Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ છોકરિયું કુંવારી શું કામ રહી જાતી હશે?

આ છોકરિયું કુંવારી શું કામ રહી જાતી હશે?

Published : 19 April, 2026 04:18 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

લગ્નની વાત ચાલે છે ત્યારે મિત્રો એક વાત યાદ રાખજો કે સુખી થવા માટે પરણવા કરતાં કોઈને સુખી કરવા માટે પરણનારા હંમેશાં ખુશ રહેતા હોય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


‘તમારે લગ્ન જ ન કરવાં હોય’ અને ‘તમારાં લગ્ન થાય નહીં’ આ બન્ને વસ્તુમાં આમ તો જમીન-આસમાનનો કરક છે. પુરુષ વાંઢો રહી જાય તો ઘણી વાર હાંસીપાત્ર બને, જ્યારે છોકરીનાં લગ્ન રહી જાય તો તે દયાપાત્ર બને. સ્વેચ્છાથી ન પરણેલી સ્ત્રીઓ મોટા ભાગે સમાજસેવા કે ધાર્મિક પ્રવૃત્તિમાં પોતાની જાતને ઓગાળી દયે, પરંતુ પોતાની જીદને લીધે કુંવારી રહી હોય એવી સ્ત્રીઓનાં વૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે? આવું મને મારા એક ભાઈબંધે ગયા અઠવાડિયાનો લેખ વાંચીને પૂયછું ને હું તો નવરીબજાર, આપણે લાગી ગ્યા કારણો ગોતવામાં.

કારણમાં સૌથી મથાળે જે કારણ આવ્યું એની વાત પહેલાં કરીએ. એ કારણ છે શહેરના ઓરતા...



‘મારે તો રાજકોટની બહાર જવું જ નથી!’, ‘મને અમદાવાદ સિવાય દમ ઘંટાય!’, ‘મુંબઈની બહાર ના પરણાય, મરી જવાય!’ લગભગ દરેક મોટા શહેરમાં જુવાન થનારી કન્યાઓ આવી અવળી જીદે ચડી જાય છે. અલી ઘેલી, પરણવાનું વ્યક્તિ સાથે છે કે શહેરના બોર્ડ સાથે. ચર્ચગેટવાળી કન્યાને કાંદિવલીમાં નથી પરણવું તો નરોડાવાળીને ચાંગોદર નથી જાવું, બોલો લ્યો... શહેરનો રાખો છે એટલો મોહ પાત્રમાં રાખો તો તે જ્યાં હશે ત્યાં તમને સ્વર્ગ જેવું લાગશે. તમામ કન્યાઓ મેટ્રો ​સિટી તરફ મીંઢોળ બાંધીને દોડી રહી છે એ જોતાં તો એમ લાગે છે કે આવનારાં વર્ષોમાં ગામડામાં જન્મવું એ અભિશાપ થઈ જશે. કન્યાઓની આ ઘેલછા ગામડાંઓને સ્મશાન બનાવ્યે પૂર્ણ થશે કે શું?


બીજા નંબરે આયવું, બેબી હજી નાની છે!

સ્ત્રી આમ તો કદી મોટી ઉંમરની હોતી જ નથી, પરંતુ આ વાક્ય કેટલીક સ્ત્રીઓ પિસ્તાળીસ કે સાઠ વર્ષની થાય ત્યાં સુધી પ્રામાણિકતાથી પકડી રાખે છે. કેટલાંક માતા-પિતા સારા ઘરનું માગું આવે ત્યારે વાત આગળ વધાર્યા વિના સીધું જ પરખાવે છે કે ‘અમારી દીકરી તો હજી ભણે છે.’ અલ્યા ભ’ઈ, અમારો ગગો કાંઈ તમારી ગગીના ભણવાના ચોપડા ફાડી નાખે એવો લાગે છે? અમારે ખાનદાન કાંઈ સાવ નિરક્ષર થોડું છે? આ પપ્પાને જે પરી નાનકડી લાગે છે ક્યારેક તેણે દીકરીની ફેસબુક કે ઇન્સ્ટાની પોસ્ટ પણ વાંચવાનો સમય કાઢવો જોઈએ. સત્ય સમજાઈ જશે કે ગગીને આવતી કાલે જ વળાવી દેવી જોઈએ. બહુ નાની ગણ્યા કરશો તો પછી એ કદી ‘નાની’ નહીં બને હોં!


વાત આયવી ત્રીજા કારણની, જે કારણમાં ઘરનાવ બધાય આગળ પડતા રહે છે. આ કારણ છે, બાપ રે બાપ! આ બધાય તો ભેગા રયે છે...

‘મુરતિયાનું ૮ જણનું કુટુંબ છે અને એમાં સૌથી નાની વહુ ન થવાય.’

બોલો, હવે આ બેનબાની ચૉઇસ માટે આપણે રૅશનકાર્ડમાં વચ્ચે હોય એવો વરરાજો ક્યાં શોધવો? ‘આ લોકોને તો આગળ-પાછળ બહુબધા છે...’ બેન આગળ-પાછળ કોઈ જોતું ન હોય તો અનાથાશ્રમ બાજું ધ્યાન દોડાવો. આજના સમયમાં વડીલોની હૂંફ અને આશીર્વાદ તમામ કપલને જોઈએ છે, પરંતુ વડીલો કોઈને નથી જોઈતા! પોતાના નવજાત શિશુની પ્રૉપર સંભાળ માટે માતા-પિતા કૅરટેકર તરીકે બધા ઇચ્છે છે, પરંતુ તે માતા-પિતાની કૅર ટેક બહુ ઓછા કરે છે. જૉઇન્ટ ફૅમિલીમાં નહીં પરણવાની જીદ કરીને કુંવારી બેઠેલી કન્યાઓ પાછી પોતાનાં ત્રણેય ભાઈઓ અને ભાભીઓ સાથે જ રહેતી હોય છે. આને કહેવાય વિકાસ!!

આ માળી બેટી ભણેલીગણેલી છોકરીઓ પાસે ચોથું કારણ હોય ને ક્યે, આઇ વૉન્ટ ફ્રીડમ...

‘મને તો કોઈની અન્ડરમાં જીવવું જ નથી. આઇ ઍમ અ ફ્રી બર્ડ, આઇ વૉન્ટ ફ્રીડમ...’ આવાં વાક્યો પચ્ચીસ વરસે કહેનારી કેટલીયે યુવતીઓ પિસ્તાળીસ પછી સાઇકિયાટ્રિસ્ટની ડિપ્રેશનની દવા લેતી નજરે પડે છે. ફ્રી બર્ડની જિંદગીમાંથી બર્ડ નીકળી જાય છે. અમુક કન્યાઓ પશ્ચિમની જીવનશૈલીને પૂર્વમાં જીવી લેવા તલપાપડ હોય છે. જવાબદારી શબ્દ જ જેને બાણશય્યા જેવો લાગતો હોય તેવા ઘણાને વર્ષો પછી ‘શય્યા’ જ બાણ જેવી લાગવા માંડે છે. ફ્રીડમની સગલી થા મા બેન, નબળું—પાતળું ગોતીને ગોઠવાઈ જા, તું નસીબદાર હોઈશ તો તારા પગલે વરને કૅનેડા કે અમેરિકાના વીઝા મળી જાશે તો પછી ફ્રીડમના સ્વિમિંગ-પૂલમાં એયને આજીવન ધુબાકા માર્યા કરજે! સ્વચ્છંદતાને સ્વભાવ ન બનાવાય બેબલી. દૂષણોનું સ્વચ્છતા અભિયાન કરી શકે એવો સાવરણો ક્યાંય માર્કેટમાં નથી મળતો. પરણી જા બાઈ, નહીંતર આગળ આવશે એકલતાની ખાઈ.

પાંચમું કારણ સીધું ગજવે જઈને અડે છે. સામેવાળાની નબળી આર્થિક પરિસ્થિતિ.

હવેની છોકરીઓ તો મુરતિયો જોવા આવે ત્યારે જ માઇક્રો-ઑબ્ઝર્વેશન કરી લ્યે છે. તે કઈ ગાડીમાં આવ્યો? તેની પાસે કયો મોબાઇલ છે? આ ભૂરો મને miનો મોબાઇલ તો ગિફ્ટ નહીં આપેને? મારે તો આઇફોન જ જોઈએ (પછી ભલેને મારા બાપજીના ઘરે કોઈની આઇફોનની ત્રેવડ ન હોય). મોબાઇલથી માનસિકતા ન મપાય બેન! ભલે અત્યારે પરિવાર મધ્યમવર્ગનો છે, પરંતુ તારાં પગલાં થશે ને તું જો કરકસરથી ઘર ચલાવશે તો પાંચ વરસમાં સૌ સારાંવાનાં થશે. બૅન્ક-બૅલૅન્સ, મોંઘી ગાડી અને મોટા બંગલા જોઈને હરખે-હરખે પરણનારી કેટલીયે કન્યાઓને ફાઇવસ્ટાર બંગલામાં દવા પીવાના દિવસો આવ્યા છે. માટે છોકરો કાંડાવાળો હોય, તને સદ્ગુણી લાગે અને તારા દિલમાં તેની ઘંટડી વાગે તો આર્થિક પરિસ્થિતિને ગોળી મારજે બેન! વર-કન્યાનો એકબીજા પરનો ભરોસો મજબૂત થશે તો કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો મળશે જ! આગે બઢો.

આ તો અત્યારે પાંચ કારણની વાત કરી, પણ ટૂંકમાં કહું તો કન્યાઓ પાસે ન પરણવાનાં આજે આવાં એક હજાર બહાનાં હોઈ શકે. પરણવાનું એક જ કારણ પૂરતું છે કે સુખી થાવા કરતાં કોઈને સુખી કરવા માટે પરણવું જરૂરી છે. સમયસર પરણી જાવ બેનબા, નહીંતર પછી આન્ટી થઈ જશો.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 04:18 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK