આપણી સામે આજના સમયમાં અનેકવિધ દાખલા મળી આવે છે. મોબાઇલ ફોન મમ્મી-પપ્પાથી છૂટે તો સંતાનોને કહી શકેને? સતત હૅમરિંગ જરૂરી હોવાથી કહેવું પડે કે આ ટેક-યુગમાં મોબાઇલ માત્ર આદત નહીં, ઍડિક્શન બની ગયો છે. આમાં મોટા ભાગના પરિવારો સમાઈ જાય.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બાળપણમાં સ્કૂલમાં ભણતા ત્યારે સંત એકનાથના જીવનના એક પ્રસંગનું શિક્ષકો રસપ્રદ વર્ણન કરીને મહત્ત્વ સમજાવતા અને આપણને એ ગમતું પણ ખરું. યાદ છેને? એક માતા પોતાના સંતાનની ગોળ ખાવાની આદત છોડાવવા સંત એકનાથ પાસે તેને લઈને આવે છે. સંત તેને ૧૫ દિવસ પછી આવવાનું કહે છે. એ ૧૫ દિવસમાં સંત એકનાથ પોતે ગોળ ખાવાનું છોડી દે છે. ૧૫ દિવસ બાદ બાળક માતા સાથે ફરી આવે છે અને સંત તેને ગોળ ખાવાની આદત છોડવાનું કહે છે એટલે બાળક તરત માની જાય છે.
આપણી સામે ક્યારેક સંત એકનાથ જેવા પ્રસંગો આવતા હશે. આપણાં જ બાળકો આપણને પૂછતાં હશે અથવા આપણાં જ સંતાનોને ચોક્કસ આદતોમાંથી (હવે વ્યસન કહેવાય) મુક્ત કરવા આપણને મન થતું હશે કે તેને સમજાવીએ, પરંતુ આપણે જ જ્યારે એ આદત કે વ્યસન છોડી શકતા નથી તો સંતાનને સમજાવવું કઈ રીતે? આપણે તો સંત એકનાથ નથી. કરુણતા એ છે કે આપણે પોતે એ જ આદત ચાલુ રાખીને બાળકો-સંતાનોને કે બીજા કોઈને પણ સમજાવવા લાગીએ છીએ કે આમ કરો, આમ ન કરો; આ સારું કહેવાય અને પેલું બૂરું ગણાય. કહતા ભી દીવાના, સુનતા ભી દીવાના. પરિણામ ક્યાંથી મળે? જ્યારે આપણને ખુદને જ સત્યની સમજણ નથી.
આપણી સામે આજના સમયમાં અનેકવિધ દાખલા મળી આવે છે. મોબાઇલ ફોન મમ્મી-પપ્પાથી છૂટે તો સંતાનોને કહી શકેને? સતત હૅમરિંગ જરૂરી હોવાથી કહેવું પડે કે આ ટેક-યુગમાં મોબાઇલ માત્ર આદત નહીં, ઍડિક્શન બની ગયો છે. આમાં મોટા ભાગના પરિવારો સમાઈ જાય. જેન ઝી તરીકે ઓળખાતી અને ટૅલન્ટેડ પણ ગણાતી આજની યુવા પેઢી મોબાઇલ વિના તો જીવી જ ન શકે. આ ઉપરાંત ટીવી-ચૅનલો, OTT પ્લટફૉર્મ, ફાસ્ટ ફૂડ, ફૅશન, બેફામ શૉપિંગ, ચૅટિંગ, ડેટિંગ જેવી અનેક બાબતોની આ પેઢી બંધાણી બની ગઈ છે. તેમને આજના સમયમાં સંત એકનાથ મળવા મુશ્કેલ જ નહીં, અસંભવ છે. આ લોકોમાં એક નાનો વર્ગ શિસ્તબદ્ધ પણ છે જે આ બધી વસ્તુઓનો ઉપયોગ સંયમ સાથે કરે છે. એને કારણે તેઓ વસ્તુઓનો ઉપયોગ કરે છે, વસ્તુઓ તેમનો ઉપયોગ નથી કરતી.
તમને થઈ શકે કે અત્યારે વળી સંત એકનાથ ક્યાંથી આવ્યા? હવે સંત પોતે પણ આવે તો તેમનું કોણ સાંભળશે કે માનશે? વાસ્તવિતા એ છે કે હાલના સમયમાં જ સંત એકનાથ જેવી હસ્તીઓ-વ્યક્તિઓની જરૂર છે. આ સંતો ભલે આજે ન મળે; પરંતુ તેમનો સંદેશ, તેમની શીખ, તેમનું પ્રેરણામય જીવન તો આજે પણ આપણી સામે છે. એને યાદ કરીએ તો પણ સમજણ અને વિવેકના અંકુર ફૂટી શકે. શરૂઆત જાત સાથે જ કરવાની રહે.


