Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૨૦૨૬નાં ન્યુ યર રેઝોલ્યુશન કેવાં હોવાં જોઈએ?

૨૦૨૬નાં ન્યુ યર રેઝોલ્યુશન કેવાં હોવાં જોઈએ?

Published : 01 January, 2026 11:51 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સમય બદલાય એ પ્રમાણે વ્યક્તિનો અપ્રોચ પણ બદલાવો જોઈએ. રેઝોલ્યુશન દર વર્ષે એક જ હોય છે પણ ૨૦૨૬માં આપણે જે જૂના રેઝોલ્યુશનની ખામીઓને દૂર કરી એનો નવો અવતાર શું હોઈ શકે એ વિચારીએ. કદાચ એ રીતે આપણે એ રેઝોલ્યુશનને જ નહીં, જીવનને પણ એક નવો ઓપ આપી શકીએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


હાલમાં સોશ્યલ મીડિયા પર શેખર સુમનના શો ‘મૂવર્સ ઍન્ડ શેકર્સ’ની એક ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં ૧૯૯૭માં લોકો ક્યા પ્રકારના ન્યુ યર રેઝોલ્યુશન લઈ રહ્યા છે એ બતાવવામાં આવ્યું હતું. ૧૯૯૭ એટલે આજથી ૧૮ વર્ષ જૂની વાત છે. ૧૮ વર્ષ પહેલાં લોકોના ન્યુ યર રેઝોલ્યુશનમાં હતું કે હું ડાયટ પર જઈશ, વજન ઓછું કરીશ, રિલેશનશિપમાં જોડાઈશ, પૈસા બચાવીશ, ભણીશ વગેરે-વગેરે. એની સાથે હાલમાં અમેરિકામાં ૨૦૨૬ના ટૉપ-મોસ્ટ રેઝોલ્યુશન્સનું એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ૪૯ ટકા સાથે એક્સરસાઇઝ વધુ કરવી સૌથી પ્રથમ હતું. ૪૬ ટકા સાથે પૈસા બચાવવા બીજા નંબર પર અને હેલ્ધી ખોરાક લેવો એ ૪૫ ટકા સાથે ત્રીજા નંબર પર હતું. આ સિવાય પરિવાર સાથે વધુ સમય વિતાવવો, વજન ઓછું કરવું, જૉબ પર સારું કામ કરવું જેવા રેઝોલ્યુશન મોખરે હતા. અમેરિકા હોય કે ભારત, ૧૯૯૭ હોય ૨૦૨૫ આપણા રેઝોલ્યુશન સાવ સરખા જ છે. આટલાં વર્ષોમાં કોઈ બદલાવ આવ્યો નથી. આખેઆખા દેશ બદલાઈ જાય તો પણ બદલાવ આવી નથી રહ્યો. રેઝોલ્યુશનના વિષયો બદલાઈ નથી રહ્યા કારણ કે દર વર્ષે એક જ રેઝોલ્યુશન લોકો લે છે પણ એને પૂરું નથી કરી શકતા. સમય બદલાય એ પ્રમાણે વ્યક્તિનો અપ્રોચ પણ બદલાવો જોઈએ. રેઝોલ્યુશન દર વર્ષે ભલે એક હોય પણ એ પ્રત્યેનો અપ્રોચ બદલાય તો બને કે એ વધુ અર્થસભર બને. ૨૦૨૬માં આપણે જે જૂના રેઝોલ્યુશનની ખામીઓને દૂર કરી, એનો નવો અવતાર શું હોઈ શકે એ વિચારીએ. રેઝોલ્યુશનમાં નાખીએ ૨૦૨૫ની નવી થિન્કિંગ પ્રોસેસ. જેના થકી ભલે વાત એ જ હોય પણ વિચાર બદલી જાય. બને કે આ નવા અપ્રોચથી આગળ વધીએ તો ૨૦૨૬ના ડિસેમ્બરમાં આપણી પાસે સક્સેસ સ્ટોરી પણ આપણી સામે જ હોય. 

જૂનું રેઝોલ્યુશન - વજન ઓછું કરવું છે



૨૦૨૬નું રેઝોલ્યુશન- હું જે છું એનો સ્વીકાર કરું છું. એ જ મારું સત્ય અને એ જ મારી સુંદરતા છે. નિયમો અને બદલાવ થકી મારે દૂબળા નથી બનવું, હેલ્ધી બનવું છે


હું મારી જાતને અઢળક પ્રેમ કરું છું એટલે હું મારી હેલ્થ પર ધ્યાન આપીશ એની ના નહીં, પણ હું જે છું એનો હું સ્વીકાર કરું છું. હું સુંદર દેખાવા માટે કે બીજા કોઈ વ્યક્તિ માટે નહીં, ખુદની હેલ્થ પર કામ કરવા માટે કસરત કરીશ. એ વિશે વાત કરતાં લાઇફ કોચ વૈશાલી શાહ કહે છે, ‘વર્ષોથી લોકોની એક જ ચાહ છે કે એ સુંદર દેખાય. ૨૦૨૬માં સુંદરતાથી ઉપર ઊઠીએ અને સમજીએ કે ડાયટ, એક્સરસાઇઝ, પૂરતી ઊંઘ જેવાં પૅરામીટર્સ ઠીક કરવા પાછળ ખુદની હેલ્થ પર ધ્યાન આપવાનું છે. પહેલું સુખ તે જાતે નર્યા પણ એ સુખ ત્યારે નહીં મળે જો તમે સુંદરતા પાછળ ભાગશો. તમે સુંદર છો જ એ વાતનો સ્વીકાર કરવો જરૂરી છે. અને જે ડિસિપ્લિન તમે લાવવા માગો છો એ શરીરને સ્વસ્થ બનાવવાની વાત છે.’

જૂનું રેઝોલ્યુશન - હું બધાને ખુશ રાખીશ


૨૦૨૬નું રેઝોલ્યુશન- હું ચોક્કસ કોશિશ કરીશ કે કોઈને દુખી ન કરું, પણ બધાને ખુશ રાખવાના ચક્કરમાં હું ખુદની ખુશીને બાજુ પર નહીં મૂકી દઉં

વાંચીને લાગશે કે આ દરેક સ્ત્રીને લાગુ પડતી વાત છે, પણ એવું નથી. પુરુષો પણ મૂંગા મોઢે પરિવારની ખુશી માટે જ જીવતા હોય છે. બીજાને ખુશ રાખવા અને બધાની ખુશી માટે પ્રયત્ન કરવા એ એક સારા માણસનાં લક્ષણો છે. ઘણા લોકો પુષ્પ જેવા હોય છે. એની આસપાસ સુવાસ ફેલાવતા રહે છે. આ એક મોટો સદગુણ છે. પણ પુષ્પ સુવાસ ફેલાવવા માટે ખીલતું નથી, પુષ્પની પોતાની ક્વૉલિટી એવી છે કે એને કારણે આસપાસ બધા ખુશ જ રહે છે. એ સુંગધિત છે એટલે સુવાસ ફેલાવી શકે છે. તમે ખુદ જ્યારે ખુશ હશો ત્યારે તમારી આસપાસના લોકોને ખુશ રાખી શકો છો. ખુદની ઇચ્છાઓનું બલિદાન આપીને તમે જેટલું કરી શકો છો એના કરતાં ઘણું વધારે ખેંચાઈને, અઢળક સમર્પણ કરીને બીજાને ખુશ રાખવાનું ખોટું છે એ સમજદારી તમારા રેઝોલ્યુશનમાં ઉમેરવી જરૂરી છે. 

જૂનું રેઝોલ્યુશન - મારે વધુ સોશ્યલ બનવું છે કે મારું નેટવર્ક વધારવું છે

૨૦૨૬નું રેઝોલ્યુશન- મારા જે સંબંધો છે એના પર પૂરતું ધ્યાન આપીશ અને અર્થપૂર્ણ કનેક્શન સ્થાપિત કરવા તરફ ફોકસ કરીશ

તમારા જીવનના માણસો તમારી ખરી મૂડી છે એ દરેક વ્યક્તિ સમજે છે પણ મૂડી બૅન્કમાં અને માણસો સંબંધોમાં ગોંધાઈ જતા હોય છે. એને સતત તમારા ધ્યાનની અને કાળજીની જરૂર રહે છે. નવા-નવા સંબંધોમાં પડી જઈને જૂના ગાઢ સંબંધોને અવગણવા ઘણી વ્યક્તિઓને ભારે પડી જાય છે. સોશ્યલ સર્કલ વધારવું, નવા સંબંધો બનાવવા પણ જૂનાની માવજત ભૂલવી નહીં એમ સમજાવતાં વૈશાલી શાહ કહે છે, ‘બીજું એ કે નવા સંબંધોમાં પણ ઉપરછલ્લા, આછકલા સંબંધોમાંથી તમે કશું પામશો નહીં. જરૂરી નથી કે દરેક સંબંધ ઊંડો જ હોય. કેટલાક સ્વાર્થ પૂરતા અને કામ પૂરતા સંબંધો હોય જ છે પણ એ તરફ વધુ ફોકસ આપવાની જરૂર નથી. એના કરતાં કોઈ પણ વ્યક્તિને તમે ૫ મિનિટ પણ મળો તો એક કનેક્શન સ્થાપિત કરવાની કોશિશ કરો. એ કનેક્શન તમારા જીવનને ભર્યું-ભાદર્યું બનાવશે.’

જૂનું રેઝોલ્યુશન - હું પૈસા બચાવીશ

૨૦૨૬નું રેઝોલ્યુશન- મારી પાસે જે છે એ બદલ કૃતજ્ઞતા અનુભવીશ, એની કદર કરીશ અને સમજી-વિચારીને ખર્ચ કરવા પર ધ્યાન આપીશ

પૈસા દરેક વ્યક્તિને જોઈએ છે પણ અપ્રોચ સાચો હોવો જરૂરી છે. પૈસા બચાવવામાં લોભ છે, કંજૂસીનો ભાવ છે; જ્યારે મિનિમલિસ્ટિક અપ્રોચ ઘણો અલગ છે. જે છે એ મારા માટે પૂરતું છે એ ભાવ તમારી અંદર સંતોષ લાવે છે. એ અધૂરપને દૂર કરે છે. એ વિશે વાત કરતાં વૈશાલી શાહ કહે છે, ‘મન મારવાની અહીં વાત જ નથી. પૈસા બચાવવામાં વ્યક્તિને મન મારવું જ પડે છે. ઇચ્છા છે કે ખરીદી લઉં, પણ પૈસા બચાવવા જરૂરી છે એટલે નથી ખરીદતા તો માનસિક અભાવ લાગે. એ ભાવ ઠીક નથી. તમે અંદરથી સંતોષ અનુભવો એ વધુ જરૂરી છે. એટલે પૈસા બચાવવા પણ હોય તો અપ્રોચ આવો હોય તો એ તમને વધુ મદદરૂપ થશે.’

જૂનું રેઝોલ્યુશન - હું સક્સેસ અચીવ કરીને જ રહીશ. બધાથી આગળ વધીને બતાવીશ

૨૦૨૬નું રેઝોલ્યુશન- હું કોઈ રેસમાં નથી. કોઈની સાથે મારી કોઈ કૉમ્પિટિશન નથી. મારી સ્પર્ધા ખુદ સાથે છે. હું બીજા  કશા પર નહીં, મારા પર્ફોર્મન્સને વધુ સારો કરવા મહેનત કરીશ. એ જ મને સાચી સક્સેસ આપશે

હું દુનિયા સાથે કદમથી કદમ મિલાવી ફુલ સ્પીડમાં ભાગીશ એમ જ્યારે તમે વિચારો છો તો તમે તમારી જાતને લિમિટમાં બાંધો છો. એ લિમિટ પણ બીજાએ સેટ કરી છે, તમે ખુદ સેટ કરી નથી. એટલે એ રેસમાં તમને મજા નહીં આવે. તમે તમારી સ્પીડથી ભાગી નથી રહ્યા. જો એ નિર્ધારિત સ્પીડ તમારી સ્પીડથી ઝડપી હશે તો તમે દોડતાં-દોડતાં પડી જશો અથવા જો એ નિર્ધારિત સ્પીડ તમારી સ્પીડ કરતાં ધીમી હશે તો તમે કંટાળી જશો. બન્ને કેસમાં નુકસાન તમારું જ છે એમ સમજાવતાં વૈશાલી શાહ કહે છે, ‘સક્સેસ અચીવ તો કરવાની જ છે પણ એ સક્સેસની વ્યાખ્યા તમારે નક્કી કરવાની છે. એ ગોલ તમારે સેટ કરવાનો છે અને ત્યાં પહોંચવા માટે નક્કી કરેલા રસ્તે દોડવાની સ્પીડ પણ તમારી પોતાની હોવી જોઈએ. આ રીતે એ સક્સેસ ખરેખર મહત્ત્વની બની રહેશે અને ત્યાં સુધી પહોંચવાની ગૅરન્ટી પણ રહેશે.’

નવો અપ્રોચ લાવવાના ફાયદા

ડાયટ કરવું એના કરતાં માઇન્ડફુલ ઈટિંગ કરવું. આ બન્ને વાત આમ તો સરખી જ લાગે. વજન ઓછું કરવું કે સારા દેખાવું બન્ને વાત તો સરખી જ લાગે. ઘણાને લાગશે કે કાન સીધી રીતે પકડ્યો કે ઊંધા હાથે, બધું એકનું એક જ છે. પણ નાનકડો અપ્રોચ બદલવાથી ઘણો ફરક પડે છે એમ સમજાવતાં લાઇફ કોચ વૈશાલી શાહ કહે છે, ‘અપ્રોચ યોગ્ય હોય તો અમલ કરવો સરળ બનશે એટલું જ નહીં, અમલ કરવો ફરજિયાત નહીં હોય, સહજ બની જશે. એ રેઝોલ્યુશન પરાણે નહીં માનવું પડે. મનથી એનો સ્વીકાર શક્ય બનશે. દર વર્ષે લોકો ડિસેમ્બરમાં રેઝોલ્યુશન બનાવે છે અને જાન્યુઆરી મહિનામાં જ એ તૂટી જાય છે. જો અપ્રોચ બદલશો તો એ તૂટવાની શક્યતા ઓછી રહેશે. તૂટશે તો ગિલ્ટ પણ ઓછું રહેશે. અહીં આ નિયમો એવા નથી કે જડ બની જાય. આ અપ્રોચ એવો છે કે જેને તમે ધીમે-ધીમે જીવનમાં વણી શકો છો.’

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2026 11:51 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK