મુલુંડમાં રહેતી ૩૧ વર્ષની શ્રુતિ તન્નાને અચાનક એક આૅટો ઇમ્યુન રોગ ડિટેક્ટ થયો અને ધીમે-ધીમે સ્નાયુઓ નબળા પડવા માંડ્યા, સ્કિનનો રંગ બદલાવાનું શરૂ થયું અને વારંવાર ટીબી થવાથી ફેફસાં ખતમ થવા માંડ્યાં
૩૧ વર્ષની શ્રુતિ તન્ના
થોડીક તકલીફ આવે અને લોકો પડી ભાંગે અને ન કરવાના વિચારો થકી જાતને અંદરથી ડિપ્રેશનમાં ઝોંકી નાખતાં વિચારે નહીં. એવા સમયે પોતાની શારીરિક અને માનસિક સ્ટ્રગલનો કોઈ ધારે તો રચનાત્મક ઉપયોગ પણ કરી શકે છે એ શીખ મુલુંડમાં રહેતી શ્રુતિ તન્ના પાસેથી મેળવવા જેવી છે. ૩૧ વર્ષની આ યુવતી ૧૦ મિનિટ એકધારું બોલે તો તેને હાંફ ચડવા માંડે એવી સ્થિતિમાં છે. તેને હરવાફરવા માટે વ્હીલચૅરનો ઉપયોગ કરવો પડતો હોય છે અને પોતાના બેડ પરથી બાથરૂમ સુધી ચાલે તો હાંફ ચડવાથી તેણે ઑક્સિજન સપોર્ટ પર રહેવું પડતું હોય છે. આનું કારણ છે નવેક વર્ષ પહેલાં તેને થયેલી સિસ્ટમિક લુપસ એરિથેમેટોસસ નામની ઑટો ઇમ્યુન બીમારી જેને ટૂંકમાં SLE તરીકે ઓળખવામાં આવે છે. ઑટો ઇમ્યુન ડિસીઝ એટલે એવી બીમારી જેમાં તમારા પોતાના શરીરના કોષો જ તમારી વિરુદ્ધ થઈ જાય અને શરીરના સ્વસ્થ કોષો પર અટૅક કરે. પરિણામે શરીરમાં આવતા સોજા અને ઇન્ટરનલ ડૅમેજની અસર સ્કિન, સાંધાઓ, કિડની અને મગજ પર પડે. આવું થવા પાછળનું કારણ હજી સુધી ડૉક્ટર શોધી નથી શક્યા અને આ રોગને મટાડવો પણ સંભવ નથી. પ્રોગ્રેસિવ એટલે કે ધીમે-ધીમે આગળ વધતા આ રોગની સ્પીડને ઘટાડી શકાય એવી દવાઓ છે. લગભગ બાવીસ વર્ષની ઉંમરે કૉમર્સમાં માસ્ટર્સ કર્યા પછી પોતાની પહેલી કૉર્પોરેટ જૉબમાં લાગેલી શ્રુતિને નોકરી શરૂ કર્યાને એક જ મહિનો થયો હતો અને અચાનક સ્કિનમાં ટાઇટનેસ દેખાવાનું શરૂ થયું અને હાથના કલર-ટોનમાં બદલાવ આવતો દેખાયો એટલે ત્વચારોગના નિષ્ણાતની મુલાકાત લીધી. રાહતદરે ઇલાજ કરતી સંસ્થાની હૉસ્પિટલમાં ડૉક્ટર પાસેથી મળેલા ઓપિનિયનથી સંતોષ ન થતાં તેણે પ્રાઇવેટ ક્લિનિકમાં નિષ્ણાતનો સંપર્ક કર્યો અને ખબર પડી કે તેને એક એવો રોગ લાગુ પડ્યો છે જેનો કોઈ ઇલાજ નથી અને તેની પરિસ્થિતિ દિવસે-દિવસે વકરતી જવાની છે. જીવનના અસલી સંઘર્ષની શરૂઆત થઈ અને એમાંથી છેલ્લાં નવ વર્ષમાં માર્ગ શોધતી આ યુવતીએ કઈ રીતે પોતાની સ્ટાર્ટઅપ જર્ની શરૂ કરી એ વિશે વાત કરીએ.
અફકોર્સ અઘરું હતું
ADVERTISEMENT
હેલ્થ બગડી છે અને હજી વધુ બગડશે એવી ખબર પડે ત્યારે ધ્રાસકો તો લાગે જ, પણ શ્રુતિએ પોતાની જાતને કઈ રીતે હૅન્ડલ કરી એ વાત કરતાં તે કહે છે, ‘મને ‘વાય મી?’વાળો પ્રશ્ન નહોતો થયો કારણ કે બાળપણથી જ એક વસ્તુ સમજાઈ છે કે જે પણ થાય છે એ કોઈક કારણથી થાય છે. જોકે મને પ્રશ્ન થયો હતો કે ‘નાઓ વૉટ?’ હવે હું શું કરીશ? આ પ્રૉબ્લેમ ડિટેક્ટ થયા પછી પણ થોડોક સમય મેં કૉર્પોરેટ જૉબ ચાલુ રાખી હતી. જોકે ત્યાંનું AC મારા માટે અનબેરેબલ બની ગયું. સેન્ટ્રલાઇઝ્ડ ACને કારણે ખૂબ ઠંડી લાગતી અને એમાં મારી સમસ્યા વધુ વકરી રહી છે એવું ફીલ થતું. એ દરમ્યાન મને થયું કે હું લોકોની મદદ થાય એવું કંઈક કરું અને હું એક બહુ જ મોટા ગજાની સામાજિક સંસ્થા સાથે જોડાઈ. ત્યાં મને ટીચિંગની જૉબ મળી અને હું વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશ શીખવતી. સ્લમમાં જવું પડે અને ટીચર તરીકેની આ જર્ની મારા માટે યાદગાર હતી. જોકે એ દરમ્યાન મને ટીબી થયો અને કામમાંથી બ્રેક લેવો પડ્યો. એ દરમ્યાન લાંબા બ્રેકને કારણે એ સામાજિક સંસ્થા સાથેનું કામ છોડી દીધું. એમાં આવક સારી થતી. એ પછી હું ઘરે રેસ્ટ કરતી. એ દરમ્યાન કોવિડ સમયે હું એસેન્શિયલ ઑઇલની ફ્રૅગ્રન્સવાળાં સોપ અને પછી કૅન્ડલ સાઇડ-બાય- સાઇડ શોખથી બનાવતી હતી. ઘરે રહીને આઠ-નવ મહિનાનો રેસ્ટ આવ્યો ત્યારે પણ એ કામ ચાલુ રાખ્યું. હેલ્થ થોડીક બેટર થઈ એટલે બીજા એક NGO સાથે જોડાઈ. એમાં પણ ટીચિંગનું કામ કર્યું. એ દરમ્યાન ફરી બીજી વાર ટીબી આવ્યો. ફરી સિસ્ટમ બદલવી પડી. પછી લંગ્સની હાલત એવી થઈ ગઈ કે હવે તો ઊભા પણ રહી શકાય એમ નહોતું એટલે વર્ક ફ્રૉમ હોમનો ઑપ્શન ગોતી રહી હતી. મારા જ NGOના બૉસે મને વિવિધ સેશન્સને ઑબ્ઝર્વ કરીને નોટ્સ બનાવવાનું, ટ્રેઇનર્સને ફીડબૅક આપવાનું કામ ઘરે બેસીને કરવાની વ્યવસ્થા કરી આપી. જોકે પછી તો એ અઘરું થયું એટલે એ બધું જ મૂકી દીધું.’
મદદ લેવી પડે ત્યારે...
શ્રુતિનાં મમ્મી મેકઅપ-આર્ટિસ્ટ છે અને હેલ્થને કારણે પિતા અત્યારે ઘરે જ છે. તેનાથી નાના બે ભાઈઓ છે. પરિવારની સૌથી મોટી દીકરી હોવાને કારણે હંમેશાં આત્મનિર્ભર રહી છે એ વાતે તેમને શરૂઆતમાં ખૂબ માનસિક સંઘર્ષ આપ્યો એમ જણાવીને તે કહે છે, ‘હું નાનાંમાં નાનાં કામ પણ જાતે કરતી. મને ક્યારેય કોઈની હેલ્પ લેવી ન ગમે. મને હંમેશથી સેલ્ફ-ડિપેન્ડન્ટ બનવું હતું, પરંતુ કુદરતે કંઈક જુદું વિચાર્યું હતું. અત્યારે મને નવડાવવાથી લઈને બ્રશ કરાવવા સુધીમાં મારે કોઈકની હેલ્પ લેવી પડે છે. શરૂઆતમાં એને કારણે હું ખૂબ માનસિક તાણ અનુભવતી કારણ કે એ ઈઝી ન હોય જ્યારે તમારે દરેક કામ માટે હેલ્પ માગવી પડે. જોકે એ પછી મને હૅરી પૉટરમાં આવતો એક ડાયલૉગ યાદ આવતો જેમાં એક જજનું કૅરૅક્ટર છે જે કહે છે કે હૅરી, હેલ્પની જરૂર પડી શકે અને હેલ્પ માગવી પણ પડે એમાં કંઈ ખોટું નથી. બસ, આ વાતને સમજીને મેં સ્વીકારી લીધી અને એ જ મારી સ્ટ્રેન્ગ્થ પણ બની ગઈ. અત્યારે હું બાથરૂમમાં શાવર લઈને આવું તો પણ હાંફ ચડે અને મારે ઑક્સિજન સપોર્ટ લેવો પડે છે. માત્ર બેડ પર સૂતી હોઉં કે બેઠી હોઉં ત્યારે જ હું ઑક્સિજન સપોર્ટ વિના હોઉં છું. બાકી આખો દિવસ નાકમાં ઑક્સિજનની નળી નાખેલી હોય છે. ફિઝિકલ ઍક્ટિવિટીમાં વ્હીલચૅર વિના ક્યાંય જતી નથી પરંતુ એ પછીયે કહીશ કે હજીયે ઍક્ટિવ છું.’
શરૂ કર્યું નવું સ્ટાર્ટઅપ
બીમારીઓ વચ્ચેના સંઘર્ષમાં નવરા નથી રહેવું અને લોકોને આનંદ મળે એવા કોઈ કામમાં જોડાવું એ વિચારથી જ તેણે ‘ધ બ્લિસ ક્રાફ્ટર’ નામની બ્રૅન્ડ સાથે એપ્સમ સૉલ્ટનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. શ્રુતિ કહે છે, ‘એપ્સમ સૉલ્ટ એટલે મૅગ્નેશિયમ સલ્ફેટ. આ મીઠાનો હૉસ્પિટલોમાં ઉપયોગ થઈ રહ્યો છે. હજી પણ આપણે ત્યાં એની જોઈએ એવી અવેરનેસ નથી. જોકે રિજુવિનેશન માટે, બૉડીમાં સોજો ઘટાડવા, મૅગ્નેશિયમની કમી હોય તો એને પૂરી કરવા, થાક દૂર કરવામાં જો આ મીઠાનું પાણી કરી એમાં પગ બોળીને રખાય તો લાભ થાય છે. મેં આ વિશે વાંચેલું. જોકે મારે કંઈક એવું કરવું હતું જેમાં માઇન્ડ, બૉડી અને સોલ ત્રણેયને લાભ થાય. એપ્સમ સૉલ્ટ ફિઝિકલી રિલૅક્સ કરે. પછી મેં એસેન્શિયલ ઑઇલનો સ્ટડી કરીને પહેલી વાર એપ્સમ સૉલ્ટ સાથે એસેન્શિયલ ઑઇલની કેટલીક મહત્ત્વની ફ્રૅગ્રન્સનો ઉપયોગ કર્યો જે તમારા માઇન્ડને રિલૅક્સ કરે. બૉડી અને માઇન્ડને રિલૅક્સેશન મળવાથી વ્યક્તિ સોલથી પણ રિજુવિનેટ થાય. આ વિઝન સાથે હું બિઝનેસમાં પ્રવેશી હતી. ઘણા સેલ્ફ-એક્સપરિમેન્ટ કર્યા. એના પૅકેજિંગ માટે પહેલી વાર હું પોતે જ વ્હીલચૅર સાથે સ્ટોરમાં ગઈ હતી. જોકે હવે પૅકેજિંગ અને પ્રમોશનમાં ફૅમિલીના બધા જ સભ્યો, મારા કઝિન્સ, મારી માસી અને બધા જ નજીકના મિત્રો મદદ કરે છે. યસ, અત્યારે મારો બિઝનેસ ચાલે છે કારણ કે મારી સપોર્ટ-સિસ્ટમ સ્ટ્રૉન્ગ છે.
અમે કેટલાક કૉર્પોરેટ ઑર્ડર પણ લીધા છે. તાજેતરમાં લોહાણા ઇન્ટરનૅશનલ બિઝનેસ ફોરમના ત્રણ દિવસના એક્સ્પોમાં મારો સ્ટૉલ હતો અને એમાં મને ટ્રિમેન્ડસ રિસ્પૉન્સ મળ્યો. બેશક, હેલ્થને કારણે થાકી ખૂબ જતી કારણ કે મુલુંડથી બાંદરા પહોંચવાનું અને આખો દિવસ બેસવાનું અઘરું હતું, પરંતુ લોકો દ્વારા જે મોટિવેશન મળતું અને જે રીતે લોકોને પ્રોડક્ટ, એની સાથે જોડાયેલો વિચાર અને એમાં દરેક પ્રોડક્ટ સાથે પૉઝિટિવ અફર્મેશનવાળા મારા ટૅગ્સ જોઈને લોકોને ખુશ થતાં જોતી એ મારા માટે બહુ મોટો અવૉર્ડ હતો.’
નામ પડી ગયું પર્સનલ ડાયરી
ઈશ્વર જે કરે એ સારા માટે એ વાતને શ્રુતિ તન્નાએ પોતાના જીવનનો મંત્ર બનાવીને હારવાનું, થાકવાનું કે અટકવાનું નહીં એ વાતને કેન્દ્રમાં રાખી છે. તે કહે છે, ‘યસ, બૉડી જ્યારે નબળી પડતી જાય અને સ્ટ્રગલ વધતી જાય ત્યારે ક્યારેક થાક લાગે; પરંતુ થાકીએ ત્યારે રેસ્ટ કરી લેવો, હિંમત હારીને બધું પડતું મૂકી ન દેવું એ હું સમજી છું. મારા માટે જીવવાનું કારણ બન્યું છે મારા જીવનનું એક જ લક્ષ્ય. જે પણ તમારી સાથે જોડાય તેને થોડીક ક્ષણ રાહતની આપો, તેને તમે હાશકારો આપો. તમે તેને એવી કમ્ફર્ટ આપો કે તે તમારી સામે હળવા થઈ જાય. આ મારા માટે પર્પઝ ઑફ લાઇફ છે. આના જ આધારે હું જ્યારે ઝૂંપડપટ્ટીના અધવચ્ચે ભણવાનું છોડી દેનારાં બાળકોને ભણાવતી ત્યારે એમાંના ઘણા લોકો આવીને મને પોતાની વાતો કરી જતા અને હું બહુ જ સારી લિસનર બનીને તેમને સાંત્વન આપતી. એને જ કારણે ત્યાં મારું નામ ‘પર્સનલ ડાયરી’ પડી ગયેલું. બસ, આ જ છેલ્લા શ્વાસ સુધી કરવું છે કે જે પણ મળે તેમને આનંદ આપવો છે, હૅપીનેસ આપવી છે અને રાહત આપવી છે.’


