પાંચમું પ્રકરણ વાંચો અહીં
ઇલસ્ટ્રેશન
‘જીવનધારા પણ નદીના પ્રવાહની જેમ કેવી પલટાતી રહે છે.’ અકિનના સ્વરમાં ઉદાસી હતી.
પિતાના આપઘાતનું સત્ય છેક આજે જાણ્યું. એમાં કારણભૂત બનેલી સ્ત્રીનું જુગલના વેરના સંદર્ભે અનુસંધાન થાય એ કેવું. RTI ઍક્ટિવિસ્ટને સપડાવવાનો ખેલ આવો વળાંક સર્જશે એવું કોણે ધાર્યું હોય.
ADVERTISEMENT
‘પણ હું મારાં માવતરના ગુનેગારોને છોડીશ નહીં...’
અવનિ ઘડીભર તેને નિહાળી રહી. અકિનના સોહામણા વદન પર તરવરતો રોષ પોતાના અંતરાત્માને ઝંઝોડી રહ્યો હતો જાણે.
વનરાજની ગતિવિધિ પર આંખ-કાન રાખવાની આદતે અકિનના પિતા સાથેનો ભૂતકાળ અને અકિનનું ભાવિ રૂંધવાનું કાવતરું પકડી પાડ્યું. અકિનને ચેતવવાનો જ હોય... આવી વાત ફોન કે ઑફિસમાં ન થાય અને ઘરના સરનામા માટે બહુ મથવું ન પડ્યું. મોનિકાએ અકિનની કંપનીનો ઉલ્લેખ કરેલો ત્યાંથી ઍડ્રેસ જાણ્યું. ઘરે સુરત જવાનું કહીને ખરેખર તો દેવકીમાસીને લઈને મુંબઈ આવી એ સારું થયું. વનરાજે નયનાબા પર વરસાવેલા જુલમની વીતકે મા-દીકરાનો વિશ્વાસ જીત્યો. સવિતાઆન્ટીએ હેતથી મને પડખે લીધી અને અકિન...
અવનિના ગાલે સુરખી છવાઈ : કેવો પાણીદાર જુવાન! થોડા જ કલાકના સહવાસમાં અજાણ્યાને પણ સહજભાવે પોતીકો લાગે એવો.
રાતે જમી-પરવારીને સવિતા-દેવકીમાસી તો સૂઈ ગયાં, પણ અમને બેઉને નીંદર નહોતી આવતી. તો અગાસી પર તેની સાથે આવતાં ડર કે સંકોચ ક્યાં નડ્યા?
‘મારી પરવરિશમાં માના અમુક સંદર્ભ મને હવે સમજાય છે...’ અત્યારે અકિનના સાદે ઝબકતી અવનિએ વિચારોનો મેળો સમેટી લીધો.
‘અવનિ, તું ન આવી હોત તો કદાચ...’ અકિને અવનિની આંખોમાં આંખ પરોવી. અડધી રાતે ચંદ્રના અજવાશથી ઓપતી અગાસીમાં રચાયેલા તારામૈત્રકમાં શું હતું? કોણ કહેશે?
‘તમારો પુણ્યપ્રકોપ મને પ્રેરે છે અકિન.’ પોતાના પ્રયાસ, પોતાની અવઢવનો ફોડ પાડીને અવનિએ ઉમેર્યું, ‘હવે મને દ્વિધા નથી. તમે મોનિકાને જોઈ લેજો, વનરાજનો હિસાબ હું સમજી લઈશ.’
બસ, પછી બોલવાનું કંઈ રહ્યું નહીં.
lll
ત્યારે વનરાજના શયનખંડમાં અનંગનું તોફાન જામ્યું છે.
ઉફ્ફ આ પુરુષ! મારી સફરનો સૌથી કસાયેલો મરદ આ વનરાજ જ હોયને! વનરાજનું આક્રમણ માણતી મોનિકા વાગોળી રહી :
ડાંગનો ફૉરેસ્ટ-ઑફિસર. માથાભારે આદમીના કણકણમાં ઐયાશી હતી. તેના આદમીઓએ જ ફરદીનથી છૂટી પડેલી મને રૂપિયા આપીને હજૂરનું બિસ્તર ગરમ કરવા મોકલેલી. આખલાની જેમ તે મારી કમસીન કાયા પર તૂટી પડેલો. કેટલીયે રાતો અમે સાથે ગાળી. ખરેખર તો મહેસાણાની દેશી બોલીથી ઇંગ્લિશની ઍટિકેટ તેના સંસર્ગમાં કેળવાઈ. જોકે કોઈ એકના થઈને રહેવાની તેની કે મારી ફિતરત નહોતી, પણ તેના એક કૉલે હાજર થઈ જવા જેટલી નિકટતા જરૂર રહી.
એટલે તો તેના ઇશારે પોતે પેલા વકીલને ફસાવવા પણ તૈયાર થઈ...
વનરાજનો પગ જનાવરોની તસ્કરીમાં પડ્યો, સસ્પેન્ડ કરાયો. તેની વિરુદ્ધ દામોદર મહેતાએ કોર્ટમાં જોરદાર રજૂઆત કરતાં વનરાજના જામીન નામંજૂર થયા... એટલા કેસની બીજી તારીખ પહેલાં વકીલનું પત્તું સાફ કરવું ફરજિયાત બની ગયું.
‘હું ધારું તો ચપટીમાં તે વકીલનું ઢીમ ઢળાવી દઉં... પણ મારે તો કુળનું અભિમાન રાખનારને એવો મજબૂર કરવો છે કે બાકીની આખી જિંદગી શોષાતો રહે... અને આમાં તારી જરૂર છે.’ વનરાજને ઇનકાર હોય જ નહીંને!
બે-ત્રણ કેસનું કામ લઈને આહવા આવેલો દામોદર સર્કિટ હાઉસમાં રોકાયો હતો. વનરાજનો પ્લાન અમલમાં મૂકવાની આ શ્રેષ્ઠ તક હતી. એ અનુસાર પોતે રાતની નિર્જનતામાં દુખિયારી બાઈ તરીકે વકીલના દરવાજે પહોંચી. મને ખરેખર દુખી જાણીને ધારવા મુજબ વકીલે મને અંદર લીધી... પછીમાં એટલું જ કે ભોળા વકીલને ભુલાવામાં નાખીને તેના પાણીમાં ઘેનનું પડીકું નાખીને મેં તેને બેભાન કર્યો ને વસ્ત્રહીન દશામાં ઑટોમેટિક કૅમેરા દ્વારા અમારી રંગીન તસવીરો ઝડપી... એ ફોટો લઈને વનરાજનો આદમી બીજી બપોરે દામોદરને મળ્યો ત્યારે બિચારાના પગ તળેથી જમીન સરકી ગઈ.
‘બોલ, તું કહેતો હો તો તારા રંગીન ફોટો વલસાડની ગલીઓમાં ફેરવીને મહેતા કુટુંબની આબરૂ ઉછાળું... તેમનો વારસ કેવો વહેશી નીકળ્યો એ જાણીને ગામ આખું થૂ-થૂ કરશે...’
દામોદર માટે એ અસહ્ય હતું. તેની બૈરીએ તેનામાં વિશ્વાસ રાખ્યો એ પણ કેવું! ખેર, વડીલોની આબરૂ ખરડાય નહીં એ માટે વનરાજે કહ્યું એમ હવેલી વનરાજના નામે કરી રાતોરાત વર-બૈરી છોકરા સાથે ગામ છોડી પણ ગયાં... બેવકૂફો!
તે દામોદર હયાત નથી, પણ જુગલના મોત માટે જેને ધમકાવ્યો તે અકિન તેનો દીકરો જ નીકળ્યો.
મોનિકા સંભારી રહી : જુગલનું અચાનક જવું આઘાત આપી ગયું ને એના પ્રત્યાઘાતમાં વેર જ સૂઝ્યું. અનરજિસ્ટર્ડ નંબર પરથી અકિનને પોતે ધમકાવ્યો, પણ વેર લેવું કઈ રીતે? આ વિશે વિચારતાં ચિત્તમાં વનરાજ ઝળક્યો!
તસ્કરીના પેલા કેસમાં પછી તો નિર્દોષ છૂટેલો વનરાજ નિવૃત્તિ લઈને વલસાડની વકીલની હવેલીમાં થાળે પડ્યો છે. તેની ભાળ કાઢીને પોતે અહીં આવી... મને આવકારનારી ખૂબસૂરત યુવતી વનરાજની હમણાંની ચહીતી હશે એ ધારણા ભાંગી ગઈ. તે અવનિ તો વનરાજની સ્ટેપ ડૉટર નીકળી!
(ફૉરેસ્ટ-ઑફિસર તરીકે વનરાજે ધાક બેસાડી દીધેલો, તસ્કરી જેવા આડાઅવળા ધંધામાં બે નંબરનો ખૂબ પૈસો કમાયો. ત્રણ-ત્રણ વાર પરણ્યો, પણ તેની ઐયાશીની લતને કારણે કોઈ પત્ની સુખી ન થઈ કે ન વંશનો વેલો વધ્યો. વનરાજને એની પરવા ક્યાં હતી? પારકી જણીને દીકરી માને એવો તે શરીફ નહોતો. કદાચ અવનિને ભોગવવા એના આડા ઊતરવાનું બહાનું શોધતો હોય... )
‘મે બી!’ મારા અનુમાને હસતા વનરાજે મને ખેંચી હતી : ‘પણ અત્યારે તો તું મારાથી નહીં જ બચે!’ અહીં આવ્યાના ત્રીજા કલાકે તો હું તેની સાથે બિસ્તરમાં હતી!
જુગલના શોકની અડધી અસર ત્યાં જ ઓસરી ગયેલી. વેરનું ધ્યેય જાણીને વનરાજ હસેલો : ‘જુગલનું ડેથ નૅચરલ હતું એ તું જાણે છે, સમજે છે પછી વેર શાનું? અને કયા હકે? ઠીક છે, તમે અમુક વરસ સાથે મજા કરી - પણ તું જ કહે તે તને શું આપીને ગયો? તેની પ્રૉપર્ટી, તેનું ઘર – થયું કંઈ તારા નામે?’
વનરાજના સવાલો કાળજું ચીરી ગયેલા. જુગલના મોતના ખબર પણ મને વાયા-વાયા મળેલા, હૉસ્પિટલમાં તેની ડેડબૉડીનો કબજો એક્સ-વાઇફે લીધાનું જાણીને પોતે જુગલના ફ્યુનરલમાં પણ જવાનું ટાળ્યું. ત્યારે તો વેર હૈયે ઘૂંટાતું હતું, પણ હવે થાય છે કે જુગલનું બધું તેની એક્સ-વાઇફ લઈ જવાની હોય તો વેરનો હિસાબ પણ તું જ રાખને મારી બાઈ!
વેરનો ઊભરો ઠરતો-ઠરતો સમી જાત, ત્યાં અકિનનું મૂળ પકડાતાં નક્કી કરી લીધું : બીજું કંઈ નહીં તો મહેતા ખાનદાનના વારસની આબરૂનો ધજાગરો વેર વસૂલ જેવું જ ગણાયને! તેણે જુગલને રસ્તા વચ્ચે સપડાવ્યો, હું તેની ઑફિસમાં જઈને તેના ચારિત્ર્યનો ધજાગરો કરીશ!
બહુ જલદી! અને આના આવેશમાં તેણે વનરાજને ભીંસી દીધો!
lll
બીજી બપોરે અવનિ સુરતથી પરત થઈ અને પછીના દિવસે મોનિકાએ વિદાય લીધી : ‘ફરી આમ જ આવતી રહીશ... તારો લાભ લેવા!’ વનરાજ હસ્યો અને દૂર ઊભી અવનિ મનમાં જ મલકી.
lll
અને બુધની બપોરે અકિનની ઑફિસનો ઇન્ટરકૉમ રણક્યો :
‘સર, આપને મળવા મિસ મોનિકા આવ્યાં છે. કહે છે જૉબ બાબત મળવું છે.’
‘વેલ, આમ તો આપણે ત્યાં આવી રીતે મળવાની પ્રથા નથી, પણ મૅડમ આવી જ ગયાં છે તો સેન્ડ હર ઇન.’
બીજી પળે દરવાજે નૉક થયું અને તે ડોકાઈ : ‘મે આઇ કમ ઇન?’
લાલ પટ્ટાવાળી કાળી સાડી, રેડ બ્લાઉઝ, ઑક્સિડાઇઝનાં ઘરેણાં અને ખુલ્લા કેશમાં રાતું ગુલાબ... જાણે કયામત આવી ગઈ!
‘પ્લીઝ, કમ ઇન.’
lll
‘ઓ મા!’
૧૦ મિનિટ પછી પ્યુને સર્વ કરેલી કૉફી પીતા અચાનક મોનિકાનો હાથ ધ્રૂજ્યો હોય એમ કૉફી સાડી પર પડી ને તે જાણે દાઝી હોય એવો ચિત્કાર નાખતાં અકિન પોતાની ચૅર છોડીને તેના તરફ દોડી ગયો.
બસ, આવા જ મોકાની રાહ જોતી મોનિકાએ ઊભા થઈ સાડીનો છેડો ફગાવ્યો. અકિનને કંઈ સમજાય -સૂઝે એ પહેલાં તેના હાથના પંજા પકડી પોતાની ગરદન પર નહોરનાં નિશાન પડે એમ ફેરવ્યા, તેના શર્ટ સાથે માથું ઘસ્યું, લિપસ્ટિકનાં નિશાન પાડ્યાં ને પોતાનું બ્લાઉઝ ચીર્યું!
‘આ... ત...મે શું કરો છો...’ અકિન થોથવાયો.
‘વરસો પહેલાં તારા બાપ સાથે કરેલું એ...’ સુસવાટાભેર એ ગાથા કહીને તેણે ઉમેર્યું, ‘તું જુગલની આડે આવ્યો, તેના વેરની ધમકી દેનારી હું જ! આજે એ વસૂલ થાય છે...’ કહીને તેણે ચીસ નાખી : ‘બચાવો... છોડ... છોડ મને વહેશી!’ કહીને અંદર ઝપાઝપી થતી હોય એમ વાઝ પણ ગબડાવ્યું ને બહાર દોડી ગઈ : ‘બ...ચાવો...’
એવી જ તે થોથવાઈ. કૉરિડોરમાં સામે જ લેડી ઇન્સ્પેક્ટર ઊભાં હતાં. પાછળ આવેલો અકિન લુચ્ચું હસતો દેખાયો ને મોનિકાની છાતીમાં ચિરાડ પડી : ‘ટ્રૅ...પ!’
‘મારી કૅબિનમાં છૂપા કૅમેરા લાગ્યા છે મોનિકા. તેના અવાજ સાથેનું લાઇવ અહીં દરેકે જોયું અને હવે એ વાઇરલ પણ થવાનું...’
મોનિકા ધ્રૂજી ગઈ. પોતે પાછો ગતખંડની ગાથામાં વનરાજને પણ સાંકળી લીધો! બટ હાઉ? અકિન આટલો પ્રિપેર્ડ હોય જ કઈ રીતે?
‘તું એમાં પડવું રહેવા દે... એટલું જાણ કે રામ રાખે તેને કોણ ચાખે!’
lll
એ બપોરે.. .
રસોડામાં ચા ઉકાળતી અવનિએ માને સંભારી, અકિનને આંખ આગળ આણ્યો ને મક્કમ હાથે શીશીનું પ્રવાહી એમાં ઠાલવી દીધું. પછી નોકરને હાક મારી : ‘રામુ, તારા માલિકની ચા રેડી છે...’
પાંચ મિનિટ પછી વનરાજને એ ચાનો ઘૂંટ ગળતો જોઈને વેર વળ્યાના સંતોષ સાથે અવનિ સરકી ગઈ.
lll
સાંજ સુધીમાં અકિનની ઑફિસનો વિડિયો વાઇરલ થઈ ગયો. નિનાદસરને અકિને વિશ્વાસમાં લઈ રાખેલા. તેમની વગથી ઉચ્ચ સ્તરેથી ચક્રો ગતિમાન થયાં.
અને પોતાના મોબાઇલમાં વાઇરલ થયેલો વિડિયો નિહાળીને વનરાજ મોનિકા પર ભડકે છે ત્યાં પોલીસનું આગમન થયું...
વનરાજને એકદમ પસીનો છૂટ્યો, શરીરની નસો ખેંચાવા લાગી. લોકોએ તો એમ જ માન્યું કે ધરપકડના ભયથી ફફડી ગયેલા વનરાજને લકવો મારી ગયો!
lll
વનરાજના પૅરૅલિસિસના ખબરે મોનિકાને ભાંગી નાખી. દામોદરે આપઘાત કર્યાનું અકિને જોકે જાહેર થવા ન દીધું અને આ બધું કેમ થયું તે બન્નેને ક્યારેય સમજાવાનું નહીં!
કોર્ટના કેસમાં અડચણ ન રહી. વનરાજ-મોનિકાને ઘટતી સજા થઈ. એમાંથી બેઉ ક્યારેય ઊભરવાનાં નહીં!
હા, કોર્ટે દામોદરની બહાદુરીના વિશેષ ઉલ્લેખ સાથે હવેલીનો કબજો સોંપ્યો ત્યારે સવિતાબહેનની આંખો વરસી પડેલી.
lll
આજે સુકેતુ-સુકન્યાનું રિસેપ્શન છે. ઝગમગતા સ્ટેજ પર જઈને સગાં-સ્નેહી નવદંપતીનું અભિવાદન કરી રહ્યાં છે. એ કતારમાં જોડાઈને અવનિ-અકિન ઉપર પહોંચ્યાં.
‘હાય સુકેતુ, મને ઓળખી? હું નયનામાસીની દીકરી.’
‘કોણ નયનામાસી?’ તેનો ઝબકારો થતાં સુકેતુ ઝંખવાયો, બાજુમાં ઊભેલાં સુધાબહેન ચમક્યાં. ત્યાં તો દુલ્હાની નજીક જઈને અવનિએ પાછળથી તેના બે પગ વચ્ચે પોતાનું ઢીંચણ ઠોક્યું, ‘આ મારી મા પર બળાત્કારનો પ્રયાસ કરવાની સજા.’
બેવડ વળી ગયેલા સુકેતુના મોંમાંથી ફીણ આવી ગયાં, દુલ્હને ચીસ નાખી, ‘મમ્મી, આ તો રેપિસ્ટ છે.’
દેકારો મચી ગયો. એમાં નયનાબહેનની દીકરી ક્યાં છૂ થઈ ગઈ એ સમજાયું નહીં, પણ સુકેતુનો ગુપ્ત ભાગ પરનો સોજો મહિને માંડ ઊતર્યો ત્યાં સુધીમાં છૂટાછેડા પણ થઈ ગયેલા.
કર્મ કોઈને છોડતું નથી.
lll
હવેલીનું શુદ્ધીકરણ કરાવીને પરિવાર રહેવા આવી ગયો. નિનાદસરે અકિનને તેમની વાપીની નવી ફૅક્ટરીનો કાર્યભાર સોંપ્યો છે.
અને હા, સવિતાબહેને દીકરાનાં લગ્ન પણ લીધાં... અવનિ જોડે જ તો.
બેઉની જીવનધારા પછી સુખના વળાંકેથી ક્યાંય ભટકી નહીં એ ઉમેરવાની જરૂર ખરી.
(સમાપ્ત)
