પૈસા ખૂટી જવાના ડરથી દરેક નાની વસ્તુનો ફરી ઉપયોગ કરવાની અને નાના ખર્ચમાં પણ કરકસર કરવાની આદત ક્યારેક આપણી વિચારસરણીને મર્યાદિત કરી દે છે.
પ્રતીકાત્મક તસવીર
પૈસા ખૂટી જવાના ડરથી દરેક નાની વસ્તુનો ફરી ઉપયોગ કરવાની અને નાના ખર્ચમાં પણ કરકસર કરવાની આદત ક્યારેક આપણી વિચારસરણીને મર્યાદિત કરી દે છે. સતત શું બચાવી શકાય એના પર ધ્યાન આપવાને બદલે આવક વધારવાની, નવી તકો શોધવાની અને પોતાની ક્ષમતાનો ઉપયોગ કરવાની દિશામાં વિચારવું એ સમૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. આજે ધનતેરસે સમજીએ પૈસા બચાવવા કે વાપરવા વિશે કેવી માનસિકતા હોવી જોઈએ
ઘરમાં જૂનાં છાપાંનો ઢગલો થાય એટલે એને રદ્દીમાં વેચીને બે પૈસા પાછા મેળવવાની રાહ જોવી, શાકભાજીની લારીએ જઈને પાંચ-દસ રૂપિયા ઓછા કરાવવા માટે ભાવતાલ કરવો, શૅમ્પૂની બૉટલ ખાલી થઈ જાય તોય એમાં પાણી રેડીને છેલ્લું ટીપું પણ વસૂલ કરવું, ટૂથપેસ્ટ સાવ પતી ગઈ હોય તોય વેલણથી વણીને કે કાતરથી કાપીને અંદરથી પેસ્ટ કાઢવાની મથામણ કરવી, દૂધ તપેલીમાં રેડીને ખાલી થેલીમાં થોડું પાણી નાખીને અને એને ધોઈને એ દૂધવાળું પાણી તપેલીમાં ઉમેરવું, બહાર જવાનાં કપડાં જૂનાં થાય એટલે એ પહેલાં નાઇટ સૂટ બને અને પછી ફાટીને ઘરનું પોતું બની જાય અને એ પણ સાવ ચીંથરું થઈ જાય ત્યાં સુધી સાચવવામાં આવે, કરિયાણા કે શાકભાજીવાળા પાસેથી મળેલી પ્લાસ્ટિકની થેલીઓ ક્યારેક કામ લાગશે એમ વિચારીને વર્ષો સુધી ભરી રાખવી, હોટેલમાં જમ્યા પછી વધેલું ખાવાનું કે કેચપનાં પાઉચ ફ્રિજમાં સાચવી રાખવાં અથવા ફ્રીમાં મળતો નૅપ્કિન કે પ્લાસ્ટિકની ચમચીઓ બૅગમાં ભરીને ઘરે લઈ આવવી આ બધી જ આદતો આપણી અંદર ઊંડે-ઊંડે રહેલી પૈસા બચાવવાની માનસિકતા દર્શાવે છે. જોકે વસ્તુઓનો ફરી ઉપયોગ કરવો કે બિનજરૂરી ખર્ચ ટાળવો એ બિલકુલ ખોટું નથી, પરંતુ જ્યારે આપણે આવી નાની-નાની વસ્તુઓમાંથી પણ પૈસા બચાવવાની મથામણ કરવા લાગીએ ત્યારે થોડું વિચારવાની જરૂર છે. સવાલ એ છે કે શું આપણે ખરેખર પૈસા બચાવી રહ્યા છીએ કે પછી પૈસા ખૂટી જવાના ડરથી દરેક નાની વસ્તુ સાથે જોડાઈ રહ્યા છીએ? એનું કારણ એ કે જો આપણું ધ્યાન સતત એના પર જ રહેશે કે આપણી પાસેથી શું ઓછું થઈ રહ્યું છે તો જીવનમાં સમૃદ્ધિ વધારવાની મોટી તકો તરફ આપણી નજર કઈ રીતે જકે?
ADVERTISEMENT
પૈસા સાથેનો સંબંધ પણ મહત્ત્વનો છે
પૈસા ખર્ચતી વખતે મનમાં ખચકાટનો ભાવ ન રાખીને ખુલ્લા દિલથી ખર્ચ કરવા પર ધ્યાન આપવું કેમ જરૂરી છે એ વિશે વાત કરતાં મૅનિફેસ્ટેશન કોચ નિકિતા ગાયકવાડ કહે છે, ‘પૈસા પ્રત્યે મનમાં ડર કે પસ્તાવો રાખવાને બદલે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાનો ભાવ રાખવો જોઈએ. મૅનિફેસ્ટેશનના સિદ્ધાંત મુજબ આપણે જે બાબત પર સતત ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એની સીધી અસર આપણી વિચારસરણી અને નિર્ણયો પર પડે છે. જો કોઈ વ્યક્તિ સતત પૈસા ખૂટી જવાના ડરથી માત્ર નાની-નાની બચત કરવા અને ખર્ચ ઘટાડવા પર જ ધ્યાન આપ્યા કરે તો આવક વધારવાની, નવી તકો શોધવાની અને પોતાની ક્ષમતાનો વધુ સારો ઉપયોગ કરવાની દિશામાં વિચારવાની તેની મેન્ટલ સ્પેસ ઓછી થઈ જાય છે. એને બદલે આપણે સમૃદ્ધિની માનસિકતા કેળવવી જોઈએ. પૈસા સાથેનો એક સ્વસ્થ સંબંધ એટલે ખુલ્લા મનથી લક્ષ્મીજીનું સ્વાગત કરવું, એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો અને એવો અતૂટ વિશ્વાસ રાખવો કે એ ફરીથી અનેકગણા થઈને આપણી પાસે પાછા આવશે. તમે જ્યારે પણ પૈસા ખર્ચો ત્યારે એને એક આશીર્વાદ આપીને વિદાય કરવાની આદત કેળવો. જેમ કે પૈસા આપતી વખતે મનમાં કહો કે પ્રેમ સાથે જાઓ અને સમૃદ્ધિ સાથે પાછા આવો. આ રીતથી પૈસા ખર્ચતી વખતે કંઈક ગુમાવ્યાના અફસોસને બદલે પૈસાના પ્રવાહ પ્રત્યે એક સકારાત્મક ભાવના વિકસે છે. આ વિચારને રોજિંદા જીવનમાં ઉતારવાનો એક સરળ રસ્તો એ છે કે પૈસા ખર્ચતી વખતે માત્ર કેટલી રકમ ગઈ એ જોવાને બદલે એ ખર્ચ શા માટે કર્યો છે એનો સાચો હેતુ સમજવો. દાખલા તરીકે પોતાની આવડત વધારવા માટે કોઈ નવો કોર્સ કરવો, સારા સ્વાસ્થ્ય માટે જિમની મેમ્બરશિપ લેવી કે પરિવાર સાથે સમય પસાર કરવા કોઈ પ્રવાસનું આયોજન કરવું. આ બધો ખર્ચ માત્ર પૈસા વાપરવા પૂરતો નથી, આપણી પોતાની પ્રગતિ અને પરિવારની ખુશીઓ પાછળ કરેલું એક શ્રેષ્ઠ રોકાણ છે.’
પૈસા ખૂટી જવાનો ડર ક્યાંથી પેદા થાય છે?
કેટલાક લોકો પાસે પૂરતા પૈસા હોવા છતાં ખર્ચ કરતી વખતે અપરાધભાવ કે ચિંતા અનુભવાતી હોય છે. એ વિશે વાત કરતાં નિકિતા ગાયકવાડ કહે છે, ‘આ માનસિકતા પાછળ ઘણી વાર બાળપણમાં કેળવાયેલી માન્યતાઓ જવાબદાર હોય છે. નાનપણમાં વારંવાર સાંભળવા મળતાં વાક્યો જેમ કે ‘પૈસા કંઈ ઝાડ પર ઊગતા નથી’ અથવા ‘બિનજરૂરી ખર્ચ ન કરવો જોઈએ’ મનમાં ઘર કરી જાય છે. એ જ રીતે ઘરમાં પૈસાની તંગી જોઈ હોય કે માતા-પિતાને પૈસા માટે સંઘર્ષ કરતાં જોયાં હોય તો એની ઊંડી અસર પણ વ્યક્તિની વિચારસરણી પર પડી શકે છે. મોટા થયા પછી પણ આવી વ્યક્તિ પૈસા ખર્ચવામાં અસ્વસ્થતા અનુભવી શકે છે. કેટલાક લોકોને પૈસા ખર્ચ્યા વિના ચેન નથી પડતું, જ્યારે કેટલાકને બૅન્ક-અકાઉન્ટમાં પૂરતા પૈસા હોવા છતાં બૅલૅન્સ ઘટી જવાનો સતત ડર રહે છે. આ માન્યતાઓ કોઈ હકીકત નથી પરંતુ ભૂતકાળના અનુભવોમાંથી કેળવાયેલી માનસિક આદતો છે. એને ઓળખીને પોતાની વિચારસરણીમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. એ માટે બાળપણના નકારાત્મક અનુભવો અને ડરને માત્ર એક જૂની માનસિક આદત ગણીને વર્તમાનની મજબૂત આર્થિક વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ. પૈસા જીવનને માણવાનું અને જરૂરિયાતો પૂરી કરવાનું સાધન છે એવું સમજીને, બજેટ બનાવીને, ચિંતા વગર ખર્ચ કરવાની શરૂઆત કરવી જોઈએ.’
અભાવની માનસિકતા છોડો, સકારાત્મક ભાવ કેળવો
જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદવાની ઇચ્છા થાય ત્યારે શું તમારા મનમાં તરત જ એવા સવાલો ઊભા થાય છે કે આટલા પૈસા ખર્ચવાની શું જરૂર છે? ખરીદી પછી બૅન્ક-બૅલૅન્સ ઘટી જશે તો? આવા વિચારોને કારણે વ્યક્તિ પોતાની પસંદગીની વસ્તુ ખરીદ્યા પછી પણ એનો આનંદ માણી શકતી નથી અને સતત ખર્ચ વિશે જ વિચારતી રહે છે. મનોવિજ્ઞાન અને મૅનિફેસ્ટેશનમાં આ સ્થિતિને અભાવની માનસિકતા એટલે કે સ્કેર્સિટી માઇન્ડસેટ કહેવામાં આવે છે. આ માનસિકતામાંથી બહાર આવવા માટે સતત પ્રયાસો કરવા પડે છે અને એ માટેનાં સ્ટેપ્સ નિકિતા ગાયકવાડ નીચે મુજબ સૂચવે છે:
તમે જ્યારે પૈસા ચૂકવો છો ત્યારે માત્ર એટલું જ ન જુઓ કે તમારી બૅન્કમાંથી પૈસા ગયા. એ જુઓ કે એના બદલામાં તમને કઈ કીમતી વસ્તુ, સુવિધા કે ખુશી મળી રહી છે.
બિલ ચૂકવતી વખતે મનમાં વિચારો કે હું નસીબદાર છું કે મારી પાસે આ બિલ ચૂકવવાના પૈસા છે અને આ સુવિધા મને મળી રહી છે.
જ્યારે તમે તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ કે ખુશી પાછળ ખર્ચ કરો છો ત્યારે એને વેડફાયેલા પૈસા ન ગણો. એને તમારા પોતાના વિકાસ અને માનસિક શાંતિમાં કરેલું રોકાણ ગણો.
જે વસ્તુઓ તમને લાંબા ગાળાનો આનંદ નથી આપતી ત્યાં ખર્ચ ઘટાડો, જેથી તમને ગમતી વસ્તુઓ પાછળ મુક્ત મને ખર્ચ કરવાનું બજેટ મળી રહે.
તમે રોજિંદા જીવનમાં આ અફર્મેશન પણ બોલી શકો છો...
પૈસા સરળતાથી અને વિપુલ પ્રમાણમાં મારી પાસે આવે છે.
હું આનંદથી પૈસા ખર્ચું છું અને એ અનેકગણા થઈને મારી પાસે પાછા આવે છે.
હું ખુશી અને સમૃદ્ધિ બન્નેને પાત્ર છું.
આવાં વાક્યો પૈસા પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલવામાં ચોક્કસ મદદ કરે છે. જોકે એક વાત યાદ રાખવી જરૂરી છે કે માત્ર સકારાત્મક વાક્યો બોલવાથી જ આર્થિક સ્થિતિ બદલાઈ જતી નથી. માનસિકતા બદલવાની સાથે-સાથે આવક વધારવા માટે મહેનત કરવી, ખર્ચનું યોગ્ય આયોજન કરવું અને ફાઇનૅન્શિયલ ગોલ્સ નક્કી કરીને પ્રૅક્ટિકલ પગલાં લેવાં પણ એટલાં જ જરૂરી છે.
પૈસાનો પ્રવાહ એટલે માત્ર ખર્ચ કરવો નહીં
પૈસાને એક પવિત્ર અને ગતિશીલ ઊર્જા માનવામાં આવે છે એટલે એ સતત વહેતી રહે તો જ જીવનમાં ખરી સમૃદ્ધિ અને સંતોષ લાવી શકે છે. જોકે ઊર્જાના આ પ્રવાહને સમજવામાં ઘણી વાર લોકો ભૂલ કરી બેસે છે. નાણાકીય પ્રવાહનો અર્થ એવો જરાય નથી કે આપણે વિચાર્યા વગર માત્ર પૈસા ખર્ચતા જ રહીએ. આ વિષય પર ખૂબ જ ઊંડી અને પરિપક્વ સમજ આપતાં નિકિતા ગાયકવાડ કહે છે, ‘પૈસાનો સાચો પ્રવાહ એ કમાણી, બચત, રોકાણ, દાન અને પોતાની અનિવાર્ય જરૂરિયાતો તથા મનની ખુશી માટે ખર્ચ કરવો આ બધી જ બાબતોનો એક સંતુલિત સમન્વય છે. સમજદારીપૂર્વક અને યોગ્ય દિશામાં પૈસા વાપરવા એ પણ આ ઊર્જાના પ્રવાહનો જ એક અનિવાર્ય હિસ્સો છે. ઘણા લોકો બજેટ બનાવવાની પ્રક્રિયાને એક બંધન માને છે, પણ વાસ્તવમાં બજેટિંગ એટલે પૈસા ખર્ચવા પર નિયંત્રણ મૂકવું કે ઇચ્છાઓને મારી નાખવી એવું નથી. એનો અસલી હેતુ આર્થિક બાબતોમાં રહેલી અવ્યવસ્થા અને અનિશ્ચિતતાને દૂર કરીને સાચી નાણાકીય સ્વતંત્રતા મેળવવાનો છે. આ એક એવી વ્યવસ્થા છે જ્યાં તમે તમારી આવકમાંથી થોડા પૈસા ભવિષ્ય માટે બચાવો છો, એને વધારવા માટે યોગ્ય જગ્યાએ રોકાણ કરો છો, સમાજ પ્રત્યેની ફરજ સમજીને પોતાની ક્ષમતા મુજબ દાન કરો છો અને જે વસ્તુઓ તમને માનસિક શાંતિ, ખુશી કે સકારાત્મક ઊર્જા આપે છે એના પર પણ મોકળા મને ખર્ચ કરો છો. આ બધી બાબતો પરસ્પરવિરોધી નથી પરંતુ એકબીજા સાથે પૂરક બનીને ખૂબ જ સરળતાથી શક્ય બની શકે છે.’
પૈસા બચાવવાનો હેતુ માત્ર બૅન્ક-બૅલૅન્સ વધારવાનો જ નહીં, ભવિષ્યમાં સુરક્ષા અને વર્તમાનમાં જીવનની ગુણવત્તા જાળવવાનો પણ હોવો જોઈએ. પોતાની આવડત વધારવી, નવી તકો શોધવી અને આવકના સ્રોતો વધારવા માટે પ્રયત્ન કરવો પણ આ જ વિચારસરણીનો ભાગ છે.
