પાંચ-છ દસકા પહેલાં મુંબઈમાં સ્થાનિક અવરજવર માટે ઉપનગરની જે ગાડીઓ હતી એ ૮ ડબ્બાની હતી. ૮ ડબ્બાની આ ગાડીમાં પ્રવાસ કરનારાઓ હવે કોઈ હશે કે નહીં એવો પ્રશ્ન થાય ખરો.
પ્રતીકાત્મક તસવીર
પાંચ-છ દસકા પહેલાં મુંબઈમાં સ્થાનિક અવરજવર માટે ઉપનગરની જે ગાડીઓ હતી એ ૮ ડબ્બાની હતી. ૮ ડબ્બાની આ ગાડીમાં પ્રવાસ કરનારાઓ હવે કોઈ હશે કે નહીં એવો પ્રશ્ન થાય ખરો. ૮ ડબ્બાની આ ગાડીમાં પણ ભીડ થતી એવું એ સમયે પણ લખાયું છે. આ ગાડી હવે ૧૫ ડબ્બાની થઈ છે. આ ૧૫ ડબ્બાની ગાડીમાં પણ ભારે ભીડ થાય છે એવી ફરિયાદ મુંબઈવાસીઓ કરે છે. આ ૧૫ ડબ્બાની ગાડીઓ ઉપરાંત સ્ટેશનો પણ વધ્યાં છે, પ્લૅટફૉર્મ પણ વધ્યાં છે અને મેટ્રો ગાડીઓ પણ આ દિશામાંથી પેલી દિશામાં દોડાદોડ કરે છે અને આમ છતાં પણ આપણે ફરિયાદ તો કરીએ છીએ કે ગાડીઓમાં ભારે ભીડ થાય છે. આ વાત સાચી પણ છે. ૮ ડબ્બાની ગાડીમાં જે ભીડ થતી હતી એના કરતાં આજની ૧૫ ડબ્બાની ગાડી છલોછલ ભરાઈ જાય છે. આ ભીડનું કારણ શું છે? આપણે સહેલાઈથી કહી શકીએ છીએ કે મુંબઈમાં રોજેરોજ વસ્તીવધારો થાય છે. આ વસ્તીવધારાને કારણે ભીડ ઘટતી નથી પણ વધતી જ જાય છે.
જે રીતે ગાડીઓના ડબ્બામાં ભીડ વધે છે એ જ રીતે આપણે જો ઘડીક આપણા મુઠ્ઠીભર મનમાં વિચારીશું તો કદાચ તરત જ એમ થશે કે અહીં પણ ભીડ વધતી જ જાય છે. પચાસ કે ૬૦ વર્ષ પહેલાં મુંબઈગરો આ ગાડીમાં પ્રવાસ કરતી વખતે જે અને જેટલું વિચારતો હતો એના કરતાં અનેકગણું વધારે તેના મનમાં ઢિશૂમ-ઢિશૂમ ચાલતું જ હોય છે એનું શું કારણ છે? માણસની વિચારશક્તિ વધી છે કે તેના પ્રશ્નો વધ્યા છે. મુઠ્ઠીભર મનમાં હજારો, લાખો અને કરોડો વિચારો શા માટે ખડકાતા જ જાય છે? માણસ રોજેરોજ આવ-જા કર્યા કરે છે અને આ આવ-જા સાથે જ મનમાં વિચારો વધતા જાય છે, પ્રશ્નો ખડકાતા જાય છે. આ અને પેલું કે પછી પેલું અને આ આ બધું કંઈ રોજેરોજ જીવવા માટે જરૂરી નથી હોતું અને આમ છતાં પેલા મુઠ્ઠીભર મનમાં રોજેરોજ અને પ્રતિક્ષણ મુઠ્ઠી ભરી-ભરીને કશુંક ઠાલવ્યા જ કરીએ છીએ.
આ ગમે છે, પેલું નથી ગમતું
ADVERTISEMENT
આપણે રોજેરોજ જે કંઈ જોઈએ છીએ એ બધું આપણને ઉપયોગી નથી હોતું. આમ છતાં જે કંઈ સજીવ-નિર્જીવ કે પછી ઉપયોગી-અનુપયોગી પદાર્થ નજરે પડે છે કે તરત જ આપણી જાણ બહાર જ આપણા મનમાં એ પદાર્થ માટે ગમો કે અણગમો પેદા થઈ જાય છે. એ ગમો કંઈ આપણા રોજિંદા જીવનમાં કામનો નથી હોતો એ જ રીતે અણગમો પણ લેશેય ઉપયોગી નથી. હવે બને છે એવું કે આ ગમો-અણગમો સાવ અકારણ જ મનમાં પેસી જાય છે. આવા ગમા-અણગમાના પુષ્કળ ઢગલાઓ જમા થઈ જાય છે. જે જોયું એ કદાચ ભુલાઈ પણ જાય છે; પણ ઊંચાઈ, નીચાઈ, રંગ, આકાર આવી બધી અનેક આકૃતિઓ વડે આ ગમા-અણગમા થપ્પો મારે છે. એક વાર થપ્પો લાગે છે એટલે લાંબા સમયે પણ એવી જ આકૃતિ કે એવો જ વિચાર જડબેસલાક થાય છે. આપણાથી અકારણ જ જૂના ગમા-અણગમા સાથે નવા ગમા-અણગમા ઉમેરાઈ જાય છે અને આમ ભીડ વધે છે. આવી ભીડને આપણે ક્યાંય ઊતરવા દેતા નથી. ચર્ચગેટ સમાપ્ત થતી ગાડીમાંથી પણ આપણે આ ગમા-અણગમા સાથે જ ઊતરીએ છીએ.
આપણે જાણીએ છીએ કે જે કંઈ છે એ બધું આપણા માટે નથી. મૉલ શબ્દ આપણે થોડાં વર્ષો પહેલાં જાણતા નહોતા. મૉલમાં ગયા પછી જ્યારે એક સાબુની જરૂર હોય ત્યારે પેલો સેલ્સમૅન પચીસ સાબુ તમારી સામે ખડકી દે છે. તમને એક જ સાબુની જરૂર હોવા છતાં ચાર-પાંચ ખરીદી લો છો. જેવું આ સાબુનું થાય છે એવું જ મૉલની દરેક ખરીદીમાં થાય છે. જરૂરિયાત નહીં પણ અકારણ જ આ ખડકલાથી ઘરના બાથરૂમના મેળામાં જે કચરાપટ્ટી જમા થાય છે એવું જ કંઈક આપણા મનનું થાય છે.
ગમા-અણગમાની પેલે પાર
જિંદગીની યાત્રામાં ગમા-અણગમા કેળવવા નથી પડતા, આપોઆપ આવી જાય છે. આ આપોઆપને ઉપયોગિતાની દૃષ્ટિએ સમજતાં કે સ્વીકારતાં જ્યારે આપણને નથી આવડતું ત્યારે આપણને પ્રશ્નો પેદા થાય છે. બને છે એવું કે આ પ્રશ્નોની ભીડ વચ્ચે અસલ પ્રશ્ન શું છે એ જ આપણે ભૂલી જઈએ છીએ. પરિણામે આપણે ખૂબ કામમાં રહીએ છીએ. આપણને કોઈની સાથે હળવા-મળવાનો સમય બચતો નથી. એટલું જ નહીં, હવે તો આપણે પોતે જ આપણને ભૂલી જઈએ છીએ. આપણે આપણને જ ઓળખતા નથી અને મનમાં ભરેલી ભીડમાંથી બે-ચાર આકૃતિઓ બહાર ખેંચી કાઢીને આપણે આપણને બનાવી દઈએ છીએ. હું ક્યાંક સાહેબ હોઉં છું, ક્યાંક મહેતાજી હોઉં છું, ક્યાંક પ્રેમી હોઉં છું તો ક્યાંક હડસેલા ખાતી એક ઓળખાયા વગરની આકૃતિ હોઉં છું. હું મને ઓળખતો નથી.
