અંગ્રેજોના શાસન દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજમાં વિકસેલા ડૉકયાર્ડે આજે એટલે કે ૨૮ માર્ચે ૨૯૧ વર્ષ પૂરાં કર્યાં છે. મુંબઈના આ હિડન અને અન્ડરરેટેડ રત્નનો ઇતિહાસ બહુ રસપ્રદ છે ત્યારે આ લેખમાં એના વિશે બધું જ જાણીએ
લાયન ગેટ
આપણે ઘણી વાર દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં કાલાઘોડા કે ગેટવે ઑફ ઇન્ડિયા પાસે ફરતા હોઈએ છીએ. એશિયાટિક લાઇબ્રેરીની પૅરૅલલ શહીદ ભગત સિંહ રોડની સામે લાયન ગેટ છે જેના વિશે લોકોને આતુરતા હોય છે કે આની અંદર હોય છે શું? એ ફક્ત ગેટ નથી, ભારતની દરિયાઈ સત્તાનું પ્રવેશદ્વાર છે. દર વર્ષે ૨૮ માર્ચે ઇન્ડિયન નેવી દ્વારા નેવલ ડૉકયાર્ડ ડેની ઉજવણી થાય છે. આ નેવલ ડૉકયાર્ડ એશિયાનું સૌથી પહેલું ડ્રાય ડૉકયાર્ડ છે. અંગ્રેજોના શાસન દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજમાં વિકસેલા ડૉકયાર્ડે આજે એટલે કે ૨૮ માર્ચે ૨૯૧ વર્ષ પૂરાં કર્યાં છે. મુંબઈના આ હિડન અને અન્ડરરેટેડ રત્નનો ઇતિહાસ બહુ રસપ્રદ છે ત્યારે આ લેખમાં એના વિશે બધું જ જાણીએ
નેવલ ડૉકયાર્ડનો પાયો ૧૬૬૮માં નખાયો હતો. ૧૬૬૮ની ૨૮ માર્ચના ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજાએ એક રૉયલ ચાર્ટર એટલે શાહી હુકમનામું બહાર પાડીને મુંબઈના ટાપુઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપ્યા હતા. આખા મુંબઈ એટલે આજના દક્ષિણ મુંબઈને સોનાના ૧૦ પાઉન્ડમાં ભાડે અપાયું હતું. આ સોંપણી પછી અંગ્રેજોએ અનુભવ્યું કે સુરત કરતાં મુંબઈનો દરિયો વધુ ઊંડો અને શાંત છે, જે મોટાં જહાજો લાંગરવા માટે સારો છે. ૧૭૩૫માં અહીં વિધિવત રીતે ડૉકયાર્ડનો પાયો નખાયો.
શિપ-બિલ્ડિંગના વિશ્વગુરુ
ડૉકયાર્ડનો ઇતિહાસ વાડિયા પરિવાર વગર અધૂરો છે. ૧૯૫૫માં રૂટનજી અરદેશીર વાડિયા દ્વારા લિખિત ૫૦૦ પાનાંનું પુસ્તક ધ બૉમ્બે ડૉકયાર્ડ ઍન્ડ વાડિયા માસ્ટર બિલ્ડર્સમાં ડૉકયાર્ડના ઇતિહાસની ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી છે. એ સમયે અંગ્રેજોને એવા બંદરની જરૂર હતી જ્યાં દરિયાઈ ભરતી-ઓટ નડતરરૂપ ન બને. તેમણે સુરતના કુશળ કારીગર લોવજી નુસરવાનજી વાડિયાને મુંબઈ તેડાવ્યા. લોવજીએ મુંબઈના સાત ટાપુઓ વચ્ચેના ઊંડા દરિયાની ક્ષમતા પારખી અને ત્યાં એશિયાના સૌથી આધુનિક ડૉકયાર્ડનો પાયો નાખ્યો. એ સમયે મુંબઈનું નામ બૉમ્બે હોવાથી ડૉકયાર્ડનું નામ પણ બૉમ્બે ડૉકયાર્ડ રખાયું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે વાડિયા પરિવારની છ પેઢીઓએ સતત ૧૫૦ વર્ષ સુધી માસ્ટર બિલ્ડર તરીકે સેવા આપી. એ સમયે બ્રિટિશ જહાજો ઓક લાકડામાંથી બનતાં જે ૧૦-૧૨ વર્ષમાં સડી જતાં. વાડિયા બ્રધર્સ પાસે કોઈ વિદેશી ડિગ્રી નહોતી પણ મલબારનાં સાગનાં લાકડાં અને ભારતીય કોઠાસૂઝથી તેઓ એવાં જહાજો બનાવતા જે બ્રિટિશ જહાજો કરતાં પાંચગણું વધુ આયુષ્ય ભોગવતાં. સાગનાં જહાજો ૫૦થી ૮૦ વર્ષ સુધી ચાલતાં. આ જ કારણ હતું કે બ્રિટિશ નૌકાદળ પોતાનાં સૌથી મજબૂત જહાજો મુંબઈમાં બનાવડાવતું. ભારતીય કારીગરોએ બનાવેલાં આ જહાજોની ખ્યાતિ આખા વિશ્વમાં ફેલાઈ હતી. નૌકાદળ જે મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકે છે એનું મૂળ આ ૨૮૯ વર્ષ જૂના ઇતિહાસમાં રહેલું છે.
જહાજોનો ઉપયોગ
૧૮મી અને ૧૯મી સદીમાં મુંબઈના ડૉકયાર્ડમાંથી નીકળતાં જહાજો માત્ર માલસામાન ફેરવવા માટે નહોતાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોર્ટુગીઝો, ફ્રેન્ચો અને શક્તિશાળી મરાઠા નૌકાદળના કાન્હોજી આંગ્રે સામે લડવા માટે અત્યંત મજબૂત યુદ્ધજહાજોની જરૂર હતી. વાડિયાના સાગના લાકડામાંથી બનેલાં જહાજો તોપના ગોળા પણ સહન કરી શકતાં હતાં. ૧૮મી સદીમાં બ્રિટન અને ચીન વચ્ચેનો વેપાર ટોચ પર હતો. ભારતથી ચીન અફીણ મોકલવા અને ત્યાંથી ચા લાવવા માટે ઝડપી અને મજબૂત જહાજોની જરૂર હતી. મુંબઈમાં બનેલા ટી ક્લિપર્સ એની ઝડપ માટે જાણીતા હતા. જ્યારે બ્રિટન પાસે પોતાનાં જહાજો બનાવવાની ક્ષમતા ખૂટી પડી ત્યારે તેઓ મુંબઈ પર નિર્ભર હતા. બ્રિટિશ રૉયલ નેવીના ઘણાં પ્રખ્યાત જહાજો મુંબઈમાં જન્મેલાં હતાં જેમણે દુનિયાભરનાં દરિયાઈ યુદ્ધો જીત્યાં હતાં. મુંબઈમાં બનેલાં જહાજો લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ હતાં. ઑસ્ટ્રેલિયા અને અમેરિકા સુધી માલસામાન અને સૈનિકોને પહોંચાડવા માટે આ જહાજો મુખ્ય ગણાતાં.
એશિયાનું સર્વપ્રથમ ડ્રાય ડૉક
સામાન્ય રીતે જહાજ પાણીમાં હોય ત્યારે એના તળિયાનું સમારકામ કરવું અશક્ય હોય છે. વાડિયાઓએ ડ્રાય ડૉક બનાવ્યું, જે એક પ્રકારના એવા ટાંકા હતા જેમાં જહાજને અંદર લાવી પાણી બહાર કાઢી શકાતું. ૧૭૫૦માં બનેલું બૉમ્બે ડ્રાય ડૉક એશિયાનું પ્રથમ હતું. આના કારણે મુંબઈ જહાજોના સમારકામ માટેનું સૌથી મોટું કેન્દ્ર બન્યું. લંડનના એન્જિનિયરો પણ આની ડિઝાઇન જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. લંડનના જહાજ બનાવનારા માલિકો ભારતીય જહાજોની લોકપ્રિયતાથી ડરી ગયા હતા. તેમણે સંસદમાં દબાણ લાવ્યું કે જો ભારતીય જહાજો આમ જ આવતાં રહેશે તો લંડનનાં ડૉકયાર્ડ્સ બંધ થઈ જશે. પરિણામે બ્રિટિશ સંસદે એવો કાયદો પસાર કર્યો કે ભારતમાં બનેલાં જહાજોને બ્રિટિશ-રજિસ્ટર્ડ ગણવામાં આવશે નહીં અને એમને વેપાર કરવા માટે વધારાનો ટૅક્સ ચૂકવવો પડશે. આ વલણ ભારતની આર્થિક ગુલામીની શરૂઆત દર્શાવે છે.
ઇતિહાસમાં દરિયાઈ શક્તિને અવગણવામાં આવી હોવાથી સ્કૂલના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં આવી માહિતીનો સમાવેશ થયો છે. આ ઉપરાંત બ્રિટિશરોનો પ્રૉપગૅન્ડા પણ હતો. અંગ્રેજોએ એવું ઠસાવ્યું હતું કે તેઓ ભારતમાં ટેક્નૉલૉજી લાવ્યા, જ્યારે હકીકત એ હતી કે તેઓ ભારતની ટેક્નૉલૉજી શીખવા અને એનો ઉપયોગ કરવા મુંબઈ આવ્યા હતા. ૧૭૩૫માં મુંબઈ ડૉકયાર્ડની વિધિવત શરૂઆત થઈ. શરૂઆતમાં અહીં સુતારની દુકાનો, લુહારની દુકાનો અને સ્ટોરહાઉસ બનાવવામાં આવ્યાં હતાં. ૧૭૫૦ના પ્લાન મુજબ આ ડૉકયાર્ડ અત્યારના ક્લૉક ટાવરની નીચે આવેલું હતું. એ સમયે એ વેપારી જહાજો અને યુદ્ધજહાજો બન્ને માટે કામ કરતું હતું. ૧૭૫૦થી ૧૮૧૦ દરમિયાન બૉમ્બે ડ્રાય ડૉક અને ડંકન ડ્રાય ડૉક બનાવવામાં આવ્યાં. લંડનની ડૉક કમિટીએ ડંકન ડૉકની ડિઝાઇન અને એની ઉપયોગિતાનાં વખાણ કર્યાં હતાં. ખાસ વાત એ છે કે એની ડિઝાઇન ભલે બ્રિટિશ હોય પણ એને સંપૂર્ણપણે ભારતીય કારીગરોએ બનાવ્યું હતું. ભારત આઝાદ થયા પછી આ ડૉકયાર્ડનું નામ બદલીને નેવલ ડૉકયાર્ડ કરવામાં આવ્યું. શરૂઆતમાં એ માત્ર ૩૯ એકરમાં ફેલાયેલું હતું, જેને બાદમાં ૧૨૩ એકર સુધી વિસ્તારવામાં આવ્યું. ૧૯૬૨માં ક્રૂઝર ગ્રેવિંગ ડ્રાય ડૉક શરૂ થયું જેમાં ઍરક્રાફ્ટ કૅરિયર INS વિક્રાંતને પ્રથમ વાર ડૉક કરવામાં આવ્યું હતું.
કન્ટેમ્પરરી રોલ શું છે?
મુંબઈ ડૉકયાર્ડ ભારતીય નૌસેનાના પશ્ચિમી કમાનનું મુખ્ય મથક છે. અરબી સમુદ્રમાં ચીન અને પાકિસ્તાન જેવી શક્તિઓ સામે ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષા માટે આ ડૉકયાર્ડ નર્વ સેન્ટર સમાન છે. આજે મુંબઈનું નેવલ ડૉકયાર્ડ માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી પણ ભારતીય નૌકાદળનું અત્યંત વ્યસ્ત ઇન્ડસ્ટ્રિયલ હબ છે. ભારતીય નૌકાદળનાં પશ્ચિમનાં તમામ જહાજો અને સબમરીનનું નિયમિત સર્વિસિંગ અહીં થાય છે. જહાજને પાણીની બહાર કાઢીને એના તળિયાની સફાઈ અને પેઇન્ટિંગનું કામ કરવામાં આવે છે. જૂનાં થઈ રહેલાં યુદ્ધજહાજોમાં નવાં સેન્સર્સ, મિસાઇલ સિસ્ટમ અને અત્યાધુનિક રડાર ફિટ કરીને એમને ફરીથી આધુનિક બનાવવાની જટિલ એન્જિનિયરિંગ પ્રક્રિયા અહીં હાથ ધરવામાં આવે છે. ડૉકયાર્ડની અંદર અનેક હાઇ-ટેક વર્કશૉપ્સ છે જ્યાં જહાજોનાં જટિલ એન્જિન, પ્રોપેલર્સ અને ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનું રિપેરિંગ થાય છે. યુદ્ધજહાજો જ્યારે લાંબી મુસાફરી પર જાય ત્યારે એમને જરૂરી ઈંધણ, પાણી, દારૂગોળો અને અન્ય સામગ્રી પૂરી પાડવાનું સંચાલન અહીંથી થાય છે. સબમરીન જેવી જટિલ મશીનરીને ખોલીને એના દરેક ભાગની ઝીણવટભરી તપાસ અને સમારકામ કરવાની ક્ષમતા આ ડૉકયાર્ડ ધરાવે છે.
ડૉકયાર્ડની અંદર શું છે?
ડૉકયાર્ડની અંદર ઘણી ઐતિહાસિક ઇમારતો જેવી કે બૉમ્બે કૅસલ, હેરિટેજ હૉલ અને પી-૧, પી-૨ પિલર આવેલા છે. અહીંનું ઇન્ડિયન મૅરિટાઇમ મ્યુઝિયમ ઈ. સ. ૯૦૦થી લઈને આજ સુધીની સંપૂર્ણ નેવી હિસ્ટરીને જીવંત કરે છે. ફોર્ટમાં આવેલો લાયન ગેટ મેઇન એન્ટ્રન્સ ગેટ છે અને બીજો બૅલાર્ડ એસ્ટેટમાં આવેલો ટાઇગર ગેટ છે એ લૉજિસ્ટિક્સ અને હજારો ટેક્નિશ્યન માટે જ છે પણ ડૉકયાર્ડ ડે અને નેવી ડેના દિવસે સામાન્ય જનતા માટે ગેટ ખુલ્લો મુકાય છે. અંદર પ્રવેશ્યા બાદ મુંબઈનો સૌથી જૂનો કિલ્લો બૉમ્બે કૅસલ જોવા મળશે, ૧૬મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા નિર્મિત આ કિલ્લો આજે પણ મજબૂત દીવાલો સાથે ઊભો છે. એના પરથી જ આ વિસ્તારનું નામ ફોર્ટ પડ્યું છે. પછી બૉમ્બે ડ્રાય ડૉક, ડંકન ડ્રાય ડૉક, બૅલાર્ડ બંદર ગેસ્ટહાઉસ મ્યુઝિયમ આવેલું છે જ્યાં મુંબઈના દરિયાઈ ઇતિહાસના જૂના નકશા, જહાજોનાં મૉડલ્સ અને હાઇડ્રોગ્રાફિક ચાર્ટ્સ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત અહીં આવેલા હેરિટેજ હૉલમાં ૨૯૦ વર્ષ જૂના ઇતિહાસની શૉર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે અને નેવીના ધ્વજમાં આવેલા ઇવૉલ્યુશનને પ્રદર્શિત કરાયાં છે. ડૉકયાર્ડની અંદર સદીઓ જૂનું એક આફ્રિકન બાઓબાબ વૃક્ષ છે. એ એ સમયનું પ્રતીક છે જ્યારે મુંબઈનો આફ્રિકા સાથે સીધો વેપારી સંબંધ હતો. વ્યુઇંગ ડેક પણ આવેલો છે ત્યાંથી દરિયામાં ઊભેલાં જહાજ, સબમરીન અને ઍરક્રાફ્ટ કૅરિયર્સનો પૅનોરેમિક નજારો જોઈ શકાય. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રિયંકા ઉર્ફે ધ ગુજ્જુ બેબે તેની યુટ્યુબ ચૅનલમાં ડૉકયાર્ડ ટૂર પોસ્ટ કરી છે એમાં આ બધી જ જગ્યાઓને જોઈ શકાય છે.
ADVERTISEMENT
ક્યા આપકો પતા હૈ?
ફોર્ટમાં આવેલું ડૉકયાર્ડ આજે પણ ઐતિહાસિક ક્ષણની સાક્ષી પૂરે છે જ્યાં એશિયાની પહેલી સ્ટીમર બનાવાઈ હતી.
૧૮૧૭માં બનેલું HMS ટ્રિંકોમાલી આજે પણ ઇંગ્લૅન્ડમાં સલામત છે. એ ૨૦૦ વર્ષ પછી પણ પાણીમાં તરી શકે એવું મજબૂત છે, જે વાડિયાઓની ગુણવત્તાનું જીવંત પ્રમાણ છે.
અમેરિકા અને બ્રિટન વચ્ચેના યુદ્ધ દરમિયાન ફ્રાન્સિસ સ્કૉટ કી નામના કવિએ ૧૮૧૪માં બનેલા ધ મેઇડન જહાજ પર બેસીને અમેરિકાનું રાષ્ટ્રગીત લખ્યું હતું. આ જહાજ મુંબઈમાં બન્યું હતું એ ભારત માટે ગૌરવની છે.
બ્રિટન વચ્ચેના ઓપિયમ વૉરના અંતે થયેલી સંધિ આ જહાજ પર થઈ હતી. એટલે કે એશિયાના રાજકારણના મોટા નિર્ણયો મુંબઈમાં બનેલાં જહાજો પર લેવાયાં હતાં.
