Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વ્હિસ્કી સાવર ડે અને ગુજરાતી છાંટોપાણી

વ્હિસ્કી સાવર ડે અને ગુજરાતી છાંટોપાણી

Published : 25 August, 2026 05:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમરસથી સ્કૉચ સુધી અને ખારા કાજુથી બેખુદીની સફર. એક પેગમાં કેટકેટલી ફિલોસૉફી!

યોગેશ શાહ

યોગેશ શાહ


આજે પચીસ ઑગસ્ટે નૅશનલ વ્હિસ્કી સાવર ડે છે. ‘સાવર’માં હળવો વ બોલવાનો, વહાલના વ જેવો. શાવર જેવો ધોધમાર નહીં. વ્હિસ્કીનો શાવર લેવો હોય તો એ જુદી વાત છે. 
- અરે, પણ આવું બધું ગુજરાતી કૉલમમાં લખાય? 
- કેમ, ગુજ્જુઓ વ્હિસ્કી નથી પીતા? આ બધા સુરત ને અમદા’દથી રજાઓમાં અહીં કેમ આવી જાય છે? અને તમે ત્યાં ગયા હો તો સ્પેશ્યલ મે’માનગતિ કરે છેને? મુંબઈના મે’માન છે ભૈ, સાથે ખારા કાજુ મૂકજો. 
અને ભૂલેચૂકે તમે કીધું કે ‘હું નથી પીતો’ તો તમારી સામે મોઢું વકાસીને એવી રીતે જોશે જાણે સામે ઉરાંગઉટાંગ ઊભો હોય, કારણ કે ‘નથી પીતો’ એવું ઉટપટાંગ મુંબઈગરો બોલે જ નહીંને. નક્કી કંઈક ગરબડ છે. ડૉક્ટરે ના પાડી હશે, લિવર બગડ્યું હશે. 
મુંબઈગરો દારૂની ના પાડે? દારૂને નહીં કહેવાનું કેવું? ડાઉન-માર્કેટ લાગે! ‘સ્કૉચ, વ્હિસ્કી, રમ કે બિઅર‌ શું ચાલશે?’ એમ પૂછવાનું. શૅમ્પેન ખોલો ને લાળ ન ટપકે તો સમજવાનું કે નક્કી કંઈક ગરબડ છે. જોજો, લીંબુપાણી કે સાદા સોડા માગશે. સાદું પાણી પીને સૂઈ જાય તો સાધુ બનવાનો જ બાકી. ભાભીને પૂછી લો, ‘બધું બરાબર છેને? આ અચાનક કેમ આવો‌ બાવા જેવો થઈ ગયો છે? કોઈએ જંતરમંતર તો નથી કર્યુંને? હમણાં આ જંતર મંતર ને એવુંબધું બહુ ચાલે છે. ચેતતા રે’જો. કારણ વગરના અડફેટે ચડી જશો.’ 
આપણે ભલે ઈડુ ન ખાઈએ, માસમચ્છી ન ખાઈએ (જોજો પાછા ઈ પર ને માસ પર મીંડું ન મૂકતા, એ એમ જ બોલાય ને એમ જ લખાય), આપણે પાક્કા શાકાહારી; પણ થોડો છાંટોપાણી કરી લેવામાં કંઈ વાંધો નહીં.
હમણાં કહું તે, દેવોય સોમરસ ન’તા પીતા? શિવરાત્રિએ ઘેર-ઘેર ભાંગ ન’તી વટાતી? ભંગ કા રસ ચખા હૈ ન ચકાચક... બનારસી પાન તો બૈરાંઓય ખાતાં’તાં, ચટણી 
લગાવી-લગાવીને. શેની ચટણી? એવું ન પૂછતા પાછા. બધું કંઈ ફોડ પાડીને કે’વાનું ન હોય. મોઘમમાં સમજતા શીખો. 
તો આને નૅશનલ વ્હિસ્કી ‘ખાટો’ દિવસ કેમ કહે છે એ‌ સમજાવું? એનું કારણ સાવ સીધું છે.‌ વ્હિસ્કીમાં તાજા લીંબુનો રસ નાખવાનો, બરાબર નિચોવીને. પછી બહુ ખાટો ન થઈ જાય એ માટે થોડો શુગર સિરપ નાખવાનો. દેશી ભાષામાં સાકરની ચાસણી. અહીં બૉબોર્ન વ્હિસ્કી મળી જાય તો જલસો થૈ જાય. એમાંય બુલેટ બ્રૅન્ડની બૉબોર્ન મળે તો અહીં જ પૅરૅડાઇઝ, કેમ કે બુલેટ બ્રૅન્ડ એક ઝડપી સ્પાઇસી કિક આપે છે. પછી બંધ આંખે સપનાંમાં રાચવાનું. બે કલાકમાં મુંબઈ જવાનું, બે કલાક જલસા કરવાના અને બે કલાકમાં અમદા’દ પાછા આઈ જવાનું. પૈસા વસૂલ. પેલા જપાનીઓને ઘણી ખમ્મા. (કોઈને આ ત્રણે‌ વાનાંને મિક્સ કરવાનું પર્ફેક્ટ મેજરમેન્ટ જાણવું હોય તો, એટલે કે ત્રણેય કેટલા-કેટલા મિલી લેવાના અને એમાં બીજું શું-શું ઉમેરી શકાય એ જાણવું હોય તો મને DM કરજો. બધું છપાય નહીં. ઘરની બહાર પણ બા’રની દુનિયા છે)
 છેલ્લે લીંબુ કે સંતરાની ગોળ ચીરીથી ગાર્નિશ કરવાનું. લક્ઝાર્ડો બ્રૅન્ડની ચેરી મળે તો ઊંચે લોગ, ઊંચી પસંદ કહેવાય. પણ આ ત્રણે વાનાં પહેલાં ડ્રાય મિક્સ કરવાનાં એ‌ ભૂલતા નહીં. એટલે કે આઇસ-ક્યુબ્સ નાખ્યા વગર. થોડું ઠરવા દેવાનું. પછી 
આઇસ-ક્યુબ્સ નાખીને ફરીથી બધું મિક્સ કરવાનું, એક સ્પેશ્યલ શેકર આવે છે એમાં. પછી જ ગાર્નિશ કરવાનું. વ્હિસ્કી પીવાની જ નહીં, સર્વ કરવાની પણ એક વિશેષ કળા છે.
હવે થોડો ઇતિહાસ. ‘વ્હિસ્કી સાવર’ની શરૂઆતનું મૂળ છેક સત્તરમી સદીના બ્રિટિશ ખલાસીઓ સુધી પહોંચે છે. સમુદ્રની લાંબી સફરમાં તેમને બે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પહેલી તો ચોખ્ખા પીવાલાયક પાણીની મુશ્કેલી; કારણ કે સફરે નીકળતાં પહેલાં મોટા-મોટા લાકડાના બૅરલમાં ભરી રાખેલું પાણી ધીમે-ધીમે ચીકણું, વાસવાળું અને બૅક્ટેરિયાવાળું થઈ જતું’તું. બીજી મુશ્કેલી એ તાજા ખોરાકના અભાવની. મહિનાઓ સુધી સમુદ્રમાં રહેવાથી તાજાં શાકભાજી વગર શરીરમાં વિટામિન-સીની ઊણપ થઈ જતી. તેથી સ્કર્વી નામનો રોગ થઈ જતો. સમુદ્રમાં સારવારના અભાવે એ જીવલેણ થઈ જતો. એટલે ખલાસીઓએ પાણીને બદલે વ્હિસ્કી‌ પીવાનું ચાલુ કર્યું અને એમાં લીંબુ કે સંતરાને નિચોવતા જેથી વિટામિન C પણ મળી રહે. થોડી સાકરને પાણીમાં ઓગાળી એમાં ઉમેરતાં થયેલો અવનવો સ્વાદ બધાને ગમવા લાગ્યો અને આમ વ્હિસ્કી સાવરની શરૂઆત થઈ. સમુદ્રની સફર પૂરી થયા પછી ખલાસીઓએ શહેરના બાર-ટેન્ડરને આ મિક્સોલૉજી બતાવી અને આ નવું કૉકટેલ બધાની પસંદ બની ગયું.
વ્હિસ્કીની સાથે ફિલોસૉફી વણાઈ જાય ત્યારે એક ગઝલ રચાઈ જાય. એમાંય જો જગજિત સિંહનો મખમલી અવાજ મળે તો સમજાય કે પોતાની જાતને ભૂલી જવાનો (બેખુદીનો) પણ કેવો નશો હોય છે. દુનિયાના લોકો દિવસભર ગણતરી કરતા રહેવાના, પણ જિંદગીનું સાચું રહસ્ય સમજવું હોય તો કોઈના પ્રેમમાં એટલા ડૂબી જાઓ કે પોતાનું પણ ભાન ન રહે. ખુદને પણ ભૂલી ગયા હોઈએ એવા બેખુદીના નશામાં જ સમજાય કે જિંદગી કેટલી ખૂબસૂરત છે.

બાય ધ વે



તમને ખબર છે કે બિઅર કે વ્હિસ્કીના ગ્લાસ ટકરાવતી વખતે ચિયર્સ બોલવાનો રિવાજ ક્યાંથી શરૂ થયો? ચિયર્સ શબ્દ જૂની ફ્રેન્ચ ભાષાના શબ્દ ‘ચૅરે’ પરથી આવ્યો છે. એનો અર્થ છે ચહેરો કે હાવભાવ. ગુજરાતી જેવું લાગે છેને? ૧૪મી સદી સુધીમાં જૂની ઇંગ્લિશ ભાષામાં એનો અર્થ ‘મૂડ’ એવો વિકસ્યો. તમે સારા મૂડમાં હોય તો ‘ગુડ ચૅરે’. તેથી સામેવાળાની ખુશી અને તંદુરસ્તી માટે, તેના ચહેરા પર હાસ્યના હાવભાવ ફેલાય એ માટે, મૂડ લાવવા ચિયર્સ‌ બોલવાની શરૂઆત થઈ.
સોમરસથી બેખુદીની સફર ગમી હોય તો લેટ્સ રેઇઝ અ ટોસ્ટ. ચિયર્સ.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 05:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK