Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

Published : 12 April, 2026 03:01 PM | IST | Mumbai
Hiten Anandpara

ધોળે દિવસે તારા દેખાય એવી હાલત બજારોની થઈ છે. ગૅસ પર આધાર રાખતા ઉદ્યોગધંધા પર માઠી અસર પડી છે. ફાફડા-જલેબીના શોખીન આ વખતે તો બચી ગયા છે, પણ ભવિષ્યમાં CNGની સમસ્યા વિકરાળ બને તો ખાલી મરચાં ખાવાનો વખત આવી શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


૪૦ દિવસના ઉતાર-ચડાવ પછી ઈરાન અને અમેરિકા દ્વારા સીઝફાયર બાબતે સહમતી બની ને એનો ટૂંકો હાશકારો આપણે અનુભવ્યો. બે અઠવાડિયાંની સમયમર્યાદામાં ઘણા પ્રશ્નો ઉકેલવાના છે. એમાં જો કોઈ નિવેડો ન આવ્યો તો વિશ્વ પાછું બેબાકળું થઈ જશે અને ભયંકર આર્થિક નુકસાન વેઠવું પડશે. અમૃત ઘાયલની વ્યક્તિગત વેદના વૈશ્વિક દૃષ્ટિએ પણ સાચી લાગે છે.

દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર



મજા કોણ ચખાડત મને આઘાત વગર?
તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર


ધોળે દિવસે તારા દેખાય એવી હાલત બજારોની થઈ છે. ગૅસ પર આધાર રાખતા ઉદ્યોગધંધા પર માઠી અસર પડી છે. ફાફડા-જલેબીના શોખીન આ વખતે તો બચી ગયા છે, પણ ભવિષ્યમાં CNGની સમસ્યા વિકરાળ બને તો ખાલી મરચાં ખાવાનો વખત આવી શકે છે. આપણે ગુજરાતીઓ કોઈ પણ વિકટ સમસ્યામાં સ્વાદનો ચટકો છોડતા નથી. કોરોના દરમ્યાન પણ ચાની ટપરીએ મળીને વાતોનાં વડાં કરતા અમદાવાદીઓને જોઈને મુંબઈગરો થોડો હેબતાઈ ગયેલો. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહો શામ. સુનીલ શાહ જીવન જીવવાની ચાવી આપે છે...

નથી ફાવતુંની કશી રટ વગર
હું જીવ્યા કરું કોઈ ખટપટ વગર


હૃદયથી હૃદય એમ જોડાય છે
સહજતાથી સ્પર્શો જો તરકટ વગર

તરકટ વગર આ સમાજને ચાલ્યું નથી. હવે ખિસ્સાકાતરુઓનો જમાનો ગયો. હવે બૅન્કકાતરુઓ આવી ગયા છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ બેરોકટોક વધતા જ જાય છે. ૨૦૨૨માં ૨૩૦૬ કરોડ રૂપિયા સેરવી લેવાયા તો ૨૦૨૪માં આ આંકડો ૨૨,૮૪૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. ૨૦૨૪-’૨૫માં ભારત નિર્મિત શસ્ત્રોની નિકાસ ૨૩,૬૨૨ કરોડ રૂપિયાની નોંધાઈ છે. અર્થાત્ દેશની ગૌરવશાળી સિદ્ધિની લગોલગ દેશની શાખને હાનિ પહોંચાડતો અપરાધ પહોંચી ગયો. વરિષ્ઠ નાગરિકની આખી મૂડી સાફ થઈ જાય ત્યારે પારાવાર દુઃખ થાય. યામિની ગૌરાંગ વ્યાસની પંક્તિમાં એ વાંચી શકાશે...

કોણ સાંભળશે કિનારાની વ્યથા
નાવ ડૂસકે ચઢી છે જળ વગર

ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર

ફૂલ પર બેઠેલું ઝાકળનું ટીપું એ હવાનું પાણીદાર ચુંબન છે. આમ પારદર્શક મોતી જેવું લાગે અને સૂર્યના કિરણથી જાણે ઝગમગતો હીરો લાગે. એ ફૂલ પર હોય કે પાંદડા પર હોય, એ એનો એક હિસ્સો જ બની જાય છતાં અલિપ્ત હોય. પાસે રહીને કે સાથે રહીને અલિપ્ત કે અકિંચન રહેવું અઘરું હોય છે. અનિલ ચાવડા એ સ્થિતિને શબ્દસ્થ કરે છે...

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર
હું જગતમાં રહું જગતથી સ્હેજે અંજાયા વગર

આવ, તારા પ્રેમનું એક થીંગડું તું મારી દે
જિંદગી રહી જાશે નહિતર મારી સંધાયા વગર

સંબંધનું વસ્ત્ર સમયની સાથે ઘસાતું હોય છે. જૂનાં વસ્ત્રો ફગાવીને બજારમાંથી નવું શર્ટ કે સાડી લઈ આવીએ એ રીતે જૂના સંબંધને છેહ દઈ શકાય નહીં. જરૂર હોય તો એ સંબંધને સાંધવો પડે અને જરૂર હોય ત્યાં રફુ કરવો પડે. પરાણે નિભાવીએ એ નહીં, પ્રેમથી નિભાવીએ એ સાચો સંબંધ. પ્રિયજનની ખામીઓને કારણે જવાબદારીથી હાથ ખંખેરાય નહીં. અન્યથા જયંત ઓઝા કહે છે એવી અનુભૂતિ થાય...

એક ગાડું ક્યારનું પૈડાં વગર
બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર

આંખ ઊંચી જ્યાં કરું બ્રહ્મા હતા
સાવ થાકેલા હતા સરજ્યા વગર

યુદ્ધને કારણે જે વિનાશ થયો છે એ ભરપાઈ કરતાં ખાસ્સો સમય લાગશે. ગાઝા પટ્ટી કાટમાળ તળે દબાઈ ગઈ અને ઈરાનના ઘણા વિસ્તારોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઇઝરાયલને હમાસ અને હિઝબુલ્લાથી બહુ નુકસાન નહોતું થયું, પણ ઈરાને ખાસ્સો મિસાઇલ અને ક્લસ્ટર બૉમ્બનો વરસાદ કરીને તોબા મચાવી દીધી. કાટમાળ હટાવી-હટાવીને વાહનો થાકી જશે અને નવું સર્જન કરતાં તો વર્ષો લાગશે. એમાંય જેમણે પરિવારના નજીકના સભ્યને ગુમાવ્યો છે તેમને કળ કઈ રીતે વળશે? ગુલામ અબ્બાસ ‘નાશાદ’ આ પીડા નિરૂપે છે...

એકધારું તાકતાં થાકી નજર
આભને જોયા કર્યું કારણ વગર

માર્ગમાં અટવાઈ જાવાનું થયું
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર

લાસ્ટ લાઇન

માંડવે આકર્ષણો મૂક્યા વગર

લક્ષ્મીઓ રહી જાય છે પરણ્યા વગર

રીતે જીવ પણચાલ્યો જશે

બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

ઉપરછલ્લી ખરાબી શું કરું?

જાય છે જે આંગળી ચીંધ્યા વગર

આપણા સંબંધનો અંત છે

તોરણો કરમાય છે તૂટ્યા વગર

પુસ્તકો પર ધૂળ બાઝી જાય છે

માણસો મૂંઝાય છે ખૂલ્યા વગર

- લવ સિંહા

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 03:01 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK