાર બપોર ચડી ગઈ છે અને જુગલે ઉઘરાણીએ નીકળવાનું છે.

મોનિકાએ લાઇટ પાડી જુગલને ઢંઢોળીને બાથરૂમમાં મોકલ્યો. બેડ સરખો કરતાં તેની નજર સામા મિરર પર ગઈ.

આ હુસ્ન...

‘મારી મોનિ તો બહુ રૂપાળી!’

આવું કહીને કાજળનો ટીકો કરનારી મા સ્વર્ગે સિધાવી પછી જીવનધારા કેવી ફંટાઈ ગઈ... બાપાએ બીજાં લગ્ન કર્યાં અને સાવકી માના ત્રાસમાંથી છટકીને હું ૧૬ વરસની ઉંમરે મહેસાણાના ઘરેથી ભાગી પછી બીજું જે કંઈ હોય, હું જીવી મારી મરજીનું છું.

ગરદન ટટ્ટાર કરીને મોનિકા આયનામાં રૂપનો મહાસાગર નિહાળી રહી.

જોબનની મૂડીથી તો હું ઘર છોડ્યું ત્યારની સભાન હતી... વડોદરાના પહેલા વસવાટ દરમ્યાન નવા બનતા બિલ્ડિંગમાં મજૂરીએ જતી, એનો મુકાદમ એક રાતે મારા ઝૂંપડામાં આવી ચડ્યો ત્યારે તેનું નાક કરડી ખાધું હતું : મારી મરજી વિરુદ્ધ કોઈ મને સ્પર્શી નહીં શકે એ યાદ રાખજે. અત્યારે તો નાક કરડ્યું છે, બીજી વાર હિમાકત કરી તો નામર્દ કરી દઈશ!

વસ્તીમાં કેવો સોપો પડી ગયેલો.

એ ઘડી ને આજનો દિવસ. મને મારી ઇચ્છા વિરુદ્ધ અડવાની કોઈ પુરુષની ક્યારેય હિંમત નથી થઈ... અઢારની ઉંમરે સુરતમાં કુંવારું જોબન ફરદીનને હવાલે કર્યું એ વરસાદી રાત આજેય યાદ છે. વૉચમૅનનું કામ કરતો ફરદીન મને પરણવા માગતો હતો. ત્યારે તો હુંય નવોઢાની જેમ શરમાતી, પણ લગ્ન પહેલાંની સુહાગરાત પછી તેણે મારા બીજા જોડે હસવા-બોલવા પર ટકોર કરવા માંડી કે પત્યું! મારા સ્વતંત્ર મિજાજને બંદિશ ક્યાંથી ફાવે. તેને પડતો મૂકીને હું આગળ વધી ગઈ. કોઈ એકની થઈને રહેવાનો મારો સ્વભાવ નહોતો રહ્યો. તિતલીની જેમ હું મને ગમી જતાં ફૂલો પર મંડરાતી રહી... ધીરે-ધીરે એ જ મારો ધંધો બની ગયો. એમાં પહેલવહેલો કોઈ પાણીદાર મરદ ભટકાયો હોય તો...

‘ક્યા દેખતે હો...’

બાથરૂમમાંથી ટુવાલભેર બહાર આવેલો જુગલ ગણગણ્યો. મોનિકા મિરરમાં જોઈ રહી. પિસ્તાલીસની વયે પણ જુગલ કેવો ફિટ છે! તેના હોઠ વંકાયા : એમ તો મને પણ કોણ ૪૭ની ધારે!

પાંચેક વરસ અગાઉ અમે એકાદ મૉલમાં પહેલી વાર મળ્યાં ત્યારે પોતે તો સિંગલ જ હતી અને જુગલના ડિવૉર્સ થઈ ચૂકેલા. અમને એકમેકનો સાથ ફાવી ગયો છે. શરીરસુખની પૂર્તિ તો ખરી જ, પણ એકમેકની કંપનીમાં રહેવાનો વિશેષ આનંદ છે. અમારું રહેવાનું પણ અંધેરીમાં. ક્યારેક તે મારા ફ્લૅટ પર આવે, ક્યારેક હું તેના ઘરે જાઉં. સાથે વેકેશન માણીએ. જસ્ટ લાઇક લિવ-ઇન કપલ. આમ રિલેશનમાં અને આમ સ્વતંત્ર. ન હું તેની ઉઘરાણીનું પૂછું, ન તે મારી મૅટરમાં ચંચૂપાત કરે.

ત્યાં જુગલના હાથ કમરે વીંટળાયા કે મોનિકા સભાન બની : તમારે ઉઘરાણીએ જવાનું છે જનાબ! કહીને બાથરૂમમાં સરકી ગઈ.

ઉઘરાણીમાં શું થવાનું હતું એની ખબર હોત તો!

lll

- અને જુગલની કાર દેખાતાં ચાની લારીએ ઊભો અકિન ટટાર થયો. હાથમાં અમસ્તી જ પકડી રાખેલી સિગારેટ ફેંકીને પગથી કચડી એ આસપાસ છુપાયેલા ઍન્ટિ-કરપ્શન બ્યુરોના અધિકારીઓ માટે સિગ્નલ હતું.

પછી થોડી જ મિનિટોનો ખેલ હતો.

અકિને આપેલું કવર લઈને જુગલ તેની કાર તરફ વળ્યો કે હવામાં જીન પ્રગટે એમ પેલા બે ઑફિસર પ્રગટ થયા : મિસ્ટર જુગલ, યુ આર અન્ડર અરેસ્ટ!

તેમની ઓળખે જુગલની છાતીમાં તિરાડ પડી : ટ્રૅપ!

કંપની વતી અકિને આગોતરી નોંધાવેલી ફરિયાદના આધારે પોતાની ધરપકડ થઈ એ જાણીને જુગલે દૂરથી જ અકિન તરફ મુક્કો ઉછાળ્યો : તને જોઈ લઈશ!

અકિન હસ્યો : જા જા, તારાથી થાય એ કરી લેજે.

પછી પોતાની કારમાં ગોઠવાઈને નિનાદસરને મેસેજ કર્યો : ઑપરેશન જુગલ સક્સીડ.

lll

‘વૉટ! અરેસ્ટ!’

૪ કલાક પછી જુગલને લૉયર માટે કૉલ કરવાની છૂટ મળતાં તેણે મોનિકાને કૉલ જોડ્યો : આઇ ઍમ ઇન ટ્રબલ...

RTIના બહાને જુગલ બ્લૅકમેઇલિંગથી પૈસા બનાવતો એ તો માલૂમ હતું. પૈસા માટે પોતે પણ એસ્કોર્ટનું કામ ક્યાં નથી કર્યું - ભલે પોતાની શરતોએ. એકમેકના ધંધામાં ઊંડા ઊતરવાથી અમે દૂર રહેલાં, પણ આ તો પડખે ઊભા રહેવાની નોબત આવી છે.

હાઉ ડેર યુ અકિન! જુગલને ફસાવવાની તારી હિંમત કેમ થઈ.

‘હું બેસ્ટ લૉયર હાયર કરું છું હની અને એટલું પણ ઍન્શ્યૉર કરીશ કે અકિન વિલ પે ફૉર ધિસ!’

ત્યારે ક્યાં ખબર હતી કે આ તેમનો છેલ્લો સંવાદ છે!

lll

‘શાબાશ દીકરા.’

રાતે ડિનર સમયે અકિને હોંશભેર માને પોતે કેવી સિફતથી બ્લૅકમેઇલરને સપડાવ્યો એની ગાથા કહીને ઉમેર્યું, ‘આ વખતે તો એસ્ટેટના અસોસિએશને મને અભિનંદન પાઠવ્યાં...’ કહીને સહેજ ગંભીર બન્યો, ‘સવાલ મારાં વખાણનો નથી મા, ખોટું કરનારને કાયદાના હવાલે કરવાની ફરજ બજાવ્યાનો સંતોષ છે.’

‘જાણે છે અકિન, તારા પિતા પણ આવા જ હતા...’ સવિતાબહેનને થયું કે મોકો છે તો ગતખંડ ઉખેળી જ દઉં, ‘એક વાર એક માથાભારે આદમી...’

ત્યાં અકિનનો ફોન રણકતાં તેમણે અટકી જવું પડ્યું.

નંબર અજાણ્યો હતો. કદાચ જુગલની જ કોઈ મૅટર હોય... તેણે કૉલ રિસીવ કરતાં સામેથી સ્ત્રીસ્વરમાં સંભળાયું, ‘અકિન, યુ નો, વૉટ યુ ડીડ?’

તેના સ્વરમાં ચિત્કાર હતો, ‘જુગલ પાસ્ડ અવે. થોડી વાર પહેલાં તેને સિવિયર હાર્ટ-અટૅક આવ્યો ને હી લૉસ્ટ હિઝ લાઇફ.’

‘ઓહ નો... એક્સ્ટ્રીમલી સૉરી ટુ હિયર ધીસ.’

‘તારા સૉરીને દરિયામાં નાખ અકિન, જુગલને મેં પ્રૉમિસ કરેલું કે યુ વિલ પે ફૉર ધીસ. એ હવે અંતિમ પ્રૉમિસ બની ગયું એટલે હવે એમાં મીનમેખ નહીં થાય. મારું વેર હું બહુ જલદી વસૂલવાની!’

અકિન સ્તબ્ધ હતો, સવિતાબહેન થીજી ગયાં. એમાં પતિની ગાથા કહેવાનું પણ વીસરાઈ ગયું.

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 02:52 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK