BJPએ ગઈ ચૂંટણીમાં ૨૦૧૭માં એકલા હાથે ૮૨ નગરસેવકો ચૂંટ્યા હતા. આ વખતે શિવસેનાને તોડીને શિવસેના (શિંદે) નામનો નવો પક્ષ ઊભો કરી એની સાથે જોડાણ કરીને ૮૨થી ૮૯ સુધીની પ્રગતિ માત્ર ૭ સીટ વધારી શકી એ જ છે?
અખિલ દિનકર જોશી રાજકીય સમીક્ષક છે
૧૬ જાન્યુઆરીએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું. પરિણામ અપેક્ષા મુજબનું જ છે. BJPને ૮૯, શિવસેના (UBT)ને ૬૫, શિવસેના (શિંદે)ને ૨૯, કૉન્ગ્રેસને ૨૪, ઓવૈસીને ૮, MNSને ૬, NCP (અજિત પવાર)ને ૩, બાકી બધા ઇતર.
આ પરિણામોમાં સૌથી ચોંકાવનારું પરિણામ અસદુદ્દીન ઓવૈસીના પક્ષનું રહ્યું છે. કોઈ પણ પ્રકારની કોઈ પણ ચૂંટણી-સમજૂતી વગર ઓવૈસીએ ત્રણમાંથી ૮ સીટ પર સીધો કૂદકો લગાવ્યો છે જે મુંબઈ-મહારાષ્ટ્રના રાજકારણમાં સૂચક છે. મોહમ્મદ અલી જિન્નાહની જેમ આવનારા દિવસોમાં ઓવૈસી ભારતના રાજકારણમાં એકમાત્ર મુસ્લિમ નેતા બને તો નવાઈ નહીં અને જિન્નાહસાહેબનાં કરતૂતોથી આજનું ભારત પણ વાકેફ છે જ.
ADVERTISEMENT
ખેર, BJPની સ્થાપના થયા પછી પહેલી વાર મુંબઈમાં મહાનગરપાલિકામાં BJPનો મેયર બનશે એ નિશ્ચિત છે. BJPએ ગઈ ચૂંટણીમાં ૨૦૧૭માં એકલા હાથે ૮૨ નગરસેવકો ચૂંટ્યા હતા. આ વખતે શિવસેનાને તોડીને શિવસેના (શિંદે) નામનો નવો પક્ષ ઊભો કરી એની સાથે જોડાણ કરીને ૮૨થી ૮૯ સુધીની પ્રગતિ માત્ર ૭ સીટ વધારી શકી એ જ છે? તો આના ઉત્તરમાં ગહન રાજકીય ગણિત અને આવનારા મહારાષ્ટ્રના રાજકારણનું રહસ્ય છુપાયેલું છે. વાસ્તવમાં BJPએ મુંબઈ અને મહારાષ્ટ્રમાં પોતાને અનુકૂળ એવા પ્રાદેશિક પક્ષોને જન્મ આપ્યો છે જેમનાં નામ શિવસેના (શિંદે) અને NCP (અજિત પવાર) છે.
જોકે દેશે એક સમયે કૉન્ગ્રેસ વિરુદ્ધ અન્ય પક્ષોના સમીકરણને જોયું છે. આજે BJP વિરુદ્ધ અન્ય પક્ષોના પરિણામસ્વરૂપે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનું પરિણામ આપણી સમક્ષ આવ્યું અને BJPએ રણનીતિ બદલી છે. હવે BJP પોતાને અનુકૂળ અને આજ્ઞાંકિત રહે એવા પ્રાદેશિક પક્ષોને માપ પ્રમાણે વેતરીને પોતાની સાથે રાખીને જીતનો પરચમ લહેરાવવાની રણનીતિ પર કાર્ય કરી રહી છે.
મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં સૌથી વધુ કોઈને ફાયદો થયો હોય તે વ્યક્તિનું નામ છે એકનાથ શિંદે, જેમણે BJPની મદદથી મહારાષ્ટ્ર-મુંબઈ સુધ્ધાંમાં પોતાનો પગ જમાવ્યો અને મુંબઈમાં ૨૯ સીટ સાથે વિજય થવા ઉપરાંત ૨૯ મહાનગરપાલિકામાં પણ સારીએવી સીટો મેળવી. વાસ્તવમાં BJPના વિજયના શ્રેયમાં ૭ સીટોનો વધારો નહીં પણ શિવસેનાના વિભાજનનો સિંહફાળો છે.
આ ચૂંટણીઓમાં વ્યક્તિગત ફાયદો એકનાથ શિંદે અને અજિત પવારને થયો, વૈચારિક ફાયદો અસદુદ્દીન ઓવૈસીને થયો અને રાજકીય ફાયદો BJPને થયો. જો કોઈને નુકસાન થયું હોય તો ઉદ્ધવ અને રાજ ઠાકરેને થયું છે જેમણે કૉન્ગ્રેસ સાથે ચૂંટણી-સમજૂતી ન કરીને પોતાનું રાજકીય ભવિષ્ય બગાડ્યું છે.


