Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નીમ કરોલી બાબાની આખી જીવનયાત્રા પર એક નજર

નીમ કરોલી બાબાની આખી જીવનયાત્રા પર એક નજર

Published : 06 September, 2026 02:30 PM | IST | Kainchi Dham
Ruchita Shah | ruchita@mid-day.com

લક્ષ્મી નારાયણ શર્માથી નીમ કરોલી બાબા બનવા સુધીની આધ્યાત્મિક સફર, વવાણિયા-નીબ કરોરીથી કૈંચી ધામ અને વિશ્વભરમાં ફેલાયેલી તેમની લોકપ્રિયતાની રસપ્રદ કથા.

નીમ કરોલી બાબા

નીમ કરોલી બાબા


 ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં ૧૯૦૧થી ૧૯૦૩ વચ્ચેનાં વર્ષોમાં દુર્ગા પ્રસાદ શર્મા નામના ધર્મનિષ્ઠ સંપન્ન બ્રાહ્મણ જમીનદારના પરિવારમાં પુત્ર લક્ષ્મી નારાયણ શર્મા ઉર્ફે બાબાજીનો જન્મ થયો. 
 બાળપણમાં સગી માતાને ગુમાવનારા લક્ષ્મી નારાયણના પિતાએ બીજાં લગ્ન કર્યાં જેથી પુત્રને માતાનો પ્રેમ મળે, પરંતુ પોતાની સગી માતા રામજી પાસે ગયાં છે એટલે તેને પોતાને પણ રામજી પાસે જવું છે એવું નક્કી કરીને બાળ લક્ષ્મી નારાયણ રામજીની ખોજમાં ઘર છોડીને નીકળી પડે છે. અહીં ઉલ્લેખનીય છે કે એ સમયની પરંપરા મુજબ ૧૧ વર્ષની ઉંમરે જ લક્ષ્મી નારાયણનાં લગ્ન થઈ ગયાં હતાં અને યોગાનુયોગ તેમની ધર્મપત્નીનું નામ પણ રામના નામ સાથે જોડાયેલું ‘રામબેટી’ હતું જે રામનું રટણ તેમણે જીવનભર કર્યું હતું. 
 ઘરથી ભાગીને નીકળેલા લક્ષ્મી નારાયણ સૌથી પહેલાં રાજસ્થાન થઈને ગુજરાતના રાજકોટ ગયા. ત્યાં રાધાસ્વામી સંપ્રદાયના એક મહંતની સાથે મંદિરમાં રહીને તેમણે ખાસ્સો સમય સાધના કરી. એ સમયે તે ઝાડ અને પક્ષીઓની ભાષા સમજીને વાતો કરી શકતા. તેમની ધ્યાનમય સ્થિતિ અને સમજણને જોઈને તે મહંત એવા ઇમ્પ્રેસ હતા કે તેમણે લક્ષ્મી નારાયણને પોતાના મઠનો ઉત્તરાધિકારી બનાવવાની તૈયારી દેખાડી હતી. નીમ કરોલી બાબાએ સામાન્ય સંતોની જેમ કોઈ ચોક્કસ માનવસંત પાસે ઔપચારિક રીતે દીક્ષા લીધી હોય કે તેમને કોઈ માનવગુરુ હોય એવો વિધિવત્ ઉલ્લેખ મળતો નથી. બાબાજી સ્વયં હનુમાનજીને પોતાના ઇષ્ટદેવ અને ગુરુ માનતા હતા. 
 રાજકોટના મહંતની ઑફરથી પોતે ફરી બંધનમાં બંધાશે એ ડરથી ત્યાંથી નીકળીને લક્ષ્મી નારાયણ મોરબીના વવાણિયા ગામમાં પહોંચ્યા. અહીં ક્યારેક ગામના તળાવની પાસે તો ક્યારેક તળાવના પાણીમાં અંદર બેસીને તેમણે કઠોર સાધના કરી, જેને કારણે સ્થાનિક લોકો તેમને તળૈયા બાબા કહેવા લાગ્યા. અહીં તળાવમાં તરવા આવતાં બાળકોએ જ્યારે બાળ લક્ષ્મી નારાયણની મસ્તી કરી અને ધ્યાન ભટકાવવા પથ્થર ફેંક્યા તો તેમણે પથ્થરને મીઠાઈમાં ફેરવીને વળતો જવાબ આપ્યો. આ ચમત્કારી ઘટનાને કારણે એ ગામમાં બધાં જ બાળકો તેમના મિત્ર બની ગયાં હતાં અને ગામના લોકોની સામે તેમનો પક્ષ લેતાં થઈ ગયાં હતાં. 
  અહીં પણ સાધનામાં વિક્ષેપ પડતો હોવાનું દેખાતાં વવાણિયાથી આગળ વધીને તેઓ કચ્છના રણવિસ્તાર, ભાવનગર અને જૂનાગઢનાં જંગલો તથા સમુદ્રકિનારે અજ્ઞાતવાસમાં રહ્યા.
 આગળ જતાં પાછા ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના નીબ કરોરી ગામમાં પહોંચ્યા. અહીં ગોવર્ધન નામના બ્રાહ્મણની જમીન પર જમીનની અંદર ગુફા બનાવીને તેમણે કઠોર તપ કર્યું. અહીં જ પ્રસિદ્ધ ટ્રેન રોકવાની ઘટના ઘટી.
 હવે તેમની લાઇફ-જર્નીને આગળ જાણતાં પહેલાં એ ટ્રેનની ઘટના વિશે વિગતવાર જાણીએ. એમાં બન્યું હતું એવું કે બ્રિટિશકાળમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પોતાના સાથી સાથે ટ્રેનના દરવાજા પાસે બેસીને બાબાજી રામનામનું ભજન કરી રહ્યા હતા. એ સમયે ફર્સ્ટ ક્લાસમાં ભારતીયોને જોવા નહીં ટેવાયેલા બ્રિટિશ ઑફિસરે તેમનો વિરોધ કરીને ટિકિટચેકરને તાબડતોબ બાબાજીને ત્યાંથી ઉતારવાની ફરજ પાડી. ટિકિટચેકરે આગલા સ્ટેશન સુધી બેસવા દો એવી વિનવણી કરી તો પણ બ્રિટિશ અધિકારી ન માન્યા એટલે ટ્રેનની ચેઇન ખેંચીને ટ્રેન અધવચ્ચે ઊભી રાખી અને ટિકિટચેકરે બાબાજીને નીચે ઉતાર્યા. બાબાજી તેમની સાથે રહેલા શ્રદ્ધાળુ સાથે એક ઝાડ નીચે ભજન ગાવા માંડ્યા. ટ્રેન હવે આગળ વધતી નહોતી. એ સમયે કોલસાથી ટ્રેન ચાલતી એટલે બેથી ૩ વાર બળતણ નાખ્યું, બીજું એન્જિન લગાડ્યું પણ ટ્રેન ચાલે નહીં. છેલ્લે ડિવિઝનલ રેલવે-મૅનેજરનો એ સમયના ટ્રન્કકૉલથી સંપર્ક કરવામાં આવ્યો. તેમને ખબર પડી કે કોઈ બાબાજીને બ્રિટિશ અધિકારીએ ટ્રેનને અધવચ્ચે ઊભી રાખીને નીચે ઉતાર્યા છે. એ સમયે બાબાજી જાણીતા બની ગયા હતા. રેલવેના અધિકારીઓ અને બ્રિટિશ ઑફિસર સાથે એ ડિવિઝનલ રેલવે-મૅનેજર સહિત બધા જ પ્રવાસીઓ બાબાજી પાસે હાથ જોડતા આવ્યા. બ્રિટિશ અધિકારીએ માફી માગી ત્યારે બાબાજી કહે કે હું ટ્રેન રોકનારો કોણ, ટ્રેન તો ભગવાને રોકી છે એટલે તમે ભગવાનની માફી માગો. એટલે તે બ્રિટિશ અધિકારીએ હાથ જોડીને ભગવાનની માફી માગી. પછી બાબાજીએ બે શરત મૂકી કે ભારતમાં કોઈ પણ સાધુ-સંત પાસે ટ્રેનમાં પ્રવાસ કરે ત્યારે ટિકિટ લેવાનો આગ્રહ ન કરવો અને એ ટ્રેન જ્યાં ઊભી હતી એ નીબ કરોરી વિસ્તારમાં એક રેલવે-સ્ટેશન બનાવવું. આજે પણ ઉત્તર પ્રદેશમાં નીબ કરોરી રેલવે-સ્ટેશન છે અને બાબાજી પણ નીબ કરોરી બાબા તરીકે ત્યારથી જાણીતા બન્યા. અહીં બાબાજીએ તપ પણ કર્યું અને અહીંથી તેમનો પરચો પણ ગામેગામ પહોંચ્યો. નીબ કરોરી ગામમાં તેમની ચર્ચા વધતાં તેમના પિતા દુર્ગા પ્રસાદ શર્મા તેમને શોધતા ત્યાં પહોંચ્યા. પિતાના આગ્રહથી તેઓ પાછા પોતાના ગામ અકબરપુર આવ્યા, ગૃહસ્થ જીવન જીવ્યા અને ૩ સંતાનોના પિતાની જવાબદારી નિભાવીને ફરીથી સંપૂર્ણ સંન્યાસ તરફ આગળ વધ્યા.
 અકબરપુરની તમામ ગૃહસ્થ જવાબદારીઓ પૂરી કર્યા બાદ તેઓ મથુરા-વૃંદાવન ક્ષેત્રમાં આવ્યા. અહીં તેઓ ચમત્કારી બાબા અને લક્ષ્મણ દાસ મહારાજ તરીકે ઓળખાયા અને વૃંદાવનમાં આશ્રમની સ્થાપના કરી.
 ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં વૃંદાવનના આશ્રમમાં બાબાજીના ચમત્કારો અને કૃપાની વાતો ચારેય તરફ ફેલાઈ ગઈ હતી. હજારો લોકો દરરોજ તેમનાં દર્શન કરવા અને આશીર્વાદ માટે ઊમટી પડતા. બાબાજી અત્યંત સરળ, સહજ અને પ્રસિદ્ધિથી દૂર રહેનારા સાધુ હતા. જ્યારે પણ તેમની આસપાસ ભીડ કે પૂજા-અર્ચના વધવા લાગતી ત્યારે તેઓ ચૂપચાપ એ જગ્યા છોડીને અદૃશ્ય થઈ જતા. બાબાજી માટે કોઈ એક સ્થળ કાયમી નહોતું. તેઓ હંમેશાં કહેતા કે સાધુએ વહેતા પાણીની જેમ રહેવું જોઈએ. જ્યારે વૃંદાવનમાં આશ્રમનું કાર્ય પૂરું થયું અને ભક્તો માટે વ્યવસ્થા થઈ ગઈ ત્યારે પોતાની લીલા સમેટીને તેઓ ઉત્તરાખંડના પહાડો તરફ નીકળી ગયા.
 વૃંદાવન છોડ્યા પછી ૧૯૫૦ની આસપાસ તેઓ હિમાલયની શાંત ટેકરીઓ તરફ ગયા. પ્રારંભમાં તેઓ નૈનીતાલ, અલ્મોડા અને ભૌવાલીનાં પહાડી ગામડાંઓમાં કોઈને પણ ઓળખ આપ્યા વિના એક સાધારણ સાધુ તરીકે ભ્રમણ કરતા હતા. તેઓ ઘણી વાર પુલ નીચે, નદીકિનારે કે વૃક્ષો નીચે રાત વિતાવતા. ભ્રમણ કરતી વખતે તેઓ નૈનીતાલ શહેરથી આશરે બે કિલોમીટર દૂર આવેલા એક શાંત પહાડી વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં એક ટેકરી પરથી નૈનીતાલનું સુંદર દૃશ્ય દેખાતું હતું. બાબાજીએ ત્યાં ૧૯૫૦ના દાયકાના મધ્યમાં હનુમાન ગઢી મંદિરની સ્થાપના કરી. આ પહાડી વિસ્તારમાં તેમણે આશરે ૧૪-૧૫ વર્ષ સુધી સમય વિતાવ્યો. નૈનીતાલના હનુમાન ગઢીમાં પણ જ્યારે ભક્તોની ભીડ વધવા લાગી ત્યારે ૧૯૬૧માં તેઓ વધુ શાંત સ્થળની શોધમાં ભૌવાલી પાસેના ‘કૈંચી’ નામના નાનકડા પહાડી ગામમાં પહોંચ્યા. અહીં સોમેશ્વર નામના સંતની જૂની ગુફા હતી. બાબાજીએ ૧૯૬૪ની ૧૫ જૂને ‘કૈંચી’ ધામ આશ્રમ અને હનુમાનજીના મંદિરની સ્થાપના કરી, જે પાછળથી તેમનું મુખ્ય કેન્દ્ર બન્યું.
 અહીં ઉલ્લેખનીય છે કે બાબાજી પોતે ક્યારેય વિદેશ ગયા નથી, પરંતુ તેમના વિખ્યાત અમેરિકન શિષ્યો દ્વારા અમેરિકાના ન્યુ મેક્સિકોના તાઓસમાં નીમ કરોલી બાબા આશ્રમ અને હનુમાન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં ઘણા અમેરિકન શ્રદ્ધાળુઓ જેમ કે રામ દાસ (ડૉ. રિચર્ડ અૅલ્પર્ટ) અને ક્રિષ્ણા દાસ (જેફરી કેગલ) જેવા તેમના શિષ્ય બન્યા. ઍપલના સ્ટીવ જૉબ્સ, ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને હૉલીવુડની અભિનેત્રી જુલિયા રૉબર્ટ્સ જેવી વૈશ્વિક હસ્તીઓ બાબાજીની પ્રેરણાથી કૈંચી ધામની મુલાકાત લઈ ચૂકી છે.
 ૧૯૭૩ની ૧૦ સપ્ટેમ્બરે આગરામાં ડાયાબિટીઝની તપાસ કરાવીને તેઓ ટ્રેન દ્વારા વૃંદાવન પાછા ફરી રહ્યા હતા. ટ્રેનમાં તેમની તબિયત લથડી. તેમને મથુરાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ૧૯૭૩ની ૧૧ સપ્ટેમ્બરે મધ્યરાત્રિએ તેમણે મહાસમાધિ લીધી. વૃંદાવન આશ્રમ પરિસરમાં જ તેમની મુખ્ય સમાધિ આવેલી છે, જ્યાં આજે પણ લાખો ભક્તો દર્શનાર્થે આવે છે.

નીબ કરોરી કે નીમ કરોલી?



અત્યારે બાબાજી આ બન્ને નામે પૉપ્યુલર છે, પરંતુ આમાંથી સાચું શું? તો જવાબ પાછળ એક કથા છે. સ્થાનિક લોકકથાઓ અને જમીનદારી સમયની વાર્તાઓમાં એવો ઉલ્લેખ સાંભળવા મળે છે કે બ્રિટિશ શાસન દરમ્યાન ઉત્તર પ્રદેશ વિસ્તારની જમીન, મહેસૂલ કે જમીનદારી હરાજીમાં મુકાઈ હતી. આ જમીન પવિત્ર અને ફળદ્રુપ ગણાતી. એ સમયે આ ક્ષેત્રના રાજાએ અંગ્રેજો સામે બોલી લગાવીને કરોડો રૂપિયા ચૂકવીને આ આખી જમીન લઈ લીધી. કરોડની બોલી અને ચુકવણીને કારણે આ વિસ્તારને લોકો બોલચાલમાં ‘કરોરી’ તરીકે ઓળખવા લાગ્યા. સરકારી ચોપડે ગામનું સાચું નામ નીબ કરોરી જ લખાયેલું છે, પરંતુ બ્રિટિશ અધિકારીઓ અને પાછળથી પશ્ચિમી ભક્તોના અંગ્રેજી ઉચ્ચારણને કારણે ‘નીબ’નું ‘નીમ’ અને ‘કરોરી’નું ‘કરોલી’ થઈ ગયું જેનાથી આખા વિશ્વમાં બાબાજીનું નામ ‘નીમ કરોલી’ તરીકે પ્રખ્યાત થયું. અન્ય એક સંદર્ભ મુજબ ત્યાંની સ્થાનિક બોલીમાં ‘નીબ’નો અર્થ થાય છે પાયો અથવા તો મૂળ અને ‘કરોરી’નો અર્થ થાય છે અત્યંત મજબૂત કે સ્ટ્રૉન્ગ. આમ આ ગામના નામનો મૂળ અર્થ પાયાથી મજબૂત એ રીતે પણ પ્રચલિત છે. 


બાબાજીનો પરિવાર

મોટા પુત્ર અનેગ સિંહ શર્માનું ૯૫ વર્ષની વયે નવેમ્બર ૨૦૨૧માં ભોપાલમાં નિધન થયું હતું. નાના પુત્ર ધર્મ નારાયણ શર્મા છોટે મહારાજજી તરીકે જાણીતા હતા અને અને તેઓ વૃંદાવન આશ્રમ સંભાળતા. એપ્રિલ ૨૦૨૧માં તેમનું પણ અવસાન થયું છે. તેમની દીકરી ગિરિજા ભટલે ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં તેના પરિવાર સાથે રહે છે.


 

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 02:30 PM IST | Kainchi Dham | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK