મંગળવારે મોડી રાતે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસના ઘરે સુનાવણી થઈ
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર દ્વારા નીચલી અદાલતોના સ્ટાફને ચૂંટણીની ડ્યુટી માટે હાજર થવા માટેનો એક પત્ર લખવામાં આવ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટે આ માગણી તેમની સત્તા અને અધિકારક્ષેત્ર પર સવાલ ઉઠાવે છે એવું કહીને આ સંદર્ભે થનારા પત્રવ્યવહાર પર રોક લગાવી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ અશ્વિન ભોબેની બેન્ચે મંગળવારે રાતે મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને એક ખાસ સુનાવણી દરમ્યાન સ્પષ્ટ કર્યું હતું કે હાઈ કોર્ટ અથવા નીચલી અદાલતોના સ્ટાફને ઇલેક્શન-ડ્યુટી સોંપવા માટે BMCના કમિશનર પત્ર દ્વારા કે કોઈ પણ રીતે કમ્યુનિકેશન કરી શકશે નહીં.
ADVERTISEMENT
બેન્ચે એના આદેશમાં નોંધ્યું હતું કે હાઈ કોર્ટની ઍડ્મિનિસ્ટ્રેટિવ જજિઝ કમિટીએ ૨૦૦૮માં લીધેલા નિર્ણય મુજબ હાઈ કોર્ટ અને તમામ નીચલી અદાલતોના કર્મચારીઓને ઇલેક્શન-ડ્યુટીમાંથી બાકાત રાખવામાં આવશે.
૨૨ ડિસેમ્બરે BMCના કમિશનર દ્વારા મોકલાયેલા પત્ર બાબતે પોતે નોંધ લઈને કોર્ટે અરજી દાખલ કરી હતી. એ જ દિવસે ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટે BMCના કમિશનર અને મુંબઈ શહેરના કલેક્ટરને જાણ કરી હતી કે હાઈ કોર્ટે નીચલી અદાલતોના સ્ટાફને ઇલેક્શન-ડ્યુટીમાંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. એમ છતાં BMCના કમિશનરે ૨૯ ડિસેમ્બરે ચીફ જ્યુડિશ્યલ મૅજિસ્ટ્રેટને પત્ર લખીને વિનંતી કર્યા બાદ હાઈ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.


