ભારત સામે બીજી T20માં બીજી મૅચમાં ત્રણ વિકેટ લઈને બન્યો હતો પ્લેયર ઑફ ધ મૅચ
ફૅન્સ સાથે સેલ્ફી લઈ રહેલો જય મુન્દ્રા
રાજસ્થાનના ટોંકમાં જન્મેલો જય મુન્દ્રા આયરલૅન્ડની ભારત સામેની T20 સિરીઝ જીતનો હીરો રહ્યો હતો. પહેલી મૅચમાં બે વિકેટ અને બીજી મૅચમાં ત્રણ વિકેટ લેનાર ડાબોડી પેસ બોલર જય મુન્દ્રા પોતાની ડેબ્યુ સિરીઝમાં જ પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો. ભારતના બન્ને ઓપનર્સ સહિત ત્રણ વિકેટ લઈને તે બીજી T20માં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
રાજસ્થાનમાં જન્મેલો ૨૯ વર્ષનો જય મુન્દ્રા હજી પણ ભારતીય પાસપોર્ટ ધરાવે છે. ૨૦૨૧માં ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે તે સ્ટુડન્ટ-વીઝા પર આયરલૅન્ડ ગયો હતો. તેની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તેણે ઑક્ટોબર ૨૦૨૨થી જૂન ૨૦૨૫ સુધી ઇન્ટેલ કંપનીમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. તેની લિંક્ડઇન પ્રોફાઇલ પર ‘ઓપન ટુ વર્ક’ લખ્યું છે એટલે કે નવી કંપનીમાં જૉબ કરવા માટે તૈયાર છે. જયને ૨૦૨૫માં આયરલૅન્ડની સિટિઝનશિપ મળી હતી.
ADVERTISEMENT
ભારત સામેની ઐતિહાસિક જીત બાદ આયરલૅન્ડના હેડ કોચ હેન્રિક મલાને રાજીનામું આપ્યું

ભારત સામે ૨-૦થી T20 સિરીઝ જીત્યા બાદ આયરલૅન્ડના હેડ કોચ હેન્રિક મલાને ટીમના હેડ કોચના પદ પરથી રાજીનામું આપ્યું છે. ૪૫ વર્ષના આ સાઉથ આફ્રિકન કોચે કહ્યું, ‘આગામી વર્ષના વન-ડે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવાનું સુનિશ્ચિત કરવા માટે નવા કોચની નિમણૂક કરવાનો આ યોગ્ય સમય છે.’ જાન્યુઆરી ૨૦૨૨થી હૅન્રિક મલાનની કોચિંગ હેઠળ આયરલૅન્ડ છેલ્લા ત્રણેય T20 વર્લ્ડ કપમાં રમ્યું અને ૨૦૨૨માં ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને હરાવ્યું પણ હતું. ૨૦૨૪માં તેનો હેડ કોચ તરીકેનો કરાર ૨૦૨૭ સુધી લંબાવાયો હતો. ૨૦૨૧થી આયરલૅન્ડના સહાયક કોચ રહેલા ગૅરી વિલ્સનને હેડ કોચની જવાબદારી મળી છે. ૩૦ વર્ષ બાદ આયરલૅન્ડમાં જન્મેલી કોઈ વ્યક્તિને હેડ કોચ બનાવવામાં આવી છે.
