Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનધારા અજીબ દાસ્તાં હૈ યે (પ્રકરણ ૩)

જીવનધારા અજીબ દાસ્તાં હૈ યે (પ્રકરણ ૩)

Published : 01 July, 2026 03:36 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘મા, તને કેવો વર જોઈએ?’ દીકરીએ આવું પૂછવાનું ભાગ્યે જ બને. માનો લગ્નનો નિર્ણય પાકો થયા પછી પોતે ક્યારેક મસ્તીમાં તો ક્યારેક ગંભીરપણે પૂછતી.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મેરે ખ્વાબોં મેં જો આએ...

દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ વંકાયા : નાનપણ બહુ યાદ રાખવા જેવું નહોતું, પણ ટીનેજમાં જીવન મહોર્યું અને ૧૬ વર્ષની બાલી ઉંમરમાં આ ગીતનું ગણગણવું પણ મીઠી ઝણઝણાટી ફેલાવી જતું. ભરપૂર નદી જેવું જોબન હિલોળા લેતું હતું. નહાતી વેળા દૂધિયાં અંગોને ચોળતાં કસક જેવી પ્રસરી જતી. ટુવાલથી બદન કોરું કરીને આયનામાં ખુદને જોતી ત્યારે મગરૂરી છવાતી : ઓહ, કોના નસીબમાં આનો ભોગવટો લખાયો હશે!



‘નયનાબહેન, દીકરી તમારું રૂપ લઈને અવતરી છે.’


નવસારીના દાદરા ફળિયાના પાડોશીઓ માને કહેતા. જવાબમાં નયનામા ફિક્કું હસતી : મારું રૂપ જ આવ્યું હોય તો સારું, નસીબ મા જેવું ફૂટેલું ન હોય એટલું જ માગું છું
ઈશ્વર પાસેથી.

 અત્યારે ઘરના બગીચામાં ફૂલોની વેલ સરખી કરતી અવનિથી હળવો નિ:શ્વાસ નખાઈ ગયો.


મા બેહદ રૂપાળી હતી. રૂપ આપીને વિધાતા નસીબમાં સુખ લખવાનું ભૂલી ગયો હોય એમ માના હિસ્સે દુખડાં જ રહ્યાં. પિયરમાં વૈતરાં કર્યાં, પતિ દારૂડિયો નીકળ્યો.

અવનિ સંભારી રહી.

દારૂની લતમાં પિતા નારણભાઈની નોકરી છૂટી. માએ ઘરમેળે
પાપડ-અથાણાંનું કામ શરૂ કર્યું. ઘરે એદીની જેમ પડ્યા રહેતા પતિની નજર પત્નીને મળતા પૈસા પર રહેતી અને તે ધાપ ન મારી જાય એ માટે મા રૂપિયા સંતાડવાનાં નવાં ઠેકાણાં શોધતી. રૂપિયા ન મળે એટલે પપ્પા માના વાળ ખેંચે, ગલીચ ગાળો બોલે અને અવનિ વચ્ચે પડવા જાય તો તેમને મહેણાનું બહાનું મળી જાય : મને વંશનો વારસ જોઈતો હતો ને નયનાના પેટે પથરા જેવી તું પાકી.

૧૦ વર્ષની અવનિની આંખો ડબડબતી. માનું હેત ન હોત તો જાણે શું થાત. જોકે પિતા પછી ઝાઝું જીવ્યા નહીં. દારૂથી બગડેલું લિવર ફાટ્યું અને ખેલ ખતમ.

પિતાના ગયા બાદ ભાડાના આ ઘરમાં મોકળાશ, ચેન, સુકૂન વર્તાયાં. માએ પણ બીજાને ત્યાં રસોઈ કરવા જવા જેવાં નવાં કામ લીધાં. એની થકાવટ નહોતી, બલકે માના ચહેરા પર સુખ-સંતોષની લાલી દેખાતી. અવનિમાં પણ સહજપણે અલ્લડતા પરમી, અંગે યૌવન મહોર્યું.

 અને એક દિવસ...

અવનિ સમક્ષ દૃશ્ય તરવર્યું:

એ સાંજે સખીઓ સાથે પિક્ચર જોઈને પાછી આવતી અવનિ ઘર આગળના ટોળાથી સહેમી ગઈ. ભીડને ચીરીને અંદરનું દૃશ્ય જોતાં આંખો પહોળી થઈ : પચાસેક વર્ષની કર્કશા બાઈ માનો ચોટલો ઝાલીને ઝંઝોડી રહી છે ને મા હાથ જોડીને તેને કરગરે છે : મારો કોઈ વાંક નથી સુધાબહેન, આમ મારી આબરૂ ન ઉછાળો!

‘આબરૂ ન ઉછાળું!’ સુધાબહેન ઊકળ્યાં, ‘તને ગરીબ જાણીને ઘરે રાંધવાનું કામ આપ્યું ને તેં મારા જ ઘરે ધાપ મારી?’

સત્તરની થયેલી અવનિને એટલું તો સમજાયું કે મા આ આન્ટીને ત્યાં રસોઈ બનાવવા જાય છે. તે મારી માને ચોર કહી જાય એ કેમ ખમી લેવાય?

‘ખબરદાર આન્ટી, જો હવે એક શબ્દ બોલ્યાં.’ આગળ ધસી જઈને તેણે સુધાબહેનનો હાથ ઝાટક્યો, ‘મા પર ચોરીનું આળ મૂકતાં શરમાતાં નથી?’

‘ચોરીનું આળ!’ પગથી માથા સુધી અવનિને નિહાળીને સુધાબહેન ટોળા તરફ વળ્યાં, જમણી હથેળીમાં ડાબો હાથ ઠોકતાં બોલી ગયાં, ‘લો, ત્યારે તો દીકરી માનું ચારિત્ર્ય જાણતી જ નથી લાગતી! એય છોકરી, હું રૂપિયા-પૈસાની ચોરીનો હિસાબ સમજવા નથી આવી. ચાલીસની થયેલી તારી માને હજી કામ ચટકા ભરે છે. વિધવા બાઈને કોરા કપાળનોય મલાજો નથી. પોતાના રૂપની જાળમાં તેણે મારા ૨૦ વર્ષના દીકરાને ભેરવ્યો! હાય... હાય. એવી ચોંટી’તી મારા દીકરાને - શિવ શિવ.’

ટોળામાં ગણગણાટ પ્રસરી ગયો. છાતી પર કોઈએ ઘણ ઝીંક્યો હોય એમ હેબતાઈ ગઈ અવનિ.

‘આ જૂઠ છે!’ કાન પર હાથ દાબીને નયનાબહેન આંખમાં અશ્રુ સાથે કરગર્યાં.

ખરેખર તો સુધાબહેન-કૌશિકભાઈ બન્ને નોકરીવાળાં એટલે ઊગતી જવાનીમાં સુકેતુ પર કોઈ વૉચ રાખનારું રહ્યું નહીં. મિત્રો સાથે બ્લુ ફિલ્મ જોવાનો ચસકો લાગ્યો. એ કામની પજવણીમાં તેની નજર ઘરે રાંધવા આવતાં નયનાબહેન પર પડી : માસીનું જોબન તો જબરું છે! પાછાં વિધવા. એવી કંઈ તેમની ઉંમર નથી. તેમના અનુભવનો થોડો લાભ માગું તો મળે ખરો.

તે ક્યારેક નજરથી અડપલું કરતો, રોટલી પીરસતાં નયનાબહેનનો હાથ સ્પર્શી લેતો. ખાસ કરીને માબાપ ઘરે ન હોય ત્યારે તેની હિંમત વધી જતી. નયનાબહેન એટલા માટે જતું કરતાં, કેમ કે ૩ માણસોની રસોઈ સામે સુધાબહેન ડબલ પગાર આપતાં. આવું ઘર કેમ છોડવું!

આમાં આજે સાંજની રસોઈ માટે પોતે ગયાં ત્યાં સુકેતુએ અચાનક જ પાછળથી બાથ ભીડી..

બાપ રે. નયનાબહેને છૂટવા જોર અજમાવ્યું, પણ જો સુકેતુ મચક આપે.

એ ખેંચતાણીમાં બન્નેમાંથી કોઈને ડોરબેલ પણ ન સંભળાઈ ને નોકરીએથી વહેલાં આવી ગયેલાં સુધાબહેન બબડીને ચાવીથી દરવાજો ખોલીને અંદર આવ્યાં એવાં જ ડઘાઈ ગયાં.

નયનાબહેન-સુકેતુ બન્ને ફર્શ પર આળોટતાં હતાં ને સુકેતુ કહેતો હતો : આજે તને નહીં છોડું...

‘શું છે આ બધું!’ સુધાબહેનની રાડ ફાટી. માની હાજરીથી ગભરાયેલો સુકેતુ પલટી મારી ગયો : મા... સારું થયું તું આવી ગઈ... નહીંતર આ આન્ટી આજે મારો રેપ કરી મૂકત!

નયનાબહેન ઊભાં થયાં. વસ્ત્રો સરખાં કરીને માને સફાઈ આપતાં સુકેતુ પાસે જઈં તમાચો વીંઝ્યો અને ઘરે આવ્યાં. ફિલ્મ જોવા ગયેલી અવનિ આવે કે તેને સઘળું કહેવું હતું, પણ એ પહેલાં સુધાબહેને આવીને તમાશો માંડી દીધો.

સુધાબહેન સમજતાં હતાં કે વાંક પોતાના કુંવરનો છે... પણ એથી તેને બદનામ ઓછો થવા દેવાય. નયના નાતમાં વાત ફેલાવીને સુકેતુને વગોવી નાખે એના કરતાં તેને જ વગોવી કાઢું તો!

પતિ સાથે ચર્ચા-વિચારણા કરી તેમણે અહીં આવીને હુમલો કરી દીધો...

અને નયનાબહેન સફાઈ આપવા લાગ્યાં એવાં જ તે તાડૂક્યાં: ‘ઊલટો ચોર કોટવાલ કો દંડે! અરે બાઈ, કામ એવો જ ડંખતો હોય તો બીજું ઘર માંડી લે... આમ બીજાના છોકરાઓને ન બગાડ!’

કહીને ‘કાલથી મારા ઘર બાજુ પણ ફરકતી નહીં!’ કહીને સરકી ગયાં!

‘એથી લોકનજરમાં તો હું વહેશી, કામી ઠરી જ ગઈને!’

રાતે દીકરીના ખોળામાં માથું મૂકીને નયનાબહેને વીતક સાથે દર્દ વહાવ્યું. ના, માના બયાનમાં શંકા હોય જ નહીં અને માનું પોત ગંગા જેવું છે એ શું હું ન જાણું!

દીકરીની પીઢતાએ માને હાશકારો પ્રેર્યો, પણ જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. સુધાબહેનના તમાશાએ નયનાબહેનના કપાળે કાળી ટીલી ચોંટાડી દીધી હતી. અઠવાડિયામાં તેમનાં ત્રણ કામ છૂટતાં નયનાબહેન મૂરઝાવા લાગ્યાં : સુધાડીએ દરેક જગ્યાએ ફોન કરીને મને વગોવી મૂકી છે! ચાલીના લોકો મને પહેલાંની જેમ બોલાવતા નથી, છોકરાઓ મને વેશ્યાની જેમ નિહાળે છે...

આનો અનુભવ અવનિને પણ હતો. પોતે નીકળે ત્યારે છોકરાઓની ટોળી બોલતી સંભળાય : મા હોય કે છોકરી... કોઈ કહી દો તેમને કે આપણે બળાત્કાર સહેવા તૈયાર છીએ!

અવનિ ખમી લેતી, પણ નયનાબહેન ખળભળી જતાં : અરેરેરે, આ તો મારી બદનામી તારું ભવિષ્ય રૂંધી રહી છે. બદનામ માની દીકરીનો હાથ કોણ થામશે!

 આવા અળખામણા અનુભવે માને એવો નિર્ણય લેવા પ્રેરી જે વિશે તેણે અધરવાઇઝ કદી વિચાર્યું પણ ન હોત... પોતાનાં બીજાં લગ્નનો નિર્ણય!

નયનાબહેને પહેલી વાર વાત છેડી ત્યારે પોતે અવાક બનેલી, પણ આઘાત નહોતો અનુભવ્યો... અવનિએ કડી સાંધી:

માના નિર્ણયમાં મારો ટેકો હતો. માની ચાલીસની ઉંમર કંઈ વધુ ન ગણાય... અને તેણે પહેલા સંસારમાં શું સુખ જોયું? પિતા ગયા પછી સુખી થવાનો તેને હક છે...

‘મારું સુખ તો તું છે દીકરી!’ નયનાબહેને ભીની આંખે કહેલું, ‘મને એવા કોઈ ઓરતા રહ્યા નથી, પણ આપણે જોઈ લીધું કે પુરુષની ઓથ વિના બાઈમાણસ માટે જીવવું દુષ્કર છે – ખાસ કરીને તે રૂપવતી હોય ત્યારે!’ માએ તેની ગણતરી સમજાવેલી : મને પતિનું, તને પિતાનું નામ મળશે, આધાર મળશે એટલે બદનામીની આંચ આપોઆપ ઓલવાઈ જશે... ચાર-પાંચ વર્ષમાં તું લગ્નને લાયક થઈ જાય ત્યાં સુધીમાં એનાં નિશાન પણ નહીં રહે. ધામધૂમથી તને પરણાવીશ, તારાં છોકરાં રમાડીશ...’

મા-દીકરી હસતાં-હસતાં રડી પડેલાં.

અત્યારે પણ આંખના દ્વારે આવેલું જળબિંદુ ખેરવીને અવનિએ નિ:શ્વાસ નાખ્યો : ઈશ્વરે માને એટલું આયુષ્ય જ ક્યાં આપ્યું હતું? લગ્નનાં બે વર્ષમાં તો તેણે ગામતરું કર્યું... એમ તો બિચારી બીજી વારના લગ્નજીવનમાં પણ શું સુખ પામી?

‘મા, તને કેવો વર જોઈએ?’ દીકરીએ આવું પૂછવાનું ભાગ્યે જ બને. માનો લગ્નનો નિર્ણય પાકો થયા પછી પોતે ક્યારેક મસ્તીમાં તો ક્યારેક ગંભીરપણે પૂછતી.

‘સમાજ પૈસાને માને છે એટલે શ્રીમંત તો જોઈએ, લોકોને ધાકમાં રાખે એવો ખબરદાર અને હું ન હોઉં ત્યારે તને ખૂબ પ્રેમથી જાળવી લે એવો તો તે હોવો જ જોઈએ...’

માની શોધનું ઠેકાણું આ ઘર અને આ ઘરનો નિઃસંતાન વિધુર પુરુષ બન્યાં...

શરૂ-શરૂમાં તો બધું બહુ સરસ લાગ્યું... નવા પિતા અત્યંત સોહામણા હતા. તેમણે માની કાળી ટીલી ગણકારી નહોતી - અને તે પોતે ૩ વારના ઘરભંગ થયેલા અને માથી ઉંમરમાં પાંચ-સાત વર્ષ મોટા – એટલે પણ હોય... ઘરમાં કોઈ વાતે રોકટોક નહોતી. સાંસારિક સુખ માના વદન પર વર્તાવા માંડ્યું, અને કિસ્મતે પલટી મારી...

એક રાતે ટૅક્સી આંગણે ઊભી રહી અને બે નાચનારી ઊતરી.

‘તું આજે તારી દીકરી ભેગી સૂઈ જજે... મારે આખી રાત મુજરો ચાલશે!’

 ત્યારે તેમની ઐયાશીનો ભેદ ખૂલ્યો!

‘એટલે મારી છાતી પર તમે બજારુ બાઈઓ સાથે...’

ધડામ.

પિતાએ ધક્કો મારતાં માનું માથું દીવાલે અફળાયું. તે બેહોશ બની તોય પિતાજી ધરાર મુજરો માણવા જતા રહ્યા.

અને પછી તો એવું છાશવારે થવા લાગ્યું. માનું સ્વમાન ઘવાતું, તે સામે થતી ને પતિદેવ તેને ઝૂડી નાખતા. બોલવાનું ભાન રહેતું નહીં : ફરી મારા આડે આવી તો તારી દીકરીને તારી સામે ભોગવીશ - ક્યાં તેની સાથે મારે લોહીનો સંબંધ છે!

એ રાતે હું માને વળગીને રડી હતી - મા, મારા નસીબમાં પિતાનો પ્રેમ જ નથી?

‘તારા નવા પિતાથી તારે દૂર રહેવામાં જ સારપ છે...’ કહીને ભડકેલી માએ મને સુરતની કૉલેજ-હૉસ્ટેલમાં મૂકી દીધી... મારે ભાગ્યે જ અહીં આવવાનું થતું. મોટા ભાગે તે જ હૉસ્ટેલ આવી જતી. બે-ચાર દહાડા રહી પણ જતી. દર વખતે તે વધુ ને વધુ નખાઈ ગયેલી જોવા મળે.

‘શા માટે આ માણસ સાથે ઝઘડે છે? તે નહીં સુધરે. ઊલટો તે તારી મારઝૂડ કરે છે એમાં તારું શરીર ગળાય છે...’

‘શરીર ગળાય છે...’ મા હસેલી, ‘એવું તો તે પણ કહે છે - તને પરણ્યો ત્યારે હતી એવી નથી રહી એટલે મને ગમતી પણ નથી રહી! તે મને છોડી દેશે તો આપણું શું થશે?’

આ ચિંતા જ તેને ડસી ગઈ... એક બપોરે અહીંથી ફોન આવ્યો : તારી મા બેભાન થઈ ગઈ, કમ સૂન!

પોતે દોડતી આવી, જોયું તો...

‘હલો!’

કોઈના સાદે અવનિ ઝબકી, વિચારમેળો સમેટી લીધો.

ઓહ, આંગણે રિક્ષા ઊભી છે ને એમાંથી ચાલીસ-પિસ્તાલીસની લાગતી એક સ્ત્રી પૂછી રહી છે...

‘એક્સ ફૉરેસ્ટ-ઑફિસર વનરાજ ચૌધરીનું ઘર આ જ ને?’

કોઈ સ્ત્રી મારા સાવકા પિતાને પૂછતી આવે એ અજુગતું ન ગણાય...

‘હા, આવોને.’

અવનિએ ઝાંપો ખોલ્યો અને તે સ્ત્રીએ રિક્ષા અંદર લેવડાવી.

તે મોનિકા હતી.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 03:36 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK