Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કોઈક આડેધડ બાઇક દોડાવતા ઈ-કૉમર્સના ડિલિવરી-એજન્ટોને રોડ-રૂલ્સ સમજાવો

કોઈક આડેધડ બાઇક દોડાવતા ઈ-કૉમર્સના ડિલિવરી-એજન્ટોને રોડ-રૂલ્સ સમજાવો

Published : 24 March, 2026 12:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખરેખર કહીશ કે મુંબઈમાં ડ્રાઇવિંગ કરવું હવે એક અત્યંત સ્ટ્રેસફુલ અનુભવ બની ગયો છે

કુલ ૪૦૦ જેટલા એમ્પ્લૉઈઝ ધરાવતી ૪ કંપનીના ફાઉન્ડર વિરાજ મજમુદાર સોશ્યલ ઑન્ટ્રપ્રનર તરીકે સક્રિય છે.

What’s On My Mind?

કુલ ૪૦૦ જેટલા એમ્પ્લૉઈઝ ધરાવતી ૪ કંપનીના ફાઉન્ડર વિરાજ મજમુદાર સોશ્યલ ઑન્ટ્રપ્રનર તરીકે સક્રિય છે.


અત્યારે મુંબઈના રસ્તાઓ પર વિવિધ ક્વિક કૉમર્સ કંપનીઓના ઇલેક્ટ્રિક બાઇકસવારોએ જાણે આતંક મચાવ્યો હોય એવું લાગે છે. આ કંપનીઓ ગ્રાહકોને ખુશ કરવા માટે મિનિટોમાં સામાન પહોંચાડવાનો વાયદો કરે છે પરંતુ આ વાયદો પૂરો કરવા માટે તેમના રાઇડર્સ જે રીતે ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવે છે એ અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે. મુંબઈના લગભગ દરેક વિસ્તારમાં આ સમસ્યા રોજેરોજ જોવા મળે છે. આ ઇલેક્ટ્રિક બાઇકવાળા ગમે ત્યારે ગમે ત્યાંથી અચાનક આવી ચડે છે. તેમને રૉન્ગ સાઇડ પર ગાડી ચલાવવામાં જરા પણ ડર લાગતો નથી. ટ્રાફિક સિગ્નલ તો તેમના માટે જાણે અસ્તિત્વમાં જ નથી. મોટા ભાગે આ રાઇડર્સ ખૂબ જ નાની ઉંમરના છોકરાઓ હોય છે જેમને રોડ-ડિસિપ્લિન કે ટ્રાફિક-સેન્સની કોઈ જ સમજ હોતી નથી. જે ટૂ-વ્હીલર મૅન્યુફૅક્ચરર તેમને દૈનિક ભાડા પર આ વાહનો આપે છે તેઓ પણ આ બાબતે કોઈ જવાબદારી સ્વીકારતા નથી કે તપાસ કરતા નથી. જે કંપની માટે તેઓ કામ કરી રહ્યા છે એને પણ આનાથી કોઈ ફરક નથી પડતો. રાત્રિના સમયે તો સ્થિતિ વધુ ખરાબ હોય છે કારણ કે આ બાઇક્સમાં ઘણી વાર યોગ્ય હેડલાઇટ પણ હોતી નથી. અંધારામાં તેઓ કઈ દિશામાંથી આવીને તમારી સામે ઊભા રહી જશે એની ખબર પણ પડતી નથી. આ પરિસ્થિતિમાં સૌથી વધુ પરેશાની રસ્તા પર ચાલતા જતા રાહદારીઓને, આજુબાજુમાં પાર્ક કરેલાં વ્હીકલ્સને, અન્ય ટૂ-વ્હીલર અને નિયમ મુજબ વાહન ચલાવતા ફોર-વ્હીલર માલિકોને થાય છે.

ખરેખર કહીશ કે મુંબઈમાં ડ્રાઇવિંગ કરવું હવે એક અત્યંત સ્ટ્રેસફુલ અનુભવ બની ગયો છે. જો તમે ભૂલથી પણ આ રાઇડર્સને તેમની ભૂલ માટે ટોકો તો તેમનું વર્તન અત્યંત અસભ્ય અને આક્રમક હોય છે. તેઓ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઊલટાનું સામે થઈને ગાળાગાળી કરવા લાગે છે અને ઝઘડા પર ઊતરી આવે છે. નવાઈની વાત તો એ છે કે જો કોઈ નાનો અકસ્માત થાય તો નિયમ પાળતા ગાડીવાળાને જ દોષિત ગણવામાં આવે છે જ્યારે પેલો રાઇડર ગમે તેમ ચલાવીને છટકી જાય છે. આપણે સરકારને નિયમ મુજબ રોડ-ટૅક્સ ભરીએ છીએ પણ બદલામાં આપણને રોડ-સેફ્ટી મળે છે?



હવે સમય આવી ગયો છે કે ટ્રાફિક-પોલીસ અને વહીવટી તંત્ર જાગે. આ ક્વિક કૉમર્સ કંપનીઓને સખત નોટિસ આપવી જોઈએ અને એમની પાસેથી જવાબ માગવો જોઈએ. જો કોઈ રાઇડર નિયમ તોડે તો માત્ર રાઇડરને જ નહીં પણ તે જે કંપની માટે કામ કરે છે એને સીધી ઑનલાઇન પેનલ્ટી ફટકારવી જોઈએ. કંપનીઓએ તેમના ડિલિવરી-પાર્ટનર્સને યોગ્ય સૉફ્ટ ટ્રેઇનિંગ આપવી જોઈએ અને રસ્તા પર સભ્યતાથી કેવી રીતે વર્તવું એ શીખવવું જોઈએ. માત્ર નફો કમાવા માટે બધાની જ સુરક્ષાને દાવ પર ન લગાડી શકાય. ઝડપથી આ દિશામાં કોઈક નક્કર પગલાં લેવાય એ જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK